દેશમાં છેલ્લા એક દાયકામાં રેલવેમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. નવી લક્ઝુરિયસ રેલથી લઈને મજબૂત રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર પણ દેશભરમાં ફેલાયું છે. તેમાં સતત વિકાસ પણ થઈ રહ્યો છે. તે વિકાસમાં એક નામ છે ‘પમ્બન રેલવે બ્રિજ’નું (Pamban Railway Bridge). આ બ્રિજ સમુદ્રમાં એન્જિનિયરિંગનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે. રેલ,સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરમમાં બનેલો પમ્બન પુલ ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ હશે. જે દેશના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે એક માઈલસ્ટોન સાબિત થશે.
6 એપ્રિલ, 2025ના રોજ રામનવમીના પવિત્ર દિવસે PM નરેન્દ્ર મોદી તમિલનાડુના રામેશ્વરમ ખાતે પમ્બન રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ પુલ ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સમુદ્રી રેલવે બ્રિજ છે, જે એક નવીન ઈજનેરી સિદ્ધિ તરીકે ગણાય છે. આ લેખમાં આપણે પમ્બન બ્રિજ શું છે, તેની વિશેષતાઓ, અશાંત જળ અને ચક્રવાત સામેના પડકારોમાં તે કેવી રીતે કારગર છે, તેનું નિર્માણ, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને તેની સાથે જોડાયેલી તમામ મહત્વની માહિતીની વિગતવાર ચર્ચા કરીશું.
શું છે પમ્બન બ્રિજ?
પમ્બન રેલવે બ્રિજ એ ભારતના તમિલનાડુ રાજ્યમાં સ્થિત એક રેલવે બ્રિજ છે, જે મુખ્ય ભૂમિ ભારત (મંડપમ) અને રામેશ્વરમ ટાપુને જોડે છે. આ બ્રિજ પાલ્ક સ્ટ્રેટ નામના સમુદ્રી વિસ્તાર પર બનાવવામાં આવ્યો છે, જે ભારત અને શ્રીલંકાને અલગ કરતી એક સાંકડી જળરેખા છે. નવો પમ્બન બ્રિજ 2.08 કિલોમીટર લાંબો છે અને તે 1914માં બનેલા જૂના પમ્બન બ્રિજની જગ્યા લેશે. જૂનો બ્રિજ કાટ સુરક્ષાના કારણોસર ડિસેમ્બર, 2022માં બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ નવો બ્રિજ રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) દ્વારા ₹550 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. તેનું ઉદ્ઘાટન રામનવમીના દિવસે થઈ રહ્યું છે, જે રામેશ્વરમના ધાર્મિક મહત્વને જોતાં પણ ખૂબ મહત્વપૂર્ણ છે. ઉદ્ઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તમિલનાડુના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ પણ જોવા મળી શકે છે.
પમ્બન બ્રિજનો ઇતિહાસ
પમ્બન બ્રિજનો ઇતિહાસ 100 વર્ષથી વધુ જૂનો છે. 1914માં બ્રિટિશ એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવેલો જૂનો પમ્બન બ્રિજ એક કેન્ટિલિવર સ્ટ્રક્ચર હતો, જેમાં શેર્ઝર રોલિંગ લિફ્ટ સ્પાન હતો. આ બ્રિજ તે સમયે એક ઈજનેરી અજાયબી ગણાતો હતો અને તેણે 105 વર્ષ સુધી રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડ્યું હતું. જોકે, સમય જતાં કાટ લાગવાને કારણે તેની મર્યાદાઓ સ્પષ્ટ થઈ અને 21મી સદીની જરૂરિયાતો – જેમ કે, ઝડપી ટ્રેનો, ભારે વજન, અને વધતાં મેરીટાઇમ ટ્રાફિકને પહોંચી વળવા તે અસમર્થ બન્યો હતો.
2019માં ભારત સરકારે આ બ્રિજના આધુનિક સંસ્કરણના નિર્માણને મંજૂરી આપી હતી. વડાપ્રધાન મોદીએ નવેમ્બર 2019માં તેનો શિલાન્યાસ કર્યો અને કોવિડ-19 મહામારીના પડકારો હોવા છતાં નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધ્યું હતું. 2024ના અંતમાં ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ હવે તે ઉદ્ઘાટન માટે તૈયાર છે.
શું છે તેની વિશેષતાઓ?
પમ્બન બ્રિજની ડિઝાઇન અને ટેકનોલોજી તેને ભારતના ઇન્ફ્રાસ્ટ્રકચરનું એક અદ્ભુત ઉદાહરણ બનાવે છે. તેની કેટલીક મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.
વર્ટિકલ લિફ્ટ મિકેનિઝમ: આ બ્રિજ ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સમુદ્રી બ્રિજ છે. તેનો 72.5 મીટર લાંબો નેવિગેશનલ સ્પાન 17 મીટરની ઊંચાઈ સુધી ઉપર ઉઠી શકે છે. આ સુવિધા મોટા જહાજોને બ્રિજ નીચેથી સરળતાથી પસાર થવા દે છે, જ્યારે ટ્રેનની અવરજવર પણ અવિરત રહે છે. આ લિફ્ટ મિકેનિઝમ વીજળીથી સંચાલિત છે અને માત્ર 5 મિનિટમાં પૂર્ણ થાય છે.
લંબાઈ અને સ્પાન: બ્રિજની કુલ લંબાઈ 2.07 કિલોમીટર છે, જેમાં 99 સ્પાનનો સમાવેશ થાય છે. આ સ્પાનમાં એક ખાસ નેવિગેશનલ સ્પાન છે, જે મેરીટાઇમ ટ્રાફિક માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ડબલ ટ્રેક સુવિધા: જૂના પુલમાં માત્ર એક જ ટ્રેક હતો, પરંતુ નવા બ્રિજમાં ડબલ ટ્રેકની સુવિધા છે. તેનાથી ભવિષ્યમાં રેલ ટ્રાફિકની ક્ષમતા વધશે અને ટ્રેનોની ઝડપ પણ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકશે.
ટકાઉપણું અને કાટ સુરક્ષા: બ્રિજમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કાટ સામે રક્ષણ આપે છે. વધુમાં તેને પોલીસિલોક્સેન કોટિંગથી સુરક્ષિત કરવામાં આવ્યો છે, જે સમુદ્રી વાતાવરણમાં તેનું આયુષ્ય વધારે છે. તેની સંપૂર્ણ વેલ્ડેડ જોઇન્ટ્સ પણ જાળવણી ખર્ચ ઘટાડે છે.
ઊંચાઈમાં વધારો: જૂના બ્રિજની તુલનામાં નવો બ્રિજ 3 મીટર ઊંચો બનાવવામાં આવ્યો છે, જે સમુદ્રની સપાટીથી 22 મીટરનું નેવિગેશનલ ક્લિયરન્સ આપે છે. આનાથી મોટા જહાજોની અવરજવર સરળ બને છે.
વિદ્યુતીકરણ માટે તૈયાર: આ બ્રિજ ભવિષ્યમાં રેલવેના વિદ્યુતીકરણને સપોર્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પરિવહનની દિશામાં એક પગલું છે.
અશાંત જળ અને ચક્રવાત સામેના પડકારોમાં કારગર
પાલ્ક સ્ટ્રેટનું સમુદ્રી વાતાવરણ અત્યંત પડકારજનક છે. અહીં અશાંત જળ, તીવ્ર પવનો અને ચક્રવાતોનું જોખમ સતત રહે છે. નવા પમ્બન બ્રિજને આ પડકારોનો સામનો કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે.
મજબૂત બાંધકામ: બ્રિજનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે, તે ચક્રવાતી તોફાનો અને ભૂકંપનો સામનો કરી શકે. તેના પાયા ઊંડા અને મજબૂત બનાવવામાં આવ્યા છે, જે સમુદ્રના તોફાની પ્રવાહો સામે ટકી શકે છે.
કાટ પ્રતિરોધક સામગ્રી: સમુદ્રનું ખારું પાણી અને ભેજ બ્રિજને કાટ લગાડી શકે છે, જે જૂના પુલના બંધ થવાનું મુખ્ય કારણ હતું. નવા બ્રિજમાં સ્ટેનલેસ સ્ટીલ અને ખાસ કોટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને કાટથી બચાવે છે અને 100 વર્ષથી વધુ સમય સુધી ટકાવી રાખે છે.
ઊંચાઈ અને ડિઝાઇન: બ્રિજની વધેલી ઊંચાઈ અને વર્ટિકલ લિફ્ટ સ્પાન ચક્રવાત દરમિયાન ઊંચા મોજાં અને જહાજોની અવરજવરને સરળ બનાવે છે. આ ડિઝાઇન જહાજો અને પુલ વચ્ચેના અથડામણના જોખમને ઘટાડે છે.
એન્જિનિયરિંગ ચોકસાઈ: નિર્માણ દરમિયાન પાલ્ક સ્ટ્રેટની પર્યાવરણીય પરિસ્થિતિઓનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેના પરીક્ષણોમાં ઉચ્ચ ગુણવત્તાની તકનીકો જેમ કે ફેઝ્ડ એરે અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગનો (PAUT) ઉપયોગ કરવામાં આવ્યો, જેથી તેની મજબૂતાઈની ખાતરી થઈ શકે.
ભૂકંપ પ્રતિરોધક: આ વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ પણ સંવેદનશીલ છે. બ્રિજની ડિઝાઇનમાં આ પાસાને ધ્યાનમાં રાખીને તેને સિસ્મિક ઝોનના ધોરણો અનુસાર બનાવવામાં આવ્યો છે.
વધુમાં ઝડપી પવનોના કારણે ઘણી વખત બ્રિજ પરથી ટ્રેન પસાર થઈ શકે નહીં. તે માટે રેલવેએ હવાની ઝડપ માપવા માટેની પોતાની એક પ્રણાલી સ્થાપિત કરી છે. એક સ્થાનિક વ્યક્તિએ મીડિયાને જણાવ્યું હતું કે, જો 58 KM પ્રતિ કલાકથી હવા ફૂંકાઈ તો બ્રિજ ઓટોમેટિક રીતે રેડ સિગ્નલ આપી દે છે
ધાર્મિક, આર્થિક મહત્વ
રામેશ્વરમ દર વર્ષે 25 લાખથી વધુ યાત્રાળુઓને આકર્ષે છે. દેશ અને દુનિયામાંથી યાત્રાળુઓ ભારત આવે છે અને રામેશ્વરમના દર્શન કરે છે. જેથી હવે આ બ્રિજ શરૂ થઈ જવાથી રેલ કનેક્ટિવિટી સુધરશે અને પર્યટકો વધુ માત્રામાં આવશે. આ કારણે ત્યાંનાં સ્થાનિક અર્થતંત્રને પણ બળ મળશે. વધુમાં જૂના બ્રિજ પર ટ્રેનોને પાર થતાં 25-30 મિનિટ લાગતી હતી, જ્યારે નવા બ્રિજ પર આ સમય ઘટીને 5 મિનિટથી ઓછો થશે. જેના કારણે સમય બચશે અને ઝડપી કનેક્ટિવિટી થશે.
સુધરેલી રેલ સેવાઓથી વેપાર અને માલની હેરફેર સરળ બનશે, જે સ્થાનિક વેપારીઓને ફાયદો કરશે. આ બ્રિજ ભારતની આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષમતા અને ટેકનોલોજીકલ પ્રગતિનું પ્રતીક છે, જે વિશ્વના અન્ય પ્રખ્યાત બ્રિજ, જેમ કે ગોલ્ડન ગેટ બ્રિજ અને ટાવર બ્રિજની શ્રેણીમાં સ્થાન પામે છે.
પમ્બન રેલવે બ્રિજ એ માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા, ધાર્મિક વારસો અને આર્થિક વિકાસનું સંગમ છે. તેની વર્ટિકલ લિફ્ટ સુવિધા, ટકાઉ ડિઝાઇન અને પડકારજનક પરિસ્થિતિઓમાં કાર્યક્ષમતા તેને એક અનોખું સ્થાન આપે છે. આ બ્રિજ રામેશ્વરમના લાખો યાત્રાળુઓ અને સ્થાનિકો માટે એક નવી આશા લઈને આવ્યો છે, જે ભારતના વિકાસની ગાથાને આગળ વધારશે.