Sunday, May 19, 2024
More
  Home Blog Page 944

  દિલ્હી હાઈકોર્ટ તરફથી AAP સરકારને આંચકો: ડોર સ્ટેપ રાશન ડિલિવરી સ્કીમ પર પ્રતિબંધ, ડીલરોએ કર્યો હતો વિરોધ

  દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ડોર સ્ટેપ રાશન ડિલિવરી કરવાની દિલ્હી સરકારની યોજનાને ફગાવી દીધી હતી. કાર્યવાહક ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની ડિવિઝન બેંચે આમ આદમી પાર્ટી (AAP) સરકારની મુખ્ય યોજના, મુખ્યમંત્રીની ઘર ઘર રાશન યોજનાને રદ કરવાનો આદેશ આપ્યો છે.

  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આ મહત્વાકાંક્ષી યોજનાને દિલ્હી સરકારના રાશન ડીલર્સ એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ડીલર્સ યુનિયનની દલીલ હતી કે આ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એક્ટ, પીડીએસ નિયમો અને બંધારણના નિયમનું ઉલ્લંઘન છે. ડીલરોએ કોર્ટમાં દાખલ કરેલી તેમની અરજીમાં ડોર સ્ટેપ રાશન ડિલિવરી સ્કીમને સમાપ્ત કરવાની માંગ કરી હતી.

  ડીલર્સ એસોસિએશને અરજીમાં માગણી કરી હતી કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને કડકપણે એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવે કે PDS હેઠળ ખાદ્યાન્નનો પુરવઠો દિલ્હી સરકારને ફૂડ, સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવે.

  કેન્દ્ર સરકારે પણ અરજદારોની દલીલને સમર્થન આપ્યું હતું કે વાજબી ભાવની દુકાનો ખાદ્ય સુરક્ષા કાયદાનો અભિન્ન ભાગ છે. જે ડોર સ્ટેપ રાશન વિતરણ યોજના શરૂ થવાથી બરબાદ થઈ જશે.

  જો કે, દિલ્હી સરકારે આ યોજનાનો બચાવ કરતા કહ્યું હતું કે ડોર સ્ટેપ રાશન ડિલિવરી યોજના રાશનના વિતરણની લાંબી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારને કાબૂમાં રાખશે. રાજ્ય સરકારે આ મામલે કેન્દ્રને સવાલ કર્યો હતો કે જો રાજ્ય શૂન્ય કિંમતે રાશન આપવા તૈયાર છે અને નેવું ટકા લોકો ઈચ્છે છે તો કેન્દ્રને તેમાં કોઈ સમસ્યા કેમ છે.

  શું છે દિલ્હી સરકારની ડોર સ્ટેપ રાશન ડિલિવરી યોજના

  દિલ્હી સરકારની આ યોજના દ્વારા દિલ્હીના લોકોને ઘરે બેઠા રાશન આપવાની વાત કરવામાં આવી હતી. દિલ્હી સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે દિલ્હીના મોટાભાગના લોકોએ આ યોજનાને સમર્થન આપ્યું હતું. આ સાથે, આ યોજનામાં એક વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો કે સક્ષમ લોકો મફત રાશન વિતરણની યોજનામાંથી બહાર નીકળી શકે છે. દિલ્હીના ડીલરો પહેલાથી જ સરકારની આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.

  આતંકવાદી યાસીન મલિક ટેરર ​​ફંડિંગમાં દોષિત, NIAની સ્પેશિયલ કોર્ટ 25 મેએ સજા સંભળાવશે

  આતંકવાદી યાસીન મલિક ટેરર ​​ફંડિંગ માં દોષિત સાબિત થયો છે. જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી હિંદુઓના નરસંહારના આરોપીઓમાંથી એક આતંકવાદી યાસીન મલિકને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત જાહેર કર્યો છે. હવે તેને કેટલી સજા થવી જોઈએ તેના પર કોર્ટ 25 મેથી સુનાવણી કરશે. કોર્ટે તપાસ એજન્સીને મલિકના નાણાકીય લેવડ-દેવડનો રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે.

  ગુરુવારે (19 મે 2022) કેસની સુનાવણી દરમિયાન, દિલ્હીની એક અદાલતે યાસીન મલિકને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતા હેઠળ ષડયંત્ર અને રાજદ્રોહ માટે દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે મલિકને આગામી સુનાવણીની તારીખ સુધીમાં કોર્ટ સમક્ષ તેની નાણાકીય સંપત્તિના સંદર્ભમાં સોગંદનામું રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

  આપને જણાવી દઈએ કે ટેરર ​​ફંડિંગના મામલામાં આતંકવાદી યાસીન મલિકવિરુદ્ધ કોર્ટે માર્ચમાં આરોપો નોંધ્યા હતા. તે સમય દરમિયાન જાણવા મળ્યું હતું કે મલિક, શબ્બીર શાહ, રશીદ એન્જિનિયર, અલ્તાફ ફંટુશ, મસરત અને હુર્રિયત/જોઈન્ટ રેઝિસ્ટન્સ લીડરશીપ (JRL) સીધા ટેરર ​​ફંડ મેળવતા હતા. આ સિવાય મલિકે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી અને અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓ કરવા માટે ભંડોળ એકત્ર કરવા માટે વિશ્વવ્યાપી મિકેનિઝમ તૈયાર કર્યું હતું.

  યાસીનનું આતંકવાદનું કબૂલનામું

  નોંધનીય છે કે આ જ મહિનામાં 2022માં યાસીન મલિકે કોર્ટમાં આતંકવાદના આરોપો કબૂલ કર્યા હતા. તેણે પટિયાલા હાઉસ કોર્ટની NIA કોર્ટમાં પોતાના આરોપો સ્વીકારી, કાયદા મુજબ કોર્ટ પાસે સજાની માંગ કરી હતી.

  કોણ છે યાસીન મલિક

  યાસીન મલિક એ એવો આતંકવાદી છે જે કાશ્મીર ઘાટીમાં હિન્દુઓના નરસંહારમાં સીધો સંડોવાયેલો હતો. જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ હોવા ઉપરાંત તે પાકિસ્તાનનો કટ્ટર સમર્થક પણ છે, તેના પર કાશ્મીરમાં આતંકવાદને સમર્થન આપવાનો આરોપ છે. આ ઉપરાંત આતંકવાદી યાસીન મલિક પર જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તત્કાલીન કેન્દ્રીય ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રુબૈયા સઈદનું અપહરણ કરવાનો પણ આરોપ છે.

  એટલું જ નહીં યાસીન મલિક પર 1990માં એરફોર્સના ચાર અધિકારીઓની નિર્દયતાથી હત્યા કરવાનો પણ આરોપ છે. જાન્યુઆરી 1990માં એરફોર્સના 4 અધિકારીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ યાસીન મલિક પર છે. યાસીન મલિકે JKLF આતંકવાદીઓ સાથે મળીને સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાની હત્યા કરી હતી, જે ભારતીય વાયુસેનાના ચાર કર્મચારીઓમાંથી એક છે. યાસીન મલિક ખીણમાં કાશ્મીરી પંડિતોના નરસંહારમાં સીધો સંડોવાયેલો હતો અને આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવે છે તે જાણીને, અગાઉની સરકારો અને મીડિયાએ હંમેશા તેને કાશ્મીરીઓના તારણહાર તરીકે રજૂ કર્યો છે. લોકોએ ટ્વિટર પર ભૂતકાળની સરકારો અને ત્યારના નેતાઓ સાથે આતંકવાદી યાસીન મલિકના સંબંધો વિષે પણ ચર્ચા છેડી છે.

  પંજાબ કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને 1988ના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 1 વર્ષની સખત જેલની સજા

  સુપ્રીમ કોર્ટે ગુરુવારે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પરના ત્રણ દાયકા જૂના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારી છે. સિદ્ધુને કોર્ટે એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

  આનો અર્થ એ થયો કે દોષિત ઠેરવવામાં આવતાં સિદ્ધુને એ રોડ રેજ કેસમાં એક વર્ષની જેલ થઈ છે, જે ત્રણ દાયકા પહેલા આ રાજનેતા વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. 34 વર્ષ પહેલા રોડ રેજની ઘટનામાં માર્યા ગયેલા મૃતકના પરિવાર દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

  સુપ્રીમ કોર્ટે 19 મેના રોજ નવજોત સિંહ સિદ્ધુને દોષમુક્ત કરવાના તેના મે 2018ના આદેશની સમીક્ષા કરવાની મંજૂરી આપી હતી. આ 1988નો રોડ રેજ કેસ છે જેમાં પટિયાલાના રહેવાસી ગુરનામ સિંહનું કોંગ્રેસ નેતા સાથે કથિત બોલાચાલી બાદ મૃત્યુ થયું હતું.

  કોર્ટના તાજા ચુકાદા બાદ સિદ્ધુને કોર્ટના આદેશ મુજબ પંજાબ પોલીસની કસ્ટડીમાં લેવામાં આવશે. સિદ્ધુને હવે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 323 હેઠળ મહત્તમ સંભવિત સજા સંભળાવવામાં આવી છે. જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ એસકે કૌલની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો.

  આજની સુનાવણી પહેલા સિદ્ધુએ કોર્ટને અપીલ કરી હતી કે તેમને જેલમાં પુરીને વધુ સજા ન કરવામાં આવે. સિદ્ધુએ તેમની દોષરહિત રાજકીય અને રમતગમતની કારકિર્દી, સેવાભાવી પ્રવૃત્તિઓ, સામાજિક કલ્યાણના કાર્યો વગેરેને ધ્યાનમાં રાખીને નમ્ર દૃષ્ટિકોણની અપીલ કરી.

  સિદ્ધુએ બેંચને એ પણ ધ્યાનમાં લેવા કહ્યું કે “SCએ અગાઉ આ ઘટનાને ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો હોવાનું કહીને નરમ વલણ અપનાવ્યું હતું. SC એ પણ નોંધ્યું હતું કે આરોપી અને પીડિતા વચ્ચે ભૂતકાળમાં કોઈ દુશ્મનાવટ નથી. કોર્ટે એ હકીકતને પણ ધ્યાનમાં લીધી કે આરોપીઓએ કોઈ હથિયારનો ઉપયોગ કર્યો નથી.”

  અગાઉ, કોંગ્રેસ નેતાને 1988ના રોડ રેજની ઘટનામાં માત્ર 1000 રૂપિયાના દંડ સાથે છોડી દેવામાં આવ્યા હતા. મે 2018 માં, હરિયાણા અને પંજાબ હાઈકોર્ટના ચુકાદાને અમાન્ય ગણી સુપ્રીમ કોર્ટે માનવહત્યા માટે સિદ્ધુને દોષિત ઠેરવ્યો હતો.

  જો સુપ્રીમ કોર્ટે 2018માં આપેલા ચુકાદાને સ્વીકાર કર્યો હોત તો સિદ્ધુને ત્રણ વર્ષ માટે જેલમાં મોકલવામાં આવ્યો હોત. તેના બદલે, સર્વોચ્ચ અદાલતે તેમને વરિષ્ઠ નાગરિકને નુકસાન પહોંચાડવા બદલ દોષી ઠેરવ્યા હતા.

  1988માં નવજોત સિંહ સિદ્ધુ સાથે બોલાચાલી બાદ 65 વર્ષીય ગુરનામ સિંહનું અવસાન થયું હતું. અહેવાલો અનુસાર સિદ્ધુએ સિંઘને તેના માથા પર માર માર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું.

  કોર્ટે આ વર્ષે માર્ચમાં નવજોત સિદ્ધુ વિરુદ્ધ આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો

  એમ કહીને કે સિદ્ધુએ જાણી જોઈને મૃત્યુનું કારણ આપ્યું હતું, બેન્ચે કહ્યું, “રેકોર્ડ પરની સામગ્રી અમને એકમાત્ર સંભવિત નિષ્કર્ષ પર લઈ જાય છે કે પ્રથમ આરોપીએ કલમ 323 આઈપીસી હેઠળ સજાપાત્ર ગુરનામ સિંહને સ્વેચ્છાએ ઈજા પહોંચાડી હતી”.

  27 ડિસેમ્બર 1988ના રોજ, સિદ્ધુ અને તેના એક મિત્રએ પટિયાલાના રહેવાસી ગુરનામ સિંહને કથિત રૂપે તેમનું વાહન રોકવા માટે માર માર્યો હતો. જ્યારે ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ કેસમાં સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર સિંહ સંધુ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

  1999માં પટિયાલા જિલ્લા અને સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. રાજ્ય સરકારે તેની સામે અપીલ કરી હતી, અને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેમને 2006 માં દોષિત ઠેરવ્યા હતા, અને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. 2007 માં, સુપ્રીમ કોર્ટે સિદ્ધુની અપીલ પર દોષિત ઠેરવવા પર રોક લગાવી દીધી હતી, અને 2018 માં, સર્વોચ્ચ અદાલતે મુદત ઘટાડીને રૂ 1000 દંડ કર્યો હતો, જ્યારે સંધુને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

  અખિલેશ યાદવે હિંદુ ધર્મની મજાક ઉડાવી, કહ્યું ઝાડ નીચે પથ્થર મુકીને લાલ ધજા ફરકાવો એટલે મંદિર બની ગયું; જ્ઞાનવાપી મામલો ભાજપ ભડકાવે છે

  અખિલેશ યાદવે હિંદુ ધર્મની મજાક ઉડાવી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જ્ઞાનવાપીમાં શિવલિંગ મળી આવવાના દાવા વચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે હિંદુ ધર્મની મજાક ઉડાવતા કહ્યું છે કે “હિંદુ ધર્મમાં એવું છે કે પીપળના ઝાડ નીચે ગમે ત્યાં પથ્થર મૂકો, ધજા લગાવો, એટલે તે મંદિર બની ગયું”. સર્વે રિપોર્ટ કોર્ટમાં પહોંચે તે પહેલા બહાર આવી રહેલી માહિતી સામે પણ તેમણે વાંધો ઉઠાવ્યો હતો. અયોધ્યા કેસ પર પણ કહ્યું કે તે સમયે પણ મૂર્તિ અંદર રાખવામાં આવી હતી.

  એક પત્રકાર પરિષદના સંબોધન દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે,” જો તમે અમારા ધર્મમાં ક્યાંય પણ પત્થર અને લાલ ઝંડા લગાવી દો એટલે ત્યાં મંદિર બની જાય છે. લોકો ત્યાં પૂજા કરવા લાગે છે… ભાજપ જાણીજોઈને આખો મામલો વધારી રહી છે જેથી લોકોનું ધ્યાન મોંઘવારી અને બેરોજગારીથી હટી જાય. હાલ આ મામલો કોર્ટમાં છે, તો કોર્ટ જ તેનો નિર્ણય આપશે.”

  વધુમાં, અખિલેશે રામ મંદિર મુદ્દે પણ વાત કરી અને કહ્યું “કે હિંદુઓએ તે જગ્યા જબરજસ્તી તે જગ્યા કબજે કરી છે. તેમણે ભાજપને સાવચેત રહેવાની સલાહ આપી અને વધુમાં કહ્યું કે, “અયોધ્યામાં મૂર્તિ રાખવામાં આવી હતી. ભાજપ જાણીજોઈને વાતાવરણ બગાડવા માંગે છે. વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવીને તે લોકોને ધર્મ, જાતિ અને ધર્મના મુદ્દાઓમાં ભ્રમિત કરવા માંગે છે.”

  પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવે સદનની કાર્યવાહીને લઈને યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ સદનમાં લોકોના પ્રશ્નો સાંભળવા માંગતી નથી. એવું જાણવા મળ્યું છે કે સદન માત્ર 9 દિવસ ચાલશે. જે રાજ્યનું બજેટ 6 લાખ કરોડ છે. તે રાજ્યની જનતાના પ્રશ્નો 9 દિવસમાં કેવી રીતે પૂર્ણ થશે? અખિલેશે કહ્યું કે તેઓ ગૃહ ચલાવવા માટે દિવસ વધારવા માટે સરકાર સાથે વાત કરશે.

  અખિલેશે સરકાર પર વસુલીનો આરોપ લગાવતા દાવો કર્યો છે કે સરકાર ગરીબોને ઓળખવાનો ઇનકાર કરી રહી છે. તેમના કહેવા પ્રમાણે, જે ગરીબોને રાશન આપવામાં આવ્યું હતું તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે છે. સ્ટીલ મોંઘું થયું, કોલસો મોંઘો થયો. જ્યારથી સરકાર બની છે ત્યારથી જ વીજકાપ છે અને પ્રજાને નોટિસો આવી રહી છે.

  સપા વડાએ કેન્દ્ર પર પણ નિશાન સાધતા કહ્યું કે દેશમાં ઉદ્યોગપતિઓને મોટી મોટી વસ્તુઓ વેચવામાં આવી રહી છે. કંપનીઓ વેચાઈ રહી છે, બેંકો મર્જ થઈ રહી છે, એલઆઈસીનું ખાનગીકરણ થઈ રહ્યું છે, એરપોર્ટ વેચાઈ રહ્યા છે, રાજ્યના ઘઉં વિદેશમાં વેચાઈ રહ્યા છે… અખિલેશના કહેવા પ્રમાણે, જ્ઞાનવાપી વિવાદાસ્પદ માળખાનો કેસ આ બધી બાબતો પરથી લોકોનું ધ્યાન હટાવવાનો કીમિયો છે.

  તેમણે વર્તમાન સરકાર પર ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે જે રીતે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો નિયમથી દેશને ગુલામ બનાવ્યો એ જ નિયમ ભાજપ અપનાવી રહી છે. આ સિદ્ધાંત ઘણા વર્ષો જૂનો હતો જેનો ઉપયોગ અંગ્રેજો કરતા હતા. પ્રજા સાથે આટલો અન્યાય અને અત્યાચાર આ પહેલા ક્યારેય થયો નથી. આ સરકાર ધર્મ અને જાતિના નામે માત્ર ડરાવી-ધમકાવી રહી છે.

  જ્ઞાનવાપી સર્વેમાં પશ્ચિમ દિવાલે હિંદુ ધાર્મિક ચિન્હો મળ્યા; શેષનાગ, દેવી દેવતા, હિંદુ પ્રતીકો, કલાકૃતિઓ,સિંદૂરનો લેપ: જે કઈ પણ જોયું, કોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં બધું નોંધવામાં આવ્યું

  જ્ઞાનવાપી સર્વેમાં પશ્ચિમ દિવાલે હિંદુ ધાર્મિક ચિન્હો મળ્યા હોવાનો ખુલાસો થયો છે, જ્ઞાનવાપી વિવાદિત માળખાના સર્વે બાદ દરરોજ નવા દાવા કરવામાં આવી રહ્યા છે. હવે જ્ઞાનવાપી સરવેમાં પશ્ચિમ દિવાલે હિંદુ ધાર્મિક ચિન્હો મળ્યા છે જેમાં શેષનાગ અને દેવતાઓની કલાકૃતિઓ મળી આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

  પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રા દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જ્ઞાનવાપી સ્ટ્રક્ચરની પશ્ચિમી દિવાલ પર શેષનાગ અને હિંદુ મંદિરો છે. દેવી-દેવતાઓની કલાકૃતિ સ્પષ્ટપણે જોવા મળે છે. દિવાલની ઉત્તરથી પશ્ચિમ તરફ, પથ્થરની થાળી પર સિંદૂરના લેપ વળી ઉપસેલી કલાકૃતિ છે. જેમાં ચાર મૂર્તિઓનો આકાર દેવતાઓના રૂપમાં દેખાય છે. આ રિપોર્ટ કોર્ટ દ્વારા રેકોર્ડ પર લેવામાં આવ્યો છે.

  કમિશન રીપોર્ટ સાભાર Oindia Hindi

  પોતાના બે પાનાના રિપોર્ટમાં પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે 6 મેના રોજ હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોથી આકૃતિ મૂર્તિ હોવાનું જણાય છે અને તેમાં સિંદૂરનો જાડો લેપ લાગેલો છે. તેની બાજુમાં દીવો પ્રગટાવવા માટે ત્રિકોણાકાર ગોંખલો છે અને તેમાં ફૂલો મૂકવામાં આવ્યા હતા.

  પૂર્વ દિશામાં બેરિકેડિંગની અંદર અને માળખાની પશ્ચિમ દિવાલની વચ્ચે, કાટમાળનો ઢગલો છે. આ શિલાલેખ પણ તેમનો જ એક ભાગ હોવાનું જણાય છે. આ પરની ઉપસેલી કલાકૃતિઓ સંરચનાની પશ્ચિમ દિવાલ પરની કલાકૃતિઓ સાથે મેળ ખાતી હોય તેવું લાગે છે.

  કમિશન રીપોર્ટ સાભાર Oindia Hindi

  ઉલ્લેખનીય છે કે, અજય મિશ્રાને બાદમાં માહિતી લીક કરવા બદલ સર્વેમાંથી હટાવી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમણે પોતાના રિપોર્ટમાં જે દાવા કર્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે તેમની જગ્યાએ અજય પ્રતાપ સિંહ અને વિશાલ સિંહ કોર્ટ કમિશનર છે. અજય મિશ્રાએ પોતાના રિપોર્ટમાં 6 અને 7 મેના રોજ થયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે અહેવાલમાં લખ્યું છે કે આ તમામ કૃતિઓ 6 મેના રોજ જોવામાં આવી હતી, ત્યારબાદ 7 મેના રોજ મસ્જિદ પરિસરમાં તૂટેલા દેવી-દેવતાઓની મૂર્તિઓ , હિંદુ દેવતાઓના પ્રતીકો અને કલાકૃતિઓ અને અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ જોવા મળ્યા હતા. જેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી હતી.

  નોંધનીય છે કે વારાણસીમાં 14 થી 16 મે વચ્ચે શૃંગાર ગૌરી-જ્ઞાનવાપીમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ આજે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં દાખલ કરવામાં આવશે. એડવોકેટ કમિશનર વિશાલ સિંહ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ સાથે જ પંચની વચ્ચે હટાવાયેલા પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ કોર્ટમાં પોતાનો 2 પાનાનો રિપોર્ટ દાખલ કર્યો છે.

  નોંધનીય છે કે ગત દિવસોમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક નામની ત્રણ મહિલાઓએ નવી અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે નંદી મહારાજની સામે આવેલા વિવાદિત માળખાની દિવાલ તોડીને તપાસ કરવાની વિનંતી કરી છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે તમામ કાટમાળને હટાવીને શિવલિંગની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપવામાં આવે.

  કોંગ્રેસનાં પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ચિકન સેન્ડવિચથી ડાયેટ કોક, જાતિવાદથી પૈસાની લેતી દેતી જેવા અનેક મુદ્દે કોંગ્રેસને ઘેરી

  કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ આજે હાર્દિક પટેલે અમદાવાદમાં પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ઘણા દાવા કર્યા હતા. હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત કોંગ્રેસ અને ટોચની નેતાગીરી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ઘણા પ્રયત્નો છતાં, તેમને ક્યારેય લોકોના ભલા માટે કામ કરવા દેવામાં આવ્યું નથી, અને ન તો પાર્ટીએ ક્યારેય ગુજરાત રાજ્યના લોકોની ચિંતા કરી.

  હાર્દિક પટેલે આજે સવારે કહ્યું હતું કે કોંગ્રેસ સૌથી મોટી સાંપ્રદાયિક પાર્ટી છે જે ગુજરાત પ્રત્યે સ્પષ્ટ દ્વેષ ધરાવે છે અને તે અંબાણી અને અદાણી તેમજ મેહુલ ચીનુભાઈ ચોક્સી જેવા ઉદ્યોગપતિઓ વિરુદ્ધ કોઈ કારણ વગર ઝેર ઓકયા કરે છે.

  પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરનાર હાર્દિક પટેલે કહ્યું હતું કે તેમને રાજ્યમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષનું પદ આપવામાં આવ્યું હતું પરંતુ તે ખોટી વાત છે. તે ઈચ્છે તેવી પ્રવૃત્તિઓ કરવા માટે તેને ક્યારેય કોઈ જવાબદારી કે પરવાનગી આપવામાં આવી ન હતી. “આ કાર્યકારી પ્રમુખ એક કોસ્મેટિક સ્થિતિ હતી. માત્ર હું જ નહીં પણ એવા કેટલાય હાર્દિક પટેલ છે જેમનો ઉપયોગ કરીને ફેંકવામાં આવે છે. આ કોંગ્રેસનો ઈતિહાસ છે. 1972માં ચીમનભાઈ પટેલથી લઈને રાદડિયાથી નરહરિ અમીન સુધી, કોંગ્રેસ આ જ કરે છે,” તેમણે કહ્યું.

  આગળ પટેલે કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઈને કોઈ પીએન પદ આપતા પહેલા એના નામની બાજુમાં એની જાતિ અને પેટા જાતિ લખવામાં આવે છે. દલિત સમાજ હોય કે પાટીદાર સમાજ કોંગ્રેસે હમેશા ગુજરાતને જાતિઓમાં તોડવાની કોશિસ કરી છે. પાટીદાર સમાજને પણ કડવા અને લેઉવામાં ભાગ પાડીને લાભ ખાંટવાનો પ્રયાસ કોંગ્રેસ હમેશા કરતી રહી છે.

  પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનને પગલે તેઓ મોટી આશા સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, એ વિચારીને કે એક મજબૂત વિપક્ષ રાજ્યના લોકો માટે બોલશે અને તેમની ચિંતાઓને પ્રકાશમાં લાવશે. તેણે કહ્યું, “હું મારા સમાજ, મારા લોકોના હક માટે લડ્યો છું. રચનાત્મક વિપક્ષ નિષ્ઠાપૂર્વક કામ કરી શકશે એવી આશા સાથે હું કોંગ્રેસમાં જોડાયો છું. 2019 થી 2022 સુધી, હું કોંગ્રેસ સમજી ગયો કે તે ખૂબ જ સાંપ્રદાયિક પાર્ટી છે.”

  હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે કોંગ્રેસે હંમેશા તેમને અને તેમના જેવા ઘણા લોકોને દબાવ્યા છે. “જ્યારે પણ તમે સત્ય કહેવાની કોશિશ કરશો, પાર્ટી તમને તોડી પાડશે. મારી અપીલો છતાં, કોંગ્રેસે મને ક્યારેય યુવાનોના મુદ્દાઓ કે પેપર લીકના પ્રશ્નોને સંબોધવા પત્રકાર પરિષદનું આયોજન કરવા દીધું નથી.” તેમણે કહ્યું.

  વધુમાં, પટેલે કહ્યું કે કોંગ્રેસે તેની કામગીરી અને વ્યૂહરચના અંગે ગંભીરતાથી આત્મચિંતનની જરૂર છે. તેમણે રાજ્યના નેતૃત્વ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમને વ્યૂહરચના અંગે ચર્ચા કરવા અને ગંભીર નિર્ણયો લેવા કરતાં રાહુલ ગાંધીનું મનોરંજન કરવામાં વધુ રસ છે. તેમણે કહ્યું, “જ્યારે રાહુલ ગાંધી રાજ્યમાં આવે છે, ત્યારે તેમની સાથે ચર્ચા કરવા માટેના મુદ્દાઓ શોધવાને બદલે, અમારા વરિષ્ઠ નેતાઓ તેમના માટે ચિકન-સેન્ડવિચ અને ડાયેટ-કોકનું આયોજન કરવામાં વ્યસ્ત હોય છે!”

  કોંગ્રેસ પાર્ટીએ જમીની સ્તરે જઈને લોકો સાથે ફરી જોડાણ કરવાની જરૂર છે એમ કહીને, પટેલે કહ્યું, “કોંગ્રેસને ઉદયપુરમાં બેસીને ચિંતન શિવિર ચલાવવાની જરૂર નથી, તેઓએ એરકન્ડિશન્ડ કેબિનમાં બેસવાની જરૂર નથી. લોકો પાસે જવાની જરૂર છે.”

  હાર્દિક પટેલે કોંગ્રેસ અને તેના નેતાઓ પર પૈસાની લેતી દેતીનો આરોપ લગાવતા કહ્યું કે, “યૂથ કોંગ્રેસની ચૂંટણી માટે કોંગ્રેસ ગુજરાતમાંથી 5 કરોડ રૂપિયા ઉઘરાવીને લઈ ગઈ છે અને દર વખતે લઈ જાય છે. અને જ્યારે યૂથ કોંગ્રેસને કોઈ કાર્યક્રમ કરવા હોય તો એમને એક પણ રૂપીયો કોંગ્રેસ નથી આપતી.”

  હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહ્યું કે કોંગ્રેસને ‘ચિંતન’ કરવાની જરૂર નથી, પરંતુ તેમના માટે આગળ શું થશે તેના પર ‘ચિંતા’ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ માત્ર ગુજરાતની જ ચિંતા કરવાની જરૂર નથી. “હિમંતા બિસ્વા, જેએમ સિંધિયા, અમરિન્દર સિંહ, સુનીલ જાખર અને અન્ય કેટલાક લોકોએ કોંગ્રેસ કેમ છોડી તે અંગે કોંગ્રેસે ગંભીર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.”

  ભાવનાત્મક ભાષણમાં, હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી છોડીને મને ગર્વ છે, અને એવા ભવિષ્યની આશા છે જ્યાં તે લોકોના કલ્યાણ માટે કામ કરી શકે. તેમણે કહ્યું કે તેઓ ગુજરાતના લોકોના સમર્થનમાં એવા તમામ કાર્યોને પૂર્ણ કરવા માટે કામ કરશે જે તેઓ છેલ્લા ત્રણ વર્ષમાં કરી શક્યા નથી. પટેલે કહ્યું કે “મારી 7 વર્ષની સામાજિક કારકિર્દીમાં મે છેલ્લા 3 વર્ષ કોંગ્રેસમાં બગડ્યા એનો મને ખૂબ અફસોસ છે.” પટેલે જોડ્યુ કે એમના પિતાએ પણ મૃત્યુ પહેલા એમને કહ્યું હતું કે કોંગ્રેસમાં જઈને એણે ભૂલ કરી છે.

  પોતાના પિતાના મૃત્યુને ટાંકીને પટેલે કહ્યું હતું કે એમના પિતાના મૃત્યુ પર કોંગ્રેસનાં કોઈ મોટા નેતા એમને સાંત્વના આપવા આવ્યા નહોતા. પરંતુ પાછલી પુણ્યતિથિ પર જ્યારે એમને લાગ્યું કે હાર્દિક કોંગ્રેસ છોડીને જશે એટ્લે સૌ નેતાઓ એમના ઘરે આવ્યા હતા. પટેલે જોડ્યુ કે, “જે કોંગ્રેસે હાર્દિક પટેલના બાપાનાં મૃત્યુ પર હાર્દિકનું દુખ સમજ્યું ન હતું એ ગુજરાતની જનતાનું દુખ સમજી જ ના શકે.”

  ભાજપમાં જોડવાના પ્રશ્ન પર હાર્દિક પટેલે કહ્યું કે “હાલ ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાનો મે કોઈ નિર્ણય નથી લીધો. પરંતુ ભવિષ્યમાં ક્યાય પણ જોડાશે તો એ પણ ગર્વ સાથે જ અને સૌ સામે જાહેર કરીને જોડાશે.”

  આમ હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય નેતૃત્વ તથા પ્રદેશ નેતૃત્વ સામે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને સાથે ગુજરાતની ભાજપ સરકારની વારંવાર પ્રશંસા કરી હતી.

  ઉત્તરાખંડના AAPના CM ઉમેદવાર કર્નલ અજય કોઠીયાલે AAPમાંથી આપ્યું રાજીનામું: કહ્યું- ભૂતપૂર્વ સૈનિકો, વૃદ્ધો, યુવાનોના હિતમાં છોડી પાર્ટી

  ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને ચૂંટણી દરમિયાન પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો બનેલા કર્નલ અજય કોઠીયાલે બુધવારે (18 મે 2022) એક ચોંકાવનારું પગલું ભરતા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ટ્વીટર પર સાર્વજનિક રીતે રાજીનામાની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે તેઓ ભૂતપૂર્વ સૈનિકો, વૃદ્ધો, મહિલાઓ, યુવાનો અને બૌદ્ધિકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આમ કરી રહ્યા છે.

  ટ્વિટર પર AAPમાંથી પોતાનું રાજીનામું પોસ્ટ કરતા કર્નલ અજય કોઠીયાલે લખ્યું, “ભૂતપૂર્વ સૈનિકો, પૂર્વ અર્ધલશ્કરી, વૃદ્ધો, મહિલાઓ, યુવાનો અને બૌદ્ધિકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને હું આમ આદમી પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.” નોંધનીય છે કે કર્નલ કોઠિયાલ આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે એપ્રિલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

  દેવભૂમિ ઉત્તરાખંડ એ રાજ્ય છે કે જ્યાં ભૂતપૂર્વ સૈનિકોની મોટી વસ્તી રહે છે. તેને જોતા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પોતાનું રાજકીય મેદાન મજબૂત કરવાના ઈરાદાથી કોઠિયાલને મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવ્યો હતો. પાર્ટીએ કોઠીયાલની સૈન્ય સેવાના પ્રમાણપત્રો પર આધાર રાખ્યો હતો અને જો પોતે સત્તામાં આવશે તો 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. વાસ્તવમાં, સૈન્યમાં કોઠીયાલની એક શાનદાર કારકિર્દી રહી હતી, જેમાં કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર, વિશિષ્ઠ સેવા મેડલ અને પરાક્રમ મેડલનો સમાવેશ થાય છે.

  AAPનો કર્નલ અજય કોઠીયાલ સાથેનો ચૂંટણી દાવ નિષ્ફળ ગયો હતો

  જો કે, આમ આદમી પાર્ટી (AAP) એ જે આશા સાથે આ દાવ રમ્યો હતો તે નિષ્ફળ ગયો અને AAP ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નહીં. પાર્ટીની કારમી હાર બાદ આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો. સાગર ભંડારી સહિત પક્ષના કેટલાક બળવાખોર નેતાઓએ રાજ્યમાં AAPની હાર માટે કોઠીયાલને જવાબદાર ઠેરવ્યા હતા. રાજ્યમાં કર્નલ કોઠીયાલના નામે ચૂંટણી લડવામાં આવી હતી. દરેક બેનરમાં તેમનો ફોટો હતો. તેથી તેઓએ હારની જવાબદારી પણ લેવી જોઈએ. પરંતુ અત્યાર સુધી તેમણે આવુ ન તો મીડિયા સામે કર્યું છે કે ન તો પાર્ટીના કોઈ કાર્યકર સાથે કર્યું છે.

  જો કે, કર્નલ અજય કોઠીયાલે પાર્ટીની અંદર અવાજ ઉઠાવી વિરોધ અને ચૂંટણી પ્રદર્શનનો સામનો કર્યા બાદ પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપીને AAP સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે.

  જ્ઞાનવાપી વિવાદિત ઢાંચામાં શિવલિંગ છે ફુવારો નહી; IIT-BHUના પ્રોફેસરે કહ્યું- જૂના જમાનામાં વીજળી નહોતી, 150 ફૂટ પરથી પાણી છોડવું પડતું હતું.

  જ્ઞાનવાપી વિવાદિત ઢાંચામાં શિવલિંગ છે ફુવારો નથી તેવું પ્રોફેસર સિંહ નું કહેવું છે એક તરફ, મુસ્લિમ પક્ષ વારાણસીના વિવાદિત જ્ઞાનવાપી વિવાદાસ્પદ માળખામાં મળેલા શિવલિંગને ફુવારો કહીને ઇતિહાસને ખોટો સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે IIT, BHUના પ્રોફેસરે તેનો ઇનકાર કર્યો છે. IIT, BHUમાં મટિરિયલ્સ અને કેમિકલ સાયન્સના પ્રોફેસર આરએસ સિંહે કહ્યું કે આ શિવલિંગજ છે, કારણ કે જૂના જમાનામાં વીજળી નહોતી. જેનાથી સાબિત થઇ શકે કે જ્ઞાનવાપી વિવાદિત ઢાંચામાં શિવલિંગ છે ફુવારો નથી

  પ્રોફેસર સિંહે કહ્યું કે જૂના જમાનામાં ફૂવારો ચલાવવા માટે ખૂબ ઊંચાઈએથી પાણી છોડવામાં આવતું હતું અને તે દબાણ હેઠળ ફુવારાનો આકાર લેતો હતો. તેમણે કહ્યું કે વિવાદિત જ્ઞાનવાપી સંકુલમાં આવી કોઈ વ્યવસ્થા જોવા મળી નથી, કે જ્યાંથી ઉંચાઈ પરથી પાણી છોડવામાં આવતું હોય. શિવલિંગની ઉપર દેખાતી ફુવારા જેવી આકૃતિ સિમેન્ટની હોઈ શકે છે.

  શિવલિંગ પન્નાનું હોવાની બાબત અંગે તેમણે કહ્યું કે શિવલિંગનું રાસાયણિક પૃથ્થકરણ કરવામાં આવ્યું નથી, તેથી તે પન્નાનું છે કે કેમ તે કહેવું થોડું મુશ્કેલ છે. આ શિવલીંગને જોઈને લાગે છે કે તે ખૂબ જ જૂનું છે અને ઘણા સમયથી પાણીમાં છે. તેમણે કહ્યું કે છેલ્લી વખત તે 400-500 વર્ષ પહેલા રાજા ટોડરમલ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે સમયે વીજળી નહોતી

  પ્રોફેસર આર.એસ.સિંઘે જણાવ્યું કે જૂના જમાનામાં પણ ફુવારા બનાવવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં સુધી 100-150 ફૂટ ઉપરથી પાણી ન છોડાય ત્યાં સુધી ફુવારામાં પાણી આવતું ન હતું. તેમણે કહ્યું કે આવડી ત્રિજ્યાનો આવો કોઈ ફુવારો હોઈજ ન શકે. જો તે ફુવારો છે, તો તેની નીચે કોઈ મિકેનિઝમ હશે અને તેની સિસ્ટમ બેઝમેન્ટમાં બનાવવામાં આવી હોય. પરંતુ હાલ તેવી કોઈ વ્યવસ્થા ત્યાં જોવા મળતી નથી.

  આજતક ના અહેવાલ અનુસાર, તેમણે કહ્યું કે જે લોકો તેને ફુવારો કહી રહ્યા છે, તેઓએ તે ફુવારો ચાલું કરીને બતાવવો જોઈએ. અને જો તે ચાલુ થઇ જાય તો માની જઈશુ કે એ ફુવારો છે, નહીં તો તે શિવલિંગજ છે. તો બીજી તરફ બીજી તરફ, કેમિકલ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ચંદન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જો તે ફુવારો છે, તો તેમાં નોઝલ હોવી જોઈએ, જે તેમાં દેખાતી નથી. તેણે કહ્યું કે તેમાં પાણી હોવું જોઈએ, તે પણ દેખાતું નથી. તેમણે કહ્યું કે આ શિવલિંગ પન્નાનું હોઈ શકે, પરંતુ તે સાબિત કરવા માટે તેની રાસાયણિક પૃથ્થકરણની તપાસ થવી જરૂરી છે.

  દિલ્હી પોલીસે AltNewsના સહ-સ્થાપક અને સ્વ-ઘોષિત ‘ફેક્ટ-ચેકર’ મોહમ્મદ ઝુબેરની એક સગીર છોકરીની અંગત બાબતો જાહેર કરવા અને હેરાન કરવા બદલ પૂછપરછ કરી

  AltNewsના સહ-સ્થાપક અને કથિત ફેક્ટ-ચેકર મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે તાજેતરમાં ટ્વિટર પર સગીર બાળકીને ઓનલાઈન ઉત્પીડન અને ડોક્સ કરવાના કેસમાં પૂછપરછ કરી હતી.

  દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે કથિત ફેક્ટ-ચેકર મોહમ્મદ ઝુબૈરને 13 મેના રોજ તેની સામે ઉત્પીડનના કેસમાં નોંધાયેલા કેસમાં પૂછપરછ કરવા માટે બોલાવ્યો હતો. દિલ્હી પોલીસે આ મામલે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે ઝુબેરની પૂછપરછ કરી હતી.

  ગત 7 ઓગસ્ટના રોજ મોહમ્મદ ઝુબેરે ટ્વિટર યુઝર જગદીશ સિંહ સાથે ઓનલાઈન ઝઘડો કર્યો હતો. AltNews કો-ફાઉન્ડરે આ સોશિયલ મીડિયા યુઝર સાથેની તેમની ટ્વિટર લડાઈમાં એક સગીર છોકરીને નિશાન બનાવી હતી. યુઝરને સીધો જવાબ આપવાને બદલે, ઝુબૈરે બેશરમીથી યુઝર જગદીશ સિંહના પ્રોફાઈલ પિક્ચરમાં દેખાતી એક સગીર છોકરીનો ઉલ્લેખ કર્યો હતો, જે કદાચ તેની પૌત્રી છે.

  ઝુબૈરે ફોટામાં દેખાતી સગીર છોકરીને હાઇલાઇટ કર્યા પછી, ઇસ્લામવાદીઓએ છોકરીને બળાત્કારની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. ઝુબૈરની ટ્વીટની સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ભારે ટીકા હેઠળ આવી હતી જેમણે તેના પર આરોપ લગાવ્યો હતો કે તેણે ટીકાકાર પર વળતો હુમલો ફરવા માટે બાળકનો નિર્લજ્જ ઉપયોગ કર્યો હતો.

  જ્યારે એક ટ્વિટર યુઝરે ઝુબૈર દ્વારા કરાયેલા હિંસક વર્તન વિશે ચેતવણી આપવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગને ટેગ કર્યું હતું, ત્યારે AltNewsના સહ-સ્થાપકએ તેને નકારી દીધું હતું, અને તેના ડોક્સિંગને યોગ્ય ઠેરવ્યું હતું જે સ્પષ્ટપણે સગીરના જીવનને જોખમમાં મુકતું હતું.

  બાળ અધિકાર પંચે આ બાબતની નોંધ લીધી હતી અને ‘ફેક્ટ-ચેકિંગ’ વેબસાઇટ AltNewsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી, જેણે પોતાના વેરિફાઈડ હેન્ડલ @zoo_bear પરથી ટ્વીટ કર્યું હતું. NCPCRના વડા પ્રિયંક કાનૂન્ગોએ પણ ટ્વિટર ઇન્ડિયા અને સંબંધિત કાયદા અમલીકરણ અધિકારીઓને ટ્વિટ વિશે જાણ કરી હતી અને યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.

  ત્યારબાદ, ટ્વિટર યુઝર સાથે દલીલ કરતી વખતે એક છોકરીની ઓનલાઈન ઉત્પીડન માટે મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રથમ એફઆઈઆરમાં, કડક પોક્સો એક્ટ ઉમેરવામાં આવ્યો ન હતો. જો કે, છત્તીસગઢમાં ઝુબૈર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બીજી FIRમાં, IPC અને IT એક્ટની સંબંધિત કલમો સાથે, POCSO એક્ટ પણ લાગુ કરવામાં આવ્યો હતો.

  જોકે, છત્તીસગઢ હાઈકોર્ટે Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરને IPC કલમ 509B, IT એક્ટ કલમ 67 અને POCSO એક્ટ હેઠળ તેમની સામે દાખલ કરવામાં આવેલી FIR રદ કરવાની તેમની અરજી પર સુનાવણી કરતી વખતે તેમને વચગાળાનું રક્ષણ આપ્યું હતું.

  જ્ઞાનવાપી સરવે: કાર્ટૂન સ્વરૂપે ગુજરાતી સમાચાર પત્રએ પોતાનો હિન્દુદ્વેષ ઠાલવ્યો, ઘણા ઇસ્લામવાદીઓએ પણ શિવલિંગના બહાને ભગવાન શિવનું કર્યું અપમાન

  વારાણસીમાં જ્ઞાનવાપી સરવેમાં જે તથ્યો સામે આવ્યા છે એ હજુ ઘણા લોકોથી પચન નથી થઈ રહ્યા. અને એમાય જ્યારથી સ્થાનિક કોર્ટ દ્વારા શિવલિંગ છે એ સ્થાનને સંરક્ષણમાં લેવાયું છે ત્યારથી આ લોકો શિવલિંગને અપમાનિત કરવામાં પાછા નથી પડી રહ્યા. આવા જ એક પ્રયાસમાં ગુજરાતનાં એક અગ્રણી સમાચાર પત્રએ પણ ગેસના ભાવના બહાને શિવલિંગ અને ભગવાન શિવનું અપમાન કરવાની ચેષ્ટા કરી છે.

  ગુજરાતનાં જાણીતા સંદેશ નામના સમાચારપત્રએ પોતાની આજની પ્રતમાં એક કાર્ટૂન છાપ્યું છે. જેમાં એક ગેસનો બાટલો દર્શાવ્યો છે અને પાછળ એ બાટલાના પડછાયામાં શિવલિંગ જેવી આકૃતિ બતાવી છે. જેની સામે 2 લોકોને વાંકા વળીને પગે લાગતાં દર્શાવ્યા છે. આ કાર્ટૂન દ્વારા સંદેશે મોંધવારી અને ધર્મ એમ બે તદ્દન જુદા વિષયોને જોડીને ભગવાન શિવનું અપમાન કરવાનો પ્રયાશ કર્યો છે.

  આ કાર્ટૂન જોઈને હિન્દુઓમાં ખૂબ રોષની લાગણી જોવા મળી હતી. ઘણા લોકોએ ટ્વિટર પર સંદેશને ટાંકીને પોતાનો રોષ ઠાલવ્યો પણ હતો.

  ટ્વિટર પર @hiren_pithadiya નામના એક વ્યક્તિએ સંદેશનું આ કાર્ટૂન મૂકીને પોતાનો રોષ દર્શાવ્યો હતો. તેમણે સંદેશને ટેગ કરીને પૂછ્યું હતું કે તેઓ શું સાબિત કરવા માંગે છે?

  અન્ય એક યુઝર @PatelViral એ આ ટ્વિટ પર ટિપ્પણી કરતાં લખ્યું કે “દયનીય….. આ બંને કેવી રીતે સંબંધિત છે?… સંપૂર્ણ રીતે અપમાનજનક અને અસ્વીકાર્ય. સંદેશે માફી માંગવી જોઈએ.”

  એક મહિલા ટ્વિટર યુઝર @shraddha_shah27 એ લખ્યું કે આ જાણી જોઈને કરવામાં આવેલ હરકત છે. “જ્યારે પરિસ્થિતી ઊંધી હોય છે (બીજા ધર્મની વાત હોય) ત્યારે તો આ જ લોકો રડવા લાગે છે.”

  આમ સંદેશ સમાચાર પત્રની આ હરકતે હિન્દુઓની ધાર્મિક ભાવનાને આહટ કરી હોય એવું સાફ સાફ વર્તાઇ આવ્યું. અઢળક લોકોએ સંદેશ તરફથી માફીની માંગ પણ કરી છે અને એમ પણ કહ્યું છે કે હિન્દુ સિવાય અન્ય કોઈ પણ ધર્મ વિષે આવું લખવા કે દર્શાવવાની કોઇની હિંમત નથી ચાલતી હોતી.

  દેશભરમાં ભગવાન શિવનું અપમાન કરતાં હિંદુદ્વેષીઓ ઉઘાડા પડ્યા હતા

  આ સિવાય પણ દેશભરમાં કેટલાય હિન્દુદ્વેષીઓએ છેલ્લા 2 દિવસમાં અનેક વાર અનેક જગ્યાએ પવિત્ર શિવલિંગ અને ભગવાન શિવનું અપમાન કર્યું છે. જેમથી ઘણા કિસ્સાઓમાં કાર્યવાહી થઈ છે જ્યારે કેટલાય કિસ્સાઓમાં કાર્યવાહી થવાની બાકી છે.

  આવી જ એક ઘટનામાં ઉત્તરપ્રદેશમાં સમજવાદી પાર્ટીના નેતા મોહસીન અંસારીએ શિવલિંગની સરખામણી લીચીના ઠળિયા સાથે કરીને ફેસબુક પર સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. પોસ્ટ વાઇરલ થતાં યુપી પોલીસ દ્વારા અંસારીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

  મંગળવારે (17 મે 2022) ગુજરાતનાં જ એક AIMIM નેતા દાનિશ કુરેશીએ પણ શિવલિંગ પર અભદ્ર ટિપ્પણી કરીને ભગવાન શિવનું અપમાન કર્યું હતું. બાદમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવતા અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે કુરેશીના ઘરે જઈને એની ધરપકડ કરી હતી.

  પોતાને કોંગ્રેસના ગુજરાત સ્ટેટ કો-ઓર્ડીનેટર ગણાવતા અફઝલ લાખાણીએ પણ થાળી અને પ્યાલાનો ફોટો મુકીને તેને શિવલિંગ સાથે સરખાવીને હિંદુઓની લાગણીઓનું અપમાન કરતી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી. જેની સામે પણ સખત વિરોધનું વંટોળ ઉભો થયો છે.

  આમ, સોશિયલ મીડિયા પર ઘણા ઇસ્લામવાદીઓ દ્વારા પોતાના હિન્દુદ્વેષને વશ થઈને શિવલિંગના બહાને ભગવાન શિવનું અપમાન કરવામાં આવ્યું હતું.