15 સપ્ટેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર વચગાળાનો આદેશ આપ્યો. આદેશમાં કોર્ટે વક્ફ સુધારા કાયદા-2025ની કેટલીક જોગવાઈઓ પર રોક પણ લગાવી દીધી છે. જોગવાઈઓ પરની આ રોક સમગ્ર કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જોકે, સંપૂર્ણ કાયદા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે ‘રેરેસ્ટ ઑફ ધ રેર’ કેસમાં જ સંસદમાંથી પસાર થયેલા કાયદા પર રોક લગાવી શકાય છે.
આ નિર્ણય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહને બેન્ચે સંભળાવ્યો હતો. કોર્ટે કાયદાની કલમ 3(1)(r) પર રોક લગાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વક્ફ કરનાર વ્યક્તિ ઓછામાં ઓછી પાંચ વર્ષથી ઇસ્લામની પ્રેક્ટિસ કરતી હોવી જોઈએ. કોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકારો આ જોગવાઈને લઈને જ્યાં સુધી નિયમો નહીં ઘડે ત્યાં સુધી તેની ઉપર રોક લાગુ રહેશે. જોકે, કાયદાની મોટાભાગની જોગવાઈઓ (જેમ કે વક્ફ મિલકતોની નોંધણી) હજુ ચાલુ રહેશે.
શું હતો કેસ?
કેન્દ્રની મોદી સરકાર 1995ના વક્ફ કાયદામાં કેટલાક ફેરફારો કરવા માટે વક્ફ સુધારા બિલ લઈને આવી હતી, જે સંસદના બંને ગૃહોમાં પસાર થયું હતું અને વક્ફ સુધારા કાયદો-2025 અમલમાં આવ્યો હતો. નવો કાયદો અમલમાં આવ્યા બાદ જૂની પદ્ધતિ અને જોગવાઈઓમાં ઘણા ફેરફારો થઈ ચૂક્યા હતા. જેમ કે જૂના કાયદામાં ‘વક્ફ બાય યુઝર’ની જોગવાઈ હતી, જે નવા કાયદામાં હટાવી દેવામાં આવી હતી. આ જોગવાઈમાં એવું કહેવાયું હતું કે, લાંબા સમયથી મજહબી ઉપયોગમાં હોય તેવી મિલકતો આપોઆપ વક્ફ સંપત્તિ જાહેર થઈ જાય છે.
આ ઉપરાંત એક અન્ય જોગવાઈ કલમ 3(r) કાયદામાં સામેલ કરવામાં આવી હતી. જેમાં એવું કહેવાયું હતું કે, વક્ફ કરનાર કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરતી હોવી જોઈએ. અન્ય ફેરફારોમાં વક્ફ બોર્ડ અને કાઉન્સિલમાં નોન-મુસ્લિમોની નિમણૂક અને તેમાં મહિલાઓને પણ ભાગીદારીનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કલમ 3C અને તેના પેટા નિયમોમાં કલેકટર કે ડેઝિગ્નેટેડ અધિકારીને એ સત્તા આપવામાં આવી હતી કે વક્ફ સંપત્તિ સરકારી જમીન પર બનેલી છે કે કેમ તેનો નિર્ણય કરવો.
અન્ય ફેરફારોમાં દરેક વક્ફની ફરજિયાત નોંધણી, ASI સંરક્ષિત સ્મારકો-અનુસૂચિત જનજાતિઓની જમીનો પર વક્ફ નહીં, ટ્રિબ્યુનલ વિરુદ્ધ અપીલ અને અન્ય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારનું કહેવું છે કે આ ફેરફારો સમયની જરૂરિયાત હતા અને તેનાથી ગેરકાયદે કબજા બંધ થશે અને સંસ્થામાં પારદર્શિતા આવશે. પરંતુ વિપક્ષી નેતાઓ અને કેટલાક મુસ્લિમ સંગઠનોએ આ સુધારાનો વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધીઓની દલીલ છે કે આ કાયદો મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતા (બંધારણની કલમ 25,26) અને સમાનતાનું (કલમ 14,15) ઉલ્લંઘન કરે છે. તેમનો આરોપ છે કે સરકાર આવું કરીને મુસ્લિમોની મિલકતો પર કબજો કરવા માંગે છે. આ કાયદો પસાર થયા બાદ તેની વિરુદ્ધ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી, AAPના અમાનતુલ્લાહ ખાન, જમીયત, RJD, TMC, SP, DMK, ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને કેરળ સરકાર સહિત 100થી વધુ અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર સુનાવણી શરૂ કરી હતી અને 15 સપ્ટેમ્બરના રોજ વચગાળાનો આદેશ આપ્યો હતો.
અરજદારોની દલીલો
અરજદારો તરફથી કોર્ટમાં વકીલ કપિલ સિબ્બલ, અભિષેક સિંઘવી, રાજીવ ધવન અને હુફેઝા અહમદીએ દલીલો કરી હતી. અરજદારોની દલીલો હતી કે આ કાયદો મુસ્લિમોને નિશાન બનાવે છે. હિંદુ એન્ડોમેન્ટ્સ પર આવા કડક નિયમો નથી. આ બંધારણની સમાનતાનું (આર્ટિકલ 14, 15) ઉલ્લંઘન છે. તે સિવાય એવી દલીલ પણ કરવામાં આવી હતી કે નોન-મુસ્લિમોની નિમણૂક ધાર્મિક સ્વતંત્રતા (આર્ટિકલ 26) પર હુમલો છે.
અન્ય દલીલોમાં કહેવાયું હતું કે વક્ફ બાય યુઝર દૂર કરવાથી જૂની મસ્જીદો-દરગાહો (14-15મી સદીની) જોખમમાં છે અને રામજન્મભૂમિ કેસમાં આવા વક્ફોને માન્યતા મળી હતી. તે ઉપરાંત વક્ફ કરનારાએ 5 વર્ષ સુધી ઇસ્લામનું પાલન કર્યું હોવું જોઈએની શરત શરિયા વિરુદ્ધ અને અપમાનજનક ગણાવવામાં આવી હતી. દલીલ એવી પણ હતી કે કલેક્ટરને અધિકાર આપવો એ સરકારી દખલગીરી છે. અરજદારોના વકીલોએ કોર્ટને કહ્યું હતું કે નોંધણી વગર વક્ફ અમાન્ય થાય તો જૂના વક્ફો નાશ પામશે, આ મુસ્લિમોના આર્થિક અને ધાર્મિક અધિકારો નષ્ટ કરે છે. અંતે એવો તર્ક પણ આપવામાં આવ્યો હતો કે 2013 પછી વક્ફ મિલકતો વધી નથી, તેથી સરકારનો દુરુપયોગનો દાવો ખોટો છે.
સરકારે શું કહ્યું?
કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો કરી હતી. તેમણે દલીલ કરતાં કોર્ટને કહ્યું હતું કે આ કાયદો નિયંત્રણ માટે છે, નહીં કે ધાર્મિક અધિકારો પર તરાપ મારવા માટે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે વક્ફ એક પ્રક્રિયા છે, તે ઇસ્લામનો ભાગ નથી. અરજદારોના વકીલની નોંધણીની દલીલો પર તેમણે કહ્યું કે નોંધણી 1923થી જરૂરી છે અને 2025નો કાયદો તેમાં માત્ર સ્પષ્ટતા લાવે છે. તેમણે એવું આશ્વાસન પણ આપ્યું કે નોંધાયેલ વક્ફ સંપત્તિઓ સુરક્ષિત છે.
‘વક્ફ બાય યુઝર’ દૂર કરવાને લઈને તેમણે જણાવ્યું કે તેનાથી સરકારી જમીનો પર થતો ગેરકાયદેસર કબજો બંધ થઈ જશે અને સંસદને આવી બધી પોલિસી બદલવાનો સંપૂર્ણ હક્ક પણ છે. તેમણે એવું પણ કહ્યું કે બિન-મુસ્લિમોની નિમણૂક સમાવેશકતા માટે ખૂબ જરૂરી હતી અને તેની હિંદુ એન્ડોમેન્ટ્સ સાથે ક્યારેય તુલના ન થઈ શકે. કલેકટરના વિશેષ અધિકાર પર સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેનાથી પારદર્શિતા વધશે અને યોગ્ય ન્યાય પણ થશે. અંતે સરકારે એવું પણ કહ્યું કે 2013 પછી વક્ફ મિલકતોમાં ઝડપથી વધારો થયો હતો અને JPC રિપોર્ટના આધારે સુધારો સમયની માંગ હતી. આ આખા કાયદા પર રોક લગાવવા માટે કેસ મજબૂત હોવો જોઈએ.
સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ
લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે 15 સપ્ટેમ્બરે આ મામલે વચગાળાનો આદેશ આપ્યો છે, જે 20-22 મે, 2025ની ત્રણ દિવસની સુનાવણી બાદ અનામત રાખવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના આદેશો નીચે મુજબ છે:
સંપૂર્ણ અધિનિયમ પર રોક નહીં- અદાલતે કહ્યું કે સંપૂર્ણ અધિનિયમ પર રોક લગાવવાનો દાવો થયો છે, પરંતુ હાલમાં પ્રારંભિક દલીલોના આધારે સંપૂર્ણ અધિનિયમને રોકવાનું કોઈ પૂરતું કારણ નથી અને કેસ પણ એટલો મજબૂત નથી.
કલમ 3(r)ની જોગવાઈ પર રોક- આ જોગવાઈમાં કહેવાયું હતું કે વક્ફ કરનાર વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરતી હોવી જોઈએ. જોકે, કોર્ટે આ જોગવાઈ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, જ્યાં સુધી સરકાર નિયમો ન બનાવે કે કોઈ વ્યક્તિ ઇસ્લામનું પાલન કરનાર છે અને પાંચ વર્ષથી તેનો અભ્યાસ કરે છે તે કેવી રીતે નક્કી થશે, ત્યાં સુધી તેના રોક લાગેલી રહેશે. કોર્ટે એવું પણ કહ્યું કે આવા નિયમો વિના આ જોગવાઈ સત્તાના મનસ્વી ઉપયોગનો માર્ગ ખોલી શકે છે.
કલમ 3Cની જોગવાઈઓ પર રોક- આ જોગવાઈઓ (જેમાં સરકારી અધિકારી/કલેક્ટરને એ નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો કે વક્ફ સંપત્તિ સરકારી જમીન પર છે કે નહીં) પર પણ રોક લગાવવામાં આવી. અદાલતે કહ્યું છે કે કારોબારીને (એક્ઝિક્યુટિવ) નાગરિકોના સંપત્તિ અધિકારો નક્કી કરવાની સત્તા ન હોવી જોઈએ, કારણ કે આ સત્તા વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે.
વક્ફ રજિસ્ટ્રેશનની અનિવાર્યતા પર રોક નહીં- કોર્ટે કહ્યું કે રજિસ્ટ્રેશન કરવાની જોગવાઈ આજકાલની નથી, જૂના કાયદાઓમાં પણ આ જોગવાઈ હતી. આ જોગવાઈ લાગુ રહેશે. પરંતુ જો રજિસ્ટ્રેશનની સમયમર્યાદા કે પ્રક્રિયામાં ફેરફારની જરૂર હોય તો તેની સમીક્ષા કરવામાં આવશે.
વક્ફ બોર્ડ/કાઉન્સિલમાં બિન-મુસ્લિમ સભ્યોની મર્યાદા- કોર્ટે કહ્યું છે કે કેન્દ્રીય વક્ફ કાઉન્સિલમાં વધુમાં વધુ 22માંથી 4 બિન-મુસ્લિમ સભ્યો અને રાજ્ય વક્ફ બોર્ડમાં 11માંથી 3 બિન-મુસ્લિમ સભ્યો રહી શકે છે.
CEOની (ઓફિસિયો સેક્રેટરી) નિમણૂક- સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો શક્ય હોય તો મુસ્લિમ સમુદાયની કોઈ વ્યક્તિની નિમણૂક CEO કે સેક્રેટરી તરીકે થવી જોઈએ. આ જોગવાઈ પર રોક નથી, પરંતુ નામાંકનમાં આ બાબતનું ધ્યાન રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
વક્ફ-બાય-યુઝરની વ્યાખ્યા- કોર્ટે એ પણ કહ્યું કે આવા હાલના વક્ફો, જે ઔપચારિક વક્ફ દસ્તાવેજો વિના ‘ઉપયોગ’ના આધારે બન્યા હોય તેને તાત્કાલિક ગેર-વક્ફ જાહેર નહીં કરી શકાય. રેવન્યુ રેકોર્ડમાં ફેરફાર નહીં થાય, જ્યાં સુધી અદાલત કે વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા નિર્ણય ન લેવાય.
કોર્ટની અન્ય ટિપ્પણીઓ
આખા કાયદા પર રોક લગાવવાના દાવા પર કોર્ટે ભારપૂર્વક કહ્યું હતું કે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાને હંમેશાં બંધારણીય માનવામાં આવે છે અને તેના પર સંપૂર્ણપણે રોક લગાવવી માત્ર ‘અત્યંત દુર્લભ’ સંજોગોમાં શક્ય છે. એટલે આ કાયદા પર સંપૂર્ણપણે રોક લગાવી શકાશે નહીં. કોર્ટે નોંધ્યું કે અરજીઓ ચોક્કસ જોગવાઈઓ પર કેન્દ્રિત હતી- જેમ કે કલમ 3(r), 3C વગેરે, જે કાયદાના ઇતિહાસ, હેતુ અને અસરોના આધારે બંધારણીય ચર્ચાને પાત્ર છે. પરંતુ સંપૂર્ણ અધિનિયમને રોકવા માટે મજબૂત પુરાવા નથી અને કેસ પણ મજબૂત નથી.
પાંચ વર્ષ ઇસ્લામનું પાલનની જોગવાઈના સંદર્ભમાં કોર્ટે દલીલ કરી હતી કે નિયમોની વ્યવસ્થા વિના આવી કાનૂની શરત સત્તાનો મનસ્વી ઉપયોગ કરી શકે છે. કલમ 3Cની જોગવાઈઓને લઈને કોર્ટે કહ્યું હતું કે કે આ ન્યાયપાલિકાની ભૂમિકાને આંચકી લેવા જેવું બની શકે છે અને કારોબારી સત્તાનો અતિક્રમણ પણ થઈ શકે છે.
કોર્ટે એવું પણ કહ્યું છે કે કાયદાની કેટલીક જોગવાઈઓ વિવાદિત છે, પરંતુ કેટલીક જોગવાઈઓ બંધારણને અનુરૂપ છે. તેથી, જે જોગવાઈઓ તાત્કાલિક લાગુ થવાથી વિવાદ ઊભો કરી શકે તેને રોકવામાં આવી છે અને બાકીની તમામ જોગવાઈઓને યથાસ્થિતિ રાખવામાં આવી છે.


