ગુજરાતના આણંદ (Anand) જિલ્લામાં લવ જેહાદ (Love Jihad) થયો હોવાનો મામલો સામે આવ્યો આવી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, એક મુસ્લિમ યુવકે હિંદુ ઓળખ આપીને હિંદુ યુવતીને ફસાવી હતી અને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની વિગતો અનુસાર, એવી ફરિયાદ છે કે, મકસૂદ રાણા નામના મુસ્લિમ પરિણીત શખ્સે હિંદુ નામ રાખીને આણંદની 30 વર્ષની હિંદુ અપરણિત (Hindu Girl) યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ ઉપરાંત આરોપ છે કે, લગભગ છેલ્લાં 4 વર્ષથી આરોપી અવારનવાર યુવતી પર બળાત્કાર (Rape) પણ ગુજારતો હતો અને પીડિતાને બ્લેકમેલ (Blackmail) પણ કરતો હતો.
નોંધનીય છે કે, આ સમગ્ર મામલો આણંદ જિલ્લાનો છે. અહેવાલો અનુસાર, બોરસદ તાલુકાના નાપા ગામમાં રહેતો પરિણીત મકસૂદ રાણા આણંદ ટાઉનની અંદર લીલા ઘાસનું છૂટક વેચાણ કરતો હતો. આ દરમિયાન 2020માં તે 30 વર્ષીય હિંદુ અપરિણીત યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. આરોપ છે કે, તેણે યુવતીને તેનો પરિચય ‘મુકેશ’ નામથી આપ્યો હતો. તથા હિંદુ નામ આપીને તેણે હિંદુ યુવતીને પ્રેમજાળમાં પણ ફસાવી લવ જેહાદ કર્યો હતો. વધુમાં આરોપ છે કે, મકસૂદ યુવતીને લગ્નની લાલચ આપતો અને તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધતો હતો.
હિંદુ નામ ધારણ કરીને યુવતીને ફસાવી હોવાનો આરોપ
ફરિયાદ અનુસાર, આરોપીએ બળાત્કાર ગુજારતી વખતે યુવતીના અશ્લીલ ફોટોસ અને વિડીયો ઉતારી લીધા હતા. તથા વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને પણ બળાત્કાર ગુજારતો હતો. વધુમાં કહેવાયું છે કે, તે યુવતી સાથે મારપીટ પણ કરતો હતો. દરમિયાન યુવતીને તેના મકસૂદ હોવાની જાણ થઈ ગઈ હતી અને એ પરિણીત હોવાની પણ જાણ થઈ હતી. આરોપ છે કે, આ વખતે 37 વર્ષીય મકસૂદે તેની બીવીને તલાક આપીને પીડિતા સાથે લગ્ન કરવાની વાત કહીને ફોસલાવી લીધી હતી.
Anand | આણંદમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે | Gujarat | LoveJihad | Sandesh News #Gujarat #Anand #LoveJihad #SandeshNews pic.twitter.com/6kI4ggh40t
— Sandesh (@sandeshnews) January 27, 2025
વધુમાં આરોપ છે કે, જ્યારે યુવતીએ તેને લગ્ન કરવા અંગેની વાત કરી ત્યારે તેણે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા તેના અશ્લીલ ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે યુવતીએ આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ64(2),(એમ),69, 352 તથા 351(3) અંતગર્ત ગુનો નોંધ્યો હતો.
આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, ફરિયાદ 26 જાન્યુઆરીની સાંજે નોંધાઈ હતી. તથા યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી મકસૂદ રાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તથા તેનો ફોન જપ્ત કરીને તપાસ ચાલી રહી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર, આણંદ DySP જે.એન.પંચાલે જણાવ્યું હતું કે, “26-1- 2025ના રોજ આણંદ શહેરમાં રહેતી 30 વર્ષની યુવતીએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ નોંધાવી કે, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામે રહેતા મકસૂદ દિલુભા રાણાએ તેની સાથે મિત્રતા કેળવી, તેને ખોટું નામ આપી, લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને ત્યાર પછી દુષ્કર્મ કરતી વખતે તેના વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો છે. આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડેલી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે.”