તાજેતરમાં કેરળના (Kerala) પતનમતિટ્ટામાં એક બાળકીએ રાવ કરી હતી કે 64 જેટલા લોકોએ તેનું યૌન શોષણ કર્યું છે, આ ઘટના આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે, ત્યારે હવે કેરળના મલપ્પુરમમાં (Malappuram) એક માનસિક વિકલાંગ મહિલા પર 8 લોકોએ બળાત્કાર (Mentally Challenged Woman Raped) ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. 38 વર્ષીય પીડિતા પર તેના પાડોશીઓ અને પરિચિતો દ્વારા બળાત્કાર (Gang Rape) ગુજારાયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે ગત 4 જાન્યુઆરી 2025ના રોજ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કેરળ પોલીસ આરોપીઓને પકડવામાં અસફળ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે પીડિતાના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર મહિલા સાથે અત્યાચારની શરૂઆત 2023માં થઈ હતી. શરૂઆતમાં તેના દુરના એક પરિચિતે તેને ફરવા લઇ જવાના બહાને એરીકોડ લઈ જઈને હોટલમાં તેની સાથે મારપીટ કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેને વાયનાડ અને મનંતવડી સહિતની જગ્યાઓ પર લઈ જવામાં આવી જ્યાં તેની સાથે અન્ય લોકોએ પણ દુષ્કર્મ આચર્યું. આરોપ છે કે તેના પરિચિતો અને અન્ય લોકોએ તેને વારંવાર બળાત્કારની શિકાર બનાવી હતી.
વધુ લોકો શામેલ હોવાની આશંકા, સોનું પણ લૂંટ્યું
પીડિતાના ભાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર આરોપીઓએ પીડિતાની માનસિક સ્થિતિનો ફાયદો ઉઠાવીને તેને ડરાવી-ધમકાવીને તેની સાથે બળાત્કાર આચર્યો હતો. આરોપ તેવો પણ છે કે આરોપીઓએ મહિલા પાસેથી 15 તોલા સોનું પણ પડાવી લીધું છે. પીડિતાના પરિવારને આશંકા છે કે આ મામલામાં અન્ય વધુ લોકો પણ શામેલ હોઈ શકે છે. આથી તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે ત્વરિત કાર્યવાહી અને ઉચિત તપાસ કરવાની માંગ કરી છે.
#Kerala: After the Pathanamthitta gang rape, another shocking revelation of sexual assault has come from Malappuram.
— South First (@TheSouthfirst) January 12, 2025
In Areekode, a 36-year-old mentally challenged woman was allegedly abused by eight individuals, including her neighbors and distant relatives.
According to the… pic.twitter.com/REfcPl99Xs
પીડિતાના ભાઈની ફરિયાદ પર પોલીસે આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(N) (મહિલા પર વારંવાર બળાત્કાર), 406 (અપરાધિક વિશ્વાસઘાત) અને કલમ 506 (ધાકધમકી આપવી) અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. મામલાની ગંભીરતા જોઈ આ કેસની તપાસ કોંડોટ્ટીના DSP કે.સી સેથુને સોંપવામાં આવી છે. હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી હોય તેવી માહિતી સામે નથી આવી.
5 વર્ષમાં 64 લોકોએ દલિત યુવતીનું યૌન શોષણ કર્યું
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પતનમતિટ્ટાની એક 18 વર્ષીય કિશોરીએ ફરિયાદ કરી કે છેલ્લાં 5 વર્ષમાં 60થી વધુ લોકોએ તેનું યૌન શોષણ કર્યું છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચાઈલ્ડ વેલફેર કમિટીની (CWC) ફરિયાદ પર પોલીસે 10થી વધુ લોકોની અટકાયત અને 6 લોકોની ધરપકડ કરી છે. પીડિત યુવતી હાલ 18 વર્ષની છે અને તેની ફરિયાદ છે કે તે 13 વર્ષની હતી ત્યારથી તેનું યૌન શોષણ થતું આવ્યું છે.
CWCએ દલિત પીડિતાનું કાઉન્સલિંગ કરીને મનોચિકિત્સકની મદદ લીધી. આ દરમિયાન પીડિતાએ જણાવ્યું કે તે જ્યારે માત્ર 13 વર્ષની હતી ત્યારે તેની સાથે આ બધું શરૂ થયું. તેના જણાવ્યા અનુસાર તેના એક પાડોશીએ તેની સાથે અશ્લીલ સામગ્રી શેર કરી હતી. માત્ર પાડોશમાં જ નહીં, બાળકી જ્યારે શાળામાં હતી ત્યારે પણ તે યૌન શોષણનો ભોગ બની હતી. તેણે ખુલાસો કર્યો હતો કે, તેને ત્યાં પણ અશ્લીલ હરકતોનો સામનો કરવો પડ્યો. કાઉન્સલિંગ દરમિયાન તેણે જણાવ્યું કે તેની શાળામાં સ્પોર્ટ્સ એક્ટિવીટીમાં ટ્રેનિંગ સેશન દરમિયાન પણ તેનું યૌન શોષણ કરવામાં આવ્યું. આ દરમિયાન તેના કેટલાક આપત્તિજનક વિડીયો પણ ફરતા થઈ ગયા હતા જેનાથી તે સાવ ભાંગી પડી હતી.
CWCની ફરિયાદ બાદ પતનમતિટ્ટા પોલીસે FIR દાખલ કરીને 6 લોકોની ધરપકડ કરી છે. આ સિવાય પોલીસે આપેલી માહિતી અનુસાર આ મામલે અન્ય 10 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. હાલ આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.