Thursday, March 12, 2026
More
    હોમપેજદુનિયાયુકે, ઑસ્ટ્રેલિયા, કેનેડાની પેલેસ્ટાઈનને માન્યતા, ફ્રાન્સ સહિતના દેશો લાઇનમાં: શું તેનાથી જમીની...

    યુકે, ઑસ્ટ્રેલિયા, કેનેડાની પેલેસ્ટાઈનને માન્યતા, ફ્રાન્સ સહિતના દેશો લાઇનમાં: શું તેનાથી જમીની સ્તરે કોઈ ફેર પડશે?

    પેલેસ્ટાઇનને એકસાથે અનેક દેશો દ્વારા માન્યતા આપવામાં આવે તો ગ્લોબલ નરેટિવ પર થોડીઘણી અસર થઈ શકે, બાકી તેનાથી આગળ કશું થતું નથી. 

    - Advertisement -

    7 ઑક્ટોબર 2023ના દિવસે ગાઝા પટ્ટી સ્થિત ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર કરેલા ઘાતકી હુમલા પછી કોઈને કોઈ કારણોસર સતત ચર્ચામાં રહેતો પ્રદેશ ‘પેલેસ્ટાઇન’ ફરી ચર્ચામાં છે. પેલેસ્ટાઇનને દેશ ન કહેવાય, કારણ કે તેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તાજેતરમાં યુનાઇટેડ કિંગડમ, ઑસ્ટ્રેલિયા અને કેનેડાએ પેલેસ્ટાઇનને માન્યતા આપી. કહેવાય છે કે ફ્રાન્સ અને અન્ય અમુક દેશો લાઇનમાં જ છે. આપણે નથી, કારણ કે શ્રીમાન રાજીવ ગાંધીએ છેક 1988માં આ ડહાપણ કરી દીધું હતું!

    21 સપ્ટેમ્બરે આ ત્રણ દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા ઘોષિત કર્યા બાદ ઇઝરાયેલે પણ પ્રતિક્રિયા આપી છે. જે સ્વભાવિક રીતે જ વિરોધમાં છે. વડા પ્રધાન નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પેલેસ્ટાઇન જેવું કશું નહીં હોય અને જૉર્ડન નદીની આ તરફ કોઈ પેલેસ્ટાઈન નામનો દેશ અસ્તિત્વમાં નહીં આવે. ઇઝરાયેલનું કહેવું એવું પણ છે કે આવું કરવાથી હમાસને, તેના આતંકવાદને એક રીતે પ્રોત્સાહન મળશે. 

    પેલેસ્ટાઇનનું હાલ કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. ઇઝરાયેલની પૂર્વમાં થોડો ભાગ સ્થિત છે, જેને વેસ્ટ બેન્ક કહેવાય છે. પશ્ચિમે એક પટ્ટો છે, જે ગાઝા કહેવાય છે. ગાઝા અને વેસ્ટ બેન્ક સાથે મળીને ‘પેલેસ્ટાઇન’ બનાવે છે. ગાઝાનું શાસન અત્યાર સુધી હમાસના હાથમાં હતું. હવે હમાસ હતું ન હતું થઈ ગયું છે. ગાઝા ખંડેરમાં ફેરવાઈ ચૂક્યું છે. વેસ્ટ બેન્કનું શાસન પેલેસ્ટેનિયન ઓથોરિટી કરે છે, પણ તેની પાસે પણ સંપૂર્ણ શાસન નથી. વેસ્ટ બેન્કમાં પણ યહૂદીઓ રહે છે અને ત્યાંની સુરક્ષા ઇઝરાયેલના હાથમાં છે. વેસ્ટ બેન્કમાં પહેલાં પણ ઇઝરાયેલી સેના રહેતી જ હતી, હમાસ સાથેના યુદ્ધ બાદ બંદોબસ્તમાં સતત વધારો જ થયો છે. પેલેસ્ટાઇનની પોતાની સેના પણ નથી, ન કોઈ પાટનગર છે. ન કોઈ આંતરરાષ્ટ્રીય સરહદ છે. 

    - Advertisement -

    માન્યતા આપવાથી કોઈ ફેર પડશે? 

    જમીન પરની પરિસ્થિતિને જોતાં આ દેશો દ્વારા આપવામાં આવેલી માન્યતા માત્ર પ્રતીકાત્મક છે. જોકે તેની પાછળ સંદેશ મોટો છે અને ઇઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય સ્તરે થોડુંઘણું દબાણ આવી શકે. હમાસે  આતંકવાદી હુમલો કરી દીધા બાદ જ્યારે ઇઝરાયેલે વળતો જવાબ આપવાનું શરૂ કર્યું તો દુનિયાભરમાં એવો પ્રોપગેન્ડા ચલાવ્યો કે નિર્દોષોને મારવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલે ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન શરૂ કર્યું ત્યારે પણ આવું જ તૂત ચલાવવામાં આવ્યું હતું. 

    ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ઑક્ટોબર 2023માં સંઘર્ષ શરૂ થયો ત્યારથી જ ગાઝાના નાગરિકોના નામે સહાનુભૂતિ ઉઘરાવવાનું કામ દુનિયાભરમાં ચાલે છે. ઇઝરાયેલવિરોધી માહોલ બનાવવાના પ્રયાસો થતા રહે છે. આ બધાની વચ્ચે એકસાથે અનેક દેશો દ્વારા પેલેસ્ટાઇનને માન્યતા આપવામાં આવે તો ગ્લોબલ નરેટિવ પર થોડીઘણી અસર થઈ શકે, બાકી તેનાથી આગળ કશું થતું નથી. 

    બીજું એ થઈ શકે કે પેલેસ્ટેનિયન ઑથોરિટી સાથે આ દેશોના સંપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો સ્થાપિત થાય. દૂતાવાસો શરૂ થાય. પણ આ બધાથી પેલેસ્ટાઇનના સાર્વભૌમત્વ પર કે સ્વતંત્રતા પર કોઈ અસર પડશે તેમ નથી. એ કામ ઈઝરાયેલે કરવાનું છે. થોડુંઘણું અમેરિકાએ. બંને પેલેસ્ટાઇનના સર્જનના વિરોધમાં છે. 

    અમેરિકા પેલેસ્ટેનિયન ઓથોરિટીને માન્યતા આપે છે, પણ અલગ દેશ સ્થાપવાના મતનું નથી. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં અમેરિકાની નીતિ મોટેભાગે પ્રો-ઇઝરાયેલ રહી છે. અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ (વિદેશ મંત્રી સમકક્ષ) માર્કો રૂબિયો જાહેરમાં કહી ચૂક્યા છે કે પેલેસ્ટાઇનને માન્યતા આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કશું પણ કરવું એ હમાસને પ્રોત્સાહન આપવા જેવું થશે. આ જ વાત ઇઝરાયેલ પણ કહેતું રહે છે. ઇઝરાયેલને અન્ય પણ ઘણાં જોખમો છે. તેઓ ઇતિહાસનું પુનરાવર્તન કરવા માંગતા નથી. 

    કોણ-કોણ આપે છે પેલેસ્ટાઇનને માન્યતા? 

    હાલ સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશોમાંથી 75% દેશો પેલેસ્ટાઇનને માન્યતા આપે છે, જેમાં એક ભારત પણ છે. ભારતે 1988માં આપી હતી. યુએનમાં પેલેસ્ટાઇનને ‘પરમેનન્ટ ઓબ્ઝર્વર સ્ટેટ’ તરીકેનો દરજ્જો પ્રાપ્ત છે, જેથી બેઠકોમાં ભાગ લઈ શકે, પણ મતદાન કરી શકતું નથી. 

    બ્રિટને પેલેસ્ટાઇનને માન્યતા આપી છે. ફ્રાન્સ પણ આપી દે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યોમાંથી ચારનું પેલેસ્ટાઇનની માન્યતાને સમર્થન હશે, કારણ કે રશિયા અને ચીન બંને 1988માં જ આ કામ કરી ચૂક્યાં છે. એકમાત્ર અમેરિકા બાકાત રહે છે, જે ઇઝરાયેલ પક્ષે છે. જેથી વિટો પાવરનો ઉપયોગ કરી શકે છે. 

    બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ પેલેસ્ટાઇનનું સ્વતંત્ર અસ્તિત્વ સંભવ નહીં થવા દે. અમેરિકાનું તેમને પૂર્ણ સમર્થન છે. આ સંજોગોમાં આ દેશોના આ પગલાથી કોઈ બહુ મોટો ફેરફાર થઈ જશે તેવું તો લાગતું નથી, કારણ કે અત્યાર સુધી અનેક દેશો પહેલેથી માન્યતા આપી ચૂક્યા છે. તેનો કોઈ ફેર પડ્યો નથી. ઇઝરાયેલ ‘મિશન સમતલ’ શરૂ કરે છે પછી આંતરરાષ્ટ્રીય છબીની બહુ ચિંતા કરતું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં