Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા : કાટમાળમાંથી હિંદુ દેવતાઓની મૂર્તિઓ મળી આવતાં હિંદુ સંગઠનોનો વિરોધ, મેયરે...

    વડોદરા : કાટમાળમાંથી હિંદુ દેવતાઓની મૂર્તિઓ મળી આવતાં હિંદુ સંગઠનોનો વિરોધ, મેયરે પૂજા કરી પુનઃસ્થાપિત કરવાના આદેશ આપ્યા

    હિંદુ સંગઠનોએ સ્થળ પર જઈને વિરોધ કર્યા બાદ વડોદરાના મેયર કેયુર રોકડિયા અને શહેરના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પણ નવલખી મેદાને પહોંચ્યા હતા અને તાત્કાલિક મૂર્તિઓ સલામત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો હતો.

    - Advertisement -

    વડોદરા શહેરના જાણીતા નવલખી મેદાન ખાતેથી કાટમાળમાંથી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવતા હિંદુ સંગઠનોએ સ્થળ પર પહોંચી જઈને રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો તો આખી રાત ધરણા કર્યા હતા. જે બાદ સવારે મેયર અને કમિશનરે આવીને માફી માંગી દેવતાની પૂજા કરી હતી અને મૂર્તિઓ સલામત સ્થળે સ્થાપિત કરવામાં આવી હતી.

    ઘટનાની વધુ વિગતો અનુસાર, થોડા સમય પહેલાં વડોદરા શહેરના જૂના પાદરા રોડ નજીક રોકસ્ટાર સર્કલ પાસે ડિમોલિશન દરમિયાન હિંદુ દેવી-દેવતાઓની દેરીઓ દૂર કરવામાં આવી હતી. આ દેરીઓમાં જે હનુમાનજી, ગણેશજી અને અન્ય દેવતાઓને જે મૂર્તિઓ હતી તે અને નવલખી મેદાનમાંથી મળી આવેલ મૂર્તિઓ સમાન જણાઈ રહી છે. 

    હિંદુ સંગઠનોએ સ્થળ પર જઈને વિરોધ કર્યા બાદ વડોદરાના મેયર કેયુર રોકડિયા અને શહેરના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પણ નવલખી મેદાને પહોંચ્યા હતા અને તાત્કાલિક મૂર્તિઓ સલામત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો હતો. તેમજ મેયર અને મ્યુનિસિપલ કમિશનરે હનુમાનજીની મૂર્તિની પૂજા પણ કરી હતી અને મૂર્તિઓને યોગ્ય સ્થાને પ્રસ્થાપિત કરવા માટે હિંદુ સંગઠનોને બાહેંધરી આપી હતી. 

    - Advertisement -

    મામલા વિશે વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું કે, કાટમાળમાં મળી આવેલી હનુમાનજીની મૂર્તિ કયા વિસ્તારની છે તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. પરંતુ હિંદુ સમાજની લાગણી નહીં દુભાય તે હેતુથી હાલ આ મૂર્તિ તરસાલી શનિદેવ મંદિર પાસે પ્રસ્થાપિત કરવામાં  આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે, તપાસ દરમિયાન જો મૂર્તિ ખરેખર રોકસ્ટાર સર્કલ પાસેની હોવાનું જાણવા મળશે તો મૂર્તિઓ તે જ સ્થળે પ્રસ્થાપિત કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    સમગ્ર બનાવ અંગે વાત કરતા હિંદુ અગ્રણી અને જાણીતા ધારાશાસ્ત્રી નીરજ જૈને ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “પરમ દિવસે સાંજે અમને જાણવા મળ્યું હતું કે અગાઉ જે દેરી તોડવામાં આવી હતી તેમાં સ્થાપિત કરવામાં આવેલા હનુમાનજી, ગણેશજી અને અન્ય દેવતાઓની મૂર્તિ નવલખી મેદાન ખાતે કચરામાં બિનવારસી હાલતમાં મળી આવી છે. જે બાદ અમે સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી અને કોર્પોરેશનને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ અન્ય હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા. જે બાદ અમે મૂર્તિઓ બહાર કાઢી હતી અને રામધૂન પણ બોલાવી હતી.”

    (ધરણાં પર બેઠેલા હિંદુ સંગઠનોના કાર્યકરો અને નેતાઓ, તસ્વીર સાભાર: નીરજ જૈન)

    તેમણે આગળ જણાવ્યું કે, “કોર્પોરેશને શરૂઆતમાં આનાકાની કરી પરંતુ અમે જાહેરાત કરી કે જ્યાં સુધી કોર્પોરેશન દ્વારા જવાબદારી લઇ આ બાબતનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અહીંથી હટીશું નહીં. જે બાદ અમે આખી રાત ત્યાં બેસીને ધરણાં કર્યા હતા. સવારે મેયર અને કમિશનર ત્યાં આવ્યા અને ભૂલ સ્વીકારી લીધી હતી.” તેમણે કહ્યું કે, જેમનાથી પણ આ થયું છે તેમને ભગવાન સદબુદ્ધિ આપે. અમારી માંગ એટલી જ છે કે હનુમાનજીને સન્માનજનક જગ્યાએ સ્થાપિત કરવામાં આવે અને જેમણે પણ ભૂલ કરી છે તેઓ માફી માંગે એવી અમારી વિનંતી છે.”

    તેમણે જણાવ્યું કે આ મૂર્તિઓ હાલ શનિમંદિર પાસે અસ્થાયીરૂપે મૂકવામાં આવી છે. તેમજ બહુ જલ્દીથી આ મૂર્તિઓને ફરી એ જ સ્થળે પુનઃસ્થાપિત કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા બ્રિજની કામગીરીમાં અવરોધરૂપ હોવાનું કહી બે મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી નિર્માણ પામી રહેલા બ્રિજ વચ્ચે આવતી બે દેરીઓ તોડી પડાતાં હિંદુ સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. 

    હિંદુ સંગઠનોના વિરોધ બાદ મેયરે આ મૂર્તિઓ યોગ્ય જગ્યાએ ખસેડી તેનું પુનઃસ્થાપન કરવાની બાહેંધરી આપી હતી પરંતુ હવે નવલખી મેદાનમાંથી આ મૂર્તિઓ મળી આવતાં ફરી હિંદુ સંગઠનોઓ રોષ ભભૂકી ઉઠ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં