Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅફઘાનિસ્તાન : કાબુલ નજીક મસ્જિદમાં ફરી બોમ્બ બ્લાસ્ટ, ત્રીસ લોકોનાં મોતની પુષ્ટિ,...

    અફઘાનિસ્તાન : કાબુલ નજીક મસ્જિદમાં ફરી બોમ્બ બ્લાસ્ટ, ત્રીસ લોકોનાં મોતની પુષ્ટિ, અનેક ઈજાગ્રસ્ત

    મસ્જિદના મૌલવીએ જણાવ્યું કે, “નમાઝ દરમિયાન ભેગા થયેલા લોકોમાં સ્યુસાઈડ બોમ્બર પણ ઘૂસી ગયો હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે, બ્લાસ્ટ થયો અને ચારેતરફ કાળો ધુમાડો ફરી વળ્યો હતો. જ્યાં જુઓ ત્યાં લાશો પડી હતી.”

    - Advertisement -

    અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની એક મસ્જિદમાં બે બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ત્રીસ લોકો માર્યા ગયાના સમાચાર છે. આ ઘટના શુક્રવારે (29 એપ્રિલ 2022) બની હતી. વિસ્ફોટમાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તો બીજી તરફ અફઘાનિસ્તાન બોમ્બ બ્લાસ્ટ ઘટનામાં મૃતકોનો જે આંકડો જાહેર કરવામાં આવ્યો છે તેનાથી પણ વધુ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે.

    કાબુલમાં વિસ્ફોટ ( ફોટો સાભાર – AFP )

    તાલિબાન સરકારના અધિકારીઓએ એક વિસ્ફોટમાં 20 અને બીજા વિસ્ફોટમાં 10 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનના આંતરિક મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે કાબુલ પાસેના એક જિલ્લામાં આવેલ મસ્જિદમાં બ્લાસ્ટ થયો. જેમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા છે. હુમલાખોર પણ માર્યો ગયો છે. ઈજાગ્રસ્તો વિશે હજુ સુધી જાણકારી મળી શકી નથી.

    બીજો વિસ્ફોટ, કાબુલના દારૂલ અમન વિસ્તારમાં એક ઘટમાં થયો હતો. અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી ટોલો ન્યૂઝ અનુસાર, તેમાં 10 લોકો માર્યા ગયાના સમાચાર છે. આ હુમલામાં અન્ય 20 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી.

    - Advertisement -

    અફઘાનિસ્તાનના કાબુલ નજીક આવેલા સારાય ઉલાઉદ્દીનની એક સુન્ની મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો નમાઝ પઢવા માટે એકઠા થયા હતા. તે દરમિયાન અચાનક વિસ્ફોટ થયો હતો. જોકે, હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી.

    મસ્જિદના મૌલવીએ જણાવ્યું કે, “નમાઝ દરમિયાન ભેગા થયેલા લોકોમાં સ્યુસાઈડ બોમ્બર પણ ઘૂસી ગયો હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે, બ્લાસ્ટ થયો અને ચારેતરફ કાળો ધુમાડો ફરી વળ્યો હતો. જ્યાં જુઓ ત્યાં લાશો પડી હતી.” બ્લાસ્ટમાં તેમના ભત્રીજાઓ પણ માર્યા ગયા હોવાનું જણાવીને તેમણે ઉમેર્યું કે, હું ગમે તેમ કરીને બચી શક્યો પણ મારા ભત્રીજાઓને ન બચાવી શક્યો.”

    ઉલ્લેખનીય છે કે ગુરુવારે (28 એપ્રિલ 2022) અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફ વિસ્તારમાં બે અલગ-અલગ વિસ્ફોટમાં 11 લોકો માર્યા ગયા હતા. તેમજ 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બ્લાસ્ટ એક બસમાં થયો હતો, જેમાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. આ અફઘાનિસ્તાન બોમ્બ બ્લાસ્ટ હુમલાની જવાબદારી ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISISએ લીધી હતી.

    અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો મેળવી લીધા બાદ બોમ્બ બ્લાસ્ટ અને અન્ય આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ મહિનામાં અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ત્રણ બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ નોંધાઈ છે. આ પહેલાં 19 એપ્રિલે કબુલ નજીક આવેલ એક શાળામાં એકસાથે ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં છ લોકોનાં મોત થયાં હતાં જ્યારે દસથી વધુ લોકોને ઈજા પહોંચી હતી. શાળાનો સમય પૂર્ણ થવાનો હતો ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. જોકે, એ હુમલાની જવાબદારી પણ કોઈ આતંકી સંગઠને લીધી ન હતી.

    રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન સ્થિત ઈમરજન્સી હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું કે, માત્ર એપ્રિલ મહિનામાં જ તેમણે કાબુલમાં થયેલા વિવિધ બોમ્બ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લગભગ સો લોકોની સારવાર કરી છે. અહીં નોંધનીય છે કે આ મહિનામાં મુસ્લિમોનો પવિત્ર માસ રમઝાન પણ ચાલી રહ્યો છે, ત્યારે જ મસ્જિદો અને અન્ય સ્થળોએ થતા બોમ્બ બ્લાસ્ટની સંખ્યા પણ વધી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં