Friday, September 20, 2024
More
    Home Blog Page 1045

    પીએમ મોદીની ગુજરાત મુલાકાત અગાઉ ગુજરાત ATS દ્વારા એક નવા આતંકવાદી મોડ્યુલની તપાસ: વડોદરાના હોમીયોપેથ ડોક્ટર સાદાબ સહિત 4ની અટકાયત

    શનિવારે (18 જૂન 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ વડોદરામાં વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમહુર્ત કરશે. એક તરફ પીએમની સભાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યાં બીજી તરફ ગુજરાત એટીએસે રાજ્યમાં આતંકવાદીઓનું નવું મોડ્યુલ શોધી કાઢ્યું છે. જેમાં વડોદરા, ગોધરા અને અમદાવાદમાંથી ચારની અટકાયત કરી લેવામાં આવી છે. આ તમામ આઈએસઆઈએસના હેન્ડલરના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. 

    બુધવારે વહેલી સવારે એટીએસની ટીમે વડોદરામાં રહેતા ડૉ. સાદાબ પાનવાળા અને ફતેગંજ વિસ્તારમાં રહેતી સાબિહા ખીલજી નામની મહિલાની અટકાયત કરી બંનેને અમદાવાદ લાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગોધરામાં ભંગારનો વેપાર કરતા ઇશાક અને દાણીલીમડામાં રહેતા એક ફેક્ટરી સંચાલક પઠાણની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. 

    તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય સોશિયલ મીડિયા થકી આઈએસઆઈએસ હેન્ડલરોઆ સંપર્કમાં રહેતા હતા. તેમજ વિદેશથી ફંડિંગ પણ મેળવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે એટીએસની ટીમ વધુ તપાસ હાથ ધરી રહી છે. 

    બીજી તરફ, અલકાયદાએ ધમકી આપ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ તેમજ એટીએસ વધુ સતર્ક થયા છે. બીજી તરફ, વડાપ્રધાન પણ રાજ્યમાં હોઈ સુરક્ષા સઘન કરવામાં આવી છે. જેના ભાગરૂપે જ તપાસ કરતા ગુજરાત એટીએસે આતંકવાદીઓનું નવું મોડ્યુલ શોધીને તપાસ હાથ ધરી છે.

    વડોદરાનો તબીબ અને યુવતીના ખાતામાં વિદેશથી ફન્ડિંગ મળ્યું હોવાની પણ શંકા છે, જે મામલે હાલ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, તેમના મોબાઈલ, લેપટોપ સહિતના ઇલેક્ટ્રોનિક ડિવાઇસની પણ તપાસ કરવામાં આવી રહી છે. જે બાદ અન્યોનાં નામો પણ ખુલી શકે તેવી શક્યતા છે.

    અધિકારીઓએ ટાઈમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, “ટેરર ફન્ડિંગના કેસમાં ડૉ. પાનવાલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 18 જૂનની યાત્રા અગાઉ સાવચેતીના પગલાંરૂપે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.” ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઓક્ટોબર 2021 માં પણ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ડૉ. સાદાબ અને અન્યોની પૂછપરછ હાથ ધરી હતી. આ કાર્યવાહી હવાલા કેસમાં કરવામાં આવી હતી જેમાં યુકેના નાગરિક અબ્દુલ ફેફડાવાલાને 79 કરોડ રૂપિયા મળ્યા હતા.

    ઉપરોક્ત કેસમાં પાનવાલા સાથે ATS દ્વારા જે અન્ય વ્યક્તિઓ પર આરોપ મુકવામાં આવ્યા હતા તેમના નામ છે, પાનવાલાનો મિત્ર સલાઉદ્દીન શેખ, શાહનવાઝ પઠાણ, ઇમરાન ઘીવાલા, આસિફ બોડાવાલા અને અલ્તાફ મન્સૂરી. આ તમામ પ્રતિબંધિત સંસ્થા સિમીના સભ્યોના સંપર્કમાં હોવાની શંકા છે.

    એક તરફ નૂપુર શર્મા વિવાદના કારણે દેશમાં સાંપ્રદાયિક તણાવનો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ આતંકવાદી સંગઠન અલ-કાયદાએ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ હુમલા કરવાની ધમકી આપતા એજન્સીઓ સતર્ક બની છે. ઉપરાંત, અમદાવાદમાં આગામી મહિને રથયાત્રા પણ યોજાનાર છે, ત્યારે ગુજરાત ATS વધુ સક્રિય બની છે. 

    ગુજરાત એટીએસે રાજ્યના વિવિધ શહેરોમાંથી લગભગ 12 જેટલા શંકાસ્પદ યુવાનોની અટકાયત કરી છે અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. આ યુવાનોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. અમુક માહિતીના આધારે રાજ્યભરમાંથી કેટલાક લોકોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું ગુજરાત એટીએસના અધિકારીએ જણાવ્યું હતું.

    અગ્નિપથ યોજના: આ વર્ષ માટે સરકારે વયમર્યાદા વધારી, 23 વર્ષ સુધીના યુવાનો કરી શકશે આવેદન

    કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે ગઈકાલે મોડી સાંજે જાહેરાત કરતા વર્ષ 2022 માટે ઉમેદવારોની મહત્તમ ઉંમરમાં બે વર્ષનો વધારો કર્યો છે. અત્યાર સુધી અગ્નિપથ યોજનામાં ભરતી માટે 17.5 વર્ષથી 21 વર્ષ સુધીની વયમર્યાદા નક્કી કરવામાં આવી હતી, જેમાં બે વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણય માત્ર આ વર્ષ માટે જ લાગુ રહેશે. 

    સરકારે જારી કરેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે, “વર્ષ 2022 માટે પ્રસ્તાવિત ભરતી પ્રક્રિયામાં એક વખત છૂટ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જે અનુસાર, વર્ષ 2022 માટે અગ્નિપથ યોજના માટે ભરતી પ્રક્રિયા માટેની મહત્તમ વયમર્યાદા વધારીને 23 વર્ષ કરવામાં આવી છે.”

    સરકારે એમ પણ કહ્યું કે, કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષમાં ભરતી થઇ શકી ન હતી. જેના કારણે સરકારે આ વર્ષ માટે ભરતી પ્રક્રિયામાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

    અહીં નોંધવું જોઈએ કે આ છૂટ માત્ર આ વર્ષ માટે જ આપવામાં આવી છે, આગામી વર્ષેથી જાહેરાત કર્યા પ્રમાણે ફરીથી અગ્નિપથ યોજનાની લઘુત્તમ વયમર્યાદા 17.5 અને મહત્તમ ઉંમર 21 વર્ષ સુધીની રહેશે.

    કેન્દ્ર સરકારે બુધવારે અગ્નિપથ યોજના જાહેર કરી હતી, જે અનુસાર 17 થી 21 વર્ષ સુધીના (આ વર્ષે 23 વર્ષ સુધીના) યુવાનો ચાર વર્ષ સુધી સેનામાં સેવા આપી શકશે. આ માટે સરકારે પગારભથ્થાં અને સેવાનિધિ પેકેજની પણ ઘોષણા કરી છે. 

    આ યોજના મુજબ ટ્રેનિંગ સમયગાળા સહિત યુવાનોને કુલ 4 વર્ષો માટે આર્મ્ડ સર્વિસિઝમાં સેવા આપવાની તક મળશે. તેમજ ભરતીની સમગ્ર પ્રક્રિયા સેનાના નિયમો અનુસાર હશે. આ યોજના હેઠળ સૈનિકોની તાલીમ 10 અઠવાડિયાથી 6 મહિના સુધીની હશે. 

    અગ્નિવીર સૈનિકો માટે સરકારે પગારની પણ જાહેરાત કરી છે. જેમાં પહેલા વર્ષે યુવાનોને 30 હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે. EPF/PPF ની સુવિધા સાથે અગ્નિવીરને પહેલા વર્ષે 4.76 લાખ રૂપિયા મળશે. ચોથા વર્ષ સુધી માસિક પગાર 40 હજાર એટલે વાર્ષિક પેકેજ 6.92 લાખ રૂપિયાનું થશે. કાર્યકાળ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

    ચાર વર્ષ પૂર્ણ થયા બાદ અગ્નિવીરો સ્વેચ્છાએ સેનાની મુખ્ય કેડરમાં સામેલ થવા માટે અરજી કરી શકશે. જે બાદ ઉમેદવારોની ક્ષમતા અને જરૂરિયાતને આધારે જે-તે બેચમાંથી 25 ટકા અગ્નિવીરોને સેનામાં સામેલ કરવામાં આવશે. જે બાદ તેમણે સેનાના વર્તમાન નિયમાનુસાર ફરજ બજાવવાની રહેશે.

    અગ્નિપથ યોજના હેઠળ સરકારે અગ્નિવીરો માટે એક વિશેષ ડિગ્રી કોર્સ પણ શરૂ કર્યો છે. ગઈકાલે શિક્ષણ મંત્રાલયે કોર્સને મંજૂરી આપી હતી. 

    કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી શિક્ષણ મંત્રાલયની એક બેઠકમાં આ કોર્સને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ફ્રેમવર્કને લઈને સેનાએ સાથે અંતિમ તબક્કાની વાતચીત ચાલી રહી છે. 

    આ વિશેષ ડિગ્રી કોર્સમાં પચાસ ટકા માર્ક્સ કૌશલ્ય સબંધિત પ્રશિક્ષણના હશે. જે અગ્નિવીરોની ચાર વર્ષની સેવાઓ દરમિયાન તકનીકી અને બિન-તકનીકી અનુભવને આધારે નક્કી કરવામાં આવશે. જ્યારે બાકીના પચાસ ટકા અંકો વિષયો દ્વારા નક્કી કરવામાં આવશે. જેમાં ભાષા, ઇતિહાસ સાથે અર્થશાસ્ત્ર, રાજનીતિ વિજ્ઞાન, લોકતંત્ર, સમાજશાસ્ત્ર, વાણિજ્ય, પર્યટન, કૃષિ અને જ્યોતિષ જેવા વિષયો સામેલ કરવામાં આવશે.

    બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં હિંદુ ધર્મનું અપમાન, આયાન મુખર્જી નિર્મિત ફિલ્મના ટ્રેલર રિલીઝના બીજા જ દિવસે લોકોનો રોષ ભભૂક્યો

    બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં હિંદુ ધર્મનું અપમાન થયું હોવાનો આક્ષેપ સોસિયલ મીડિયામાં થઇ રહ્યો છે. આયાન મુખર્જી નિર્મિત અને આલિયા ભટ્ટ સહીત અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ અભિનેતા દ્વારા અભિનીત ફિલ્મ બ્ર્હ્માસ્ત્રનું ટ્રેલર ગઈ કાલે રીલીઝ કરવામાં આવ્યું, પરંતુ ટ્રેલર રીલીઝ થયાનાં 24 કલાકમાંજ તેનો વિરોધ થઇ રહ્યો છે, બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં હિંદુ ધર્મનું અપમાન થયું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

    ટ્રેલરમાં દેખાડેલા એક સીનમાં રણબીર કપૂર મંદિરમાં જૂતા પહેરીને જતો જોવા મળી રહ્યો છે, લોકોનો આક્ષેપ છે કે આ પ્રથમ વાર નથી જેમાં બોલીવુડે ફિલ્મમાં હિંદુ ધર્મનું અપમાન કર્યું હોય. જે પછી સોસિયલ મીડિયામાં આ સીનને લઈને ભડકો થયો છે. યુઝર્સ હિંદુ ધર્મ અને દેવસ્થાનના અપમાન કરવાનાં આક્ષેપ સાથે ફિલ્મના ટ્રેલરને ટ્રોલ કરી રહ્યા છે, હાલ ટ્વીટર પ્લેટફોર્મ પર #BoycottBrahmastra ટ્રેન્ડ કરી રહ્યું છે.

    ટ્વીટર પર યુઝર્સ રણવીર કપૂરના મંદિરમાં જૂતા પહેરીને ઘંટ વગાડવાના સીન પર નારાજ થઇ રહ્યા છે,પોતાનો રોષ ઠાલવીને બોલીવુડની આ ફિલ્મને ધાકડ ફિલ્મની જેમ ફ્લોપ કરવાનું કહે છે.

    એક ટ્વીટર યુઝર લખે છે કે તમે ધર્મ પ્રત્યે માન કેમ નથી દાખવતા? મંદિરમાં જૂતા પહેરેલો સીન શા માટે મુક્યો? સાઉથની ફિલ્મો માંથી કઈક શીખો.

    અન્ય એક યુઝર પણ બોલીવુડ દ્વારા કરવામાં આવતી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ભૂલો પર પોતાનો રોષ ઠાલવતા જોવાં મળ્યા હતા,

    અન્ય એક યુવતી દ્વારા એક થઈને ઉર્દુવુડ (બોલીવુડ) ને હિન્દુઓની શક્તિ બતાવાની અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ બોલીવુડને પાઠ ભણાવવાની વાત કરી હતી.

    બીજી એક યુઝર પોતાનો બળાપો કાઢતા હિન્દુઓને તંદ્રા માંથી જાગવાની વાત લખી હતી, યુઝર લખે છે કે બોલીવુડ હમેશા સનાતન ધર્મનું અપમાન કરવાનું ક્યારેય ચૂકતું નથી. જાગો ભારતીયો જાગો હિંદુઓ.

    બીજા એક યુઝર ક્યારેય બોલીવુડ પર અન્ય ધર્મના ધાર્મિક રીવાજ કે વિધિઓને પડકારવાની હિમ્મત ન કરતા હમેશા હિન્દુઓનેજ ટાર્ગેટ કરવાની વાત કરીને ફિલ્મ ના ટ્રેલર પર ગુસ્સો ઠાલવતા જોવા મળ્યા

    બ્રહ્માસ્ત્ર ફિલ્મ ભગવાન શિવ આધારિત છે જયારે તેનું 95 ટકાથી વધુ શુટિંગ બુલ્ગેરીયા,લંડન, ન્યુયોર્કમાં થયું છે, ભગવાન શિવની ભૂમિ ભારતમાં માત્ર 5 ટકા શુટિંગ થયું છે. આ વાત પર પણ અન્ય એક યુઝરે આપત્તિ જતાવી હતી અને ટ્વીટર પર પોસ્ટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

    અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત, ‘બ્રહ્માસ્ત્ર’ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે. જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂરની સાથે અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મુખ્ય ભૂમિકામાં છે. એક તરફ રણબીર આ ફિલ્મમાં શિવાની ભૂમિકામાં છે, પરંતુ ગઈકાલે રીલીઝ થયેલા આ ફિલ્મના ટ્રેલરમાં રણબીર દ્વારા જૂતા પહેરીને મંદિરમાં પ્રવેશવા પર ઘણાં લોકોએ આપત્તિ જતાવી છે. બોલીવુડ અવાર નવાર પોતાની ફિલ્મોમાં હિંદુ ધર્મને લઈને આપત્તિજનક દ્રશ્યો કે વ્યાખ્યાનો નાખીને હિંદુ ધર્મની સંસ્કૃતિ અને લાગણીઓને ઠેસ પહોંચાડતું આવ્યું છે.

    જુઓ બ્રહ્માસ્ત્ર ફિલ્મનું તે વિવાદાસ્પદ ટ્રેલર જેમાં રણવીર જૂતા પહેરીને મંદિરમાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે.

    અગ્નિપથ યોજના: શું છે અગ્નિવીરો માટે શરૂ કરવામાં આવેલો વિશેષ ડિગ્રી કોર્સ? જાણો તમામ માહિતી

    બુધવારે (15 જૂન 2022) કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના હેઠળ ભરતી થનાર અગ્નિવીરો માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ત્રણ વર્ષીય વિશેષ ડિગ્રી કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપી છે. જેનું સંચાલન ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવશે. જલ્દીથી જ ત્રણેય સેનાઓ અને યુનિવર્સીટી વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવશે. 

    કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી શિક્ષણ મંત્રાલયની એક બેઠકમાં આ કોર્સને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ફ્રેમવર્કને લઈને સેનાએ સાથે અંતિમ તબક્કાની વાતચીત ચાલી રહી છે. 

    આ વિશેષ ડિગ્રી કોર્સમાં પચાસ ટકા માર્ક્સ કૌશલ્ય સબંધિત પ્રશિક્ષણના હશે. જે અગ્નિવીરોની ચાર વર્ષની સેવાઓ દરમિયાન તકનીકી અને બિન-તકનીકી અનુભવને આધારે નક્કી કરવામાં આવશે. જ્યારે બાકીના પચાસ ટકા અંકો વિષયો દ્વારા નક્કી કરવામાં આવશે. જેમાં ભાષા, ઇતિહાસ સાથે અર્થશાસ્ત્ર, રાજનીતિ વિજ્ઞાન, લોકતંત્ર, સમાજશાસ્ત્ર, વાણિજ્ય, પર્યટન, કૃષિ અને જ્યોતિષ જેવા વિષયો સામેલ કરવામાં આવશે.

    આ ઉપરાંત, પર્યાવરણ અધ્યયન અને સંચાર કૌશલ્યને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ વિશેષ કોર્સ યુજીસી અને એઆઈટીસી સહિત તમામ નિયામકો દ્વારા મંજૂર કરવામાં આવશે. સાથે જ આ ડિગ્રી દેશ અને દુનિયામાં તમામ સ્થળે માન્ય હશે. 

    સરકારના કહેવા અનુસાર, આર્મીમાં સેવા આપતા કર્મચારીઓ માટેના આ વિશિષ્ટ કૌશલ્ય-આધારિત અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આર્મીમાં તેમની સેવા દરમિયાન તેમણે પ્રાપ્ત કરેલી યોગ્યતાઓને માન્યતા આપવાનો છે. જેથી ભવિષ્યમાં અગ્નિવીરોને વિવિધ ક્ષેત્રોમાં રોજગાર મેળવવામાં સરળતા રહેશે.

    ઉલ્લેખનીય છે કે બુધવારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સેનાની ત્રણેય પાંખોના વડાએ ખાસ ‘અગ્નિપથ યોજના’ની જાહેરાત કરી હતી. જેના હેઠળ 17.5 વર્ષથી 21 વર્ષની ઉંમરના યુવાનોને સેનામાં સેવા આપવાની તકો મળશે.

    અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે યુવાનોની ઉંમર 17 વર્ષ 6 મહિનાથી 21 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે. ટ્રેનિંગ સમયગાળા સહિત યુવાનોને કુલ 4 વર્ષો માટે આર્મ્ડ સર્વિસિઝમાં સેવા આપવાની તક મળશે. તેમજ ભરતીની સમગ્ર પ્રક્રિયા સેનાના નિયમો અનુસાર હશે. આ યોજના હેઠળ સૈનિકોની તાલીમ 10 અઠવાડિયાથી 6 મહિના સુધીની હશે. હવે આ માટે વિશેષ ડિગ્રી કોર્સ પણ શરૂ થશે.

    અગ્નિવીર સૈનિકો માટે સરકારે પગારની પણ જાહેરાત કરી છે. જેમાં પહેલા વર્ષે યુવાનોને 30 હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે. EPF/PPF ની સુવિધા સાથે અગ્નિવીરને પહેલા વર્ષે 4.76 લાખ રૂપિયા મળશે. ચોથા વર્ષ સુધી માસિક પગાર 40 હજાર એટલે વાર્ષિક પેકેજ 6.92 લાખ રૂપિયાનું થશે. કાર્યકાળ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

    લીઓ કલ્યાણ કોણ છે? તે/તેણી/તેઓ જેણે સોનમ કપૂરના બેબી શાવરમાં ડ્રેસ પર દાઢી રાખીને પર્ફોર્મ કર્યું હતું

    બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર, જે તેના પતિ આનંદ આહુજા સાથે તેના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહી છે, તેણે તાજેતરમાં પોતાના બેબી શાવર (સીમંત)નું આયોજન કર્યું હતું. લંચ માટે, દંપતીએ પાર્ટીમાં થોડા મિત્રોને આમંત્રિત કર્યા હતા. લીઓ કલ્યાણ, એક મુસ્લિમ હોમોસેક્સ્યુઅલ ગાયક અને મોડલ આ પ્રસંગે પરફોર્મ કરતા જોવા મળ્યો/મળી/મળ્યું હતું.

    સોનમ કપૂરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી

    લીઓ કલ્યાણ, જ્યારે તેના પર્ફોર્મન્સના વિડીયો પબ્લિક ડોમેનમાં વાઇરલ થયા, ત્યારે ખૂબ જ સનસનાટી મચાવી હતી, જેમાં તે સિંગલ-પીસ સ્કર્ટમાં પર્ફોર્મ કરતો હતો અને તેણે દાઢી રાખી હતી.

    કોણ છે લીઓ કલ્યાણ

    લીઓ કલ્યાણ એક સમલૈંગિક બ્રિટિશ પાકિસ્તાની મુસ્લિમ ગાયક-ગીતકાર, મોડેલ અને સંગીત નિર્માતા છે જે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત છે. તેણે બાયો વિભાગમાં ઉલ્લેખ કર્યો છે કે તે/તેણી/તેઓ તેમના પસંદગીના સર્વનામો છે. તેના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ ‘leokalyan’ પર તેના લગભગ 79,000 ફોલોવર્સ છે, જ્યાં તે વિવિધ પોશાકમાં પોતાના ફોટા મૂકતો હોય છે.

    લીઓ કલ્યાણ (ફોટો: ઇન્સ્ટાગ્રામ liokalyan)

    લીઓ કદાચ વીસેક વર્ષનો છે. તેની ચોક્કસ ઉંમર અસ્પષ્ટ છે કારણ કે તેમના વિશે કોઈ જાહેર માહિતી નથી. નોશન મુજબ, દસથી સત્તર વર્ષની ઉંમર સુધી, કલ્યાણ દક્ષિણ લંડન અને લાહોરની તદ્દન વિરોધાભાસી દુનિયા વચ્ચે મોટો થયો હતો. તેણે ટિપ્પણી કરી છે કે તે પાકિસ્તાન કરતાં લંડનમાં વધુ આરામદાયક અનુભવે છે.

    તે પોતાને વિલક્ષણ તરીકે વર્ણવે છે અને તેના લિંગ માટે તે/તેણી/તેઓ સર્વનામ પસંદ કરે છે. ઘણાને લાગે છે કે તે ઘણા LGBTQ+ વ્યક્તિઓ માટે એક રોલ મોડલ તરીકે કામ કરે છે જેઓ પોતે જે છે એ રીતે રહેવામાં ડરતા હોય છે. ખાસ કરીને ભારતીય ઉપમહાદ્વીપની વ્યક્તિઓમાં તેની ખૂબ જ પહોંચ છે. વિશ્વભરના સમર્થકો તેના તરફ આકર્ષાયેલ જોવા મળે છે.

    તેને અનેક સંગીત શૈલીઓમાં રસ છે અને તેણે તેમનો પ્રયાસ પણ કર્યો છે. તેનો સંગીતપ્રેમ તેના ગીતો અને સંગીતમાં દેખાય છે. લીઓએ તેની તમામ રચનાઓ Spotify પર ઉપલબ્ધ કરાવી છે, જ્યાં તેને એક્સેસ કરી શકાય છે. Spotify પર તેના લગભગ 25,000 માસિક શ્રોતાઓ છે.

    લીઓ જણાવે છે કે ઘણા બધા LGBT લોકોને લાગતું નથી કે તેઓ ક્યારેય ખુશ થશે. 2018 માં, તેણે કહ્યું, “વિચિત્ર વ્યક્તિ બનવા માટે વાસ્તવિક શક્તિની જરૂર છે. તમે ખૂબ જ ભેદભાવ, દુર્વ્યવહાર અને અસ્વીકારમાંથી પસાર થાઓ છો – પછી ભલે તમે કાળા, સફેદ કે ભૂરા હો. તે શક્તિ શોધો, તમારા સમુદાયમાંથી તે સમર્થન મેળવો – અને તમારા સાચા સ્વ બનવાનો માર્ગ શોધો… કારણ કે તમારી પાસે ફક્ત એક જ જીવન છે. કોઈ બીજા બનવાની કોશિશ કરવાનો કોઈ અર્થ નથી.”

    કાનપુરમાં પહેલા બિરયાની ખવડાવી, પછી પથ્થરમારો કરાવ્યો: બાબા બિરયાનીએ બિરયાની સપ્લાય કરી હોવાનો આરોપ જે પોતે રામ-જાનકી મંદિર પર બનેલ હોવાની શંકા છે

    થોડા સમય પહેલા જ ખબર પડી હતી કે ઉત્તર પ્રદેશના કાનપુરમાં સરકારી રેકોર્ડમાં જે જગ્યા રામ-જાનકી મંદિર તરીકે નોંધાયેલી છે, ત્યાં બાબા બિરયાનીના નામે એક રેસ્ટોરન્ટ ચાલે છે. હવે સમાચાર આવ્યા છે કે 3 જૂન, 2022 ના રોજ શુક્રવારની નમાજ પછી શહેરમાં જે હિંસા ફાટી નીકળી હતી, તે દિવસે પહેલા પથ્થરબાજોને બિરયાની ખવડાવવામાં આવી હતી. તે બિરિયાની બાબા બિરયાની એ જ સપ્લાય કરી હતી. પહેલાની જેમ આ વખતે પણ બાબા બિરયાનીએ આરોપોને નકારી કાઢ્યા છે.

    વાસ્તવમાં, 3 જૂને થયેલી હિંસામાં સગીર બાળકો દ્વારા પથ્થરમારો કરવાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. તાજેતરના ઘટસ્ફોટ મુજબ, આરોપીઓને માત્ર કેટલાક બિલ્ડરો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું ન હતું, પરંતુ શહેરનો પ્રખ્યાત અને વિવાદાસ્પદ બાબા બિરયાની પણ હિંસામાં સામેલ હતો. એવો આરોપ છે કે બાબા બિરયાનીએ હિંસા માટે માત્ર ભંડોળ એકત્ર કર્યું ન હતું, પરંતુ પથ્થરમારો કરતા પહેલા હુમલાખોરોને બિરયાની પણ ખવડાવી હતી.

    બાબા બિરયાનીના માલિકનું નામ મુખ્તાર અહેમદ બાબા છે. તેના પર મંદિરની જમીન પર કબજો કરીને ત્યાં બિરયાનીની દુકાન ખોલવાના આરોપો પહેલાથી જ છે. મુખ્તાર એક સમયે રામ-જાનકી મંદિરના એક ભાગમાં સાઇકલ રિપેરિંગનું કામ કરતો હતો. હવે નવા આરોપો અનુસાર, બાબા બિરયાનીએ પાડોશી જિલ્લા ઉન્નાવથી બોલાવેલા હુમલાખોરોના ખાવા-પીવાની વ્યવસ્થા કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંસાના મુખ્ય આરોપી ઝફર હયાતે પોલીસ પૂછપરછમાં બાબા બિરયાનીના મુખ્તાર અહેમદની સાથે બિલ્ડર હાજી વસીનું પણ નામ લીધું છે.

    ન્યૂઝ18 અને MSB ન્યૂઝે પણ ઝફર હયાતના કબૂલાતમાં બાબા બિરયાનીના નામની વાત કરી છે. ઑપઇન્ડિયાએ કાનપુર પશ્ચિમના ડીસીપી અને તપાસ અધિકારી એસીપી કમલગંજ સાથે આની પુષ્ટિ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ બંનેએ મિટિંગમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને વાત કરવાનો ઇનકાર કર્યો હતો. હિંસા પછી તરત જ કાનપુર મોકલવામાં આવેલા IPS અજયપાલ શર્માએ કહ્યું કે તેઓ આ મામલે મીડિયા સાથે વાત કરવા માટે અધિકૃત નથી. કાનપુરના પોલીસ કમિશનર વિજય સિંહ મીણાનો પણ સંપર્ક થઈ શક્યો ન હતો કારણ કે તેઓ બેઠકમાં હતા. પોલીસનું નિવેદન બહાર આવ્યા પછી સમાચાર અપડેટ કરવામાં આવશે.

    ગેરકાયદે ધંધો ચાલુ રહે તે માટે હિંસા કરવામાં આવી હતી

    કાનપુરના સ્થાનિક હિંદુ નેતા પ્રભાત કુમારે OpIndia ને જણાવ્યું, “બાબા બિરયાની અને તેના સહયોગીઓ કાનપુરમાં ઘણા સમયથી હિંસા માટે તૈયારી કરી રહ્યા હતા. જ્યારથી તેમને ખબર પડી કે સરકાર મંદિરની જમીન અને દુશ્મન મિલકતો પર કાર્યવાહી કરવા જઈ રહી છે, ત્યારે તેઓ ષડયંત્રમાં લાગેલા હતા. આ તો માત્ર શરૂઆત છે, જો યોગ્ય રીતે તપાસ થશે તો ભવિષ્યમાં ઘણા ખુલાસા થશે.”

    બાબા બિરયાની વાલા ગુનેગારોનો રક્ષક છે

    બજરંગ દળના કાનપુર જિલ્લા સંયોજક ક્રિષ્ના તિવારીએ ઓપઈન્ડિયાને જણાવ્યું હતું કે, “અમે મંદિરની જમીન પર બાબા બિરયાની કબજે કરવા અંગે વહીવટીતંત્રને ઘણી વખત ફરિયાદ કરી છે. તેનો માલિક મુખ્તાર કાનપુરના ઘણા મોટા ગુનેગારોનો આશ્રયદાતા રહ્યો છે. વર્ષ 2017માં, કાનપુર ગેંગ વોરમાં માર્યા ગયેલા ડી-2 ગેંગના ખતરનાક ગુનેગાર ગુલામ નબી સાથે મુખ્તારના સંપર્કો મળી આવ્યા હતા. ગુલામ નબીના ભંડોળના સ્ત્રોત પણ કેટલાક બિલ્ડરો હોવાનું કહેવાય છે.” તેમણે કહ્યું, “મુખ્તાર અહેમદ બાબાએ બેકોનગંજમાં જ દારુલ શફાના નામથી પોતાની એક ઈમારત બનાવી છે, જેમાં ચામડાનો વેપાર થતો હતો. તેમની પાસે 25 વર્ષમાં અચાનક આટલા પૈસા ક્યાંથી આવ્યા તેની પણ તપાસ થવી જોઈએ.”

    મંદિર તોડ્યાની આશંકા

    OpIndiaએ બાબા બિરયાનીના માલિક મુખ્તાર અહેમદના પુત્ર મહમૂદ ઉમર સાથે વાત કરી હતી. મહેમૂદે કહ્યું, “અમારી સામેના તમામ આરોપો ખોટા છે. અમે શહેરના આદરણીય લોકો છીએ. અત્યાર સુધી આ હિંસામાં કોઈ પોલીસકર્મીએ અમારી સાથે વાત કરી નથી. મારા પિતા ઘરે આરામથી છે અને મીડિયામાં ચાલી રહેલા સમાચારોથી ચિંતિત છે. જે કંઈ ચાલી રહ્યું છે તે મીડિયામાં છે. જો કોઈની પાસે અમારી વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો બતાવો. અમારો પરિવાર આ સમાચારોથી પરેશાન છે. આ ખરેખર અમારું નામ બદનામ કરવાનું કાવતરું છે. ભૂતકાળમાં અમારા પર મંદિરનો કબજો લેવા જેવા આક્ષેપો થયા હતા જે પાયાવિહોણા છે. અમારી પાસે નક્કર કાગળો સાથે કોર્ટમાંથી સ્ટે ઓર્ડર છે.”

    કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ પોલીસકર્મીનો કૉલર પકડી લીધો, લોકોએ કહ્યું- ધરપકડ કરીને જેલમાં નાંખો, કેસ દાખલ

    નેશનલ હેરાલ્ડ કેસમાં છેલ્લા ત્રણ દિવસથી ED પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. જેને લઈને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. દરમ્યાન, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી રેણુકા ચૌધરીનો પોલીસકર્મી સાથે ગેરવર્તન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્રદર્શન દરમિયાન રેણુકા ચૌધરીએ પોલીસકર્મીનો કોલર પકડી લીધો હતો.

    હૈદરાબાદમાં પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન તેઓ પોલીસકર્મીનો કોલર પકડતાં જોવા મળે છે. જે ઘટના બાદ 7 થી 8 મહિલા પોલીસકર્મીઓએ મળીને તેમને કાબૂમાં રાખ્યાં હતાં. આ ઘટના બાદથી ઇન્ટરનેટ યુઝરોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

    બીજી તરફ, પોલીસકર્મી ઉપર હુમલો કરવા મામલે તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 353 હેઠળ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    રેણુકા ચૌધરીએ પોલીસકર્મીનો કોલર પકડ્યાનો વિડીયો વાયરલ થયા બાદ તેમની આ હરકતની ટીકા કરીને તેમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. એક યુઝરે ‘સરકારી કામમાં ખલેલ પહોંચાડવા અને ગુંડાગર્દી કરવા બદલ’ તેમની ધરપકડ કરવાની માંગ કરી હતી. એક યુઝરે માંગ કરી કે તેમની તાત્કાલિક ધરપકડ કરીને જેલમાં મોકલી આપવામાં આવવાં જોઈએ.

    અન્ય એક યુઝરે પ્રશ્ન કર્યો કે એક સામાન્ય નાગરિકની માફક શું તેમને પણ સરકારી કર્મચારીને ફરજ બજાવતા અટકાવવા અને ફરજ પર હાજર કર્મચારી પર હુમલો કરવા બદલ સજા ન થઇ શકે? 

    અન્ય એક યુઝરે પ્રિયંકા ગાંધીના નારા ‘લડકી હું, લડ સકતી હું’ને આધારે કટાક્ષ પણ કર્યો હતો. 

    અર્પિતા નામની યુઝરે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ પાસેથી બીજી કોઈ આશા પણ ન રાખી શકાય. જ્યારે એક યુઝરે લખ્યું હતું કે, કોંગ્રેસમાં સ્ત્રી હોય કે પુરુષ, ગુંડાગર્દી તેમના લોહીમાં હોય છે.

    ઉલ્લેખનીય છે કે ઇડીએ ગત 13 જૂનના રોજ પૂછપરછ માટે હાજર રહેવા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા હતા. જે બાદ રાહુલ ગાંધી ઇડી સમક્ષ હાજર થયા હતા.  જોકે, તે પહેલાં અને પછી પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓએ દિલ્હીમાં ધમાલ મચાવી મૂકી હતી અને કાયદાકીય કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. 

    રાહુલ ગાંધીની સતત ત્રણ દિવસ પૂછપરછ ચાલી હતી.  ઉપરાંત, ઇડીએ તેમને શુક્રવારે પણ હાજર રહેવા માટે કહ્યું છે. જોકે, રાહુલ ગાંધીએ એજન્સીને પત્ર લખીને શુક્રવારની પૂછપરછ મોકૂફ રાખવા માટે વિનંતી કરી છે. રાહુલે તેમનાં માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સારવારનું કારણ આપ્યું છે. જોકે, ઇડીએ જણાવ્યું છે કે તેમને કોઈ મેઈલ મળ્યો નથી.

    નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે (15 જૂન 2022) સતત ત્રીજા દિવસે રાહુલ ગાંધીની કલાકો સુધી પૂછપરછ કરી. આ દરમિયાન રાહુલે EDને જણાવ્યું હતું કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને યંગ ઈન્ડિયા લિમિટેડ (YIL) ના અધિગ્રહણ સંબંધિત તમામ નાણાકીય વ્યવહારો કોંગ્રેસના પૂર્વ ખજાનચી મોતીલાલ વોહરા જ જોતા હતા.

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રાહુલ ગાંધીએ યંગ ઈન્ડિયા લિમિટેડ દ્વારા લેવામાં આવેલી લોન અંગે કોઈ જાણકારી હોવાનો ઈનકાર કર્યો હતો. EDએ અત્યાર સુધી અનેક સત્રોમાં રાહુલની લગભગ 30 કલાક પૂછપરછ કરી છે. 

    ‘ભગવા આંતકવાદ’ શબ્દની જનક કોંગ્રેસને ભગવા રંગની બસથી પણ સમસ્યા, કોંગ્રેસના આક્ષેપ પર GSRTCની પ્રતિક્રિયા, કહ્યું ‘રાજકારણથી નથી કોઈ નિસ્બત’

    ભગવા આંતકવાદ જેવા નામકરણ કરનારી કોંગ્રેસને હવે રાજ્યની એસટી બસનાં નવાં રંગથી પણ વાંધો પડ્યો છે. ગુજરાત રાજ્યની પરિવહન સંસ્થાએ પોતાની તમામ બસોને કેસરી રંગથી રંગવાનો નિર્ણય લીધા બાદ કોંગ્રેસમાં રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાગવા રંગની બસો રસ્તા પર દોડાવીને ભાજપ હિન્દુત્વ કાર્ડ રમી રહ્યું છે. ભગવા આંતકવાદ જેવા નામકરણ કરનારી કોંગ્રેસને હવે GSRTCની નવી આરામદાયક બસ પર વાંધો છે.

    GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ) એ કેસરી રંગની ST બસો લાવવાનું નક્કી કર્યું છે. બસોને કેસરી રંગે રંગવામાં આવશે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી બસો જાહેર ઉપયોગ માટે રોડ પર ઉતારવામાં આવશે. આ પગલા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ ભાજપની હિંદુત્વવાદ લાદવાની ચાલ છે.

    ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ GSRTC ના નિર્ણય બાદ કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, “ભાજપ બસોને ભગવો રંગ કરીને હિન્દુત્વનું કાર્ડ રમવાનો પ્રયાસ કરી રહી છે. સૌપ્રથમ, ભાજપ સરકારે રાજ્ય પરિવહન (ST)ના કર્મચારીઓના પગાર સમયસર ચૂકવવા જોઈએ. ગુજરાતના ગામડાઓમાં એક પણ એસટી બસની કનેક્ટિવિટી નથી. રંગ બદલવાને બદલે પહેલા ગુજરાતની જનતાને સારી સેવા આપવી જોઈએ.”

    તો બીજી તરફ કોંગ્રેસના નેતા મનીષ દોશીને પણ GSRTC ના રંગ બદલવાના નિર્ણય પર તકલીફ થઇ હતી અને રોષ ઠાલવતાં કહ્યું હતું કે, “ગુજરાતમાં એસટી બસોનો ઉપયોગ પીએમ મોદીના કાર્યક્રમો માટે કરવામાં આવે છે. પીએમ મોદીની નવસારીની તાજેતરની મુલાકાત દરમિયાન, સમગ્ર ગુજરાતમાંથી હજારો એસટી બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આના કારણે ગુજરાતમાં ST બસ સિસ્ટમ સંપૂર્ણપણે પડી ભાંગી હતી. ગામડાઓમાં લોકો પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.”

    GSRTC એ આ બંને કોંગ્રેસી નેતાઓના નિવેદનોનું ખંડન કરીને પોતાનો પક્ષ મુક્યો હતો. એક મીડિયા અહેવાલ મુજબ GSRTC ના વરિષ્ઠ અધિકારી કે ડી દેસાઈએ કોંગ્રેસના દવાઓનું ખંડન કરતાં જણાવ્યું હતું કે. “બસ ના ભાગવા રંગને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. અમે માત્ર રંગ બદલી રહ્યા છીએ. 200 2×2 બસો, 300 સ્લીપર બસો અને 500 ડીલક્સ બસોને કેસરી રંગથી રંગવામાં આવશે. ઉત્પાદન કાર્ય શરૃ થઈ ગયું છે. અને જુલાઈના અંતિમ સપ્તાહ અથવા ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં બસો રોડ ઉપર દોડતી થઇ જશે. અગાઉ અમારી મિની બસને ભગવા રંગથી રંગવામાં આવી હતી. તેને ચૂંટણી કે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.”

    શું છે નવી ST બસ ની ખાસિયત

    ગુજરાત ST પહેલીવાર 2×2 બેઠક વ્યવસ્થા ધરાવતી બસ તૈયાર કરશે. 42 મુસાફરોની બેઠક વ્યવસ્થા ધરાવતી આ બસ બનાવવાની કામગીરી પણ આવનારા દિવસોમાં શરૂ કરવામાં આવશે. દરેક સીટ માટે રીડિંગ લાઈટ પણ મુકવામાં આવશે,

    વેન્ટિલેશન માટે પણ ખાસ વ્યવસ્થા

    2 × 2 પ્રકારની બસમાં સ્લાઈડિંગ વિન્ડો પણ પહોળી હશે, જેથી પર્યાપ્ત વેન્ટિલેશન મળી રહેશે. શરૂઆતના તબક્કામાં 300 જેટલી બસ તૈયાર કરવામાં આવશે. યાત્રિકોને પ્રવાસ માટે વધુ સુવિધા અને વિકલ્પો મળી રહે અને ખાનગી બસની જગ્યાએ નિગમની બસ આ લોકો આકર્ષાય એ માટેનો પ્રયાસ કરવામાં આવશે.

    સ્વચ્છતા જાળવવા લાકડા પર મેટ પથરાશે

    BS-6 પ્રકારના એન્જિનની નવી કેસરી બસમાં બંને સીટ વચ્ચે પ્રર્યાપ્ત માત્રામાં અંતર રાખવામાં આવ્યું છે, એટલે કે સારી એવી લેગ સ્પેસ પણ આપવામાં આવી છે, જેમાં પ્રવાસીઓ પોતાના પગ સરળતાથી નીચે મૂકી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે હાલ તૈયાર થતી બસોના ફ્લોરિંગમાં માત્ર લાકડાની ડિઝાઇન જોવા મળતી હતી, પરંતુ સ્વચ્છતા જાળવવા અને આકર્ષક બનાવવા નવી બસોમાં આ લાકડા પર મેટ પાથરવામાં આવી છે. બસની મહત્ત્વપૂર્ણ ખાસિયત એ પણ છે કે ઇન્ટીરિયર માટે ACP સીટ વાપરવામાં આવી છે, જે ઉનાળામાં મુસાફરી માટે અનુકુળ રહેશે અને બસના દેખાવને પણ વધુ સુંદર બનાવશે,

    ‘આપ’ના વળતાં પાણી: સુરતના અમરોલીમાં દલિત સમાજ દ્વારા આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનું પૂતળાદહન, જાણો કારણ

    જે જગ્યાએથી આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પગપેસારો કર્યો હતો એ સુરતમાં આજે AAPને વિરોધનો સામનો કરવો પડ્યો છે. આજે સવારે સુરતના અમરોલી વિસ્તારમાં દલિત સમાજના લોકોએ આમ આદમી પાર્ટીનો વિરોધ કરતા આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું પૂતળાદહન કર્યું હતું.

    આ સમગ્ર કિસ્સો આજે સવારના અરસામાં સુરતના અમરોલી વિસ્તારમાં સામે આવ્યો હતો. આમ આદમી પાર્ટી જય ભીમ મોરચા, બિરસા મુંડા મોરચાની રચના કરી રાજકીય રીતે દલિત સમાજનો ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે આપના સંગઠન દ્વારા કરવામાં આવેલા નિર્ણયનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સુરતના અમરોલી વિસ્તારમાં સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા દલિત સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કરાયું હતું.

    આરોપ છે કે આમ આદમી પાર્ટીએ દલિત અને આદિવાસી સમાજના વોટ ખાંટવા જય ભીમ મોરચા તથા બિરસા મુંડા મોરચાની રચના કરી હતી. પરંતુ આપનો આ દાવ સાવ ઊંધો પડતો જોવા મળી રહ્યો છે કેમ કે સ્થાનિક દલિત સમાજના લોકો દ્વારા જ તેમનો વિરોધ કરવાં આવી રહ્યો છે.

    અમરોલીમાં આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું પૂતળું સળગાવતા દલિત સમાજના લોકો (ફોટો: દિવ્ય ભાસ્કર)

    લોકોનું માનવું છે કે આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ચુંટણીમાં દલિત સમાજના વોટ અંકે કરવા માટે આમ આદમી પાર્ટીએ આ કારસો ઘડ્યો છે. કોઈ પણ સમાજના મહાન લોકોના નામે આમ રાજકીય લાભ લેવો એ સારું નહીં અને તેના વિરોધમાં જ દલિત સમાજના લોકોએ આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું પૂતળાદહન કર્યું હતું.

    સ્થળ પર વિરોધ કરવા આવેલ વિવિધ દલિત સંગઠનોમાંથી એકના આગેવાન ભાનુ ચૌહાણએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, “આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા નવી કમિટી બનાવવામાં આવી છે. જેમાં માત્ર બિરસા મુંડા અને જય ભીમ કમિટીનું નામ આપવામાં આવ્યું છે તે અન્ય સંગઠનની કોઈ કમિટીને કોઈ મહાપુરૂષને વિભૂતિના નામથી રચના કરવામાં આવી નથી. જેમ કે આમ આદમી પાર્ટી દ્વારા પરશુરામ મોરચો, ગાંધી મોરચો કે સરદાર મોરચાના નામથી કોઇ પણ નવી સમિતિ બનાવવામાં આવી નથી.”

    “માત્ર અનુસૂચિત જનજાતિના નામનો ઉપયોગ કરીને જાતિવાદી માનસિકતા છતી કરી છે જેનો અમે વિરોધ નોંધાવ્યો છે અને આ બાબતની ગંભીરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ લેવી જોઈએ.” દલિત આગેવાને આગળ જણાવ્યુ હતું.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે. એમાં પણ આમ આદમી પાર્ટી હાલ ખૂબ ચર્ચામાં છે. પહેલા તો આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સિવાયનું આપ સંગઠનનું પૂરું માળખું વિખેરી દીધું હતું અને બાદમાં નવા સંગઠનની જાહેરાત કરી હતી. નવા સંગઠનની જાહેરાત બાદ પણ આપ કાર્યકર્તાઓમાં ભડકો જોવા મળ્યો હતો.

    જોવા જઈએ તો હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના દિવસો સારા નથી ચાલી રહ્યા. થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના જેતપુરના અધ્યક્ષને 20 લાખની ખંડણીના આરોપમાં પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. ઉપરાંત આજે આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ સહિત 4 ની ધરપકડ કરાઇ છે સ્થાનિક લોકો પર જાનલેવા હુમલો કરવા બદલ. અને હવે સુરતમાં ખુદ આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું પૂતળાદહન થવું એ પાર્ટી માટે ખૂબ ચિંતાજનક ભાસી રહ્યું છે.

    મહેસાણા: આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત ચારની ધરપકડ, કેજરીવાલને પ્રશ્ન પૂછતાં બેનરો લગાવતા લોકો પર કર્યો હતો હુમલો

    મહેસાણા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના (આપ) જિલ્લા પ્રમુખ ભગત પટેલ સહિત ચાર વ્યક્તિની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. 6 જૂનના રોજ મહેસાણા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. મહેસાણામાં અરવિંદ કેજરીવાલની યાત્રા અગાઉ બેનર લગાવવા મુદ્દે માર મારવા મામલે આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

    મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી આ મામલે જણાવવામાં આવ્યું છે કે, કેજરીવાલની યાત્રા અગાઉ પોસ્ટર લગાવવા મામલે થયેલી બબાલ મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે 6 જૂનના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ ગઈકાલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    જૂનના પહેલાં અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે મહેસાણા ખાતે આવ્યા હતા. જેના આગલા દિવસે મોઢેરા ચોકડી નજીક કેટલાક વ્યક્તિઓ કેજરીવાલને પ્રશ્નો પૂછતાં બેનરો લગાવી રહ્યા હતા ત્યારે ‘આપ’ ના ભગત પટેલ સહિત ચાર લોકોએ આવીને આ બેનરો કેમ લગાવી રહ્યા છો તેમ કહીને ગાળા-ગાળી કરી માર માર્યો હતો. 

    આ મામલે ફરિયાદી પંકજભાઈ બારોટે મહેસાણા બી ડિવિઝન ખાતે ગત 6 જૂનના રોજ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ભગત પટેલ અને અન્ય ત્રણ વિરુદ્ધ IPC ની કલમ 143, 147, 148, 149, 323, 324, 403, 504 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો. 

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ફરિયાદી અને અન્ય કેટલાક વ્યક્તિઓ મહેસાણા મોઢેરા ચોકડી ખાતે 5 જૂને રાત્રે ‘આપ’ સંયોજક અરવિંદ કેજરીવાલને પ્રશ્નો પૂછતાં બેનરો લગાવી રહ્યા હતા ત્યારે ઇકો ગાડીમાંથી ચાર વ્યક્તિઓ આવીને ‘તમે બેનરો કેમ લગાવી રહ્યા છો?’ તેમ કહીને માથાકૂટ કરી હતી. જે બાદ તેમણે ‘અમે પબ્લિકના માણસો છીએ અને લોકશાહી ઢબે કેટલાક સવાલોના જવાબો માંગતા બેનરો લગાવી રહ્યા છીએ’ તેવો જવાબ આપ્યો હતો. 

    જે બાદ તેમાંથી કોઈએ ફોન કરીને અન્ય માણસોને પણ બોલાવી લીધા હતા. ત્યારબાદ અન્ય ચાર લોકોએ આવીને ભેગા થઈને બેનરો લગાડવા બાબતે અપશબ્દો બોલીને, ધોકા વડે માર મારવા માંડ્યા હતા. જેમાંથી ભગત પટેલ પર કટર જેવી ધારદાર વસ્તુથી માર મારવાનો આરોપ લાગ્યો છે. તેમજ તેમણે બેનરો ફાડી નાંખ્યાં હોવાનું પણ કહેવાયું છે.

    આ ઘટના બાદ પંકજભાઈને ગળાના ભાગે, પેટના ભાગે, પીઠ પર અને ડાબા હાથે ઇજા થઇ હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

    ઘટનાના દસ દિવસ બાદ મહેસાણા પોલીસે ગઈકાલે આમ આદમી પાર્ટી (આપ) જિલ્લા પ્રમુખ ભગત પટેલ સહિત ચારેયની ધરપકડ કરી લીધી હતી. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે મહેસાણામાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત તિરંગા યાત્રા મામલે અન્ય પણ એક વિવાદ થયો હતો. કેજરીવાલની તિરંગા યાત્રા પહેલાં બસ સ્ટેન્ડ પાસે તિરંગાનું અપમાન થયું હતું અને રાષ્ટ્રધ્વજ પગ તળે કચડવામાં આવ્યો હતો. જે બાદ આ મામલે તિરંગાના અપમાન બદલ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    આમ આદમી પાર્ટીના નેતાઓ એક પછી એક વિવાદમાં આવતા જાય છે. થોડા દિવસો પહેલાં જ જેતપુર શહેરના ‘આપ’ પ્રમુખ પણ એક ખંડણી કેસમાં સંડોવાયા હતા અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. વર્ષ 2018માં બંધ થયેલા એક કારખાનાના માલિકને ધમકી આપી વીસ લાખ રૂપિયા માગ્યા હતા.