23 જૂન, 2025 ને સોમવારના રોજ અદાણી ગ્રુપે (Adani Group) કચ્છમાં ભારતનો પ્રથમ ઓફ-ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પાયલોટ પ્લાન્ટ (Off-Grid 5 MW Green Hydrogen Pilot Plant) શરૂ કર્યો છે, જે દેશના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સફળતા છે. આ પ્લાન્ટ અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) દ્વારા સંચાલિત છે, જે અદાણી એન્ટરપ્રાઇઝિસની નવીનીકરણીય ઊર્જા શાખા છે. આ પ્લાન્ટ સંપૂર્ણપણે સોલર એનર્જી દ્વારા ચાલે છે અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમથી (BESS) પણ લેસ છે. એટલે કે, તે વીજળીના પારંપરિક ગ્રીડથી બિલકુલ અલગ, 100% ગ્રીન એનર્જી પર કામ કરશે.
Adani New Industries Limited (ANIL) announces the successful commissioning of India’s first off-grid 5 MW Green Hydrogen Pilot Plant in Kutch, Gujarat, marking a major milestone in the nation’s clean energy transition. The state-of-the-art plant is 100% green-powered by solar… pic.twitter.com/ZOtV9byI76
— ANI (@ANI) June 23, 2025
કંપનીનું કહેવું છે કે, આ પ્લાન્ટ ગ્રીન હાઈડ્રોજન બનાવવાની એક નવી રીત છે, જે ન માત્ર પર્યાવરણને સુરક્ષિત કરશે, પરંતુ ભારતને ક્લીન એનર્જીમાં ગ્લોબર લીડર પણ બનાવશે. આ પગલું નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને હકીકત તરફ લઈ જઈ શકે છે. કચ્છમાં અદાણી ગ્રુપે શરૂ કરેલો આ પ્લાન્ટ દેશ માટે પણ ખૂબ જરૂરી માનવામાં આવી રહ્યો છે. આપણે વિગતે સમજવા પ્રયાસ કરીએ કે, આ પ્લાન્ટ શું છે અને દેશ માટે કેમ જરૂરી છે.
શું છે ગ્રીન હાઈડ્રોજન?
હાઈડ્રોજન એ એક ખાસ પ્રકારનું ઇંધણ છે. તેનો ઉપયોગ ગાડીઓ ચલાવવા, ફેક્ટરીઓમાં કામ કરવા અથવા ઊર્જા સંગ્રહવા માટે થઈ શકે છે. તેને બનાવવાની રીતના આધારે તેના અલગ-અલગ પ્રકાર પડે છે. જેમ કે- ગ્રે હાઈડ્રોજન ગેસથી બને છે, જે હવાને નુકસાન કરે છે. બ્લૂ હાઈડ્રોજન પણ ગેસથી બને છે, પણ નુકસાન ઘટાડવા માટે ખાસ ટેકનોલોજી વપરાય છે. તે સિવાય ગ્રીન હાઈડ્રોજન સૂરજ કે પવન જેવી નવીનીકરણીય ઊર્જાથી બને છે, જે હવાને બિલકુલ નુકસાન નથી કરતું.
ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે પાણીને ખાસ મશીન (ઇલેક્ટ્રોલાઇઝર) દ્વારા હાઈડ્રોજન અને ઓક્સિજનમાં વહેંચવામાં આવે છે. આ મશીન સૌર ઊર્જા જેવી સ્વચ્છ ઊર્જાથી ચાલે છે, એટલે આ પ્રક્રિયા એકદમ પર્યાવરણને અનુકૂળ છે. ગ્રીન હાઈડ્રોજનના કારણે સ્વચ્છતાની સાથે પર્યાવરણને પણ જાળવી શકાય છે અને દેશને પણ આગળ લઈ જઈ શકાય છે.
ઓફ-ગ્રીડ પ્લાન્ટ શું છે?
ઓફ-ગ્રીડ એટલે આ પ્લાન્ટને ચલાવવા માટે સરકારી વીજળી ગ્રીડની જરૂર નથી. આ પ્લાન્ટ સૂરજની ઊર્જાથી (સૌર ઊર્જા) ચાલે છે. તેનાથી બે ફાયદા થાય છે. એક તો ગ્રીડ પર નિર્ભરતા નહીં. ઘણીવાર ગ્રીડની વીજળી કોલસા જેવા ઇંધણથી બને છે, જે પર્યાવરણને નુકસાન કરે છે. ઓફ-ગ્રીડ પ્લાન્ટ આ ટાળે છે. બીજો ફાયદો એ કે, દૂરના વિસ્તારોમાં ઉપયોગ થઈ શકે છે. કચ્છ જેવા વિસ્તારોમાં, જ્યાં ગ્રીડની વીજળી હંમેશાં નથી મળતી, ત્યાં આ પ્લાન્ટ ઉપયોગી છે.
અદાણી ઓફ-ગ્રીડ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની વિશેષતા
કચ્છમાં આવેલો આ 5 મેગાવોટનો પાયલોટ પ્લાન્ટ ભારતનો પહેલો ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ છે જે ગ્રીડ વીજળી પર આધારિત નથી. તેને ‘ઓફ-ગ્રીડ’ કહેવામાં આવે છે કારણ કે તે સોલર પેનલમાંથી વીજળી લે છે અને હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે બેટરીમાં સંગ્રહ કરે છે. ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે પાણીને ઇલેક્ટ્રોલિસિસ નામની પ્રક્રિયા દ્વારા હાઈડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજીત કરવામાં આવે છે. આ પ્લાન્ટમાં એક ઓટોમેટેડ અને ક્લોઝ્ડ-લૂપ ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમ છે, જે સૌર ઊર્જામાં થતી વધઘટને ઝડપથી સંભાળે છે. એટલે કે, સૂર્ય ઓછો ચમકે કે વાદળો હોય તો પણ આ સ્માર્ટ સિસ્ટમ તેની ગતિ ગુમાવતી નથી.
ગ્રીન હાઈડ્રોજન ભારત માટે કેમ છે જરૂરી?
ગ્રીન હાઈડ્રોજનને ‘ભવિષ્યનું બળતણ’ કહેવામાં આવે છે. કારણ કે તે કોલસો, તેલ અથવા ગેસ જેવા અશ્મિભૂત ઇંધણને બદલી શકે છે. જ્યારે તેને બાળવામાં આવે છે, ત્યારે તે ફક્ત પાણી છોડે છે, CO₂ કે પ્રદૂષણ છોડતું નથી. આ તે ઉદ્યોગો માટે ગેમ-ચેન્જર છે, જેને સાફ કરવા મુશ્કેલ છે, જેમ કે:
- ખાતર: ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ એમોનિયા બનાવવા માટે થઈ શકે છે.
- રિફાઇનિંગ: પેટ્રોલ અને ડીઝલ સાફ કરવા માટે.
- હેવી ટ્રાન્સપોર્ટ: ટ્રક, જહાજો અને એવિએશનમાં સ્વચ્છ બળતણ તરીકે.
કચ્છમાં આ પ્લાન્ટ એક પરીક્ષણ છે, જે દર્શાવે છે કે જ્યાં વીજળીની લાઇનો પહોંચતી નથી ત્યાં પણ ઓફ-ગ્રીડ ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરી શકાય છે. આ ભારત માટે ખાસ છે, કારણ કે આપણી પાસે પુષ્કળ સૂર્યપ્રકાશ અને પવન ઉર્જા છે, જેમ કે ગુજરાત અને રાજસ્થાનમાં.
અદાણીની વિશાળ યોજના
અદાણી ગ્રુપ આ પ્લાન્ટને ફક્ત શરૂઆત માને છે. કંપની ગુજરાતના મુન્દ્રામાં એક વિશાળ ગ્રીન હાઈડ્રોજન હબ બનાવી રહી છે, જે ભારતને સ્વચ્છ ઉર્જાનું વૈશ્વિક હબ બનાવશે. ANIL ફક્ત ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન જ નહીં, પરંતુ તેના ડેરિવેટિવ્ઝનું (જેમ કે ગ્રીન એમોનિયા, ગ્રીન મિથેનોલ અને ટકાઉ એવિએશન બળતણ) પણ ઉત્પાદન કરશે.
આ સાથે કંપની મુન્દ્રામાં સોલર સેલ, મોડ્યુલ, વિન્ડ ટર્બાઇન અને ઇલેક્ટ્રોલાઇઝરનું પણ ઉત્પાદન કરી રહી છે. આનો અર્થ એ છે કે, હાઈડ્રોજન બનાવવાથી લઈને તેને વેચવા સુધી, બધું એક છત નીચે થશે. તે માત્ર ભારતની જરૂરિયાતોને જ પૂર્ણ નહીં કરે, પરંતુ તેને જાપાન અને યુરોપ જેવા દેશોમાં પણ નિકાસ કરશે.
ભારતને ઘણી વીજળી અને ઇંધણની જરૂર છે, પણ હાલના ઇંધણો (જેમ કે કોલસો, પેટ્રોલ) હવાને નુકસાન કરે છે. ગ્રીન હાઈડ્રોજન આ સમસ્યાઓનો ઉકેલ આપે છે. તેના ફાયદા પણ ઘણા છે. જેમ કે, સ્વચ્છ હવા, ઉર્જામાં આત્મનિર્ભરતા, ફેક્ટરીઓ માટે ફાયદો, વાહનોના ઈંધણમાં ઉપયોગ, નોરકીઓ વધશે અને આર્થિક વૃદ્ધિ, સૌર અને પવન ઉર્જાનો ઉપયોગ થશે, તેથી પ્રદૂષણ નહીં થઈ શકે.