સંસદનું શિયાળુ સત્ર આગામી ડિસેમ્બરમાં યોજાશે અને દર સત્રની જેમ નિયમાનુસાર સરકાર અમુક બિલો લાવશે. દરમ્યાન બંધારણના 131મા સુધારા માટે એક બિલ રજૂ કરવામાં આવી શકે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે સત્તાવાર રીતે ક્યાંય હજુ આવ્યું નથી, પણ આવું બિલ આવશે તેની ચર્ચાએ પંજાબમાં રાજકારણ ગરમાવી દીધું છે. કારણ એ છે કે બિલ આર્ટિકલ 240 સંબંધિત હોવાનું કહેવાય છે, જેમાં સુધારો કરીને ચંદીગઢને પણ તેના દાયરામાં સમાવી લેવાની વાત થઈ રહી છે. જોકે, ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ચંદીગઢ મુદ્દે કોઈ બિલ પસાર કરવાની તેમની હાલ કોઈ યોજના નથી.
આર્ટિકલ 240 શું છે અને ચંદીગઢનો વિષય શા માટે આવ્યો, એ વિગતે જોઈએ.
બંધારણનો આર્ટિકલ 240 અમુક કેન્દ્રશાસિત પ્રદેશો માટે નિયમો બનાવવા માટે રાષ્ટ્રપતિને સત્તા આપે છે. જે મુજબ જે-તે વિસ્તારમાં શાંતિ, પ્રગતિ અને સ્વસ્થ વાતાવરણ માટે રાષ્ટ્રપતિ નિયમો બનાવી શકે છે. આ આર્ટિકલ હેઠળ આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવ, પુડુચેરી (અમુક શરતો સાથે) અને લદાખ આવે છે.
શું કહે છે આર્ટીકલ 240?
બંધારણનો આર્ટીકલ 240 રાષ્ટ્રપતિને કેન્દ્રશાસિત પ્રદેશો જેમ કે લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દાદરા અને નગરહવેલી અને દીવ-દમણમાં સીધો હસ્તક્ષેપ કરીને જરૂરી નિયમ અને કાયદા બનાવવાની અથવા તો તેમાં બદલાવ કરવાની સત્તા આપે છે. આ કલમ હેઠળ રાષ્ટ્રપતિ જે પણ નવો નિયમ બનાવે છે, તે જૂના નિયમને ખતમ કરી દે છે અથવા તો તેમાં બદલાવ કરી દે છે. રાષ્ટ્રપતિએ બનાવેલા નિયમો સંસદમાં પસાર થયેલા કાયદા જેટલા જ મજબૂત હોય છે.
પરંતુ, આ કાયદામાં એક શરત પણ છે. શરત એવી છે કે જો કોઈ કેન્દ્રશાસિત પ્રદેશમાં (જેમ કે પુડુચેરી) આર્ટીકલ 239A હેઠળ એક વિધાનસભા અથવા તો વિધાનમંડળની રચના કરવામાં આવી હોય તો તે વિધાનસભાની પહેલી મિટિંગના દિવસથી જ રાષ્ટ્રપતિની તે પ્રદેશ માટે નિયમો બનાવવાની સત્તા સમાપ્ત થઈ જાય છે. એટલે કે પછી રાષ્ટ્રપતિ ત્યાં સીધી રીતે કાયદો બનાવી શકતા નથી. ત્યારબાદ એ કામ વિધાનસભા સંભાળી લે છે.
જોકે, હાલ વિવાદ ચંદીગઢને લઈને ચાલી રહ્યો છે. કેટલાક રાજકીય દાવા થઈ રહ્યા છે કે કેન્દ્ર સરકાર ચંદીગઢને પોતાના નિયંત્રણ હેઠળ લેવા માટે બંધારણમાં સુધારો કરવા જઈ રહી છે અને ચંદીગઢને પણ આર્ટીકલ 240 હેઠળ લાવવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અકાલી દળ જેવા ઘણા પક્ષોએ આ બાબતે ભારે હોબાળો પણ શરૂ કરી દીધો છે. જોકે, ચંદીગઢને લઈને પહેલાંથી પંજાબ અને હરિયાણા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે તે બંને રાજ્યોની રાજધાની છે.
હાલ ચંદીગઢની પ્રશાસનિક વ્યવસ્થા પંજાબ રીઓર્ગેનાઇઝેશ એક્ટ 1966 અને યુટી એક્ટ હેઠળ ચાલી રહી છે. ટૂંકમાં ચંદીગઢ પર હાલ પંજાબના રાજ્યપાલ શાસન કરી રહ્યા છે અને તે પંજાબના શાસન હેઠળ આવી રહ્યું છે. પરંતુ વિવાદ ત્યારે ઊભો થયો, જ્યારે એવા દાવા થવા લાગ્યા કે પંજાબના રાજ્યપાલ પાસેથી ચંદીગઢનો વહીવટ છીનવી લઈને આર્ટીકલ 240 લાગુ કરી LG નિયુક્ત કરીને તેમને શાસન સોંપવામાં આવશે.
વિપક્ષે શરૂ કર્યો હતો વિરોધ
ચંદીગઢને આર્ટીકલ 240 હેઠળ લાવવાની વાત શરૂ થતાં જ વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ, અકાલી દળ અને આમ આદમી પાર્ટીએ ભારે હોબાળો શરૂ કરી દીધો હતો. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આ મુદ્દાને પંજાબની ઓળખ સાથે જોડી દીધો હતો. તેમણે એવો દાવો પણ કરી દીધો હતો કે કેન્દ્ર સરકાર બંધારણનાં ફેડરલ સ્ટ્રક્ચરના ધજાગરા ઉડાવી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ આ મામલે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
BJP की केंद्र सरकार द्वारा संविधान संशोधन के माध्यम से चंडीगढ़ पर पंजाब के अधिकार को खत्म करने की कोशिश किसी साधारण कदम का हिस्सा नहीं, बल्कि पंजाब की पहचान और संवैधानिक अधिकारों पर सीधा हमला है। फेडरल स्ट्रक्चर की धज्जियाँ उड़ाकर पंजाबियों के हक़ छीनने की यह मानसिकता बेहद खतरनाक… https://t.co/Ed9Q3KNGYi
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 23, 2025
માને આ નિર્ણયને પંજાબની ‘આત્મા પર પ્રહાર’ ગણાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ચંદીગઢ પર પંજાબનો અધિકાર ઓછો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શિરોમણી અકાલી દળે આ ઘટનાને સંઘીય માળખા પર પ્રહાર ગણાવતા કહ્યું હતું કે ચંદીગઢ પર પંજાબનો અધિકાર છે અને તેમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે.
To plan and formulate a strong and decisive response against the anti-Punjab Constitution (131st Amendment) Bill, which aims to demolish Punjab’s rightful claim over Chandigarh, I have called an EMERGENCY MEETING of the Core Committee of the party at 2 PM on Monday at the Party… pic.twitter.com/f3cmFsIq9c
— Sukhbir Singh Badal (@officeofssbadal) November 23, 2025
કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા
આ વિવાદે ભારે તૂત પકડતા આખરે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા પણ આપવી પડી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રવિવારે (23 નવેમ્બર, 2025) સ્પષ્ટતા કરી છે કે ચંદીગઢ માટે કેન્દ્ર સરકારની કાનૂની પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રસ્તાવ હાલ માત્ર વિચારણા હેઠળ છે અને અંતિમ કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. મંત્રાલયે એ સ્પષ્ટતા પણ કરી કે સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં આવું કોઈપણ પ્રકારનું બિલ લાવવાની ઈચ્છા ધરાવી રહી નથી.
संघ राज्य क्षेत्र चंडीगढ़ के लिए सिर्फ केंद्र सरकार द्वारा कानून बनाने की प्रक्रिया को सरल बनाने का प्रस्ताव अभी केंद्र सरकार के स्तर पर विचाराधीन है| इस प्रस्ताव पर कोई अंतिम निर्णय नहीं लिया गया है| इस प्रस्ताव में किसी भी तरह से चंडीगढ़ की शासन-प्रशासन की व्यवस्था या चंडीगढ़…
— PIB – Ministry of Home Affairs (@PIBHomeAffairs) November 23, 2025
સરકારે એવું પણ કહ્યું કે વિચારાધીન પ્રસ્તાવમાં પણ ચંદીગઢનાં શાસન-પ્રશાસનની વ્યવસ્થા અથવા તો તેના પંજાબ અને હરિયાણા સાથેના પરંપરાગત સંબંધોમાં કોઈ પરિવર્તન લાવવાની વાત નથી. આગળ કહેવાયું છે કે ચંદીગઢનાં હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય હિતધારકો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ જ આગળનો કોઈ નિર્ણય લેવામાં આવશે.


