Friday, November 15, 2024
More
    Home Blog Page 1166

    ઇન્દિરા ગાંધીએ શ્રીલંકાને ભેટમાં આપી દીધો હતો દ્વીપ, હવે પરત લેવાની માંગ; જાણો ભારત માટે કેમ મહત્વનો

    પાડોશી દેશ શ્રીલંકા હાલ સંકટમાં છે. આમ તો ભારત અને શ્રીલંકાના સબંધો સદીઓ જૂના છે પરંતુ હાલ એક એવા ટાપુની ચર્ચા થઇ રહી છે જેને ભારતે શ્રીલંકાને ભેટ સ્વરૂપે આપ્યો હતો. પરંતુ આ દ્વીપ ઘણી સમસ્યાઓનું કારણ બની ગયો છે અને હવે તેને પરત લેવા માટેની માંગ ઉઠી છે. ભારતે શ્રીલંકાને ભેટમાં આપેલા આ ટાપુનું નામ કચ્ચાતીવુ છે. જે ભારતના રામેશ્વરમ પાસે બંને દેશોની સરહદ વચ્ચે આવેલો છે. પરંપરાગત રીતે તમિલનાડુ અને શ્રીલંકાના તમિલ માછીમારો તેનો ઉપયોગ કરતા આવ્યા છે. વર્ષ 1974 માં તત્કાલીન ભારતીય વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ એક સમજૂતીના ભાગરૂપે આ દ્વીપ શ્રીલંકાને આપી દીધો હતો.

    1974 માં ઇન્દિરા ગાંધીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ શ્રીમાવો ભંડારનાયકે સાથે એક સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા અને ત્યારથી ટાપુ શ્રીલંકાના કબજે થઇ ગયો હતો. કચ્ચાતીવુ દ્વીપ શ્રીલંકાને અપાયાના થોડાં વર્ષોમાં જ ભારતમાં આ ટાપુ પરત લેવાની માંગ શરૂ થઇ ગઈ હતી. વર્ષ 1991 માં તમિલનાડુ વિધાનસભાએ એક પ્રસ્તાવ પારિત કર્યો હતો અને દ્વીપ પરત લેવાની માંગ કરી હતી. જે બાદ વર્ષ 2008 માં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તમિલનાડુનાં તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાએ સુપ્રીમ કોર્ટમાં આ મામલાને પડકારી આ દ્વીપને લઈને થયેલ સમજૂતી અમાન્ય ઠેરવવાની અપીલ કરી હતી.

    કચ્ચાતીવુ દ્વીપ સમુદ્રકિનારેથી દૂર આવેલ એક નિર્જન ટાપુ છે. 14મી સદીમાં થયેલા એક જ્વાળામુખી વિસ્ફોટ બાદ દ્વીપ બન્યો હોવાનું જાણવા મળે છે. બ્રિટીશ શાસન દરમિયાન આ દ્વીપનો ઉપયોગ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરતા હતા. 1921 માં બંને દેશોએ દ્વીપ પર દાવો કર્યા બાદ વિવાદ વણઉકેલ્યો રહ્યો હતો.

    તસવીર સાભાર : The times of Update

    દરમ્યાન, બંને દેશોના માછીમારો એકબીજાના જળવિસ્તારમાંથી માછલી પકડવાનું કામ કરતા રહ્યા હતા પરંતુ વર્ષ 1974-76 માં બંને દેશોએ સમુદ્રી સીમા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ત્યારે બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા નક્કી કરવામાં આવી.

    આ સમજૂતી બાદ ભારતીય માછીમારોને માત્ર દ્વીપ પર આરામ કરવા, નેટ સૂકવવા અને વાર્ષિક સેન્ટ એન્થોની ફેસ્ટીવલ માટે જ જવાની પરવાનગી આપવામાં આવતી હતી. તેમને દ્વીપ પર માછલી પકડવાની અનુમતિ ન હતી. જોકે, ત્યારબાદ પણ ભારતીય માછીમારો માછલી પકડવા માટે શ્રીલંકાની સમુદ્રસીમામાં જતા રહેતા હતા.

    થોડાં વર્ષો સામાન્ય પરિસ્થિતિ રહ્યા બાદ વર્ષ 2009 માં શ્રીલંકાએ સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો કરી દીધો. જેનો ઉદ્દેશ્ય એ હતો કે તમિલ વિદ્રોહી તેમના દેશમાં પરત ન જઈ શકે. 2010 માં યુદ્ધ ખતમ થયા બાદ શ્રીલંકન માછીમારો આ ક્ષેત્રમાં ફરી આવવા લાગ્યા અને દ્વીપ પર દાવો ઠોકી દીધો હતો.

    આ વર્ષની શરૂઆતમાં જ રામેશ્વરમના માછીમારો પર કચ્ચાતીવુ ટાપુ નજીક શ્રીલંકન નેવી દ્વારા હુમલો થવાની ઘટના બની હતી. માછીમારોએ જણાવ્યું હતું કે તેઓ આ ક્ષેત્રમાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે શ્રીલંકન નેવીની પેટ્રોલ બોટ દ્વારા તેમની ઉપર જાણીજોઈને હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેમની એક બોટ નાશ પામી હતી અને માછીમારો સમુદ્રમાં પડી ગયા હતા. જોકે, તેમના સાથી માછીમારોએ તેમને બચાવી લીધા હતા.

    આવી અનેક ઘટનાઓ બાદ કચ્ચાતીવુ દ્વીપ ફરીથી મેળવવા માટેની માંગ શરૂ થઇ ગઈ છે. તમિલનાડુ સરકારે કહ્યું કે, કચ્ચાતીવુ દ્વીપ પર ફરીથી ભારતનું સાર્વભૌમત્વ પુનઃસ્થાપિત કરવું એ જ આ કાયમી સમસ્યાનો ઉકેલ હશે. તમિલનાડુના મુખ્યમંત્રીએ ગત વર્ષે જૂન મહિનામાં તેમજ આ વર્ષે એપ્રિલ મહિનામાં પીએમ મોદીને મળીને કચ્ચાતીવુ ટાપુ પુનઃ કબજે કરવા સંદર્ભે બે મેમોરેન્ડમ સુપરત કર્યા હતા. જેમાં તમિલનાડુના માછીમારોને થતાં નુકસાન અને સમસ્યાઓની વાત કરવામાં આવી હતી.

    વિદેશ મંત્રાલયની વેબસાઈટ અનુસાર, ભારત અને શ્રીલંકા વચ્ચે વર્ષ 1974 અને 1976 માં થયેલ સમજૂતી હેઠળ આ દ્વીપ શ્રીલંકાના હિસ્સામાં આવે છે. આ મામલે હાલ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. શ્રીલંકાએ ભારતીયોને કોઈ પણ વિઝા વગર ધાર્મિક કારણોસર આ દ્વીપ પર આવવાની મંજૂરી આપી છે.

    ભરૂચ ધર્માંતરણ કેસમાં વધુ ચાર આરોપીઓ પકડાયા : અબ્દુલ, શબ્બીર, હસન અને ઈસ્માઈલની ધરપકડ

    ભરૂચ જિલ્લાના કાંકરિયા ગામના બહુચર્ચિત ધર્માંતરણ કેસ મામલે પોલીસે વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ વિરુદ્ધ આદિવાસીઓને પૈસા, કપડાં, દવા વગેરેની લાલચ આપી ધર્માંતરણ કરાવવાનો આરોપ લાગ્યો છે. આ ચાર આરોપીઓની ધરપકડ સાથે આ ભરૂચ ધર્માંતરણ કેસ મામલે પકડાયેલા લોકોની કુલ સંખ્યા 14 પર પહોંચી છે.

    પકડાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલ સમદ દાઉદ પટેલ, શાબિર ઉર્ફે શબ્બીર દાઉદ પટેલ, હસન ઈસા ઇબ્રાહિમ પટેલ અને ઈસ્માઈલ યાકુબ મુસા પટેલ ડેલાવાલા તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું હતું કે આ તમામના 14 દિવસના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    બીજી તરફ, ભરૂચ ધર્માંતરણ કેસ મામલે પકડાયેલા આઠ આરોપીઓની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી આ કેસને લગતાં કેટલાંક તથ્યો રજૂ કરીને આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ધર્મ પરિવર્તન કરાવનારા આરોપીઓ સામે કેસ લડતા પબ્લિક પ્રોસીકયુટરને ધમકીભર્યા ફોન કરવામાં આવી રહ્યા હોવાની વિગતો પણ સામે આવી હતી. જે બાદ તેમને પોલીસ રક્ષણ આપવા માટેની માંગ કરવામાં આવી છે.

    સરકારે કોર્ટ સમક્ષ મૂકેલી વિગતો અનુસાર, ધર્મ પરિવર્તન કરાવવા માટે અલગ-અલગ દેશોમાંથી 89 લાખ રૂપિયા જેટલું ફંડ મૌલવીને આપવામાં આવ્યું હતું. ઉપરાંત, અનાજ, ઘરવખરી, ફર્નિચર અને રોકડ વગેરેના પ્રલોભનો પણ અપાયાં હોવાના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ ધર્મ પરિવર્તન બાદ ફરીથી હિંદુ ધર્મમાં ઘરવાપસી કરવાની ઈચ્છા વ્યક્ત કરનારાઓને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હોવાનું પણ ખુલ્યું હતું.

    આ કેસ વર્ષ 2021 માં સામે આવ્યો હતો. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કાંકરિયા ગામમાંથી પ્રવીણ વસાવા નામના વ્યક્તિએ હિંદુ આદિવાસીઓના ગેરકાયદે ધર્માંતરણ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ આમોદ પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના ખંડ 4 અને આઈપીસીની ધારા 120 (b), 153 (b) અને 506 (2) હેઠળ કેસ દાખલ કર્યો હતો.

    પ્રાપ્ત વિગતો અનુસાર, ઇસ્લામ અપનાવવા માટે આદિવાસીઓને ઘર અને રોકડા પૈસા વગેરેની લાલચ આપવામાં આવી હતી. આ કેસમાં 37 પરિવારના કુલ 100 થી વધુ લોકોએ ગેરકાયદે ધર્મપરિવર્તન કર્યું હોવાની વિગતો સામે આવી હતી. તેમજ આ માટે ભરૂચ જિલ્લા કલેક્ટર પાસેથી કોઈ પરવાનગી પણ લેવામાં આવી ન હતી. તેમજ ધર્મ પરિવર્તન માટે વિદેશથી ફન્ડિંગ પણ થયું હોવાનું ખૂલ્યું હતું.

    આ પહેલાં, ભરૂચ પોલીસે કાર્યવાહી કરતાં 10 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમને વિદેશમાંથી 14 લાખ રૂપિયા ફન્ડિંગ સ્વરૂપે મળ્યા હતા અને જેમાંથી 7 લાખ રૂપિયા બહરીનના ઈસ્માઈલ નામના વ્યક્તિ પાસેથી આવ્યા હતા.

    એ પણ નોંધવું જોઈએ કે, ગત ચોથી એપ્રિલના રોજ ધર્માંતરણ કેસમાં પકડાયેલા અબ્દુલ વહાબ મહમૂદ નામના એક ઇસ્લામી મૌલવીના આગોતરા જામીન ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધા હતા. આરોપી મહમૂદે ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે નવેમ્બરમાં નોંધાયેલી એક એફઆઈઆર મામલે આગોતરા જામીન માગ્યા હતા.

    ન્યાય વ્યવસ્થા સરળ બનાવવાની જરૂર, કોર્ટની કાર્યવાહી સ્થાનિક ભાષાઓમાં થાય તે જરૂરી : પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (30 એપ્રિલ 2022) રાજધાની દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોના સંયુક્ત સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કર્યું હતું. સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત, ચીફ જસ્ટિસ એન,વી રમન્ના, કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના ન્યાયાધીશો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર ઉપસ્થિત રહ્યા હતા.

    વડાપ્રધાને કહ્યું કે, આપણા દેશમાં એક તરફ જ્યાં ન્યાયતંત્રની ભૂમિકા સંરક્ષકની છે તો બીજી તરફ ધારાસભા નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મને વિશ્વાસ છે કે બંધારણની આ ધારાઓનો આ સંગમ દેશમાં પ્રભાવી અને સમયબદ્ધ ન્યાય વ્યવસ્થાનો રોડમેપ તૈયાર કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધનમાં ન્યાયતંત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ, ઝડપી ન્યાય વ્યવસ્થા તેમજ સ્થાનિક ભાષામાં ન્યાયતંત્રની કાર્યવાહી જેવા અનેક મુદ્દે બોલ્યા હતા.

    વડાપ્રધાને કહ્યું, આજે આખી દુનિયામાં નાગરિકોના અધિકારીઓ માટે અને તેમના સશક્તિકરણ માટે ટેકનોલોજી એક અગત્યનું સાધન બની રહી છે. ભારત સરકાર પણ ન્યાયતંત્રમાં ટેકનોલોજીની સંભાવનાઓને ડિજીટલ ઇન્ડિયા મિશનનો એક જરૂરી ભાગ માને છે. તેમણે કહ્યું કે, અમે ન્યાય વ્યવસ્થામાં સુધારા માટેના તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યા છીએ અને પાયાના માળખામાં સુધારો થાય તે માટે કામ કરી રહ્યા છીએ.

    પીએમએ કહ્યું, કેટલાંક વર્ષો પહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન આપણા દેશમાં અશક્ય માનવામાં આવી રહ્યું હતું. પરંતુ આજે નાનાં ગામડાંઓમાં પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સામાન્ય વાત બની ગઈ છે. આખા વિશ્વમાં ગયા વર્ષે જેટલાં ડિજીટલ ટ્રાન્ઝેક્શન થયાં તેમાંથી ચાળીસ ટકા ડિજીટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થયા છે. સરકાર સબંધિત સેવાઓ માટે પહેલાં નાગરિકોએ કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા તે હવે મોબાઈલ પર જ મળી રહી છે.

    આ ઉપરાંત, વડાપ્રધાને ન્યાય જનતાની ભાષામાં હોવો જોઈએ તે બાબત પર ભાર મૂકતા કહ્યું હતું કે, “આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ‘ન્યાયમૂલં સુરાજ્યમ્ સ્યાત.’ અર્થાત કોઈ પણ દેશમાં સુશાસનનો આધાર ન્યાય હોય છે અને તેથી ન્યાય જનતા સાથે જોડાયેલો અને જનતાની ભાષામાં હોવો જોઈએ. જ્યાં સુધી ન્યાયના આધારને સામાન્ય માણસ ન સમજી શકે ત્યાં સુધી ન્યાય અને રાજકીય આદેશોમાં બહુ ફેર રહેતો નથી.

    પીએમએ ઉમેર્યું, દુનિયાના ઘણા દેશો એવા છે જ્યાં કાયદાઓ બને છે ત્યારે એક કાયદાકીય ભાષામાં તેનું સ્વરૂપ હોય છે અને બીજું સ્વરૂપ લોકભાષામાં, સામાન્ય માણસની ભાષામાં હોય છે. બંને માન્ય હોય છે અને તેના કારણે સામાન્ય માણસને કાનૂની બાબતો સમજવા માટે ન્યાયતંત્ર પાસે જવાની જરૂર નથી પડતી. આપણા દેશમાં પણ કાયદાની એક કાનૂની ભાષા હોય અને તેની સાથે સાથે એ જ બાબત સામાન્ય માણસને સમજ પડે તેવી ભાષામાં પણ તેનું સ્વરૂપ તૈયાર થાય અને બંને લોકસભા કે વિધાનસભામાં પારિત થાય જેથી સામાન્ય માણસ તેના આધારે પોતાનો પક્ષ મૂકી શકે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ.

    પીએમએ કહ્યું, મોટાભાગના લોકોને ન્યાયિક પ્રક્રિયાથી લઈને નિર્ણયો સમજવા કઠિન થઇ પડે છે. આપણે આ વ્યવસ્થા સરળ અને સામાન્ય જનતા માટે ગ્રાહ્ય બનાવવાની જરૂર છે. કોર્ટમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે. જેનાથી દેશના સામાન્ય નાગરિકોને ન્યાયતંત્રમાં વિશ્વાસ વધશે અને તેઓ એક જોડાણ અનુભવશે.

    અફઘાનિસ્તાન : કાબુલ નજીક મસ્જિદમાં ફરી બોમ્બ બ્લાસ્ટ, ત્રીસ લોકોનાં મોતની પુષ્ટિ, અનેક ઈજાગ્રસ્ત

    અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની એક મસ્જિદમાં બે બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ત્રીસ લોકો માર્યા ગયાના સમાચાર છે. આ ઘટના શુક્રવારે (29 એપ્રિલ 2022) બની હતી. વિસ્ફોટમાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તો બીજી તરફ અફઘાનિસ્તાન બોમ્બ બ્લાસ્ટ ઘટનામાં મૃતકોનો જે આંકડો જાહેર કરવામાં આવ્યો છે તેનાથી પણ વધુ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે.

    કાબુલમાં વિસ્ફોટ ( ફોટો સાભાર – AFP )

    તાલિબાન સરકારના અધિકારીઓએ એક વિસ્ફોટમાં 20 અને બીજા વિસ્ફોટમાં 10 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનના આંતરિક મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે કાબુલ પાસેના એક જિલ્લામાં આવેલ મસ્જિદમાં બ્લાસ્ટ થયો. જેમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા છે. હુમલાખોર પણ માર્યો ગયો છે. ઈજાગ્રસ્તો વિશે હજુ સુધી જાણકારી મળી શકી નથી.

    બીજો વિસ્ફોટ, કાબુલના દારૂલ અમન વિસ્તારમાં એક ઘટમાં થયો હતો. અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી ટોલો ન્યૂઝ અનુસાર, તેમાં 10 લોકો માર્યા ગયાના સમાચાર છે. આ હુમલામાં અન્ય 20 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી.

    અફઘાનિસ્તાનના કાબુલ નજીક આવેલા સારાય ઉલાઉદ્દીનની એક સુન્ની મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો નમાઝ પઢવા માટે એકઠા થયા હતા. તે દરમિયાન અચાનક વિસ્ફોટ થયો હતો. જોકે, હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી.

    મસ્જિદના મૌલવીએ જણાવ્યું કે, “નમાઝ દરમિયાન ભેગા થયેલા લોકોમાં સ્યુસાઈડ બોમ્બર પણ ઘૂસી ગયો હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે, બ્લાસ્ટ થયો અને ચારેતરફ કાળો ધુમાડો ફરી વળ્યો હતો. જ્યાં જુઓ ત્યાં લાશો પડી હતી.” બ્લાસ્ટમાં તેમના ભત્રીજાઓ પણ માર્યા ગયા હોવાનું જણાવીને તેમણે ઉમેર્યું કે, હું ગમે તેમ કરીને બચી શક્યો પણ મારા ભત્રીજાઓને ન બચાવી શક્યો.”

    ઉલ્લેખનીય છે કે ગુરુવારે (28 એપ્રિલ 2022) અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફ વિસ્તારમાં બે અલગ-અલગ વિસ્ફોટમાં 11 લોકો માર્યા ગયા હતા. તેમજ 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બ્લાસ્ટ એક બસમાં થયો હતો, જેમાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. આ અફઘાનિસ્તાન બોમ્બ બ્લાસ્ટ હુમલાની જવાબદારી ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISISએ લીધી હતી.

    અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો મેળવી લીધા બાદ બોમ્બ બ્લાસ્ટ અને અન્ય આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ મહિનામાં અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ત્રણ બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ નોંધાઈ છે. આ પહેલાં 19 એપ્રિલે કબુલ નજીક આવેલ એક શાળામાં એકસાથે ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં છ લોકોનાં મોત થયાં હતાં જ્યારે દસથી વધુ લોકોને ઈજા પહોંચી હતી. શાળાનો સમય પૂર્ણ થવાનો હતો ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. જોકે, એ હુમલાની જવાબદારી પણ કોઈ આતંકી સંગઠને લીધી ન હતી.

    રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન સ્થિત ઈમરજન્સી હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું કે, માત્ર એપ્રિલ મહિનામાં જ તેમણે કાબુલમાં થયેલા વિવિધ બોમ્બ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લગભગ સો લોકોની સારવાર કરી છે. અહીં નોંધનીય છે કે આ મહિનામાં મુસ્લિમોનો પવિત્ર માસ રમઝાન પણ ચાલી રહ્યો છે, ત્યારે જ મસ્જિદો અને અન્ય સ્થળોએ થતા બોમ્બ બ્લાસ્ટની સંખ્યા પણ વધી છે.

    ‘આપ’નાં મહિલા નેતાને સાત વર્ષની જેલ : ભીડને ઉશ્કેરીને તોફાનો કરાવ્યા હતાં, મનિષ સિસોદિયાના સલાહકાર રહી ચૂક્યાં છે

    હરિયાણાના ગુરુગ્રામમાં શહેરી આવાસ પ્રાધિકરણની એક ટીમ પર પથ્થરમારો અને તોફાનો કરવાના કેસમાં આમ આદમી પાર્ટીનાં નેતા અને પૂર્વ સ્થાનિક કોર્પોરેટર નિશા સિંહ સહિત 10 મહિલાઓને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે. આ ઘટનામાં સામેલ અન્ય સાત ગુનેગારોને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ઉપરાંત કોર્ટે ગુનેગારોને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

    એડિશનલ સેશન જજ મોના સિંહની કોર્ટે ગુરુવારે (28 એપ્રિલ 2022) આ સજા પરનો નિર્ણય સંભળાવ્યો હતો. પોલીસ રેકોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે 15 મે 2015 ના દિવસે HUDA ના JE રાજપાલ સિનીયર અધિકારીઓ સાથે સેક્ટર 47માં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરી રહ્યા હતા. આ દરમિયાન એડવોકેટ ખજાન સિંહ, પ્રદીપ જૈલદાર અને નગરનિગમની તત્કાલીન મહિલા કોર્પોરેટર નિશા સિંહે ભીડને ઉશ્કેરી હતી.

    જે બાદ ભીડે અધિકારીઓ અને તેમની ટીમ ઉપર હુમલો કરી દીધો હતો. પોલીસ ટીમો પર પેટ્રોલ બોમ્બ અને એલપીજી સિલિન્ડર ફેંકવામાં આવ્યા હતા. જે ઘટનામાં ડ્યુટી મેજિસ્ટ્રેટ અને 15 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ થાણામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

    આ ઘટના બાદ નિશા સિંહ સહિત તમામ 19 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમની ઉપર તોફાનો કરવા અને હત્યાના પ્રયાસ કરવા સહિતના આરોપ લગાવવામાં આવ્યા હતા. જોકે, સબૂતના અભાવે હત્યાના પ્રયાસની કલમો હટાવી દેવામાં આવી હતી અને જે બાદ તમામ આરોપીઓ જામીન પર છૂટી ગયા હતા.

    બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે કુલ 19 લોકોને IPC ધારા 148, 149, 186, 325, 332, 333, 353, 436, 427 અને 435 હેઠળ ગુનેગાર ઠેરવ્યા હતા. જેમાંથી બે વ્યક્તિઓ ટ્રાયલ દરમિયાન જ મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર નિશા સિંહને IPC ધારા 114 હેઠળ પણ ગુનેગાર ઠેરવવામાં આવ્યાં છે.

    આ ઉપરાંત, બુધરામ, અશોક, સોનું, ચાંદરામ, તેજપાલ, સંદીપ અને અનિલ કુમાર નામના આરોપીઓને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ પણ ગુનેગાર ઠેરવીને 10 વર્ષની જેલ અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ કોર્ટે કહ્યું હતું કે દંડ ન ભરે તો તેમણે ત્રણ વર્ષ વધુ જેલમાં રહેવું પડશે.

    નોંધનીય છે કે, નિશા સિંહે વર્ષ 2011 માં ગુરુગ્રામના વોર્ડ નંબર 30 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. જે બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયાં હતાં. તેઓ વર્ષ 2016 સુધી કોર્પોરેટર રહ્યાં હતાં.

    આમ આદમી પાર્ટીનાં નેતા નિશા સિંહે મુંબઈ યુનિવર્સીટીમાંથી એન્જિનિયરીંગ કર્યા બાદ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ફાયનાન્સ વિષય સાથે એમબીએ કર્યું છે. કોર્સ પૂર્ણ કર્યા બાદ તેઓ ટેક કંપની ગૂગલ સાથે જોડાયાં હતાં. જોકે, ત્યારબાદ તેમણે નોકરી છોડીને રાજકારણમાં ડગ માંડ્યા હતા.

    નિશા સિંહ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયાનાં નજીકનાં ગણાય છે અને ભૂતકાળમાં તેઓ સિસોદિયાના સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે.

    આમ આદમી પાર્ટીના પોરબંદર જિલ્લાના પૂર્વ સંયોજકે ગોપાલ ઇટાલીયા સહિત 5 સામે બદનક્ષીનો દાવો કર્યો, પોરબંદર કોર્ટમાં કેસ દાખલ

    આપના કાર્યકર્તાઓના પક્ષપલટાઓ હોય કે આપના હોદ્દેદારોના અંદર અંદરના ઝઘડા હોય, ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે વિવાદોથી દૂર રહેવું લગભગ અશક્ય જ જણાય છે. એવા જ એક નવા વિવાદમાં આમ આદમી પાર્ટીના પોરબંદર જિલ્લાના પૂર્વ સંયોજક કેયૂર જોશીએ આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત 5 હોદ્દેદારો સામે કરેલ બદનક્ષીના દાવાએ ચર્ચાઓનું માહોલ ગરમ કર્યું છે.

    વિષય એમ છે કે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત 5 લોકો સામે પોરબંદર ચીફ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લાના આમ આદમી પાર્ટીના સંયોજક કેયુર જોષીને કોઇપણ કારણદર્શક નોટીસ આપ્યા વિના કે જાણ કર્યા વગર તેમને પક્ષમાંથી બરખાસ્ત કર્યા બાદ તેનો લેટર સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જેને લઇને આ બદનક્ષીનો દાવો પોરબંદરની કોર્ટમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

    આમ આદમી પાર્ટી દ્વારા વાઇરલ કરવામાં આવેલ પ્રેસ નોટ (ફોટો : કેયુર જોશી)

    ઑપઇન્ડિયા સાથેની પોતાની ખાસ વાતચીતમાં કેયુર જોશીએ જણાવ્યુ હતું કે એમણે 2014 થી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા. ગત વર્ષે એમના સહિત આમ આદમી પાર્ટી ગુજરાતના કુલ 16 કાર્યકર્તાઓને કોઈ પણ કારણદર્શક નોટિસ આપ્યા વગર માત્ર એક વોટ્સએપ મેસેજ દ્વારા પાર્ટીના પ્રાથમિક સદસ્ય સહિત તમામ હોદ્દાઓ પરથી બરતરફ કરી દીધા હતા. આ વિષે સંગઠનમાં વાત કરીને વિરોધ નોંધાવતાં આગલા દિવસે આ બધા 16 હોદ્દેદારોના નામ સાથે એક પ્રેસનોટ આમ આદમી પાર્ટી દ્વારા વાઇરલ કરવામાં આવી જેમાં લખ્યું હતું કે “આ તમામને પાર્ટી વિરોધી કામ કરતા હતા અને અનેક વાર ટોકવા છતાય એ કામ બંધ ના કર્યું એટલે એમને નિષ્કાષિત કરવામાં આવે છે.” પરંતુ જોશીએ અમને જણાવ્યુ કે એમણે આવા કોઈ કામ કર્યા નહોતા અને આ વિષેની કોઈ નોટિસ એમને મળી નહોતી. કેયુર જોશીને આમ આદમી પાર્ટી દ્વારા 2021માં પોરબંદર-છાયા નાગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રખાયેલ.

    2021માં આમ આદમી પાર્ટી તરફથી નગરપાલિકાની ચૂંટણી લડતા કેયુર જોશી (ફોટો : કેયુર જોશી)

    કેયુર જોશીએ ઑપઇન્ડિયાને આગળ જણાવ્યુ કે એમના પર ખોટા આરોપ મૂકીને આ રીતે અપમાનિત કરીને કોઈ નોટિસ આપ્યા વગર પાર્ટીમાથી નિષ્કાષિત કરવાના કારણે અને એ પ્રેસનોટને આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં ફેરવવાના કારણે એમને ભારે અપમાનનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા ઉપરાંત જાહેર જીવનમાં પણ સૌ એમનું મજાક બનાવતા જેથી એમને સામાજિક તથા રાજકીય જીવનમાં ખૂબ નુકશાન થયું હતું. જેના કારણે એમણે માનસિક તાણનો પણ સામનો કરવો પડ્યો હતો.

    જોશીએ ઑપઇન્ડિયાને પુરાવા આપતા જણાવ્યુ કે આ વિષયમાં એમણે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાથી પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. જોશીએ એમ પણ જણાવ્યુ કે આ પહેલા પણ આપ આદમી પાર્ટીના એ વખતના સૌરાષ્ટ્ર ઝોન સંગઠનમંત્રી અને હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટ પણ પાર્ટીના કાર્યકર્તાઓને વોટસએપમાં માત્ર સામાન્ય મેસેજ મોકલીને નિષ્કાષિત કરી દેતા હતા.

    આ બધા અપમાનો અને બિનજવાબદેહીથી માનસિક રીતે કંટાળીને કેયુર જોશીએ, જે પોતે એક એડવોકેટ પણ છે, પોરબંદર કોર્ટમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, ગુજરાત સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેસ્શ મહામંત્રી જયદીપ પંડ્યા, પ્રદેશ મીડિયા પ્રભારી તુલીબેન બેનર્જી અને પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષા ખૂંટ સામે માનહાનિનો દાવો કર્યો છે. આ કેસ આઇપીસીની કલમ 499, 501, 502 અને 120 બ અંતર્ગત નોંધવામાં આવ્યો છે.

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં ફરિયાદી કેયુર જોશીએ જણાવ્યુ હતું કે તેઓ આ વિષયમાં ન્યાય જંખે છે અને કોઈ પીએન ભોગે આરોપીઓને સજા અપાવીને જ માનશે.

    ‘ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે’ – ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પોતાના એક દિવસીય ગુજરાત પ્રવાસમાં સ્વીકાર્યું

    ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે પોતાના એક દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. ગાંધીનગર કોબા ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ પર પત્રકારોને સંબોધતા એમણે સ્વીકાર્યું કે ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે અને ગુજરાતમાં સફળ જતાં પ્રયોગો અમે દેશભરમાં લાગુ પાડીએ છીએ.

    ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે. સંપૂર્ણ દિવસ તેઓ ભાજપના સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે તેમજ અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત છે.

    જેપી નડ્ડાએ જણાવ્યું કે પ્રજાનો વિષય હોય કે પાર્ટીનો ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીજીએ જે ગવર્નન્સ મોડલ સ્થાપિત કર્યુ છે તેનું પ્રતિબીંબ દેશમાં જોવા મળે છે. આંતરાષ્ટ્રીય સમુદાય ગુજરાતમાં આવે છે, ગુજરાતમાં રોકાણ કરે છે અને ગુજરાત મોડલને સમજવાનો પ્રયાસ કરે છે.

    જે.પી. નડ્ડાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનો સી.આર. પાટીલના નેતૃત્વમાં રાજ્યમાં વ્યાપ થયો છે. રાજ્યમાં પેટા ચૂંટણીઓ હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અમે તમામ ચૂંટણીઓ જીત્યા છે.  રાજ્યમાં ભાજપનો દેખાવ 90 ટકા જીતનો રહ્યો છે. આના પરથી આગામી વિધાનસભા ચૂંટણીના પરિણામ ઘણા સ્પષ્ટ છે. ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે.

    ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે.

    નડ્ડાએ એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે “ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા છે. પક્ષ કે પ્રસાશન બંને મુદ્દે ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે. અમે અહીંયા કરેલા કામ પર જીત મેળવીએ છીએ. અમારા નેતા વડાપ્રધાન મોદીના કાર્યો પર જીત મેળવીએ છીએ. સરકારના શાસન પર જીત મેળવીએ છીએ.

    ગુજરાત સરકારના વિવિધ નાણાકીય વ્યવસ્થાપનોને પીએન જે પી નડ્ડાએ પ્રેસ કોન્ફ્ર્ન્સ દરમિયાન વધાવ્યા હતા.

    ભારતીય જનતા પાર્ટી જાતિવાદ, સંપ્રદાયવાદ, ક્ષેત્રવાદ, પરિવારવાદના રાજકારણને જો કોઈએ ટક્કર આપી હોય તો પીએમ મોદીના વિકાસવાદે આપી છે. આજે આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી ગામ, ગરીબ, વંચિત, શોષિત, દલિતને રાહત આપનારા પંથે છે. ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાનના નેતૃત્વમાં પોતાનું યોગદાન આપ્યું છે.”

    વડાપ્રધાન મોદીએ રાજકારણની દશા અને દિશા બંને બદલી દીધી છે.

    “પીએમ મોદીજીએ રાજનીતિની દિશા બદલવાનું કાર્ય કર્યુ છે. અગાઉની ચૂંટણીના એજન્ડા જાતિવાદ, સંપ્રદાયવાદ વગેરે રહેતા હતા. આજના સમયમાં ચૂંટણીના એજન્ડા રિપોર્ટ કાર્ડ હોય છે. રાજનીતિની સંસ્કૃતિમાં બદલાવ આવ્યો એવું અમે કહીએ છીએ તે ફક્ત કહેવા પૂરતું હોતું નથી. ઉદાહરણ તરીકે કોરોનાકાળમાં વડાપ્રધાન મોદીના ગવર્નન્સના કારણે દેશને આ મોટી મહામારીમાંથી બહાર નીકળવાનો માર્ગ આસાનીથી મળ્યો.” નડ્ડાએ કહ્યું.

    નડ્ડાએ ઉમેર્યુ કે “એક સમય હતો કે અગાઉ રસી બનતા દાયકાઓ લાગતા. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દાયકાઓમાં નહોતું થયું એ કામ થયું છે. ભારતનો રસીકરણ કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટો અને સૌથી ઝડપી રસીકરણ કાર્યક્રમ છે. આ વડાપ્રધાન મોદીના નેતૃત્વનું પરિણામ છે.”

    કોરોનાકાળમાં ભાજપ હમેશા પ્રજા વચ્ચે રહ્યું.

    જે.પી.નડ્ડાએ જણાવ્યું કે “કોરોનાકાળમાં ભાજપ સિવાય કોઈ રાજકીય પક્ષના કાર્યકરો મેદાને નહોતા. ભાજપના કાર્યકરો મેદાને હતા. અન્ય રાજકીય પક્ષો તેમના કાર્યકરો ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. ભાજપના લાખો કાર્યકરોએ કોરોનાકાળમાં જનજનની સેવા કરી.”

    ખાલિસ્તાન સમર્થકો દ્વારા પટિયાલાના કાલી મંદિરમાં પેટ્રોલ બોમ્બ ફેંકાયા, હિંદુ સંગઠનોએ કહ્યું- પંજાબમાં જે ક્યારેય નહોતું થયું તે AAP સરકારમાં થયું

    પંજાબના પટિયાલામાં ખાલિસ્તાનીઓએ પ્રસિદ્ધ કાલી માતા મંદિર પર હુમલો કર્યો અને ખાલિસ્તાન સમર્થક નારા લગાવ્યા.આજની એક તાજી ઘટનામાં પંજાબના પટિયાલામાં ખાલિસ્તાન સમર્થકો અને હિન્દુ સંગઠનો વચ્ચે હિંસક અથડામણના સમાચાર છે. આ અથડામણ રોકવા આવેલા SHO પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા તલવાર વડે હુમલો કર્યો હતો. કાલીમાતા મંદિર પર હુમલો કરી પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. પથ્થરમારાનો પણ આરોપ છે. હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    ધ સિટી હેડલાઇન દ્વારા બહાર પાડવામાં આવેલા વિડીયો ફૂટેજ મુજબ, ઘણા પોલીસકર્મીઓ મંદિરના દરવાજા પર બદમાશોના ટોળાને મંદિરમાં પ્રવેશતા અટકાવવા માટે ઉભા હતા. હિન્દુ સુરક્ષા સમિતિનો આરોપ છે કે ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની બહાર આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. મંદિરના મુખ્ય દરવાજાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પેટ્રોલ ભરેલી બોટલો મુખ્ય ગેટ પર ફેંકવામાં આવી હતી. પોલીસે કેટલાક હુમલાખોરોની અટકાયત પણ કરી છે. હિન્દુ પક્ષના આશુતોષ ગૌતમ નામના વ્યક્તિ પણ ઘાયલ થયા છે. આ દરમિયાન હુમલાખોરોએ કથિત રીતે ખાલિસ્તાનના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંદુ સંગઠનોએ ‘ખાલિસ્તાન મુર્દાબાદ’ના નામથી રેલી કાઢી હતી. ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા જાહેર કરાયેલા ખાલિસ્તાનને સમર્થનના વીડિયોના વિરોધમાં આ કૂચ કરવામાં આવી હતી. આ પછી કેટલાક ખાલિસ્તાન સમર્થકોએ રેલીનો વિરોધ શરૂ કર્યો હતો. તેઓએ શિવસૈનિકોને બંદર સેના બોલાવી અને મુર્દાબાદના નારા લગાવ્યા. આ તણાવ કાલી માતા મંદિર પાસે અથડામણમાં ફેરવાઈ ગયો અને તોફાનીઓએ કાલીમાતા મંદિર પર હુમલો પણ કર્યો હતો.

    બંને બાજુથી પથ્થરો પડવા લાગ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોના હાથમાં તલવારો દેખાવા લાગી. ખાલિસ્તાન સમર્થકોની ભારે ભીડ કાલી માતાના મંદિરને ઘેરી વળી હતી. તેમને કાબૂમાં લેવા માટે પોલીસે 15 રાઉન્ડ ગોળીબાર કરવો પડ્યો હતો. કાલી માતાના મંદિરમાં ઘૂસેલા બદમાશોના ફૂટેજ પણ સામે આવ્યા છે. હિંસા પર કાબૂ મેળવવાના પ્રયાસમાં તલવારના હુમલામાં SHO ત્રિપદી કરમવીર સિંહ ઘાયલ થયા હતા.

    પંજાબમાં જે પહેલા ક્યારેય નતું થયું એ આપની સરકાર આવ્યા બાદ થયું.

    OpIndiaએ આ ઘટના વિશે શિવસેના હિન્દુસ્તાનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પટિયાલા નિવાસી પવન ગુપ્તા સાથે વાત કરી હતી. પવન ગુપ્તાએ કહ્યું, “ખાલિસ્તાનીઓ દ્વારા જે મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે તે ઉત્તર ભારતમાં હિન્દુઓનું સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. ખાલિસ્તાનનું જોર ચરમસીમાએ હતું ત્યારે પણ અહીં કોઈ હુમલો થયો ન હતો. પરંતુ આમ આદમી પાર્ટીની સરકારમાં ખાલિસ્તાની વિચારધારાના લોકોને એટલો છૂટો હાથ મળ્યો છે કે આજે આટલી મોટી બેફામ ઘટના બની છે. મંદિરના દરવાજા પર તલવારનો ઘા થયો છે. બહારની પ્રસાદની દુકાનો વગેરેને નુકસાન થયું છે. દર્શન કરવા આવેલા ભક્તોને માર મારવામાં આવ્યો છે. હિન્દુ પક્ષના 2-3 લોકો ઘાયલ થયા છે. એસએસપી પટિયાલા પોતે ઘટનાસ્થળે હાજર હતા. બદમાશો તેની સામે તલવારો લહેરાવતા નાચતા હતા.”

    મુખ્યમંત્રીએ ઘટનાને દુઃખદ ગણાવી અને ડીજીપીને સૂચના આપી

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ ઘટનાને દુઃખદ ગણાવી છે. પોતાની ટ્વિટમાં માને કહ્યું, “પટિયાલાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મેં ડીજીપી સાથે વાત કરી અને તેમને જરૂરી સૂચનાઓ આપી. અમે પોતે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. પંજાબની શાંતિને અસર થવા દેવામાં આવશે નહીં.”

    AAPએ કોંગ્રેસ અને અકાલી વચ્ચેના વિવાદને કારણ કહ્યું.

    ટ્વિટર પર પોતાને આનંદપુર સાહિબમાં આમ આદમી પાર્ટીના લોકસભા પ્રભારી ગણાવતા ડૉ. સની આહલુવાલિયાએ તેને રાજકીય વિવાદ ગણાવ્યો છે. તેમણે કહ્યું, “એક તરફ શિવસેના અને કોંગ્રેસ છે અને બીજી તરફ અકાલી દળ છે. તેઓ આમને સામને લડી રહ્યા છે જેથી પંજાબનું વાતાવરણ બગડે. પરંતુ ભગવંત માનની સરકારે એક કલાકમાં જ પરિસ્થિતિને કાબૂમાં કરી લીધી હતી. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ઝીરો ટોલરન્સ પર કામ કરશે. આ ઘટનામાં સામેલ દરેક વ્યક્તિને જેલમાં મોકલવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા પંજાબ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

    નોંધનીય છે કે આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ 29 એપ્રિલને ખાલિસ્તાનનો સ્થાપના દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના વીડિયોમાં તેણે ખાલિસ્તાનના નકશામાં માત્ર પંજાબ જ નહીં પરંતુ હરિયાણાને પણ દર્શાવ્યું હતું. આ સાથે પન્નુએ 29 એપ્રિલે પંજાબ અને હરિયાણાના તમામ જિલ્લા મુખ્યાલયો પર ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવવાની પણ જાહેરાત કરી હતી.

    ગુજરાતના વધુ એક પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પાર્ટી છોડવાની ફિરાકમાં; અન્ય એક ધારાસભ્યે ચૂંટણી લડવાની ના પાડી

    ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નબળી પડતી જાય છે. અમદાવાદની નજીક આવેલા દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ હવે કોંગ્રેસ છોડવાની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યું છે. તો રેકોર્ડ 11 વખત ધારાસભ્ય રહી ચુકેલા મોહનસિંહ રાઠવાએ અગામી વિધાનસભા ચૂંટણી ન લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આમ ગુજરાત કોંગ્રેસને અસંતુષ્ટ નેતાઓની અલગ અલગ તકલીફો અને ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.

    એક સમાચાર અનુસાર દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ ગત રાત્રીએ પોતાના સમર્થકોને મળ્યા હતાં અને તેમની સાથે બેઠક યોજી હતી અને આગામી સમયમાં શું રણનીતિ અપનાવવી તે અંગે પણ ચર્ચા કરી હતી. જો કે તે દરમ્યાન ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કામિનીબેન સાથે બેઠક કરવાનું કહેતાં હાલમાં તેમણે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાનું નક્કી કર્યું છે.

    તો બીજી તરફ છોટા ઉદેપુરથી 11 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા મોહનસિંહ રાઠવાએ તેઓ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા નથી માંગતા તેવી જાહેરાત કરી દીધી છે. છોટા ઉદેપુરથી મોહનસિંહ રાઠવા 1972થી સતત ચૂંટાઈ આવે છે. મોહનસિંહ સહુથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ પણ ધરાવે છે.

    પોતાના આ નિર્ણય અંગે વાત કરતા મોહનસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે હવે 55 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું પરંતુ હવે તેમની લાગણી છે કે યુવાનો રાજકારણમાં આવે અને તેમની જેમ જે લોકો લાંબા સમય સુધી વિધાનસભાના સભ્ય હોય તેમણે રાજીખુશીથી યુવાનોને આગળ લાવવા જોઈએ.

    મોહનસિંહ રાઠવાનો આ નિર્ણય ભલે વ્યક્તિગત હોય પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં એક-એક બેઠક જીતવા માટે કોંગ્રેસે મહેનત કરવાની છે એવા સમયમાં એક નિશ્ચિત બેઠક મોહનસિંહ રાઠવાના નિર્ણયને લીધે કદાચ તકલીફમાં આવી શકે એવી નવી મુશ્કેલી ગુજરાત કોંગ્રેસ સમક્ષ આવીને ઉભી રહી ગઈ છે.

    તો બીજી તરફ કામિનીબાને રઘુ શર્મા કેવી રીતે સમજાવી શકશે એ પણ રસપ્રદ રહેશે કારણકે કામિનીબા રાઠોડ જે રીતે પોતાના સમર્થકોને મળ્યા છે તેના પરથી લાગે છે કે તેમણે કોંગ્રેસને છોડવાનું મન બનાવી લીધું છે. 25મી એપ્રિલના રોજ કામિનીબેને પોતાની ફેસબુક પ્રોફાઈલ પર એક પોસ્ટ પર સાંકેતિક ભાષામાં વ્હાલાં-દવલાંની નીતિ વિરુદ્ધ લખાણ શેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની નીતિનો અમલ કરનારનો વિનાશ નિશ્ચિત હોય છે.

    અગાઉ, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ કહેવાતા નેતા જેવા કે જયરાજસિંહ પરમાર કોંગ્રેસ છોડી ચુક્યા છે અને ભાજપમાં જોડાઈ ચુક્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા કૈલાશ ગઢવી અને રાજકોટના વરિષ્ઠ કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીનું સભ્યપદ સ્વીકારી લીધું છે. આટલું ઓછું હોય તેમ જામનગર જીલ્લા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મંત્રી ગોવિંદ પટેલ તેમજ અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ પણ કોંગ્રેસ છોડી દીધી છે.

    ગુજરાતમાં કોંગ્રેસની નેતાગીરી વિરુદ્ધ આક્રોશ ફક્ત પૂર્વ વિધાનસભ્યો કે પછી પક્ષના પ્રવક્તાઓ અથવાતો વિવિધ પાલિકા સ્તરે જ છે એવું નથી. ગુજરાત કોંગ્રેસના હાલના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ જેઓ હજી પાંચ વર્ષથી પણ ઓછા સમય પહેલાં જ કોંગ્રેસમાં જોડાયા છે તેઓએ પણ પોતાનો બળાપો મિડિયા સમક્ષ વારંવાર ઠાલવ્યો છે. એક મુલાકાતમાં તો હાર્દિક પટેલે કહ્યું હતું કે તેમની હાલત કોંગ્રેસમાં નસબંધી કરવામાં આવેલા વરરાજા જેવી છે.

    ‘ચોર-ચોર’ : મદીનામાં પાકિસ્તાની પ્રધાનમંત્રીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળને જોઈને લોકોએ નારા લગાવ્યા

    પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ, જે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સાઉદી અરેબિયામાં છે, જ્યારે તેઓ મદીનામાં મસ્જિદ-એ-નબવીમાં પ્રવેશ્યા ત્યારે તેમનું “અદ્ભુત સ્વાગત” કરવામાં આવ્યું હતું. લોકોએ ‘ચોર-ચોર’ નારા લગાવ્યા એ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, ઘટના બાદ પોલીસે પવિત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ સૂત્રોચ્ચાર કરનારા લોકોની ધરપકડ કરી હતી. એક વીડિયોમાં માહિતી મંત્રી મરિયમ ઔરંગઝેબ અને નેશનલ એસેમ્બલીના સભ્ય શાહઝૈન બુગતી અન્ય લોકો સાથે જોવા મળ્યા હતા.

    પાકિસ્તાની અખબાર અનુસાર, ઔરંગઝેબે લોકોએ ‘ચોર-ચોર’ નારા લગાવ્યા એ પાછળ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે.

    “હું આ પવિત્ર ભૂમિ પર આ વ્યક્તિનું નામ નહીં આપું કારણ કે હું આ જમીનનો ઉપયોગ રાજકારણ માટે કરવા માંગતો નથી. પરંતુ તેઓએ [પાકિસ્તાની] સમાજને નુકસાન પહોંચાડ્યું છે,” એક્સપ્રેસ ટ્રિબ્યુને ઔરંગઝેબને ટાંકીને જણાવ્યું હતું.

    પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ સાઉદી અરેબિયાની તેમની પ્રથમ ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે ત્યારે જ આ આ ઘટના બની છે. ડઝનબંધ અધિકારીઓ અને રાજકીય નેતાઓ પાકિસ્તાનના વડાપ્રધાનની આ મુલાકાતમાં તેમની સાથે છે.

    ટ્વિટર પર આ વીડિયો શેર કરીને, એક યુઝરે લખ્યું, “ગૌરવિત પાકિસ્તાનીઓ, સાઉદી અરેબિયામાં આપણાં પીએમ અને તેમની પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) ગેંગનું કેવું અદ્ભુત સ્વાગત થયું તે જોઈને કૃપા કરીને ખુશ થાઓ.”

    અન્ય એક ટ્વિટર યુઝર મુહમ્મદ ઈબ્રાહિમ કાઝીએ કહ્યું કે સાઉદી અરેબિયાના નાગરિકો પદભ્રષ્ટ PM ઈમરાન ખાનને બોલાવી રહ્યા છે. “સાઉદી અરેબિયાના નાગરિકો હાંકી કાઢવામાં આવેલા PM ઈમરાન ખાનને મદીનામાં પ્રોફેટની મસ્જિદમાં નૈતિક અશ્લીલતાની નિકાસ કરવા માટે બોલાવે છે. તેઓ સાઉદીના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ પાકિસ્તાનીઓની પણ નિંદા કરી રહ્યા છે.” કાઝીએ લખ્યું હતું.

    પાક PM સાઉદી અરેબિયા પાસે $3.2 બિલિયનની માંગ કરશે

    ઉલ્લેખનીય છે કે, 11 એપ્રિલે શરીફે પાકિસ્તાનના 23માં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ મુલાકાત દરમિયાન શરીફ સાઉદી અરેબિયા પાસેથી $3.2 બિલિયનના વધારાના પેકેજની માંગ કરશે. પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં વધુ ઘટાડો અટકાવવા માટે તે આ વિનંતી કરશે.

    સાઉદી અરેબિયાએ ઈમરાન ખાનના કાર્યકાળ દરમિયાન 3 બિલિયન ડૉલરની ડિપોઝિટ પર અને USD 1.2 બિલિયનની વિલંબિત ચુકવણી પર પહેલેથી જ દેવામાં ડૂબેલા દેશને તેલની સુવિધા આપી હતી.