વડોદરા શહેરના જાણીતા નવલખી મેદાન ખાતેથી કાટમાળમાંથી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવતા હિંદુ સંગઠનોએ સ્થળ પર પહોંચી જઈને રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો તો આખી રાત ધરણા કર્યા હતા. જે બાદ સવારે મેયર અને કમિશનરે આવીને માફી માંગી દેવતાની પૂજા કરી હતી અને મૂર્તિઓ સલામત સ્થળે સ્થાપિત કરવામાં આવી હતી.
ઘટનાની વધુ વિગતો અનુસાર, થોડા સમય પહેલાં વડોદરા શહેરના જૂના પાદરા રોડ નજીક રોકસ્ટાર સર્કલ પાસે ડિમોલિશન દરમિયાન હિંદુ દેવી-દેવતાઓની દેરીઓ દૂર કરવામાં આવી હતી. આ દેરીઓમાં જે હનુમાનજી, ગણેશજી અને અન્ય દેવતાઓને જે મૂર્તિઓ હતી તે અને નવલખી મેદાનમાંથી મળી આવેલ મૂર્તિઓ સમાન જણાઈ રહી છે.
હિંદુ સંગઠનોએ સ્થળ પર જઈને વિરોધ કર્યા બાદ વડોદરાના મેયર કેયુર રોકડિયા અને શહેરના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પણ નવલખી મેદાને પહોંચ્યા હતા અને તાત્કાલિક મૂર્તિઓ સલામત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો હતો. તેમજ મેયર અને મ્યુનિસિપલ કમિશનરે હનુમાનજીની મૂર્તિની પૂજા પણ કરી હતી અને મૂર્તિઓને યોગ્ય સ્થાને પ્રસ્થાપિત કરવા માટે હિંદુ સંગઠનોને બાહેંધરી આપી હતી.
મામલા વિશે વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું કે, કાટમાળમાં મળી આવેલી હનુમાનજીની મૂર્તિ કયા વિસ્તારની છે તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. પરંતુ હિંદુ સમાજની લાગણી નહીં દુભાય તે હેતુથી હાલ આ મૂર્તિ તરસાલી શનિદેવ મંદિર પાસે પ્રસ્થાપિત કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે, તપાસ દરમિયાન જો મૂર્તિ ખરેખર રોકસ્ટાર સર્કલ પાસેની હોવાનું જાણવા મળશે તો મૂર્તિઓ તે જ સ્થળે પ્રસ્થાપિત કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સમગ્ર બનાવ અંગે વાત કરતા હિંદુ અગ્રણી અને જાણીતા ધારાશાસ્ત્રી નીરજ જૈને ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “પરમ દિવસે સાંજે અમને જાણવા મળ્યું હતું કે અગાઉ જે દેરી તોડવામાં આવી હતી તેમાં સ્થાપિત કરવામાં આવેલા હનુમાનજી, ગણેશજી અને અન્ય દેવતાઓની મૂર્તિ નવલખી મેદાન ખાતે કચરામાં બિનવારસી હાલતમાં મળી આવી છે. જે બાદ અમે સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી અને કોર્પોરેશનને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ અન્ય હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા. જે બાદ અમે મૂર્તિઓ બહાર કાઢી હતી અને રામધૂન પણ બોલાવી હતી.”
તેમણે આગળ જણાવ્યું કે, “કોર્પોરેશને શરૂઆતમાં આનાકાની કરી પરંતુ અમે જાહેરાત કરી કે જ્યાં સુધી કોર્પોરેશન દ્વારા જવાબદારી લઇ આ બાબતનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અહીંથી હટીશું નહીં. જે બાદ અમે આખી રાત ત્યાં બેસીને ધરણાં કર્યા હતા. સવારે મેયર અને કમિશનર ત્યાં આવ્યા અને ભૂલ સ્વીકારી લીધી હતી.” તેમણે કહ્યું કે, જેમનાથી પણ આ થયું છે તેમને ભગવાન સદબુદ્ધિ આપે. અમારી માંગ એટલી જ છે કે હનુમાનજીને સન્માનજનક જગ્યાએ સ્થાપિત કરવામાં આવે અને જેમણે પણ ભૂલ કરી છે તેઓ માફી માંગે એવી અમારી વિનંતી છે.”
તેમણે જણાવ્યું કે આ મૂર્તિઓ હાલ શનિમંદિર પાસે અસ્થાયીરૂપે મૂકવામાં આવી છે. તેમજ બહુ જલ્દીથી આ મૂર્તિઓને ફરી એ જ સ્થળે પુનઃસ્થાપિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા બ્રિજની કામગીરીમાં અવરોધરૂપ હોવાનું કહી બે મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી નિર્માણ પામી રહેલા બ્રિજ વચ્ચે આવતી બે દેરીઓ તોડી પડાતાં હિંદુ સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
હિંદુ સંગઠનોના વિરોધ બાદ મેયરે આ મૂર્તિઓ યોગ્ય જગ્યાએ ખસેડી તેનું પુનઃસ્થાપન કરવાની બાહેંધરી આપી હતી પરંતુ હવે નવલખી મેદાનમાંથી આ મૂર્તિઓ મળી આવતાં ફરી હિંદુ સંગઠનોઓ રોષ ભભૂકી ઉઠ્યો હતો.
એપલ ચીનથી છૂટકારો મેળવવા ભારતમાં બિઝનેસ સ્થાપશે, ચીનની કઠોર નીતિઓથી પરેશાન આઈફોન નિર્માતા એપલ ભારતમાં શિફ્ટ થવાની તૈયારી કરી રહી છે. એપલે તેના ઘણા કોન્ટ્રાક્ટ ઉત્પાદકોને ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં વિયેતનામમાં ઉત્પાદન વધારવા માટે કહ્યું છે. ચીનની કોવિડ વિરોધી નીતિને કારણે Appleના ઉત્પાદનોને ભારે અસર થઈ છે જેના કારણે એપલ ચીનથી છૂટકારો મેળવવા ભારતમાં કંપની સ્થાપશે. એપલે આ અંગે ચીનની આ કડક નીતિની પણ ટીકા કરી છે.જેના પરથી લાગી રહ્યું છે કે હવે એપલ ચીનથી છુટકારો મેળવવા ભારતમાં બીઝનેસ સ્થાપશે.
અમેરિકન અખબાર ‘વોલ સ્ટ્રીટ જર્નલ‘ અનુસાર, કંપનીના સૂત્રોએ ચીનના વિકલ્પ તરીકે ભારત અને વિયેતનામને પસંદ કર્યા છે. આ બે દેશો હાલમાં એપલના વૈશ્વિક ઉત્પાદનનો માત્ર એક નાનો હિસ્સો ધરાવે છે, પરંતુ તેનો ઉપયોગ ચીનના વિકલ્પ તરીકે થઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. હાલમાં, Appleના 90 ટકાથી વધુ ઉત્પાદનો, જેમ કે iPhone, iPad અને MacBook, ચીનમાં સ્વતંત્ર કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવામાં આવે છે.
એપલના એક્ઝિક્યુટિવ્સ અને એન્જિનિયરો કડક COVID નીતિને કારણે ચીનમાં ચાલુ મુસાફરી પ્રતિબંધોને કારણે છેલ્લા બે વર્ષથી ઉત્પાદન સાઇટ્સની મુલાકાત લઈ શક્યા નથી. તદુપરાંત, ગયા વર્ષે વારંવાર પાવર કટના કારણે વૈશ્વિક ઉત્પાદન પાવરહાઉસ તરીકે ચીનની છબી વધુ ખરાબ થઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એપલ પહેલાથી જ ચીન છોડવા માંગતી હતી, પરંતુ કોવિડ પોલિસી લાગુ થયા બાદ તેમ કરવું શક્ય નહોતું.
વિશ્લેષકો કહે છે કે સામ્યવાદી શાસન હેઠળ ચીનની દમનકારી નીતિઓ અને યુએસ સાથેના સંઘર્ષને કારણે Apple ચીન પર તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. બીજી તરફ, ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં રોકાણકારોને અનેક પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવે છે. આવી સ્થિતિમાં કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે મોટી વસ્તી અને ઓછી કિંમતના કારણે કંપની ભારતને ચીનના વિકલ્પ તરીકે જોઈ રહી છે.
તાઈવાનની એસેમ્બલિંગ કંપની ફોક્સકોન અને વિસ્ટ્રોન ભારતમાં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપી ચૂકી છે. ભારતનું વિશાળ બજાર અને અહીંના લોકોમાં એપલ પ્રોડક્ટ્સ પ્રત્યેના ઉત્સાહને ધ્યાનમાં રાખીને કંપની અહીં તેના વિસ્તરણને અન્ય એક મહત્ત્વનું કારણ માને છે.કંપનીએ નિકાસ સહિત ભારતમાં હાલના ઉત્પાદનને વિસ્તારવા માટે તેના કેટલાક સપ્લાયર્સ સાથે વાતચીત શરૂ કરી છે. તે જ સમયે, ચીની સપ્લાયર્સ કંપનીને ભારતના બદલે વિયેતનામમાં વિસ્તરણ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
જો માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા અમેરિકાની સૌથી મોટી કંપની એપલ ભારતમાં તેનું ઉત્પાદન છે, તો તે અન્ય વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ પ્રોત્સાહિત કરવા માટેનું એક પગલું હશે. તેનાથી ભારતને ઘણા ફાયદા થશે. ભારતમાં રોકાણ સાથે રોજગારીની તકો ઉભી થશે.
અમદાવાદ પોલીસે ડ્રગ્સ વિરોધી ડ્રાઈવમાં છેલ્લા કેટલાક દિવસમાં ઘણા આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. 21 તારીખે મોડી રાત્રે પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 71.28 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે એક 19 વર્ષનો ડ્રગ પેડલર સોહેલ મન્સૂરી ઝડપી પડાયો હતો. આ યુવક પોતાના ખિસ્સામાં ડ્રગ્સ લઈને વેચવા ફરી રહ્યો હતો, જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જડપી પાડેલ આરોપીનું નામ મોહમ્મદ સોહેલ મન્સૂરી છે. મૂળ અમદાવાદના ફતેવાડી વિસ્તારનો રહેવાસી સોહેલ છેલ્લા બે વર્ષથી કેફે પર ડ્રગ્સનું છૂટક વેચાણ ગેરકાયદેસર રીતે કરતો હતો. અમદાવાદમા ડ્રગ્સનુ નેટવર્ક વધતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમા સર્ચ કરી રહી હતી. ત્યારે મકરબામાં ખાણીપીણીની લારીઓ નજીક મોહમ્મદ સોહેલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા તેની પાસેથી 71.28 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ સિંધુભવન રોડ ઉપરથી પકડેલા કેટલાક નાના ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સના બંધાણીઓની તપાસ કરતા આ ખુલાસો થયો હતો. અગાઉ ક્રાઈમ બ્રાન્ચે 13 જેટલા શખ્સોની અટકાયત કરતા સામે આવ્યું હતું કે, કેફે પર આસાનીથી કેવી રીતે ડ્રગ્સ લેનારાઓને આ ડ્રગ્સ મળી રહેતું તેનો ખુલાસો થયો હતો.
છેલ્લા 3 વર્ષથી સોહેલ મન્સૂરી પણ MD ડ્રગ્સનું સેવન કરતો હતો. છેલ્લા 6 માસથી એમડી ડ્રગ્સ ખરીદી લાવી નાની-નાની જીપર બેગ બનાવી છૂટક વેચતો હતો. મહત્વનું છે કે પોલીસને ડ્રગ પેડલર સોહેલ પાસેથી મોટી 50 ગ્રામની જીપર પણ મળી આવી હતી. સોહેલ સાંજથી મકરબા વિસ્તારમાં ખાણીપીણીની જગ્યા ઉપર મોડી રાત સુધી MD ડ્રગ્સની નાની નાની 1 ગ્રામની જીપર 2000થી 2500ના ભાવમાં વેચતો હતો. મોબાઈલ પર ગ્રાહકોનો સંપર્ક કરીને ડ્રગ્સનો વેપાર કરતો હતો.
અમદાવાદમા આવા ડ્રગ પેડલર્સ યુવાપેઢીને બરબાદ કરી રહ્યા છે. કાફે હોય કે ખાણીપીણી બજાર હોય ત્યાં ડ્રગ પેડલરોનુ નેટવર્ક સક્રીય જાણવા મળ્યું છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ પેડલરો અને માફીયા વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ પણ ક્રાઈમ બ્રાંચે સિંધુભવન રોડ ઉપરથી કેટલાક નાના ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સના બંધાણીઓની સર્ચ કરતા 13 જેટલા લોકોની અટકાયત કરી હતી. ત્યારે વધુ એક પેડલરને પકડવામા ક્રાઈમ બ્રાંચને સફળતા મળી. આ પેડલર ડ્રગ્સ કયાથી લાવતો હતો અને તેના નેટવર્કને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વધુ પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો આરોપી રામોલના આમીન નામના શખ્સ પાસેથી ખરીદીને લાવ્યો હતો એ જાણવા મળ્યું હતું. આ ડ્રગ્સ આરોપી વેચાણ માટે જ લાવ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે 19 વર્ષના યુવક વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ કરી રહી છે. જોકે આરોપીએ અગાઉ ડ્રગ્સ લાવીને વેચ્યું હતું કે કેમ તથા અન્ય કોણ કોણ આમાં સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ પહેલા પણ ઘણા નાના મોટા ડ્રગ પેડલર ઝડપી પડાયા હતા. આ સાથે હવે પોલીસ કાર્યવાહી વધુ ઝડપ પકડે એવી સંભાવના છે.
બનાસકાંઠાના વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી વિવાદમાં આવ્યા છે. ગઈકાલે કોંગ્રેસ પાર્ટી દ્વારા યોજાયેલી એક સભામાં ભાજપ સરકારનો વિરોધ કરતા તેઓ ભાન ભૂલ્યાં હતાં અને અપશબ્દો અને અશોભનીય શબ્દોનો મારો ચલાવ્યો હતો. ગેનીબેન ઠાકોરનો આ વિડીયો પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.
બનાસકાંઠાના વાવ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા જનવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાવના સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, વડગામના અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસ સમર્થક જીગ્નેશ મેવાણી અને થરાદના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન, મંચ પરથી ભાષણ આપતા ગેનીબેન ઠાકોરે ભાજપ સરકારના કામ પર સવાલો ઉઠાવ્યા હતા.
વિપક્ષ નેતાઓ સરકારને સવાલો કરે અને સભ્ય ભાષામાં પ્રહારો કરે તે તો સમજી શકાય તેમ છે પરંતુ કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેને અમુક ક્ષણો પછી બેફામ વાણીવિલાસ શરૂ કરી દીધો હતો અને ભાજપના શાસકો વિશે અપશબ્દો વાપરવાના શરૂ કરી દીધા હતા. એટલું જ નહીં, જ્યારે તેમણે ભાજપશાસકોને અપશબ્દો કહ્યા ત્યારે મંચ પરથી તાળીઓ પણ પડી હતી. જે મામલે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મંચ પરથી ભાષણ કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ચોર કોટવાલને દંડે એવી વાત ભારતીય જનતા પાર્ટીના રાજમાં છે. ગુજરાત અને કેન્દ્રની અંદર તેમનું શાસન છે ત્યારે કોંગ્રેસના અને અન્ય પક્ષના આગેવાનો પર નાનામોટા કેસ કરી રહ્યા છે અને ન્યાય માટે લડતની મંજૂરી તો અંગ્રેજો પણ આપતા પરંતુ આ તો અંગ્રેજો કરતા પણ બત્તર છે અને ન્યાયની લડાઈ લડવા માટે છૂટ નથી આપતા.
તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ધરાવતા લોકો પોલીસતંત્ર સાથે મળી પોલીસને આગળ કરી કે અધિકારીઓને આગળ કરી ફરિયાદ કરી રહ્યા છે. આ કેસ પરત ખેંચવા માટેની અમારી લડાઈ છે.
ક્યાં સુધી આ લોકો યુવાનોને બરબાદ કરવાના કાવતરાં કરશે? ક્યાં સુધી સમાજ-સમાજને અંદરોઅંદર લડાવશે? ક્યાંક મહિલાઓની સુરક્ષા માટેની વાત હોય અને કોઈ આગળ આવે તો તેમાં પણ તેમની સામે કેસ કરવામાં આવે. તમારે જે કરવાનું છે એ કરો. કોઈ એવો દિવસ નહીં હોય કે ગુજરાતની અંદર બહેન-દીકરીઓ પર બળાત્કાર ન થયા હોય અને છેડતી ન થઇ હોય.
આ વાક્ય બાદ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ભાન ભૂલ્યા હતા અને અપશબ્દ વાપરીને કહ્યું હતું કે, “તમારા રાજની અંદર ભ#*ઓ બેન-દીકરીઓ પણ સુરક્ષિત નથી.” વધુ આશ્ચર્યની વાત એ છે કે આ ધારાસભ્યના આ વાક્ય બાદ સ્ટેજ પરથી તાળીઓ પડવા માંડી હતી!
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ધારાસભ્યોએ આ ‘જનવેદના’ સભા આયોજિત કરીને ફિલ્મ ‘પદ્માવતી’ના વિરોધ વખતે ક્ષત્રિય સમાજના લોકો પર થયેલા કેસો, ઉનાકાંડ વખતે દલિતો પર થયેલા કેસ અને અન્ય આંદોલનો દરમિયાન અન્ય સમાજોના લોકો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગણી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વપૂર્ણ ક્વાડ સમિટ બેઠકમાં ભાગ લેવા માટે આજે જાપાન પહોચ્યા છે. વડાપ્રધાન અન્ય એક મહત્વપૂર્ણ સત્તાવાર પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે, ત્યારે તેમની પ્રવાસ યોજનાઓ અંગેની એક રસપ્રદ વિગતો બહાર આવી છે.
પીએમ મોદીએ, જેઓ ચુસ્ત કાર્ય શેડ્યૂલ ધરાવતા હોવાનું જાણવામાં આવે છે, તેમણે સમય બચાવવા માટે મોટાભાગે રાત્રિ દરમિયાન મુસાફરી કરવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાન મોદી 22 મેની રાત્રે જાપાન જવા રવાના થયા હતા અને આજે વહેલી સવારે ટોક્યો પહોંચશે.
“PM મોદી 22 મેની રાત્રે ટોક્યો જવા રવાના થશે, આગલી સવારે વહેલા પહોંચશે અને સીધા કામ પર જશે. એકંદરે, તેમણે આ મહિને 5 દેશોની મુલાકાત લીધી છે જ્યારે આ દેશોમાં કુલ 3 રાત અને સમય બચાવવા માટે 4 રાત વિમાનમાં વિતાવી છે.” બીજેપી આઈટી-સેલના વડા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું હતું.
PM Modi will be leaving for Tokyo on the night of 22 May, arriving early next morning and heading straight to work. Overall, he would have visited 5 countries this month while spending a total of only 3 nights in these countries and 4 on plane to save time.https://t.co/YCZafOo72O
અહેવાલ મુજબ, PM મોદી સમય અને સંસાધનોને બચાવવા માટે તેમની વિદેશ મુલાકાતો દરમિયાન નિયમિત પેટર્નને અનુસરે છે. વડા પ્રધાન મોટે ભાગે રાત્રે ફ્લાઈટ્સમાં બોર્ડ કરે છે જેથી તેઓ વહેલી સવારે ત્યાં પહોંચી શકે અને પછી બીજા દિવસે મીટિંગમાં હાજરી આપી શકે.
પીએમ મોદી 23 અને 24 મેના રોજ જાપાનની મુલાકાત પર છે, જ્યાં તેઓ ટોક્યોમાં ક્વાડ સમિટ બેઠકમાં ભાગ લેશે. ક્વાડ સમિટ એ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક સુરક્ષા સંવાદ છે.
જાપાન પ્રવાસ દરમિયાન પીએમ મોદી યુએસ પ્રમુખ જો બિડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને નવા ચૂંટાયેલા ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
એ જ રીતે, પીએમ મોદીએ તેમના તાજેતરના બંને દેશોના પ્રવાસ દરમિયાન જર્મની અને ડેનમાર્કમાં માત્ર એક રાત વિતાવી હતી. તે જાપાનમાં પણ સમાન દિનચર્યાનું પાલન કરશે, જ્યાં તેઓ તેમની મુલાકાત દરમિયાન ટોક્યોમાં એક જ રાત વિતાવવાના છે.
પીએમઓના સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી ઘણા વર્ષોથી આવું કરી રહ્યા છે. નેવુંના દાયકાની શરૂઆતમાં, જ્યારે પીએમ મોદીએ તેમની વિદેશ યાત્રાઓ શરૂ કરી, ત્યારે તેમણે દિવસ દરમિયાન સ્થળોની મુલાકાત લીધી અને પરત આવવા હમેશા છેલ્લી ફ્લાઇટ લીધી જેથી હોટેલ રોકાણના નાણાં બચાવી શકાય. તેઓ ઘણી વાર પ્લેન અને એરપોર્ટ પર સૂતા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પીએમ મોદી ક્વાડ સમિટ માટે જાપાનમાં 40 કલાકના રોકાણમાં 23 કાર્યક્રમોમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનમાં લગભગ 40 કલાકના રોકાણમાં ત્રણ વિશ્વ નેતાઓ સાથેની બેઠકો સહિત 23 કાર્યક્રમો કરશે જ્યાં તેઓ 24 મેના રોજ ટોક્યોમાં ક્વાડ સમિટમાં યુએસ પ્રમુખ જો બાઇડન અને ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડા પ્રધાનો સાથે જોડવાના છે.
સૂત્રો મુજબ મોદી પોતાની મુલાકાત દરમિયાન વેપાર, રાજદ્વારી અને સામુદાયિક વાતચીત કરશે. તેઓ લગભગ 3 ડઝન જાપાનીઝ સીઈઓ અને સેંકડો ભારતીય ડાયસ્પોરા સભ્યો સાથે વાર્તાલાપ કરવાના છે. સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન ટોક્યોમાં એક રાત અને વિમાનમાં બે રાત વિતાવશે.
યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે આયોજિત ક્વાડ સમિટ દરમિયાન મોદી બિડેન અને તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય વાતચીત કારવાના છે. તેઓ પોતાના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે પણ દ્વિપક્ષીય બેઠક પણ કરવાના છે.
સમિટમાં વડાપ્રધાનની સહભાગિતાની જાહેરાત કરતી વખતે, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 મે 2022 ના રોજ યુએસના પ્રમુખ જોસેફ આર બિડેન જુનિયર અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ટોક્યોમાં ત્રીજા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે.”
ગત 21 મેના રોજ પંજાબ રાજ્યના મોહાલી જિલ્લામાં આવેલ ધકોલી ખાતે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા એક બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્રિસ્તી મશીનરીઓ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો હિંદુ સંગઠનો અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ વિરોધ કરતા આરોપ લગાવ્યો કે મિશનરીઓ દ્વારા લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે.
મિશનરીઓનો સંદિગ્ધ કાર્યક્રમ
આ બે દિવસીય કાર્યક્ર્મ 21 મેના રોજ સાંજે પાંચ વાગ્યે શરૂ થયો હતો. ચર્ચ ગ્રુપના સભ્યોએ કોમ્યુનિટી હોલની બહાર એકઠા થઈને લાઉડસ્પીકર ઉપર જાહેરાત કરીને ગ્રીન સિટી, મમતા એન્કલેવ અને લક્ષ્મી એન્કલેવમાંથી (ત્રણેય સ્થાનિક વિસ્તારો) લોકોને આવવા માટે અને ‘ઈશુ ખ્રિસ્તના ચમત્કારો’નો અનુભવ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જોકે, જાહેરાત બાદ પણ સ્થાનિક વિસ્તારમાંથી કોઈ તેમની વાતો સાંભળવા ન આવ્યું ત્યારે ચર્ચ ગ્રુપના સભ્યોએ ખ્રિસ્તી ધર્મના વખાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. જે બાદ એક સ્થાનિક વ્યક્તિ શ્લોક અગ્રવાલે જઈને કાર્યક્રમ બંધ કરવા માટે કહ્યું હતું. તેમણે ચર્ચ ગ્રુપના સભ્યોને અવાજ ઘટાડવા માટે કહ્યું હતું પરંતુ તેમાંથી કોઈએ ધ્યાન આપ્યું ન હતું. જે બાદ તેમની સાથે અન્ય સ્થાનિકોએ પણ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર, કાર્યક્રમ દરમિયાન ચર્ચ ગ્રુપના વક્તાઓએ દાવો કર્યો હતો કે તેમની સાથે જોડાનાર વ્યક્તિ તમામ નાણાકીય અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓમાંથી મુક્ત થઇ જશે. વક્તાએ કહ્યું કે, “ઈશુ મસીહ તમને આશીર્વાદ આપશે અને તમારી તમામ સમસ્યાઓ દૂર કરશે. જો તમારામાંથી કોઈ આર્થિક કે સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યું હોય તો આવો અને ઈશુ મસીહના આશીર્વાદ લો.“
બીજા દિવસે પોલીસની હાજરીમાં કાર્યક્રમ થયો
પહેલા દિવસે સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હોવાથી બીજા દિવસે ચર્ચ ગ્રુપના સભ્યો પોલીસ સુરક્ષા સાથે આવ્યા હતા. જોકે, હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકોએ બીજા દિવસે પણ વિરોધ કર્યો અને પોલીસ અધિકારીઓ સામે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
વિરોધ કરનારા હિંદુઓને અધર્મી કહેવાયા
જયારે વિરોધ કરતા સ્થાનિક લોકોએ મિશનરી કાર્યક્રમ વિરુદ્ધ જય શ્રીરામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા ત્યારે મંચ પરથી સંબોધિત કરનારાઓએ આ નારા લગાવનાર હિંદુઓને અધર્મી કહ્યા હતા. તેમણે સ્ટેજ પરથી કહ્યું કે, ધર્મનું પાલન કરતા વ્યક્તિને અમારા કાર્યક્રમથી કોઈ સમસ્યા નહીં થાય. કોઈ અધર્મી વ્યક્તિ જ આવા કાર્યક્રમનો વિરોધ કરી શકે.”
બહારથી લોકોને કાર્યક્રમમાં બોલાવાયા
સ્થાનિકો દ્વારા વાંધો ઉઠાવતા કહેવામાં આવ્યું કે, ખ્રિસ્તી મિશનરીઓના આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો બેઠા જ ન હતા. સ્થાનિકોનો આરોપ છે કે ત્યાં બેઠેલો એક પણ વ્યક્તિ સ્થાનિક ન હતો અને તમામને બહારથી બોલાવવામાં આવ્યા હતા. ધર્મ જાગરણ સમન્વયના રાજ્ય પ્રમુખ મહેન્દ્ર કુમારે કહ્યું કે, “આ અમારા વિસ્તારની સુરક્ષા માટે જોખમ છે. તેમના કારણે કંઈ પણ બને તો તે માટે જવાબદાર કોણ હશે?”
ઑપઇન્ડિયા સાથે વાત કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સોશિયલ મીડિયા સંયોજક શ્લોક અગ્રવાલે કહ્યું કે, “મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે તેમને આ પ્રકારનો કાર્યક્રમ યોજવાની પરવાનગી કેવી રીતે મળી ગઈ? ત્યાં બેઠેલો એક પણ વ્યક્તિ સ્થાનિક ન હતો. તેઓ આ વિસ્તારના લોકોને ધર્મપરિવર્તન માટે લલચાવી રહ્યા છે. આ આખા પંજાબમાં થઇ રહ્યું છે. અમે આવું શક્ય નહીં બનવા દઈએ.”
‘પૈસાની લાલચ આપીને લોકોને ધર્માંતરિત કરાવવા એ અયોગ્ય અને અનૈતિક છે’
પંજાબ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શ્લોક અગ્રવાલે આગળ કહ્યું, “અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે હું અહીં આવ્યો હતો. અમારા માથે તિલક જોઈને તેમણે અમને ધમકાવ્યા હતા અને જતા રહેવા માટે કહ્યું હતું. અમે ધાર્યું ન હતું કે પોલીસ પણ તેમની સુરક્ષા માટે આવશે. તેમને ધર્મપરિવર્તન કરતા અટકાવવાને બદલે પોલીસ અમને રોકી રહી હતી. જ્યારે અમારા સ્થાનિક વિસ્તારમાં બહારના લોકો આવીને કોઈ પણ જાતના ડર વગર હિંદુઓનું ધર્માંતરણ કરાવવાના પ્રયત્નો કરી રહ્યા હોય તો અમને બોલવાનો અધિકાર નથી?”
શ્લોક અગ્રવાલે વધુમાં ઉમેર્યું કે, “અમારા હિંદુ ભાઈ-બહેનોને ધર્મપરિવર્તન કરાવવાના પ્રયત્નો કરનારાઓને રોકવાની જગ્યાએ તંત્ર અમને અવાજ ઉઠાવતા રોકી રહ્યું છે. હું એ જ પૂછવા માંગુ છું કે આ બધું ક્યારે બંધ થશે?”
પંજાબ RSS કાર્યકર્તા રાહુલ એન શર્માએ કહ્યું કે, “આ લોકો પૈસાની લાલચમાં ધર્માંતરણ જેવી બાબતોમાં સામેલ થાય છે. કોઈ પણ ધર્મમાં આ ખોટું છે. હું જઈને લોકોને કહું કે શાખામાં સામેલ થવા માટે હું તેમને એક હજાર રૂપિયા આપીશ, તો તેનો કેટલો વિરોધ થશે. પરંતુ અહીં કોઈ પણ સમસ્યા સમજવા માટે તૈયાર નથી. એ વાત અલગ છે જ્યારે લોકો પોતાની ઈચ્છાથી ધર્મ પરિવર્તન કરે છે, પણ કોઈને પૈસાની લાલચે ખ્રિસ્તી કે ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યા હોય તો તે અયોગ્ય અને અનૈતિક છે.”
પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ સમસ્યા થઇ
બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે અને હાલ વિસ્તારના અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. સ્થળ પર હાજર ભાજપ નેતા નીતુ ખુરાનાએ કહ્યું કે, “મને આશ્ચર્ય છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે જાણવા છતાં એસડીએમે આ પ્રકારના કાર્યક્રમની પરવાનગી આપી હતી. આ લોકો ઉપદ્રવ કરી રહ્યા છે અને પોલીસ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી રહી નથી.”
દરમ્યાન, કેટલાક વિદ્યાર્થીઓ પણ સ્થળ પર આવ્યા હતા અને પોલીસને લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરાવવા માટે અપીલ કરી હતી, પરંતુ તેમ પણ થયું ન હતું. જે બાદ પોલીસની આવી નિષ્ક્રિયતાથી નારાજ સ્થાનિક લોકોએ જયશ્રી રામ, ભારત માતા કી જય અને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. તેમણે પોલીસને ચેતવણી આપી હતી કે જો અવાજ ઓછો કરવામાં નહીં આવે તો તેઓ ધરણાં કરશે. જે બાદ લગભગ સાડા આઠ વાગ્યે પોલીસે ચર્ચ ગ્રુપને અવાજ ઓછો કરવા માટે કહ્યું હતું, અને કાર્યક્રમ નવ વાગ્યે પૂર્ણ થવાનો હતો.
‘હિંમત હોય તો પંચકુલામાં કાર્યક્રમ કરી બતાવો’
પંજાબ અને અન્ય રાજ્યોમાં ચર્ચ સમૂહ દ્વારા કથિત રીતે થઇ રહેલા ધર્માંતરણ જેવા મુદ્દાથી નારાજ એક સ્થાનિકે કહ્યું હતું કે, “તમારામાં હિંમત હોય તો પંચકુલા (હરિયાણા) જઈને આવો કાર્યક્રમ આયોજિત કરી બતાવો. સરહદ પાર જઈને આવા કાર્યક્રમો કરો. પંજાબમાં આ એક મોટી સમસ્યા બની ગઈ છે અને અધિકારીઓ પણ કંઈ કરી રહ્યા નથી.
અન્ય એક સ્થાનિકે કહ્યું કે, આ પ્રકારના ધર્માંતરણ કાર્યક્રમો ખુલ્લેઆમ ચાલી રહ્યા છે તેનું કારણ એ છે કે હિંદુઓ અવાજ ઉઠાવી રહ્યા નથી. તેમણે કહ્યું, “હવે હિંદુઓએ ધર્માંતરણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો તેઓ અકળાઈ ઉઠ્યા છે. હવે અમને રોકવા માટે પોલીસ બોલાવવામાં આવી છે. અમે હાર નહીં માનીએ, આ સ્વીકર્યા નથી અને અમે અમારા ભાઈ-બહેનોનું ધર્મપરિવર્તન નહીં થવા દઈએ.”
ચર્ચ ગ્રુપ દ્વારા પોલીસ ટેગવાળી કાર વાપરવામાં આવી
જ્યારે કાર્યક્રમ સમાપ્ત થયો તો ચર્ચ સમૂહના સભ્યોને લેવા માટે એક કાર આવી હતી. સ્થાનિક લોકોને આશ્ચર્ય એ વાતનું થયું કે, ચંદીગઢના રજીસ્ટ્રેશનવાળી આ ગાડીના આગલા કાચ પર ‘પોલીસ’નું ટેગ લાગ્યું હતું. જે બાદ પંજાબના ઝીરકપૂરના સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ધર્માંતરણ કાર્યક્રમો માટે પોલીસ વાહનો શા માટે વાપરવામાં આવી રહ્યા છે. જે બાદ પોલીસે તેમને હટાવવાના પ્રયાસો કર્યા હતા.
જે બાદ પોલીસે હેડકવાર્ટર સાથે સંપર્ક કરીને SHO હરદીપસિંહને આવીને હસ્તક્ષેપ કરવા માટે કહ્યું હતું. દરમ્યાન, ચર્ચ સમૂહની મહિલા સભ્યો અને ભાજપ નેતા નીતુ ખુરાના વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. ભાજપ મહિલા નેતા અન્ય સ્થાનિકો અને હિંદુ નેતાઓ સાથે કાર આગળ ઉભા રહી વિરોધ કરી રહ્યા હતા.
ચર્ચ સમૂહના પુરુષ સભ્યો રસ્તો ખાલી ન કરાવી શક્યા ત્યારે મહિલા સભ્યોએ આગળ આવીને ભાજપ મહિલા નેતા સાથે ઝપાઝપી કરી હતી. જયારે નીતુ ખુરાનાએ તેમને ચેતવણી આપી તો તેમણે તેમને ધક્કો મારી હટાવવાના પ્રયાસો કર્યા હતા. જે બાદ પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
સ્થાનિક SHOએ કહ્યું, આ સામાન્ય બાબત
જે બાદ SHO હરદીપસિંહ સ્થળ પર આવ્યા હતા અને બંને પક્ષો સાથે વાતચીત કરી હતી. શરૂઆતમાં તેમણે કાર સામે ઉભા રહેલા લોકોને એક તરફ ખસી જવાની વિનંતી કરીને કહ્યું કે પોલીસ સ્ટેશન દ્વારા ચલાન જારી કરવામાં આવશે. પરંતુ કોઈ ત્યાંથી ખસવા માટે તૈયાર ન હતું.
જે બાદ કેટલીક મિનિટોમાં એક અન્ય અધિકારી ચલાન લઈને આવ્યો હતો. જે બાદ જાણવા મળ્યું હતું કે, ધાર્મિક આયોજન માટે ઉપયોગમાં લેવામાં આવનાર કાર પર પોલીસ ટેગનો દુરુપયોગ કરવા બદલ ચલાન જારી કરવામાં આવ્યું હતું. આ મામલે ઑપઇન્ડિયા સાથે વાત કરતા, SHO હરદીપસિંહે જણાવ્યું કે, આ એક સામાન્ય બાબત હતી અને સમાધાન થઇ ગયું છે. SHO દ્વારા વાહન માલિક વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યા બાદ સ્થળ પર હાજર સ્થાનિક લોકો અને નેતાઓએ પોલીસનો આભાર માન્યો હતો.
બહારના લોકો માટે કાર્યક્રમની પરવાનગી અપાવા મુદ્દે સવાલો ઉઠ્યા
મમતા એન્કલેવ, લક્ષ્મી એન્ક્લેવ અને ગ્રીન સિટીમાં રહેતા સ્થાનિક નિવાસીઓએ સ્થાનિક લોકોની ભાગીદારી ન હોવા છતાં આ પ્રકારના કાર્યક્રમો માટે ચર્ચ સમૂહને આપવામાં આવેલ અનુમતિ મામલે આપત્તિ વ્યક્ત કરી હતી. ત્રણેય સોસાયટીની સમિતિઓએ આયોજન માટે કોમ્યુનિટી હોલની પરવાનગી આપવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું. સામાન્ય રીતે આવા કાર્યક્રમો માટે સમિતિ પરવાનગી આપતી હોય છે પરંતુ ચર્ચ ગ્રુપે એસડીએમનો સંપર્ક કર્યો હતો.
સ્થાનિકો દ્વારા ઑપઇન્ડિયા સાથે શૅર કરવામાં આવેલ દસ્તાવેજોમાં ખ્રિસ્તી ગ્રુપના કાર્યક્રમનો ઉલ્લેખ ન હતો. ચર્ચ સમૂહ દ્વારા આપવામાં આવેલ આવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “અમે લક્ષ્મી એન્કલેવ, ઢકોલિ, ઝીરકપૂર ખાતે એક સત્સંગ આયોજિત કરી રહ્યા છે. જેથી તે માટે લાઉડસ્પીકરના ઉપયોગની પરવાનગી માંગવામાં આવે છે.”
આ ઉપરાંત, અનુમતિ પત્ર પર જે સરનામું આપવામાં આવ્યું હતું તે સોસાયટીની બહાર આવેલ શાંતિ એન્કલેવ નિવાસી રોબિન નામના વ્યક્તિનું હોવાનું જાણવા મળ્યું હતું. કોમ્યુનિટી હોલની આસપાસ રહેતા લોકોએ રોબિન નામના કોઈ વ્યક્તિએ આ પ્રકારની પરવાનગી માંગવા આવ્યા હોવાનું જાણમાં ન હોવાનું જણાવ્યું હતું.
‘આ પ્રકારના ધર્માંતરણ બંધ થાય તે જરૂરી’
ઑપઇન્ડિયા સાથે વાત કરતા પંજાબ ઝીરકપુરથી મહેન્દ્ર કુમારે કહ્યું કે, આ લોકો ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા માટે ગરીબ હિંદુઓને શિક્ષણ, ધન અને ભોજનના નામે લલચાવે છે. આ પ્રકારના ધર્માંતરણ રોકવાની જવાબદારી રાજ્ય, સમાજ અને હિંદુ સંગઠનોની છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર અને સમાજ આ ધર્માંતરણ રોકવામાં નિષ્ફ્ળ રહ્યા છે. હિંદુ સંગઠનો આવી ધર્માંતરણ પ્રક્રિયાઓ રોકવા માટે મોટા સ્તરે કામ કરી રહ્યા છે.
પંજાબ અને ધર્માંતરણની સમસ્યા
પંજાબ દેશમાં બળજબરીથી થતા ધર્માંતરણનું હોટસ્પોટ બનતું જઈ થયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં અનેક ચર્ચ ખૂલ્યા છે. આ સમૂહો લોકોને વધુ સારું જીવન અને બીમારીઓથી રાહત આપવાના વાયદા કરીને ધર્માંતરણ માટે ફોસલાવે છે. કથિત પ્રોફેટ બજીન્દર રાજ્યમાં ઉભરી આવેલા આવા સ્વયંકથિત ભગવાનોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
(ગુજરાતીમાં મેઘલસિંહ પરમાર દ્વારા અનુવાદિત થયેલો આ લેખ મૂળરૂપે અંગ્રેજીમાં અનુરાગ દ્વારા લખવામાં આવ્યો છે, જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)
દિલ્હી પોલીસ દ્વારા ‘બેડ કેરેક્ટર’ (BC) જાહેર કરવામાં આવેલા દિલ્હીની આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન દ્વારા હવે દિલ્હી પોલીસ વિરુદ્ધ માનહાનિનો દાવો માંડવામાં આવ્યો છે. તેમણે ટ્વિટર મારફતે આ જાણકારી આપી હતી.
ટ્વિટમાં અમાનતુલ્લાહ ખાને કહ્યું કે, “પોલીસે મને એ જણાવવું જોઈએ કે મેં કઈ જમીન પર અતિક્રમણ કર્યું છે કે કઈ જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું છે? મેં ક્યાં તોફાનો ભડકાવ્યા છે? કે હું કઈ ગેંગનો ભાગ છું? આજે મેં દિલ્હી પોલીસને બદનક્ષીની નોટિસ પાઠવી છે. તેમણે ક્યાં માફી માંગવી પડશે ક્યાં વળતર ચૂકવવું પડશે.
दिल्ली पुलिस लगातार मुझे निशाना बना रही है, इस बार दिल्ली पुलिस ने मेरे परिवार को बदनाम करने के साथ–साथ प्रतिष्ठा का अधिकार और सम्मान के साथ जीने के अधिकार पर भी हमला किया है।@DelhiPolice बिना किसी सबूत के मनगढ़ंत कहानियाँ बुन रही हैं pic.twitter.com/2siKoALnJn
— Amanatullah Khan AAP (@KhanAmanatullah) May 22, 2022
અન્ય એક ટ્વિટમાં અમાનતુલ્લાહ ખાન કહે છે કે, “દિલ્હી પોલીસ સતત મને નિશાન બનાવી રહી છે. આ વખતે દિલ્હી પોલીસે મારા પરિવારને બદનામ કરવા સાથે પ્રતિષ્ઠાના અધિકાર અને સન્માન સાથે જીવવાના અધિકાર પર પણ હુમલો કર્યો છે. દિલ્હી પોલીસ કોઈ પણ જાતના પુરાવા વગર મનગઢત વાર્તાઓ ઘડી રહી છે.”
दिल्ली पुलिस लगातार मुझे निशाना बना रही है, इस बार दिल्ली पुलिस ने मेरे परिवार को बदनाम करने के साथ–साथ प्रतिष्ठा का अधिकार और सम्मान के साथ जीने के अधिकार पर भी हमला किया है।@DelhiPolice बिना किसी सबूत के मनगढ़ंत कहानियाँ बुन रही हैं pic.twitter.com/2siKoALnJn
— Amanatullah Khan AAP (@KhanAmanatullah) May 22, 2022
15 પાનાંની નોટિસમાં અમાનતુલ્લાહ ખાનના વકીલે કહ્યું છે કે, “અમારા અસીલના ધ્યાનમાં આવ્યું છે કે ટ્વિટર પર સારા એવા ફોલોઅર્સ ધરાવતા અને કેન્દ્રમાં શાસન કરતી એક રાજનીતિક પાર્ટીના પ્રવક્તાએ પોતાના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું કે, ‘અમાનતુલ્લાહ ખાનને દિલ્હી પોલીસ દ્વારા BC જાહેર કરવામાં આવ્યા.’ સાથે તેમણે અમારા અસીલની તસવીરોવાળું એક ડોઝિયર પણ શૅર કર્યું હતું જેમાં SHO ના હસ્તાક્ષર પણ હતા.”
નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “અમારા અસીલનું કથિત ડોઝિયર એક ગોપનીય દસ્તાવેજ છે, જે જનતા માટે નથી અને પંજાબ પોલીસ નિયમ 1934 અનુસાર, તે સાર્વજનિક કરવામાં આવવું જોઈએ નહીં.” આગળ કહેવામાં આવ્યું કે, “અમારા અસીલનું કથિત ડોઝિયર કોઈ વ્યક્તિ દ્વારા નહીં પરંતુ દિલ્હી પોલીસ દ્વારા લીક કરવામાં આવ્યું છે, જેમને ગોપનીયતા જાળવી રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેથી તે દિલ્હી પોલીસના ઔચિત્ય અને કામકાજ ઉપર પણ ગંભીર સવાલો પેદા કરે છે.”
पुलिस मुझे बताए की आखिर
– कौन सी जमीनों पर मैंने कब्ज़ा किया या कहाँ पर Illegal Construction किया है? – मैंने कहाँ दंगे भड़काए? – वो कौन सा गैंग है जिसका मैं हिस्सा हूँ?
— Amanatullah Khan AAP (@KhanAmanatullah) May 22, 2022
નોટિસમાં કહેવામાં આવ્યું કે, પોલીસના આ કાર્યથી અમાનતુલ્લાહ ખાનના મૌલિક અધિકારોનું હનન થયું છે. અમાનતુલ્લાહ દ્વારા પાઠવવામાં આવેલ નોટિસમાં આગળ જણાવવામાં આવ્યું કે, “જ્યારે પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે ત્યારે જાણે વ્યક્તિ અડધો મૃત પામે છે. સન્માન સુરક્ષિત રહે તે ખૂબ જરૂરી છે. અને તેથી જ તે બંધારણના અનુચ્છેદ 21નો અગત્યનો ભાગ છે. કોઈ પણ વ્યક્તિ એવું નહીં ઈચ્છે કે તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે, અને પ્રતિષ્ઠાને લોકપ્રિયતાને બદલે સન્માનના રૂપમાં જોવામાં આવે છે.”
— Amanatullah Khan AAP (@KhanAmanatullah) May 22, 2022
કથિત ઉત્પીડનના કારણે ઉદભવતી સંભવિત માનસિક સ્થિતિ અંગે જણાવતા અમાનતુલ્લાહ ખાને નોટિસમાં પોલીસને ધમકી આપતા કહ્યું કે, “આ કેસના ચિંતાજનક તથ્યો સમજી શકાય તેમ છે. અમારા અસીલને સ્પષ્ટ રીતે અપમાનિત કરવામાં આવ્યા છે અને જેનો ઉપચાર માનસિક આઘાતનું પણ કારણ બની શકે છે. એક વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિને અપાતી મનોવૈજ્ઞાનિક યાતનાઓ ટ્રોમા કે તેવી અન્ય સમસ્યાઓ કરતા પણ વધુ હાનિકારક સાબિત થઇ શકે છે. કોઈ પણ મનોવૈજ્ઞાનિક યાતનાઓ વધુ માનસિક પીડા આપે છે અને જીવનના કોઈ પણ તબક્કે તેના પરિણામો ભોગવવાં પડે છે.”
નોટિસના અંતે માંગ કરતા કહેવામાં આવ્યું કે, દિલ્હી પોલીસ દ્વારા બિનશરતી માફી માંગવામાં આવે. તેમણે માંગ કરી છે કે ડોઝિયર અને હિસ્ટ્રી શીટ રદ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જો દિલ્હી પોલીસ આવું નહીં કરે તો અમાનતુલ્લાહ ખાને દસ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.
અહીં નોંધવું જરૂરી છે કે, અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન દિલ્હીના મદનપૂર વિસ્તારમાં થયેલ ઘર્ષણ બાદ ધરપકડ થયા બાદ અમાનતુલ્લાહ ખાનને દિલ્હી પોલીસ દ્વારા ‘બેડ કેરેક્ટર’ (BC) જાહેર કરવામાં આવ્યા હતા.
શંકરસિંહ વાઘેલા યાદ આવવાનું કારણ એ કે થોડાં વર્ષો અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હવે સ્વર્ગસ્થ એવા અહમદ પટેલને હારતા બચાવવા માટે ગુજરાત કોંગ્રેસે પોતાના 44 ધારાસભ્યોને લઈને બેંગ્લોર પાસે આવેલા ઈગલટન રિસોર્ટમાં લઇ ગયાની ઘટના ખૂબ ચર્ચામાં આવી હતી. આ પહેલાં અને પછી પણ સત્તાકીય રાજકારણમાં આવતા ઉતાર-ચઢાવને પહોંચી વળવા માટે ધારાસભ્યોને વિવિધ રિસોર્ટ્સમાં લઇ જવામાં આવતા હોય છે. છેલ્લે આવી નોંધપાત્ર ઘટના મહારાષ્ટ્રની હાલની મહા વિકાસ આઘાડી સરકારની રચના અગાઉ જોવા મળી હતી.
પરંતુ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અહમદ પટેલવાળી ઘટના કોઈ પહેલી કે નવી ઘટના નથી. અહમદ પટેલને જે તકલીફ શંકરસિંહ વાઘેલાએ તે વખતે આપી હતી તેજ તકલીફ આજથી બરોબર 27 વર્ષ અગાઉ આજે જે શંકરસિંહ વાઘેલાએ તે સમયે ભાજપની કરી હતી. આવો યાદ કરીએ દેશભરમાં વિધાનસભ્યોને એકઠા કરીને કોઈ રિસોર્ટ કે હોટલમાં પૂરી દેવાની સર્વપ્રથમ ઘટનાને જેણે ત્યારબાદ ભારતીય રાજકારણમાં પક્ષપલટો કરવા ઈચ્છતા વિધાનસભ્યોને રિસોર્ટમાં જલસા કરાવવાની પ્રથા ચાલુ કરી દીધી..
1992માં વિવાદાસ્પદ માળખું જેને કેટલાક લોકો બાબરી મસ્જીદ તરીકે ઓળખાવે છે તેના તૂટવાની ઘટના બન્યા બાદ ભાજપ તરફ ગુજરાતમાં જબરો જન પ્રતિસાદ વળ્યો અને 1995માં 121 બેઠકો સાથે ભાજપે સર્વપ્રથમ વખત એકલે હાથે ગુજરાતમાં સત્તા મેળવી. ભાજપે આટલી મોટી બહુમતી સાથે સત્તા તો મેળવી પરંતુ તેની તકલીફ સત્તા સંભાળ્યા અગાઉજ શરુ થઇ ગઈ હતી. ગાંધીનગરના ટાઉનહોલમાં વિધાનસભ્યોની પોતાના નેતા ચૂંટવાની બેઠક ભરાઈ તેમાં કેશુભાઈ પટેલને નેતા પસંદ કરાયા, પરંતુ શંકરસિંહ વાઘેલાને તેમજ તેમના સમર્થકોને એમ હતું કે તેઓ જ મુખ્યમંત્રી બનશે.
વાઘેલાને એ સમયે એમપણ લાગ્યું હતું કે કેશુભાઈ અને તે સમયે ભાજપના જનરલ સેક્રેટરી નરેન્દ્ર મોદી જ એકલાહાથે નિર્ણયો લઇ રહ્યા છે અને મંત્રીમંડળમાં ‘પોતાના’ માણસો ગોઠવી રહ્યા છે.
1995ના સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વ્યાપારિક રોકાણો મેળવવા કેશુભાઈ પટેલ અમેરિકા રવાના થયા અને અશોક ભટ્ટને કામચલાઉ ચાર્જ સોંપ્યો. અમેરિકા રવાના થતા અગાઉ કેશુભાઈએ વાઘેલાને પૂછ્યું કે તમને નરેન્દ્ર મોદી સાથે કોઈ તકલીફ છે? જેના જવાબમાં શંકરસિંહે એમ કહ્યું હોવાનું કહેવાય છે કે “મને તમારી સાથે પ્રોબ્લેમ છે અને તમે અમેરિકાથી પાછા આવશો ત્યારે મુખ્યમંત્રી ન પણ રહો એવું બની શકે છે.” કેશુભાઈ વાઘેલાનો સિગ્નલ સમજ્યા કે ન સમજ્યા અને અમેરિકાની યાત્રાએ ઉપડી ગયા પણ વાઘેલા તરતજ એક્શનમાં આવ્યા અને તેમને ટેકો આપતા કેટલાક ધારાસભ્યોને સૌથી પહેલીવાર પોતાના ગામ વાસણ લઇ ગયા. વાઘેલાએ તેમના ટેકેદાર ધારાસભ્યોને એમ જ કહ્યું હતું કે જો તમારે મારી સાથે રહેવું હોય તો આ સરકાર છોડવી પડશે.
ધીમેધીમે કરતા લગભગ 55 ધારાસભ્યો વાઘેલાની સાથે થયા. વાસણથી આ તમામ ધારાસભ્યોને કોંગ્રેસના ટેકેદાર ગણાતા હરીભાઈ ચૌધરીના માણસા તાલુકામાં આવેલા ચારડા ગામમાં શિફ્ટ કરાયા અને અહીંથી મનસુખ વસાવા પાછલે બારણેથી ભાગી ગયા. વાઘેલાના કહેવા અનુસાર અહીં તેમના ધારાસભ્યો પર ભાજપના માણસોએ પથ્થરમારો પણ કર્યો હતો પરંતુ હરીભાઈના પત્ની ભીખીબેન અને બાકીના ગામવાસીઓએ આ લોકોને ત્યાંથી ભાગી જવાની ફરજ પાડી હતી.
એ સમયે ગુજરાતના પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનું શાસન હતું અને તે ઉપરાંત સમર્થક ધારાસભ્યોને ગુજરાત બહાર લઇ જવા વાઘેલા દ્વારા દિલ્હીનો ઓપ્શન પણ વિચારવામાં આવ્યો હતો, પરંતુ છેવટે દિગ્વિજયસિંહનું રાજ ધરાવતા મધ્ય પ્રદેશ પર પસંદગીનો કળશ ઢોળાયો કારણકે તે વાઘેલાને તેમના ટેકેદારો માટે સૌથી સુરક્ષિત સ્થાન લાગ્યું હતું. ધારાસભ્યોને એક દિવસ બપોરે જ ખાસ વિમાનમાં ઉડાડવાના હતા પરંતુ તમામ ધારાસભ્યોને મનાવતા વાર લાગી એટલે સાંજ પડી ગઈ.
સાંજે જ્યારે આ તમામ ધારાસભ્યોને લઈને અમદાવાદના એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે એરક્રાફ્ટના ટાયરોમાં પંક્ચર પડી ગયા હોવાના સમાચાર આવ્યા જેને વાઘેલા આજે પણ ગુજરાત સરકારનું કાવતરું જ ગણે છે. જ્યારે ટાયર સરખા થયા ત્યારે ખ્યાલ આવ્યો કે ખજુરાહો એરપોર્ટ પર રાત્રી લેન્ડીંગની કોઈજ વ્યવસ્થા નથી. છેવટે તે સમયના કેન્દ્રીય નગર ઉડ્ડયન મંત્રીને રિક્વેસ્ટ કરીને ખજુરાહોના રનવે પર ફાનસ મુકાવીને લેન્ડીંગની વ્યવસ્થા કરવામાં આવી. મોડી રાત્રે જ્યારે ટેકેદાર ધારાસભ્યો સાથે પ્લેન ઉડ્યું ત્યારે શંકરસિંહે રાહતનો શ્વાસ લીધો.
આ ધારાસભ્યો સાથે શંકરસિંહ વાઘેલા ખુદ ન જતા ગાંધીનગર રોકાઈ ગયા હતા. ભાજપની ટોચની નેતાગીરીએ વાઘેલા સાથે ચર્ચા કરવા અટલ બિહારી વાજપેયી અને રાજસ્થાનના એકસમયના મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવતને મોકલ્યા. વાઘેલાએ આ બન્નેને સ્પષ્ટરીતે જણાવ્યું હતું કે સૌથી પહેલા નરેન્દ્રભાઈને ગુજરાત બહાર મોકલી દો. બીજીબાજુ માત્ર બે-ત્રણ દિવસના જ કપડાં લઈને ખજૂરાહોની સ્ટાર હોટલમાં ગયેલા ધારાસભ્યોને મનાવવા ખજૂરાહોના સાંસદ ઉમા ભારતી અને તે સમયના ભાજપના ઉપપ્રમુખ કુશાભાઉ ઠાકરે ગયા પરંતુ ખાલી હાથે પરત થયા.
ખજૂરાહોની એ હોટલમાં ટાઈમપાસ કરવા માટે આ ધારાસભ્યો ટેબલ ટેનીસ રમતા, સ્વિમિંગ કરતા અને સંગીત સાંભળતા. એ સમયે કોઈજ મોબાઈલ ફોન ન હતા કે ચોવીસ કલાક ચાલતી કોઈ ન્યૂઝ ચેનલ પણ ન હતી અને આથીજ તેઓ બરાબર રિલેક્સ કરી શક્યા હોય એવું બની શકે. આજકાલ જે મોંઘા રિસોર્ટ્સમાં ધારાસભ્યોને ઉતારો આપવામાં આવે છે તેનું પ્રતિ દિવસનું ભાડું લાખોમાં થાય છે, જ્યારે એ સમયે ખજૂરાહોની એ હોટલનું ભાડું રોજનું પ્રતિ રૂમ બે થી અઢી હજાર હતું અને દરેક રૂમમાં બે ધારાસભ્યોને ઉતારો આપવામાં આવ્યો હતો.
વાઘેલાના કહેવા અનુસાર એ સમયે આ આખો શો મેનેજ કરવા માટે લગભગ દસ લાખનો ખર્ચ થયો હતો. પાંચેક લાખ ચાર્ટર્ડ પ્લેનના અને બાકીના રૂમના ભાડા અને અન્ય ખર્ચમાં થયા હતા. અહીં ગાંધીનગરમાં વાજપેયી સાથે વાઘેલા મેરેથોન બેઠકો ચલાવી રહ્યા હતા અને છેવટે એક દિવસ ધારાસભ્યોને ત્રણ વાગ્યે કોલ ગયો અને છ વાગ્યે ગાંધીનગર પરત થવાનું કહેવાયું.
સમાધાન એવું થયું કે શંકરસિંહ વાઘેલા અથવાતો કેશુભાઈ પટેલ આ બંનેમાંથી કોઇપણ મુખ્યમંત્રી નહીં બને પણ તેની સામે સુરેશ મહેતા અને કાશીરામ રાણાના ઓપ્શન્સ મુકવામાં આવ્યા. છેવટે સુરેશ મહેતા પસંદ થયા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેશુભાઈની જગ્યા તેમણે લીધી. પરંતુ વાત હજી અહીં જ પૂરી નહોતી થઇ. સુરેશ મહેતાના મંત્રીમંડળમાં વાઘેલાના છ મંત્રીઓ સામેલ જરૂર કરાયા પરંતુ તેમના કેમ્પમાં હજીપણ અસંતોષ તો જળવાયેલો જ હતો. ભાજપમાં વાઘેલા અને તેમના સમર્થકોને અપમાનજનક નજરે જોવામાં આવતા હતા. એ સમયે ખજુરાહો ગયેલાઓ ‘ખજૂરિયા’, કેશુભાઈના સમર્થકોને ‘હજુરિયા’ અને જે પક્ષ માટે સંપૂર્ણપણે સમર્પિત હોય એમને ‘મજૂરિયા’ કહીને બોલાવવામાં આવતા હતા.
1996માં અટલ બિહારી વાજપેયીના સન્માન માટે અમદાવાદના નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડીયમમાં યોજાયેલા સમારંભમાં આ હજૂરિયાઓ અને ખજૂરિયાઓ એકબીજા સામે હાથોહાથની લડાઈ પર આવી ગયા અને આ લડાઈ દરમિયાન શંકરસિંહ વાઘેલા સમર્થક અને સહકારક્ષેત્રમાં મોટું નામ ધરાવતા ધારાસભ્ય આત્મારામ પટેલનું ધોતિયું ખેંચવામાં આવ્યું અને ભાજપના એક અન્ય વરિષ્ઠ નેતા દત્તાજી ચિરંદાસ સળગી જતા બચી ગયા. શંકરસિંહ માટે આ ઉંટની પીઠ પર પડેલા છેલ્લા તણખલા સમાન હતું.
1996ની લોકસભા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા ગોધરાથી લડ્યા અને હારી ગયા. ભાજપે છેવટે તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિને લીધે પક્ષમાંથી હાંકી કાઢ્યા. વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJP) સ્થાપી અને કોંગ્રેસના સહકારથી ઓક્ટોબર 1996માં ગુજરાતમાં સરકાર બનાવી. વાઘેલાની આ ‘ટનાટન સરકાર’ માંડ એક વર્ષ પણ ચાલી ન ચાલી ત્યાં નવા જીલ્લાઓ બનાવવાના મામલે કોંગ્રેસ સાથે વાંકું પડ્યું અને દિલીપ પરીખને ગાદી સોંપીને તેમણે રાજીનામું આપ્યું. માર્ચ 1998માં પરીખે પણ વિધાનસભા વિખેરી નાખીને નવી ચૂંટણીઓ કરાવવાની સલાહ રાજ્યપાલને આપી.
આ ચૂંટણીઓમાં વાઘેલાની RJPને માત્ર ચાર બેઠકો મળી અને તેમણે 1998ના અંત સુધીમાં વાઘેલાએ પોતાની પાર્ટીને કોંગ્રેસમાં ભેળવી દીધી. આ સમયે પણ વાઘેલાએ તેમના ટેકેદારોને પોતાની રાહ જાતે પસંદ કરવાનું કહ્યું હતું જેમ તેમણે આ વખતે પણ કોંગ્રેસ છોડતી વખતે કહ્યું છે. શંકરસિંહે સત્તા માટે ભાજપના ભાગલા પાડ્યા અને સત્તા ભોગવી, પણ જ્યારથી તેઓ કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા કે બાદમાં કોંગ્રેસમાં જોડાયા ત્યારથી ગુજરાતમાં અને હવે કેન્દ્રમાં પણ કોંગ્રેસ સત્તામાં નથી. ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ ખાનગીમાં વાઘેલાના ખજૂરાહો કાંડને શંકરસિંહે પોતાની રાજકીય કારકિર્દી જાતેજ સમાપ્ત કરવાનું પગલું હોવાનું આજે પણ કહે છે.
રવિવારે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પર કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. જે મામલે નાણામંત્રી નિર્મલા સીતારમને ટ્વિટર ઉપર સત્તાવાર જાહેરાત કરી હતી. આ મામલે તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલે દ્વારા ટ્વિટર ઉપર ટ્વિટ કરીને નાણામંત્રીના આ નિર્ણય અંગે ટિપ્પણી કરી ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી.
પોતાના ટ્વિટમાં નાણામંત્રીને ‘સ્પિન ડોક્ટર’ ગણાવીને સાકેત ગોખલેએ દાવો કર્યો કે સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારોના ખજાનાને નુકસાન થશે. ગોખલે અનુસાર, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો તેનો અર્થ એ થયો કે કેન્દ્ર અને રાજ્ય બંનેએ બોજો સહન કરવો પડશે અને જેના કારણે રાજ્યોને ઓછી એક્સાઈઝ ડ્યુટી મળશે.
સાકેત ગોખલે અનુસાર, ઇંધણ પર લાગુ થતી એક્સાઈઝ ડ્યુટી પર રાજ્યોનો હિસ્સો 42 ટકા જેટલો છે. હવે ગઈકાલના ઘટાડા બાદ રાજ્યોને પેટ્રોલ પર 2.52 રૂપિયા/લિટર અને ડિઝલ પર 3.36 રૂપિયા લિટરનો માર પડશે.
આ ઉપરાંત, ફેક ન્યૂઝ ફેલાવવા માટે જાણીતા સાકેત ગોખલેએ એવો પણ દાવો કર્યો કે નાણામંત્રીએ ઇંધણ પર લાગુ કરવામાં આવતા સેસ પર ઘટાડાની જાહેરાત નહતી કરી, જેનું વહન સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર કરે છે.
જોકે, પૂર્વ કોંગ્રેસ ટ્રોલથી ટીએમસી નેતા બનેલા સાકેત ગોખલેનો આ દાવો- જેમાં તેઓ કહે છે કે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી રાજ્યોની સરકારોને મળતી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરશે, સંપૂર્ણપણે ખોટો છે.
શું એક્સાઈઝ દરમાં ઘટાડાના કારણે રાજ્યોની ટેક્સની આવકમાં ફેર પડશે?
આનો ટૂંકો જવાબ છે- ના. હવે જાણીએ કે કઈ રીતે કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તેનાથી રાજ્યોની ટેક્સ થકી થતી આવકમાં કોઈ ફેર પડશે નહીં.
દેશની કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન પર ટેક્સ લગાવે છે. જ્યારે રાજ્યો તેના વેચાણ પર ટેક્સ લાગુ કરે છે. કેન્દ્ર સરકાર હાલ પેટ્રોલ અને ડિઝલની વેચાણ કિંમત પર અનુક્રમે 31 ટકા અને 34 ટકા ટેક્સ લાગુ કરે છે. ઉપરાંત, પેટ્રોલ પર 4 ટકા અને ડિઝલ પર 3 ટકા ડીલર કમિશન હોય છે. આ ઉપરાંત, દેશની રાજ્ય સરકારો ઇંધણ પર VAT (Value added tax) લાગુ કરે છે, જે દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે.
તદુપરાંત, સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીના બે પ્રકારો છે. એક બેઝિક એક્સાઈઝ ડ્યુટી અને બીજો પેટ્રોલ અને ડિઝલ પર લાગતો સેસ. કર હસ્તાંતરણ પ્રક્રિયા હેઠળ કેન્દ્ર સરકર પોતે લગાવેલા કરનો કેટલોક હિસ્સો રાજ્યો સાથે શૅર કરે છે. જ્યારે એક્સાઈઝ ડ્યુટીનો બાકીનો હિસ્સો અને સેસ પોતે ભોગવે છે.
આ ઉપરાંત, એડિશનલ એક્સાઈઝ ડ્યુટી પણ હોય છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ઘટતા ભાવના કારણે ઇંધણ કંપનીઓ મૂળ કિંમતમાં ઘટાડો કરે છે ત્યારે સમયે-સમયે કેન્દ્ર સરકાર એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાં ફેરફાર કરતી રહે છે. જોકે, પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ફન્ડિંગ માટે કેન્દ્ર સરકાર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરી તેને શૂન્ય કરી નાંખે છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ ઘટાડો એક્સાઈઝ ડ્યુટીમાંથી નહીં પરંતુ એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાંથી કરવામાં આવ્યો છે, જેનો હિસ્સો રાજ્યો સાથે શૅર કરવામાં આવતો નથી. જેથી આ ઘટાડાનો સંપૂર્ણ બોજ કેન્દ્ર સરકાર પોતે જ વહન કરશે.
વધુમાં, સાકેત ગોખલેએ દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકારે માત્ર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને સેસમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ આ દાવો પણ ખોટો છે કારણ કે કેન્દ્ર સરકારના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ટેક્સ ઘટાડા બાદ સેસના દરોમાં પણ ઘટાડો થશે. જે પણ રાજ્યોને કર દ્વારા થતી આવક પર અસર કરશે નહીં.
જોકે, કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કર્યા બાદ આવી જ ખોટી માહિતી કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પણ ફેલાવી હતી. જોકે, ત્યારબાદ કેન્દ્ર દ્વારા પરિપત્ર જારી થયો તે બાદ તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે ટેક્સ ઘટાડાનો સંપૂર્ણ બોજ કેન્દ્ર સરકાર જ વહન કરશે.
Hence, contrary to what I said yesterday, the entire burden of the reduction falls on the Centre. To that extent, I stand corrected
The states are getting very little by way of share of duties on Petrol and Diesel. Their revenue is from VAT on Petrol and Diesel
પી ચિદમ્બરમેં ટ્વિટ કરીને કહ્યું, “નાણામંત્રીએ એક્સાઈઝ ડ્યુટી શબ્દ વાપર્યો હતો, પરંતુ ઘટાડો એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાંથી કરવામાં આવશે, જે રાજ્ય સરકારો સાથે શૅર કરવામાં આવતી નથી. જેથી ગઈકાલે મેં જે કહ્યું હતું તેનાથી વિપરીત ટેક્સ ઘટાડાનો સંપૂર્ણ બોજો કેન્દ્ર સરકાર દ્વારા જ વહન કરવામાં આવશે. હું ભૂલ સુધારું છું.” તેમણે એમ પણ કહ્યું કે રાજ્યોની મૂળ આવક VAT પર આધારિત હોય છે અને એક્સાઈઝ ડ્યુટીમાં તેમનો હિસ્સો બહુ ઓછો હોય છે.
જેથી સાકેત ગોખલે દ્વારા કરવામાં આવેલ દાવો તથ્યાત્મક રીતે ખોટો સાબિત થાય છે અને માહિતી પણ ખોટી હોવાનું જાણવા મળે છે.
જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વીજળીના થાંભલા લગાવવાની કામગીરી રોકવા બદલ આમ આદમી પાર્ટીના નેતા સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ વિરુદ્ધ જેટકો કંપની દ્વારા લગાવવામાં આવતા વીજ થાંભલાની કામગીરીમાં અવરોધ પેદા કરવા બદલ ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.
ફરિયાદ બાદ જામનગરના સ્થાનિક આઈપીએસ અધિકારી નિધિ ઠાકુર અને કલ્યાણપુરના પીએસઆઈ એફબી ગગનિયાએ આમ આદમી પાર્ટીના નેતા નિન્દ્રેશ મદન બોચિયા અને અન્ય આઠ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. આ તમામ વિરુદ્ધ કંપનીના કામમાં ખલેલ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. તેઓ નિયમાનુસાર નક્કી કરેલ રકમથી વધુ વળતર માંગી રહ્યા હતા અને તેથી કામ બંધ કરાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે આમ આદમી પાર્ટીના નેતા સહિત આઠ લોકોની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવા માટેની કાર્યવાહી હાલ ચાલી રહી છે.
આ વર્ષના અંતમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરવા માટે મથી રહી છે. જોકે, હજુ સુધી પાર્ટીને ધારેલી સફળતા મળી શકી નથી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો જીત્યા સિવાય એકેય સ્થાનિક ચૂંટણીમાં પાર્ટી કમાલ કરી શકી ન હતી. ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ પાર્ટીએ માત્ર એક બેઠક મેળવીને સંતોષ માનવો પડ્યો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યની તમામ વિધાનસભા બેઠકોના મતદારો સુધી પહોંચવા માટે આમ આદમી પાર્ટીએ ગત 15 મેના રોજ પરિવર્તન યાત્રાની શરૂઆત કરાવી હતી. જોકે, કેટલાંક શહેરોમાં યોજવામાં આવેલ આ પરિવર્તન યાત્રાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વાયરલ થયેલા વિડીયોમાં રેલીમાં બહુ ઓછી ભીડ જોવા મળી હતી તો મોટાભાગના વાહનો પણ પંજાબથી મંગાવવામાં આવ્યા હતા. જેના કારણે સોશિયલ મીડિયા પર પાર્ટીની મજાક પણ બહુ ઉડાવાઈ હતી.
આમ આદમી પાર્ટની આ પરિવર્તન યાત્રાઓને ગુજરાતીઓ દ્વારા જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નહોતો. આમ આદમી પાર્ટી આ અગાઉથી જ જાણી ગઈ હોય એમ એમણે પહેલેથી જ યાત્રા માટે મોટી સંખ્યામાં પંજાબથી ગાડીઓ અને માણસોને બોલાવી રાખ્યા હતા. યાત્રામાં ક્યાંક રેલીમાં માણસો ન જોવા મળ્યા તો ક્યાંક સભાસ્થળ સૂમસામ દેખાયું હતું. આમ આદમી પાર્ટીના નેતા તથા પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવી રેલીમાં હાથ બતાવી બતાવીને થાકી ગયા પણ સામે કોઈ હાથ બતાવવાવાળું ભાસ્યું નહોતું.