Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતના વધુ એક પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પાર્ટી છોડવાની ફિરાકમાં; અન્ય એક ધારાસભ્યે...

    ગુજરાતના વધુ એક પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પાર્ટી છોડવાની ફિરાકમાં; અન્ય એક ધારાસભ્યે ચૂંટણી લડવાની ના પાડી

    ગુજરાત કોંગ્રેસ ફરીથી તકલીફમાં આવી છે તેના એક પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ પક્ષ છોડે તેવી શક્યતા છે જ્યારે દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા હવે ચૂંટણી લડવા માંગતા નથી.

    - Advertisement -

    ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નબળી પડતી જાય છે. અમદાવાદની નજીક આવેલા દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ હવે કોંગ્રેસ છોડવાની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યું છે. તો રેકોર્ડ 11 વખત ધારાસભ્ય રહી ચુકેલા મોહનસિંહ રાઠવાએ અગામી વિધાનસભા ચૂંટણી ન લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આમ ગુજરાત કોંગ્રેસને અસંતુષ્ટ નેતાઓની અલગ અલગ તકલીફો અને ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.

    એક સમાચાર અનુસાર દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ ગત રાત્રીએ પોતાના સમર્થકોને મળ્યા હતાં અને તેમની સાથે બેઠક યોજી હતી અને આગામી સમયમાં શું રણનીતિ અપનાવવી તે અંગે પણ ચર્ચા કરી હતી. જો કે તે દરમ્યાન ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કામિનીબેન સાથે બેઠક કરવાનું કહેતાં હાલમાં તેમણે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાનું નક્કી કર્યું છે.

    તો બીજી તરફ છોટા ઉદેપુરથી 11 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા મોહનસિંહ રાઠવાએ તેઓ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા નથી માંગતા તેવી જાહેરાત કરી દીધી છે. છોટા ઉદેપુરથી મોહનસિંહ રાઠવા 1972થી સતત ચૂંટાઈ આવે છે. મોહનસિંહ સહુથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ પણ ધરાવે છે.

    - Advertisement -

    પોતાના આ નિર્ણય અંગે વાત કરતા મોહનસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે હવે 55 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું પરંતુ હવે તેમની લાગણી છે કે યુવાનો રાજકારણમાં આવે અને તેમની જેમ જે લોકો લાંબા સમય સુધી વિધાનસભાના સભ્ય હોય તેમણે રાજીખુશીથી યુવાનોને આગળ લાવવા જોઈએ.

    મોહનસિંહ રાઠવાનો આ નિર્ણય ભલે વ્યક્તિગત હોય પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં એક-એક બેઠક જીતવા માટે કોંગ્રેસે મહેનત કરવાની છે એવા સમયમાં એક નિશ્ચિત બેઠક મોહનસિંહ રાઠવાના નિર્ણયને લીધે કદાચ તકલીફમાં આવી શકે એવી નવી મુશ્કેલી ગુજરાત કોંગ્રેસ સમક્ષ આવીને ઉભી રહી ગઈ છે.

    તો બીજી તરફ કામિનીબાને રઘુ શર્મા કેવી રીતે સમજાવી શકશે એ પણ રસપ્રદ રહેશે કારણકે કામિનીબા રાઠોડ જે રીતે પોતાના સમર્થકોને મળ્યા છે તેના પરથી લાગે છે કે તેમણે કોંગ્રેસને છોડવાનું મન બનાવી લીધું છે. 25મી એપ્રિલના રોજ કામિનીબેને પોતાની ફેસબુક પ્રોફાઈલ પર એક પોસ્ટ પર સાંકેતિક ભાષામાં વ્હાલાં-દવલાંની નીતિ વિરુદ્ધ લખાણ શેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની નીતિનો અમલ કરનારનો વિનાશ નિશ્ચિત હોય છે.

    અગાઉ, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ કહેવાતા નેતા જેવા કે જયરાજસિંહ પરમાર કોંગ્રેસ છોડી ચુક્યા છે અને ભાજપમાં જોડાઈ ચુક્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા કૈલાશ ગઢવી અને રાજકોટના વરિષ્ઠ કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીનું સભ્યપદ સ્વીકારી લીધું છે. આટલું ઓછું હોય તેમ જામનગર જીલ્લા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મંત્રી ગોવિંદ પટેલ તેમજ અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ પણ કોંગ્રેસ છોડી દીધી છે.

    ગુજરાતમાં કોંગ્રેસની નેતાગીરી વિરુદ્ધ આક્રોશ ફક્ત પૂર્વ વિધાનસભ્યો કે પછી પક્ષના પ્રવક્તાઓ અથવાતો વિવિધ પાલિકા સ્તરે જ છે એવું નથી. ગુજરાત કોંગ્રેસના હાલના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ જેઓ હજી પાંચ વર્ષથી પણ ઓછા સમય પહેલાં જ કોંગ્રેસમાં જોડાયા છે તેઓએ પણ પોતાનો બળાપો મિડિયા સમક્ષ વારંવાર ઠાલવ્યો છે. એક મુલાકાતમાં તો હાર્દિક પટેલે કહ્યું હતું કે તેમની હાલત કોંગ્રેસમાં નસબંધી કરવામાં આવેલા વરરાજા જેવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં