Thursday, April 25, 2024
More
    હોમપેજમંતવ્ય'આપ' કા ક્યા હોગા?: ગુજરાત આમ આદમી પાર્ટીમાં નવા સંગઠનને લઈને ભડકો,...

    ‘આપ’ કા ક્યા હોગા?: ગુજરાત આમ આદમી પાર્ટીમાં નવા સંગઠનને લઈને ભડકો, સ્ક્રિનશોટ્સ વાયરલ થયા

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માંડ પાંચ મહિના બાકી રહ્યા છે એવામાં ગુજરાતમાં નવીસવી આવેલી આમ આદમી પાર્ટીનો આંતરિક ઝઘડો હવે બહાર આવી ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સંગઠન ભલે નવું બનાવી દીધું હોય પણ જૂની સમસ્યાઓ હજુ ગઈ નથી. પાર્ટીએ નવું માળખું જાહેર કર્યા બાદ પણ સંગઠનમાં નારાજગી જોવા મળી છે અને અનેક લોકોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાં ધરી દીધાં છે. નારાજ નેતાઓનો આક્ષેપ છે કે અમુક નેતાઓને દૂર કરવા માટે આ નવા સંગઠનનો ઢોંગ રચવામાં આવ્યો હતો. 

    આમ આદમી પાર્ટીએ તાજેતરમાં જ આખા રાજ્યનું માળખું વિખેરી નાંખ્યું હતું. પાર્ટી આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને કારણે આમ કરતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને યથાવત રાખવામાં આવ્યા હતા. તે સિવાય તમામ સમિતિના હોદ્દેદારોની નિમણુંક રદ કરી દેવામાં આવી હતી. 

    બે દિવસ બાદ આમ આદમી પાર્ટીએ નવું માળખું જાહેર કર્યું હતું. જેમાં કુલ 850 લોકોને જવાબદારી સોંપવામાં આવી હતી. ઉપરાંત પત્રકારમાંથી નેતા બનેલા ઈસુદાન ગઢવી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી હારેલા અને હાલમાં જ ‘આપ’માં જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પણ વિવિધ નિમણુંકો કરવામાં આવી હતી. 

    - Advertisement -

    નવું સંગઠન જાહેર કરતા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી સંદીપ પાઠકે કહ્યું હતું કે, પંજાબ કરતા પણ ગુજરાતમાં બમણી ઝડપે સંગઠનની રચના કરવામાં આવી છે. પણ હવે સ્થિતિ એ છે કે તેનાથી ત્રણ ગણી ઝડપે નારાજગીનો દોર શરૂ થયો છે અને ધડાધડ રાજીનામાં પડી રહ્યાં છે. 

    રિપોર્ટ અનુસાર, આમ આદમી પાર્ટીએ બનાવેલા નવા સંગઠનથી પાર્ટીના ટોચના નેતાઓ પ્રત્યે લોકોને ભારે નારાજગી છે. ખાસ કરીને ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સામે નારાજગી જોવા મળી રહી છે. માત્ર 2-4 લોકોને દૂર કરવા નવું સંગઠન બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના પ્રદેશ મહામંત્રી જયદીપ પંડ્યાને દૂર કરવા માટે આ ખેલ થયો છે અને પાર્ટી ઓફિસમાંથી તેમના નામની પ્લેટ અને તસવીરો પણ હટાવી દેવામાં આવી છે. 

    બીજી તરફ, પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ નવા હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. આ ઉપરાંત, પ્રદેશ મંત્રી અભિષેક પટેલ પણ પાર્ટીથી નારાજ હોવાનું કહેવાય છે અને તેઓ પણ રાજીનામું આપી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. પ્રદેશ સહમંત્રી ધનસુખ ગુજરાતી પણ રાજીનામું આપે તેમ ચર્ચાઈ રહ્યું છે. તેમજ અમદાવાદ જિલ્લા ‘આપ’ પ્રમુખ કિરણ પટેલ અને પૂર્વ પ્રદેશ ખજાનચી એમ.એમ શેખ પણ રાજીનામું આપી શકે તેમ ચર્ચાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના ગ્રુપના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

    તાપી જિલ્લામાં પણ પૂર્વ કાર્યકારી પ્રમુખ સહિતના હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાં ધરી દીધાં છે. નવા સંગઠનની જાહેરાત બાદ એક પછી એક નેતાઓ પાર્ટીના ગ્રુપમાંથી લેફ્ટ થઇ રહ્યા હોવાના સમાચાર છે. 

    એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં અસ્તિત્વ જમાવવા માટે મથી રહી છે પરંતુ બીજી તરફ ક્યાંય ફાવટ આવતી જણાઈ રહી નથી. પાર્ટીએ 182 બેઠકો સુધી પહોંચવા માટે પરિવર્તન યાત્રાનું પણ આયોજન કરી જોયું પણ તેમાં પણ ગણ્યાગાંઠ્યા માણસો આવતા હતા તો ક્યારેક પંજાબથી વાહનો બોલાવવા પડતાં હતાં. હવે પાર્ટીમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે. તેમજ પાર્ટીના નેતાઓ પણ વિવાદમાં ફસાતા જોવા મળી રહ્યા છે. 

    એક તરફ ફ્લૉપ જતી સભાઓ અને યાત્રાઓ અને બીજી તરફ પાર્ટીમાં આંતરિક વિવાદ વચ્ચે ‘આપ’ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ સામે લડત આપવાની વાતો તો કરે છે, પણ હકીકત એ છે કે એ બંને પાર્ટીઓની સરખામણીએ હજુ ‘આપ’ પાસે વ્યવસ્થિત સંગઠન પણ બન્યું નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં