અલ્હાબાદ હાઇકોર્ટે બરેલી હિંસા કેસમાં ‘ગુસ્તાખ-એ-નબી કી એક સજા, સર તન સે જુદા’ નારાને ભારતની સંપ્રભુતા, અખંડિતતા અને ન્યાય વ્યવસ્થા વિરુદ્ધ એક ગણાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આવો નારો ન માત્ર કાયદાના શાસનને પડકાર આપે છે, પરંતુ લોકોને સશસ્ત્ર વિદ્રોહ માટે પણ ભડકાવે છે.
કોર્ટે એવું પણ કહ્યું છે કે, ભારત એક બંધારણીય દેશ છે, જ્યાં સજા કાયદા દ્વારા નક્કી થાય છે, કોઈ ટોળાં દ્વારા નહીં. આ જ આધાર પર કોર્ટે બરેલી હિંસાના આરોપી રિહાનની જામીન અરજી ફગાવી દીધી હતી.
કાયદા અને દેશ વિરુદ્ધ નારો
અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે ‘ગુસ્તાખ-એ-નબી કી એક સજા, સર તન સે જુદા’ જેવો નારો, ભલે એક વ્યક્તિએ લગાવ્યો હોય કે ટોળાંએ, તે કાયદાની તાકાતને પડકારે છે. કોર્ટના મતે આવા નારા લોકોને હિંસા અને હથિયાર ઉઠાવવા માટે ઉશ્કેરે છે, જેનાથી દેશની એકતા અને સુરક્ષા પર જોખમ ઉભું થાય છે.

કોર્ટે જણાવ્યું કે આ જ કારણે આવો નારો લગાવવો ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 152 હેઠળ ગુનો છે. જસ્ટિસે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ નારો જે કાયદાની પ્રક્રિયાની બહાર મોતની સજાની તરફેણ કરે તે સીધો ભારતીય કાયદાકીય વ્યવસ્થાના અધિકારને પડકારે છે.
નારાનો મજહબી અને આપરાધિક તફાવત
અલ્હાબાદ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે વિવિધ ધર્મોમાં બોલાતા નારાઓનો હેતુ શું હોય છે અને ક્યારે તે ખોટા ગણાય છે. કોર્ટે કહ્યું કે સામાન્ય રીતે આ નારા ઈશ્વર કે ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને આદર વ્યક્ત કરવા માટે હોય છે.
કોર્ટના મતે ઇસ્લામમાં ‘નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર’, શીખ સંપ્રદાયમાં ‘જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ’ અને હિંદુ ધર્મમાં ‘જય શ્રીરામ’ કે ‘હર-હર મહાદેવ’ જેવા નારા શ્રદ્ધા અને ભક્તિના પ્રતીક છે. તેને ખુશી, આસ્થા અને ધાર્મિક લાગણીઓ વ્યક્ત કરવા માટે બોલવામાં આવે છે, તેથી આ કોઈ પણ પ્રકારનો ગુનો નથી.

જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો આ જ નારાઓનો ઉપયોગ બીજા ધર્મના લોકોને ડરાવવા, ધમકાવવા કે હિંસા ભડકાવવાના હેતુથી કરવામાં આવે તો તે ગુનાની શ્રેણીમાં આવે છે. કોર્ટે કહ્યું કે નારા ત્યાં સુધી સ્વીકાર્ય છે, જ્યાં સુધી તેનો ઉપયોગ ખોટા ઇરાદા અને કાયદા વ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માટે ન કરવામાં આવે.
કુરાનમાં નથી ‘સર તન સે જુદા’નો કોઈ ઉલ્લેખ
અલ્હાબાદ હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ‘સર તન સે જુદા’ જેવો નારો કુરાન કે ઇસ્લામના કોઈ પણ અધિકૃત મજહબી ગ્રંથમાં ક્યાંય મળતો નથી. કોર્ટના મતે આ નારાને ઇસ્લામ સાથે જોડવો યોગ્ય નથી, કારણ કે તેનો કોઈ મજહબી આધાર નથી.

કોર્ટે કહ્યું કે પયગંબરે પોતાના જીવનમાં અપમાન અને તકલીફ સહન કરવા છતાં હંમેશા દયા, કરુણા અને ક્ષમાનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે ક્યારેય કોઈની વિરુદ્ધ હિંસા કરવા કે સર કલમ કરવાની વાત નથી કરી.
કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે પયગંબરના નામે હત્યા કે હિંસાની વાત કરવી તેમના આદર્શો વિરુદ્ધ છે. કોર્ટના મતે, આવી વિચારધારા પયગંબર મોહમ્મદની શિક્ષાઓનું પાલન નથી, પરંતુ તેમનું અપમાન છે.
‘સર તન સે જુદા’ નારાનું મૂળ ક્યાં?
અલ્હાબાદ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં આ નારાની પૃષ્ઠભૂમિ પર પણ વિસ્તારથી ચર્ચા કરી. કોર્ટે જણાવ્યું કે અવિભાજિત ભારતમાં ઇશનિંદા સંબંધિત કાયદો 1927માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેથી મજહબી લાગણીઓને ઠેસ પહોંચાડતા કેસોને અટકાવી શકાય.

કોર્ટે કહ્યું કે ભારત-પાકિસ્તાન વિભાજન પછી પાકિસ્તાને આ જ કાયદામાં ફેરફાર કરીને ઇશનિંદાના કેસોમાં મોતની સજાની જોગવાઈ ઉમેરી હતી. કોર્ટના મતે, ‘સર તન સે જુદા’નો નારો ત્યાંથી જ ઉદ્ભવ્યો અને ધીમે ધીમે પાકિસ્તાનથી ભારત સહિત અન્ય દેશોમાં ફેલાયો.
કોર્ટે એમ પણ કહ્યું કે કેટલાક અસામાજિક તત્વો આ નારાનો ઉપયોગ મજહબી લાગણીના નામે રાજ્યની સત્તાને પડકારવા અને બીજા સમુદાયોમાં ડરનું વાતાવરણ બનાવવા માટે કરી રહ્યા છે, જે સંપૂર્ણપણે ખોટું અને કાયદા વિરુદ્ધ છે.
બરેલી હિંસા અને જામીન અરજી ફગાવાઈ
આ આખો કેસ સપ્ટેમ્બરમાં બરેલીમાં થયેલી હિંસા સાથે જોડાયેલો છે, જ્યાં ઇત્તેહાદ મિલ્લત કાઉન્સિલના (IMC) અધ્યક્ષ મૌલાના તૌકીર રઝાના કહેવા પર ટોળું ભેગું થયું હતું. આરોપ છે કે આ દરમિયાન ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા, પોલીસ પર હુમલો થયો અને સંપત્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

આરોપી રિહાને જામીન માંગતાં પોતાને નિર્દોષ ગણાવ્યો હતો, પરંતુ કોર્ટે કેસ ડાયરીના પુરાવાઓ જોઈને કહ્યું કે આરોપી રિહાન તે ગેરકાયદે ટોળાંનો ભાગ હતો, જેણે ન માત્ર વાંધાજનક નારા લગાવ્યા, પરંતુ જાહેર શાંતિને પણ ભંગ કરી. પુરાવાઓની ગંભીરતા જોતાં કોર્ટે કહ્યું કે જામીન આપવાનો કોઈ આધાર નથી અને અરજી ફગાવી દીધી હતી.


