Friday, April 26, 2024
More
    હોમપેજમંતવ્યવિરાટ કોહલી વામન બને એ પહેલાં તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું શા માટે...

    વિરાટ કોહલી વામન બને એ પહેલાં તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું શા માટે જરૂરી?; કપિલ, ગાવસ્કર અને અન્યો ખોટાં નથી

    છેલ્લા બે થી અઢી વર્ષથી પૂર્વ ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી ફોર્મમાં નથી. આથી તેની પાસે હવે ફોર્મમાં પરત આવવા માટે અમુક જ વિકલ્પો હાથવગાં છે.

    - Advertisement -

    દરેક ક્રિકેટર, ચાલો ક્રિકેટર છોડો, દરેક સ્પોર્ટ્સમેન કોઈને કોઈ સમયે ખરાબ ફોર્મમાંથી જરૂર પસાર થતો હોય છે.  જેમ આપણે સામાન્ય જીવનમાં પણ કહેતાં હોઈએ છીએ કે દરેકનો એક દાયકો ખરાબ જતો જ હોય છે. આજ રીતે વિરાટ કોહલી પણ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. ક્રિકેટ ફેન તરીકે આપણે એને જેટલો સપોર્ટ કરીએ એટલું ઓછું જ કહેવાય, અને કરી પણ રહ્યા છીએ પરંતુ અત્યારે એવા સ્થાન પર વિરાટ પહોંચી ગયો છે કે એણે ખુદે વિચારવું પડશે કે છેવટે એણે કરવું છે શું.

    એવું નથી કે વિરાટ કોહલી જેવું ખરાબ ફોર્મ કોઈનું નથી થયું. ભારતમાં સુનિલ ગાવસ્કરથી માંડીને સચિન તેંદુલકર, મહેન્દ્ર સિંઘ ધોની અને હવે વિરાટ કોહલી તમામ અત્યંત ખરાબ ફોર્મમાંથી પસાર થઇ ચુક્યા છે, પરંતુ સચિન, ધોની અને કોહલીની જેમ સોશિયલ મિડિયા અને મિડિયા આ બંનેના દબાણ હેઠળ બહુ ઓછા પસાર થયા છે. આ ઉપરાંત ગાવસ્કર અને કપિલની પેઢીને ટેસ્ટ અને વનડેથી વધુ રમવાનું ન હતું. ટેસ્ટ અને વનડે પણ આજની જેમ આટલી મોટી સંખ્યામાં નહોતી રમાતી.

    જ્યારે આજે ક્રિકેટ ફેન્સ અને સ્પોર્ટ્સ જર્નાલીસ્ટ્સ સતત જે-તે સમયના ‘મહાન’ ક્રિકેટર પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને તેમની દરેક મેચ બાદ પોતાનું વિશ્લેષણ આપતા રહ્યા છે. દરેક ભારતીય ક્રિકેટર આ વિશ્લેષણ પર નજર નાખતો હશે કે કેમ એ પ્રશ્ન છે પરંતુ ક્યાંકથી એને આ બાબતે સમાચાર તો જરૂર મળી જતા હોય છે. બીજું, આપણે ભારતીયો દરેક સારા બેટર પાસેથી દરેક મેચમાં સેન્ચુરી અને દરેક સારા બોલર પાસેથી દરેક મેચમાં પાંચ વિકેટની અપેક્ષા હંમેશ રાખતા હોઈએ છીએ. આથી આમાં થોડો નબળો દેખાવ થાય એટલે આપણને લાગે છે કે આ બેટર કે આ બોલર ફોર્મમાં નથી.

    - Advertisement -

    આ તો થઇ ફેન્સની અને મિડીયાની વાત, પરંતુ જે ક્રિકેટર લાંબા સમય સુધી ક્રિકેટ રમ્યો હોય તેને તો જાતે જ ખ્યાલ આવી જતો હોય છે કે ભૂલ ક્યાં થાય છે અને એ ભૂલ સુધારવાના તમામ પ્રયાસો પણ કરતો હોય છે. તેમ છતાં જ્યારે ‘મહાન’ ક્રિકેટર ખરેખર આઉટ ઓફ ફોર્મ થઇ જાય ત્યારે તેના વિષે એક નહીં અનેક હકીકતો (એટલેકે ભૂલો) સામે આવે છે જેને કદાચ એ ક્રિકેટર ખુદ અથવાતો બોર્ડ અથવાતો સિલેક્ટર્સ અથવાતો તમામ અવગણવાનું શરુ કરી દેતા હોય છે, એમ વિચારીને કે બસ એક મેચ સારી રમાશે એટલે બધું જ ઠીક થઇ જશે કારણકે આ ઓલરેડી મહાન ખેલાડી છે.

    પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ અત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા એક કે બે નહીં પરંતુ ત્રણ વર્ષથી વિરાટ કોહલીએ જાણેકે ફોર્મમાં આવવાનું જ નથી એવો નિર્ણય કરી લીધો હોય એવું લાગે છે. જ્યારે પણ કોઈ ખેલાડીના ખરાબ ફોર્મની શરૂઆત થાય ત્યારે એમ લાગે કે અરે હમણાં ચાર કે પાંચ મેચ પહેલા તો બધું બરોબર હતું આ કામચલાઉ પરિસ્થિતિ છે અને જલ્દીથી એ રન બનાવવા લાગશે.

    ધીરેધીરે ઓછા રન કરવાવાળી મેચોની સંખ્યા વધતી જાય છે અને ખેલાડી પર મિડિયા અને સોશિયલ મિડિયા ઉપરાંત ખુદનું દબાણ પણ વધતું જાય છે. કદાચ આવી પરિસ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ, બોર્ડ કે સિલેક્ટર્સ વધુ દબાણ નહીં કરતા હોય પરંતુ જેમ અગાઉ વાત કરી તેમ મહાન ખેલાડીઓ પોતે જાણતા જ હોય છે કે જે થઇ રહ્યું છે એ બરોબર નથી થઇ રહ્યું અને મારે હવે ફોર્મમાં પરત આવવું જ પડશે. ટૂંકમાં કહીએ તો આ દબાણ પણ ખૂબ ભારે થતું જતું હોય છે અને છેવટે રન બનવા સાવ બંધ થઇ જાય છે અથવાતો નહીવત થઇ જાય છે.

    અગાઉ જણાવ્યું તેમ ફક્ત સેન્ચુરી ન કરવી એને જ ફોર્મમાં ન હોવું ન ગણી શકાય, પરંતુ સાતત્ય વિહોણો દેખાવ કોઇપણ ક્રિકેટર ફોર્મમાં નથી એ દર્શાવતું હોય છે. વિરાટ કોહલીએ બે-અઢી વર્ષથી એકપણ ફોર્મેટમાં સેન્ચુરી નથી કરી એટલે એ ફોર્મમાં નથી એમ ન કહી શકાય પણ દર ત્રીજી કે ચોથી ઇનિંગમાં 70-80 રન પણ નથી થતા એટલું જ નહીં હાફ સેન્ચુરી પણ નથી થઇ રહી એ તકલીફ છે. જો ખેલાડી ફોર્મમાં હોય તો એના રન્સ ઉપરાંત એ કેવી રીતે અને કેવા સંજોગોમાં આઉટ થાય છે એની પણ અવગણના થતી હોય છે.

    વિરાટ કોહલી સાથે તકલીફ અત્યારે એ છે કે એ લગભગ દરેક ઇનિંગમાં નવી નવી રીતે આઉટ થાય છે. આટલું જો ઓછું હોય એમ જે કેચ સામાન્ય રીતે ડ્રોપ થતા હોય છે એના એ કેચ પણ થઇ જાય છે એટલે નસીબ પણ તેની સાથે નથી. જેમ સુનિલ ગાવસ્કરે ગયા અઠવાડિયે વિરાટ કોહલીના ફોર્મ વિષે કહ્યું એમ વિરાટ કોહલીએ દરેક બોલ રમવાની જરૂર નથી. જ્યારે કોઈ બેટર ફોર્મમાં ન હોય ત્યારે તે દરેક બોલે રન કરવાની ઈચ્છા ધરાવતો હોય છે જેથી બને તેટલા રન વધુ બને અને તે ફોર્મમાં પરત આવી શકે, પરંતુ આ કરવા દરમ્યાન એ ઘણીવાર શોટ્સ વહેલા મારી દેતો હોય છે અને આઉટ થઈ જતો હોય છે.

    વિરાટ કોહલીને આઉટ કરવાની ચાવી જાણેકે દુનિયાના દરેક બોલર્સને મળી ગઈ હોય એવું લાગે છે. ફક્ત ટેસ્ટ કે વનડે જ નહીં પરંતુ આ વર્ષની આઈપીએલમાં પણ બોલરોએ વિરાટને સતત આઉટ સાઈડ ધ ઓફ સ્ટમ્પ બોલ નાખ્યા હતા અને એ આઉટ થતો રહ્યો હતો. ફક્ત ઓફ સ્ટમ્પની બહાર જ નહીં પરંતુ ઓફ સ્ટમ્પની ઘણી બહાર એટલેકે પાંચમાં છઠ્ઠા સ્ટમ્પ પર રહેલા બોલને પણ વિરાટ મારવાની કોશિશ કરતો જોવા મળ્યો છે અને આઉટ થઇ ગયો છે એવા તો અસંખ્ય દાખલા અને રિપ્લેઝ આપણને છેલ્લા ત્રણ વર્ષની ફૂટેજમાંથી મળી રહેશે.

    આ તમામ બાબતો વિરાટ કોહલી અત્યંત ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે એ સાબિત કરે છે. તો આનો ઉપાય શું વિરાટને ટીમમાંથી ડ્રોપ કરવાથી મળી જશે? આ પ્રશ્નનો જવાબ હા અને ના બંનેમાં મળે છે. ના એટલા માટે કારણકે ગમે તે હોય વિરાટ કોહલી ભારતને મળેલા કેટલાક મહાન બેટર્સમાંથી એક છે એટલે એનું સંપૂર્ણ સન્માન જાળવતા એને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું કહી શકાય અને ફોર્મમાં પરત આવે તો તેને ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા દેવામાં આવશે એવી બાંહેધરી આપી શકાય.

    અને હા એટલા માટે કારણકે વિરાટ જો એક ફોર્મેટમાં ફોર્મમાં ન હોત તો કોઈ વાંધો ન હતો પરંતુ તે ત્રણેય ફોર્મેટમાં ફોર્મવિહોણો છે એટલે એને ત્રણેય ફોર્મેટ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા દેવાનું કહી શકાય. આ કોઇપણ ખેલાડીનું અપમાન નથી. અપમાન ત્યારે કહેવાય જ્યારે દ્રવિડ-ચેપલ યુગમાં સૌરવ ગાંગુલીનું ભારતીય ક્રિકેટમાં રહેલા કદને ધ્યાનમાં લીધા વગર તેમને ડ્રોપ કરી દઈને તેમને અપમાનજનક પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા હતા. અહીં વિરાટ સાથે ખુદ બોર્ડ પ્રેસિડેન્ટ ગાંગુલી જે ખુદ આ પરિસ્થિતિમાંથી પસાર થઇ ચુક્યા છે એ સામે બેસીને વાત કરીને બોર્ડની ઈચ્છા તેને જણાવે એ વધુ યોગ્ય છે. મુખ્ય સિલેક્ટર ચેતન શર્મા પણ આમ કરી શકે છે.

    જો આમ ન કરવામાં આવે અને વિરાટ કોહલીને વધુને વધુ ચાન્સ મળતા રહે તો એની જગ્યા લેવા તત્પર એવા સુર્યકુમાર યાદવ કે પછી દિપક હુડા સાથે અન્યાય થશે. T20Iમાં તો આ બંનેને ફક્ત વિરાટ કોહલી જગ્યા રોકીને બેઠો છે એટલે તેમને દરેક મેચમાં રોટેટ કરવા પડે અને એ પણ જ્યારે વર્લ્ડકપ હવે 100થી પણ ઓછા દિવસ દૂર છે ત્યારે એ જરાય યોગ્ય નથી. આ પ્રકારનું નિવેદન થોડા સમય પહેલા કપિલ દેવે પણ આપ્યું છે.

    આજે જ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પણ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “સૌરવ, સહેવાગ, યુવરાજ આ તમામે ડોમેસ્ટિક ક્રિકેટમાં જઈને પોતાનું ફોર્મ પરત મેળવ્યું છે તો વિરાટ કેમ નહીં?” આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહાન બની ગયા પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા જવું પડે તેનાથી કોઈ નાનું નથી થઇ જતું. ડોમેસ્ટિક ક્રિકેટ એ કોઇપણ ક્રિકેટરનું મૂળિયું છે અને એ રીતે જો મૂળ તરફ પાછા જવાથી ફોર્મમાં પરત અવાતું હોય તો કોઇપણ ક્રિકેટરને વાંધો ન હોવો જોઈએ અને આપણી પાસે અગાઉના આ રીતે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમીને સફળ થયેલા બેટર્સના દાખલા છે જ અને વિરાટ કોહલી પણ આ હકીકત જાણે જ છે.  

    ફરીથી કહીએ તો વાંક વિરાટ કોહલી સેન્ચુરીઓ નથી બનાવતો એ નથી, પરંતુ સાતત્યપૂર્ણ દેખાવ નથી કરી રહ્યો એની તકલીફ છે. છેલ્લા એક વર્ષમાં વિરાટ કોહલીને ત્રણેય ફોર્મેટના આંકડા જોઈએ તો..,

    ટેસ્ટમાં તેણે 10 મેચમાં 29.27ની એવરેજે 527 રન કર્યા છે, જ્યારે વિરાટની કેરિયર ટેસ્ટ એવરેજ 49.53ની છે. વનડેમાં વિરાટ કોહલીએ આ સમયગાળામાં કુલ 6 મેચ રમી છે અને 23.66ની એવરેજે કુલ 145 રન કર્યા છે અને તેની કેરિયર એવરેજ આ ફોર્મેટમાં 58.07ની રહી છે. T20Iમાં વિરાટે એક વર્ષમાં 9 મેચમાં 24.83ની એવરેજે 149 રન કર્યા છે જ્યારે આ ફોર્મેટમાં તે સામાન્ય રીતે 50.12ની એવરેજે રન કરતો હોય છે.

    આ એક વર્ષમાં વિરાટ કોહલીના હાઈએસ્ટ સ્કોર્સ આ મુજબ છે.

    ટેસ્ટ: 79

    વનડે: 65

    T20I: 57 આ તમામ આંકડાઓ દર્શાવે છે કે વિરાટ કોહલીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં પરત થવું જોઈએ કારણકે તેમ કરવાથી તે વગર કોઈ દબાણે પોતાની ટેક્નિકલ ભૂલો સુધારી શકશે અને ફોર્મમાં પરત થશે તો છેવટે એના માટે અને ટીમ ઇન્ડિયા માટે જ સારું રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં