વર્તમાનમાં અલ્હાબાદ હાઇકોર્ટના (Allahabad High Court) જસ્ટિસ શેખર યાદવ (Justice Shekhar Yadav) વિરુદ્ધ વિપક્ષ મહાભિયોગનો (Impeachment) પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. જેના માટે 55 સાંસદોની સહીઓ પણ લીધી હોવાનું સામે આવ્યું હતું. મહાભિયોગનો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટના હાઇકોર્ટના જજને તેમના પદ પરથી હટાવવા માટે લાવવામાં આવતો હોય છે. બંધારણની કલમ 124માં ન્યાયાધીશોની નિમણૂક અને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. જેમાં મહાભિયોગનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માટે જે-તે જસ્ટિસ સામે ગેરવર્તણૂક, અસમર્થતા, પદની ગરિમાની અવગણના, પક્ષપાત, ભ્રષ્ટાચાર વગેરે જેવા ગંભીર આરોપો હોવા જોઈએ. મહાભિયોગનો પ્રસ્તાવ સંસદના બંનેમાંથી કોઈ પણ ગૃહમાં લાવી શકાય છે તથા તે પારિત કરવા માટે 2/3 બહુમતીની આવશ્યકતા પડે છે. જોકે જસ્ટિસ શેખર યાદવ પહેલાં પણ બીજા જજ વિરુદ્ધ આ પ્રસ્તાવ લાવવામાં આવેલ છે.
જસ્ટિસ વી. રામાસ્વામી
જસ્ટિસ વી. રામાસ્વામી (Justice V Ramaswamy) એ પ્રથમ જજ હતા જેમની વિરુદ્ધ સૌપ્રથમ મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેમની વિરુદ્ધ વર્ષ 1993માં લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. પરંતુ દરખાસ્તનો કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નહોતું. કારણ કે શાસક પક્ષ કોંગ્રેસ મતદાન સમયે ગેરહાજર રહ્યો પરિણામ સ્વરૂપ આ પ્રસ્તાવને બે તૃતીયાંશ બહુમતી મળી નહોતી. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે તે સમયે લોકસભામાં જસ્ટિસ રામાસ્વામીનો બચાવ કર્યો હતો.
નોંધનીય છે કે 64 વર્ષીય જસ્ટિસ વી. રામાસ્વામી મુખ્ય ન્યાયાધીશની ભલામણ પર નિયુક્ત થનારા પ્રથમ અને એકમાત્ર ન્યાયાધીશ હતા. તેમના સસરા મુખ્ય ન્યાયાધીશ હતા જેમણે તેમની ભલામણ કરી હતી. મદ્રાસમાં ન્યાયાધીશ તરીકેનો તેમનો કાર્યકાળ વિવાદોથી ભરેલો હતો. તે તેમની 10 ભેંસ સાથે તેમના ઘરના પાછળના યાર્ડમાં એક ડેરી ચલાવતા હતા જે ધંધાકીય વૃત્તિ તરફ આંગળી ચીંધે છે. આ સિવાય નાયડુ સમુદાય સાથે પક્ષપાત ભર્યા ચુકાદા આપવાના પણ તેમના પર આરોપ લાગ્યા હતા.
જસ્ટિસ સૌમિત્ર સેન
કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ સૌમિત્ર સેન (Justice Soumitra Sen) મહાભિયોગનો સામનો કરનારા દેશના બીજા જજ હતા. 2011માં રાજ્યસભા દ્વારા તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. મહાભિયોગ પછી જસ્ટિસ સૌમિત્ર સેને પોતાનું રાજીનામું તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી પાટીલને મોકલી આપ્યું હતું. તેઓ એવા પ્રથમ ન્યાયાધીશ હતા જેમની વિરુદ્ધ રાજ્યસભામાં ગેરવર્તણૂક માટે મહાભિયોગની દરખાસ્ત કરવામાં હતી. તેમણે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં કહ્યું હતું કે, “હું ભ્રષ્ટાચારના કોઈપણ કેસમાં દોષિત નથી. મેં ક્યારેય મારી શક્તિઓનો કોઈપણ રીતે દુરુપયોગ કર્યો નથી, પરંતુ તેમ છતાં મારે મહાભિયોગમાંથી પસાર થવું પડશે.” આ એકમાત્ર કેસ છે જે રાજ્યસભામાં પસાર થઈને લોકસભામાં પહોંચ્યો હતો. જોકે, લોકસભામાં આ મુદ્દે મતદાન થાય તે પહેલા જ સૌમિત્ર સેને રાજીનામું આપી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે કલકત્તા હાઇકોર્ટના જજ બન્યા બાદ તેમના પર હાઇકોર્ટની મોટી રકમની ઉચાપત કરવાનો આરોપ લાગ્યો હતો. આ ઉપરાંત કલકત્તા હાઇકોર્ટ સમક્ષ ભંડોળના ગેરઉપયોગ અંગેની ખોટા તથ્યો રજૂ કરવાનો પણ આરોપ હતો. આ મામલે તપાસ સમિતિએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન તેમને ચૂપ રહેવાનો અધિકાર હોવાનો જસ્ટિસ સેનનો દાવો ભ્રામક હતો. ઉપરાંત તેમણે કોર્ટની કાર્યવાહીમાં સહકાર ન આપ્યો અને સુનાવણી દરમિયાન હાજર પણ થયા નહોતા. ઉપરાંત કોર્ટ દ્વારા માંગવામાં આવેલી માહિતી આપી ન હતી અને પોતાના બચાવમાં પણ કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા.
પી.ડી. દિનાકરન
ભ્રષ્ટાચાર અને પદના દુરુપયોગના આરોપમાં સિક્કિમ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પી.ડી. દિનાકરન (Justice P D Dinakaran) સામે મહાભિયોગ લાવવાની તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ સુનાવણીના થોડા દિવસ પહેલા જ દિનાકરને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દિનાકરન પર જમીન પચાવી પાડવા અને અપ્રમાણસર સંપત્તિના કેસ હતા. રાજ્યસભાના 75 સાંસદોએ જસ્ટિસ દિનાકરન સામે મહાભિયોગની માંગણી કરી હતી. ત્યારબાદ પત્ર અધ્યક્ષ હામિદ અન્સારીને સોંપવામાં આવ્યો. હામિદ અન્સારીએ ન્યાયિક પેનલની રચના કરી હતી. તેમની સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ દિનાકરને જુલાઈ 2011માં રાજીનામું આપી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે કર્ણાટક હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પી.ડી. દિનાકરન વિરુદ્ધ ભ્રષ્ટાચાર, જમીન પચાવી પાડવા અને ન્યાયિક પદનો દુરુપયોગ સહિત 16 આરોપો ઘડવામાં આવ્યા હતા. અન્ય આરોપોમાં માનવાધિકારનું ઉલ્લંઘન, ગેરકાયદેસર અતિક્રમણ, પુરાવાનો નાશ જેવા આરોપોનો સમાવેશ થતો હતો. તેમણે મહાભિયોગની કાર્યવાહી દરમિયાન જ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
જસ્ટિસ જે.બી. પારડીવાલા
2015માં રાજ્યસભાના 58 સભ્યોએ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા (Justice J B Pardiwala) સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જે.બી.પારડીવાલાએ અનામત વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમના ઠરાવમાં, સાંસદોએ અનુસૂચિત જાતિ અને જનજાતિ વિરુદ્ધ તેમની અભદ્ર ભાષા સામે વાંધો ઉઠાવ્યો હતો. તે સમયે ઉપરાષ્ટ્રપતિ રહેલા હામિદ અન્સારીને મહાભિયોગ પ્રસ્તાવ મોકલવામાં આવ્યા બાદ જસ્ટિસ પારડીવાલાએ તેમના ચુકાદામાંથી વાંધાજનક શબ્દો હટાવી દીધા હતા.
નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસમાં દાખલ કરવામાં આવેલી FIRને ફગાવી દેતા જસ્ટિસ પારડીવાલાએ ‘ભ્રષ્ટાચાર’ને દેશ માટે સૌથી મોટો ખતરો અને ‘આરક્ષણ’ને ‘એમીબોઈડ મોન્સ્ટર’ ગણાવ્યું હતું. જસ્ટિસ પારડીવાલાની ટિપ્પણીથી રાજ્યસભાના કેટલાક સાંસદ ઘણા નારાજ થઈ ગયા હતા અને તેમણે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ મોહમ્મદ હામિદ અન્સારી સમક્ષ મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવા માટે અરજી પણ દાખલ કરી હતી. જે બાદ કોર્ટે આ ટિપ્પણીઓ પાછી ખેંચી લીધી હતી અને રાજીનામું આપી દીધું હતું.
જસ્ટિસ સીવી નાગાર્જુન રેડ્ડી
2017માં રાજ્યસભાના 61 સાંસદોએ આંધ્રપ્રદેશ/તેલંગાણા હાઇકોર્ટના જસ્ટિસ રેડ્ડી (Justice Nagarjuna Reddy) વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ દાખલ કર્યો હતો. જસ્ટિસ રેડ્ડી પર દલિત જજ સાથે ગેરવર્તન કરવાનો, અપ્રમાણસર સંપત્તિ જાહેર ન કરવાનો અને વકીલ સાથે ગેરવર્તણૂકનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ બે વખત નિષ્ફળ ગયો હતો. બંને વખત પિટિશન પર સહી કરનારાઓએ તેમનો ટેકો પાછો ખેંચી લીધો હતો. પ્રથમ પ્રયાસમાં, 61માંથી 19 સહી કરનારાઓએ તેમનું સમર્થન પાછું ખેંચ્યું હતું, જ્યારે બીજા પ્રયાસમાં, 54માંથી 9 સહી કરનારાઓએ તેમનું સમર્થન પાછું ખેંચ્યું હતું.
જસ્ટિસ દીપક મિશ્રા
2018માં રાજ્યસભામાં કેટલાક વિપક્ષી સાંસદોએ તત્કાલિન CJI દીપક મિશ્રા (CJI Dipak Mishra) પર મહાભિયોગ લાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિપક્ષી સાંસદોએ મેડિકલ કોલેજ લાંચ કેસમાં ગેરવર્તણૂક, રોસ્ટરના માસ્ટરની સત્તાનો દુરુપયોગ વગેરેના આરોપોના આધારે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ આ આધાર પર પ્રસ્તાવને ફગાવી દીધો કે ‘કોઈ ગેરવર્તણૂક સાબિત થઈ નથી.’ ત્યારે આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તથા પાંચ જજની બેન્ચની વિનંતી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ વિનંતીનો અસ્વીકાર કરતા અરજદારોના વકીલ કપિલ સિબ્બલે અરજી પરત ખેંચી લીધી હતી.
જસ્ટિસ એસ. ગંગલે
આ ઉપરાંત મધ્યપ્રદેશ હાઇકોર્ટના જસ્ટિસ એસ. ગંગલે (Justice S Gangle) સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ થઇ હતી, તેમના પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો. જોકે તપાસ કરી રહેલ સમિતિએ આ આરોપોને ફગાવી દીધા હતા. તથા કહ્યું હતું કે તેમની સામે જાતીય સતામણીનો આરોપ સાબિત કરવા માટે કોઈ પૂરતા પુરાવા નથી.
નોંધનીય છે કે અત્યારસુધી લગભગ 7 જસ્ટિસ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. હવે જસ્ટિસ શેખર યાદવ આ યાદીમાં 8માં વ્યક્તિ છે. અત્યારસુધી લાવવામાં આવેલ કોઈ પ્રસ્તાવ સફળ ગયો નથી. કારણ કે કાં તો આરોપો સાબિત નહોતા થયા અથવા તો આરોપ સાબિત થાય તે પહેલાં જ જસ્ટિસ રાજીનામું આપી ચૂક્યા હતા. હવે જસ્ટિસ શેખર યાદવના મામલે શું થાય છે એ જોવું રહ્યું.
મહાભિયોગ એટલે શું? અને કેવી રીતે થાય છે તેની કાર્યવાહી? જાણવા માટે અહીં ક્લિક કરો.