મહારાષ્ટ્રના પાલઘરમાં (Palghar) રામનવમી દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. પાલઘર જિલ્લાના વિરારમાં આયોજિત મોટરસાઇકલ શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા લોકો પર અજાણ્યા લોકોએ કથિત રીતે ઈંડા (Attack on Hindu Festival) ફેંક્યા હતા, જેના કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. જોકે, પોલીસેને જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
અહેવાલ અનુસાર 6 એપ્રિલને રામનવમીના દિવસે પાલઘરમાં આવેલ વિરાર પશ્ચિમના ગ્લોબલ સિટીમાં હનુમાન મંદિરથી રામનવમી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ સમય દરમિયાન કેટલાક રામ ભક્તો શોર્ટકટ રસ્તેથી જઈ રહ્યા હતા, ત્યારે તેમના પર ઈંડા નાખવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે આ ઈંડા કોઈ અજાણ્યા વ્યક્તિએ જાણી જોઈને ફેંક્યા હતા, જેના કારણે તણાવનું વાતાવરણ સર્જાયું હતું.
STORY | Eggs hurled at Ram Navami procession in Palghar; cops register case
— Press Trust of India (@PTI_News) April 7, 2025
READ: https://t.co/LdzZzsDgeF pic.twitter.com/TXXs5op27T
આ મામલે પોલીસે જણાવ્યું કે રવિવારે બનેલી આ ઘટના બાદ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આ સંદર્ભમાં, અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ રમખાણો અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે પૂછપરછ માટે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર રામ નવમી નિમિત્તે સકલ હિંદુ સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રા ચિખલડોંગરીના સર્વેશ્વર મંદિરથી શરૂ થઈ હતી. આ ઘટના બની ત્યારે યાત્રા વિરાર (પશ્ચિમ) ના ગ્લોબલ સિટીમાં સ્થિત પિંપળેશ્વર મંદિર તરફ જઈ રહી હતી. રામ નવમી શોભાયાત્રામાં લગભગ 100થી 150 મોટરસાયકલ, એક રથ અને બે ટેમ્પોનો સમાવેશ થતો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે શોભાયાત્રા પિંપળેશ્વર મંદિર નજીક પહોંચી, ત્યારે નજીકના મકાનમાંથી કેટલાક બાઇક સવારો પર કથિત રીતે ઈંડા ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનાથી ભક્તોમાં ગુસ્સો ફેલાયો હતો અને વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. માહિતી મળ્યા બાદ, બોલિંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
તેમણે કહ્યું કે બોલિંજ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જાહેર ઉપદ્રવ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ નોંધ્યો છે અને વિસ્તારમાં તકેદારી વધારી દીધી છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર કોઈપણ અફવાહો કે અપ્રમાણિત માહિતી ન ફેલાવવા અપીલ કરી છે.
સાધુઓ પર થઈ ચૂક્યો છે હુમલો
નોંધનીય છે કે પાલઘરમાં હિંદુઓ પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. આ પહેલાં વર્ષ 2020માં જુના અખાડાના મહંત કલ્પવૃક્ષ ગિરી મહારાજ (70 વર્ષ) અને મહંત સુશીલ ગિરી મહારાજ (35 વર્ષ) તેમના ડ્રાઈવર નિલેશ તેલગડે (30 વર્ષ) સાથે તેમના ગુરુભાઈની સમાધિ આપવા મુંબઈથી ગુજરાત જઈ રહ્યા હતા. દરમિયાન 16 એપ્રિલ 2020ની રાત્રે પાલઘરના દહાણુ તાલુકાના આદિવાસી બહુલ ગઢચિંચલે ગામમાં, સેંકડો લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.