Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટન્યાય વ્યવસ્થા સરળ બનાવવાની જરૂર, કોર્ટની કાર્યવાહી સ્થાનિક ભાષાઓમાં થાય તે જરૂરી...

    ન્યાય વ્યવસ્થા સરળ બનાવવાની જરૂર, કોર્ટની કાર્યવાહી સ્થાનિક ભાષાઓમાં થાય તે જરૂરી : પીએમ મોદી

    પીએમએ કહ્યું, કેટલાંક વર્ષો પહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન આપણા દેશમાં અશક્ય માનવામાં આવી રહ્યું હતું. પરંતુ આજે નાનાં ગામડાંઓમાં પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સામાન્ય વાત બની ગઈ છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (30 એપ્રિલ 2022) રાજધાની દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોના સંયુક્ત સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કર્યું હતું. સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત, ચીફ જસ્ટિસ એન,વી રમન્ના, કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના ન્યાયાધીશો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર ઉપસ્થિત રહ્યા હતા.

    વડાપ્રધાને કહ્યું કે, આપણા દેશમાં એક તરફ જ્યાં ન્યાયતંત્રની ભૂમિકા સંરક્ષકની છે તો બીજી તરફ ધારાસભા નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મને વિશ્વાસ છે કે બંધારણની આ ધારાઓનો આ સંગમ દેશમાં પ્રભાવી અને સમયબદ્ધ ન્યાય વ્યવસ્થાનો રોડમેપ તૈયાર કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધનમાં ન્યાયતંત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ, ઝડપી ન્યાય વ્યવસ્થા તેમજ સ્થાનિક ભાષામાં ન્યાયતંત્રની કાર્યવાહી જેવા અનેક મુદ્દે બોલ્યા હતા.

    વડાપ્રધાને કહ્યું, આજે આખી દુનિયામાં નાગરિકોના અધિકારીઓ માટે અને તેમના સશક્તિકરણ માટે ટેકનોલોજી એક અગત્યનું સાધન બની રહી છે. ભારત સરકાર પણ ન્યાયતંત્રમાં ટેકનોલોજીની સંભાવનાઓને ડિજીટલ ઇન્ડિયા મિશનનો એક જરૂરી ભાગ માને છે. તેમણે કહ્યું કે, અમે ન્યાય વ્યવસ્થામાં સુધારા માટેના તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યા છીએ અને પાયાના માળખામાં સુધારો થાય તે માટે કામ કરી રહ્યા છીએ.

    - Advertisement -

    પીએમએ કહ્યું, કેટલાંક વર્ષો પહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન આપણા દેશમાં અશક્ય માનવામાં આવી રહ્યું હતું. પરંતુ આજે નાનાં ગામડાંઓમાં પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સામાન્ય વાત બની ગઈ છે. આખા વિશ્વમાં ગયા વર્ષે જેટલાં ડિજીટલ ટ્રાન્ઝેક્શન થયાં તેમાંથી ચાળીસ ટકા ડિજીટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થયા છે. સરકાર સબંધિત સેવાઓ માટે પહેલાં નાગરિકોએ કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા તે હવે મોબાઈલ પર જ મળી રહી છે.

    આ ઉપરાંત, વડાપ્રધાને ન્યાય જનતાની ભાષામાં હોવો જોઈએ તે બાબત પર ભાર મૂકતા કહ્યું હતું કે, “આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ‘ન્યાયમૂલં સુરાજ્યમ્ સ્યાત.’ અર્થાત કોઈ પણ દેશમાં સુશાસનનો આધાર ન્યાય હોય છે અને તેથી ન્યાય જનતા સાથે જોડાયેલો અને જનતાની ભાષામાં હોવો જોઈએ. જ્યાં સુધી ન્યાયના આધારને સામાન્ય માણસ ન સમજી શકે ત્યાં સુધી ન્યાય અને રાજકીય આદેશોમાં બહુ ફેર રહેતો નથી.

    પીએમએ ઉમેર્યું, દુનિયાના ઘણા દેશો એવા છે જ્યાં કાયદાઓ બને છે ત્યારે એક કાયદાકીય ભાષામાં તેનું સ્વરૂપ હોય છે અને બીજું સ્વરૂપ લોકભાષામાં, સામાન્ય માણસની ભાષામાં હોય છે. બંને માન્ય હોય છે અને તેના કારણે સામાન્ય માણસને કાનૂની બાબતો સમજવા માટે ન્યાયતંત્ર પાસે જવાની જરૂર નથી પડતી. આપણા દેશમાં પણ કાયદાની એક કાનૂની ભાષા હોય અને તેની સાથે સાથે એ જ બાબત સામાન્ય માણસને સમજ પડે તેવી ભાષામાં પણ તેનું સ્વરૂપ તૈયાર થાય અને બંને લોકસભા કે વિધાનસભામાં પારિત થાય જેથી સામાન્ય માણસ તેના આધારે પોતાનો પક્ષ મૂકી શકે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ.

    પીએમએ કહ્યું, મોટાભાગના લોકોને ન્યાયિક પ્રક્રિયાથી લઈને નિર્ણયો સમજવા કઠિન થઇ પડે છે. આપણે આ વ્યવસ્થા સરળ અને સામાન્ય જનતા માટે ગ્રાહ્ય બનાવવાની જરૂર છે. કોર્ટમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે. જેનાથી દેશના સામાન્ય નાગરિકોને ન્યાયતંત્રમાં વિશ્વાસ વધશે અને તેઓ એક જોડાણ અનુભવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં