Friday, September 20, 2024
More
    Home Blog Page 1038

    દ્રૌપદી મુર્મૂ મહાદેવના દર્શને પહોંચ્યાં, મંદિર પરિસરની સફાઈ કરી: સાદગી અને શાલીનતાના થઇ રહ્યાં છે વખાણ

    ગઈકાલે રાત્રે ભારતીય જનતા પાર્ટીએ આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDAના ઉમેદવાર તરીકે ઝારખંડનાં પૂર્વ રાજ્યપાલ અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂના નામની ઘોષણા કરી હતી. પોતાના નામની જાહેરાત થયા બાદ દ્રૌપદી મુર્મૂ સવારે પોતાના વતન ખાતે મહાદેવ મંદિરના દર્શન કરવા ગયાં હતાં. જ્યાં તેમણે સાફ-સફાઈ પણ કરી હતી. 

    રાષ્ટ્રપતિ તરીકે પોતાનાં નામની જાહેરાત બાદ દ્રૌપદી મુર્મૂ આજે સવારે પોતાના ગૃહ જિલ્લા મયૂરભંજના રાયરંગપુર ખાતેના મહાદેવ મંદિરે દર્શન માટે ગયાં હતાં. અહીં દર્શન કરવા પહેલાં તેમણે મંદિર પરિસરમાં ઝાડુ લગાવી સાફ-સફાઈ કરી હતી. જે બદલ તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે.

    એક યુઝરે લખ્યું કે, “ઓરિસ્સામાં કોઈ પણ શુભ કાર્ય કરવા પહેલાં નજીકના મંદિરે જવાની પરંપરા છે. જ્યાં સામાન્ય રીતે મહિલાઓ દેવતાના સન્માનમાં પરિસરની સફાઈ કરે છે. આ બહુ જૂની પરંપરા છે.”

    એક યુઝરે આગામી રાષ્ટ્રપતિ માટેના ઉમેદવારના આ કાર્યને બિરદાવતા કહ્યું કે, તેમને રાષ્ટ્રપતિ તરીકે જોવા એક ગર્વની બાબત હશે. 

    એક યુઝરે તેમની સાદગી અને સરળતાના વખાણ કરતાં લખ્યું કે, “કેટલાક લોકો ગમે તેટલા મોટા પદ ઉપર પહોંચી જાય તોપણ જમીન સાથે જોડાયેલા રહે છે.” તેમણે કહ્યું કે તેઓ આ મહાન દેશના પ્રથમ નાગરિક બનવા જઈ રહ્યા છે, એ ગર્વપૂર્ણ બાબત છે.

    અન્ય એક યુઝરે પણ દ્રૌપદી મુર્મૂની સરળતા અને સભ્યતાના વખાણ કર્યા હતા અને કહ્યું કે તેઓ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે. 

    બીજી તરફ, ઓરિસ્સાના મુખ્યપ્રધાન અને બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયકે NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની ઘોષણા થયા બાદ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, ઓરિસ્સાના લોકો માટે આ ગર્વની વાત છે. 

    નવીન પટનાટકે ટ્વિટ કરીને કહ્યું કે, “દેશના સર્વોચ્ચ પદ માટે NDA ના ઉમેદવાર તરીકે ઘોષિત થવા બદલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને શુભેચ્છાઓ. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતી ચર્ચા મારી સાથે કરી હતી ત્યારે ખૂબ આનંદ થયો હતો. ઓરિસ્સાના લોકો માટે આ ગર્વની બાબત છે. તેમણે એમ પણ કહ્યું કે, “મને વિશ્વાસ છે કે શ્રીમતી દ્રૌપદી મુર્મૂ દેશમાં મહિલા સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડશે.”

    બીજી તરફ, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પોતાનું નામ જાહેર થયા બાદ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, “હું પણ આશ્ચર્યચકિત છું. હું માની શકવા તૈયાર ન હતી. હું આભારી છું. વધુ કંઈ નહીં કહું પરંતુ ભારતના બંધારણને અનુસરીને રાષ્ટ્રપતિ તરીકે કામ કરીશ.” તેમણે એમ પણ કહ્યું કે, હું તમામ પાર્ટીઓ અને રાજ્યોને સમર્થન માટે અપીલ કરીશ. 

    ફેક્ટચેક: એરપોર્ટ પરનો વડાપ્રધાન મોદીનો અધૂરો વિડીયો શૅર કરીને કોંગ્રેસીઓ, વામપંથીઓએ મજા લીધી, પણ સત્ય બીજું જ બહાર આવ્યું

    ગઈકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પીએમ મોદી હાલ બે દિવસ માટે કર્ણાટકના પ્રવાસે ગયા હતા, જે દરમિયાન એરપોર્ટ પર તેમના સ્વાગત દરમિયાનના એક વિડીયોની નાની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ અધૂરી ક્લિપ શૅર કરીને પીએમની મજાક ઉડાવવામાં આવી રહી છે. 

    યુથ કોંગ્રેસના નેતા શ્રીનિવાસે પીએમ નરેન્દ્ર મોદીનો એક વિડીયો શૅર કર્યો હતો. 24 સેકન્ડની આ ક્લિપમાં પીએમ મોદી એરપોર્ટ પર વિમાનમાંથી ઉતરીને આવતા દેખાય છે અને તેમના સ્વાગત માટે કેટલાક નેતાઓ અને અધિકારીઓ ઉભેલા દેખાય છે. તેમજ પાછળ ફોટોશૂટ માટે કેમેરામેન ઉભેલા દેખાય છે. શ્રીનિવાસે આ વિડીયો શૅર કરીને કટાક્ષમાં કહ્યું, “મોદીજી શું કરવા માંગે છે?”

    વામપંથી અશોક સ્વૈને પીએમનો આ જ વિડીયો શૅર કર્યો હતો અને તેમને બૉલીવુડના ડાયરેક્ટર સાથે સરખાવ્યા હતા. જે બાદ થોડી જ ક્ષણોમાં આ જ ક્લિપ વામપંથી પત્રકારો અને નેતાઓ પાસે પહોંચી ગઈ હતી અને તમામે શૅર કરીને પીએમ પર કટાક્ષ કર્યો હતો કે કાયમ ફોટોશૂટમાં વ્યસ્ત રહેવાનો આરોપ લગાવ્યો હતો. 

    વામપંથીઓના પ્રિય અને દક્ષિણ ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રકાશ રાજે પણ આ તકનો લાભ લઇ લીધો હતો અને પીએમનો વિડીયો શૅર કરીને કટાક્ષ કરવાના પ્રયાસ કર્યા હતા. તેમણે પીએમને સુપ્રીમ એક્ટર/ડાયરેક્ટર ગણાવ્યા હતા અને કહ્યું કે કેમેરા એન્ગલની વાત આવે ત્યાં તેમને કોઈ હરાવી શકે નહીં. 

    જોકે, આ અધૂરો વિડીયો ફરતો થયા બાદ મોડેથી આ ઘટનાનો સંપૂર્ણ વિડીયો સામે આવ્યો હતો. જેમાં દેખાય છે કે વડાપ્રધાન કેમેરા એંગલ કે ફોટોશૂટ માટે નહીં પરંતુ અન્ય કારણોસર થોભી ગયા હતા. આ આખો વિડીયો સામે આવ્યા બાદ વામપંથી એજન્ડા ફરી એકવાર ધરાશાયી થઇ ગયો હતો. 

    વિડીયોમાં જોવા મળે છે કે, પીએમ મોદી આગળ વધે છે તેમ એક વ્યક્તિ તેમના ચરણસ્પર્શ કરવા માટે આગળ વધે છે. જે બાદ વડાપ્રધાન તેમને તેમ કરતા અટકાવી દે છે અને પોતાના સ્થાને જ રહેવા માટે જણાવે છે. જે બાદ તેઓ આગળ વધે છે. જે બાદ ફરીથી અન્ય એક વ્યક્તિ તેમના ચરણસ્પર્શ માટે આગળ વધે છે ત્યારે વડાપ્રધાન પાછળ ખસી જાય છે અને તેમને તેમ કરવાની ના પાડે છે. જે બાદ તેઓ નમસ્કાર કરતા આગળ વધે છે. 

    આમ આ સાચો વિડીયો એમ પણ દર્શાવે છે કે વડાપ્રધાન મોદીને આ રીતે કોઈ વગર કારણે તેમના ચરણ સ્પર્શ કરે તે પસંદ નથી. અગાઉ પણ વડીલો તેમજ મહિલાઓએ જ્યારે પણ તેમના ચરણસ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે વડાપ્રધાન તેમને સામેથી પગે લાગતા હોય એવા દ્રશ્યો સામે આવ્યાં હતાં.

    આ સમગ્ર વિડીયો ત્રીસ સેકન્ડનો છે. પરંતુ પીએમની મજાક ઉડાવવાના હેતુસર શૅર કરનારાઓએ છેલ્લી આઠ સેકન્ડ એડિટ કરી નાંખી હતી અને પીએમનું ફોટોશૂટ ચાલુ હોવાનો એજન્ડા જોડી દીધો હતો. 

    જોકે, સાચો વિડીયો સામે આવ્યા બાદ યુઝરોએ વામપંથી નેતાઓ અને પત્રકારોની ઝાટકણી કાઢી હતી અને સાચો વિડીયો શૅર કર્યો હતો. 

    દ્રૌપદી મુર્મૂ: એક સામાન્ય શિક્ષિકાથી કોર્પોરેટર અને ત્યાંથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા સુધીની સંઘર્ષમય સફર

    ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. NDA તરફથી ઝારખંડનાં પૂર્વ રાજ્યપાલ અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂના નામની ઘોષણા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ તેઓ દેશના પ્રથમ આદિવાસી અને બીજાં મહિલા રાષ્ટ્રપતિ બનશે. તેમજ દ્રૌપદી મુર્મૂ ઓરિસ્સા રાજ્યમાંથી રાષ્ટ્રપતિ બનનાર બીજા વ્યક્તિ હશે. આ પહેલાં ઓરિસ્સાથી વી.વી ગિરી દેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.

    દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958 ના રોજ ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લામાં થયો હતો. તેઓ ગરીબ પરિવારમાં જન્મ્યાં હતાં અને શરૂઆતના જીવનમાં બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો. 

    તેમનાં લગ્ન શ્યામ ચરણ મુર્મૂ સાથે થયાં હતાં, પરંતુ લગ્નના થોડા સમય બાદ જ તેમણે પતિ અને બંને પુત્રોને ગુમાવવા પડ્યા હતા. જે બાદ ઘર ચલાવવા અને પુત્રીને ભણાવવા માટે તેમણે શિક્ષિકા તરીકે નોકરી કરી હતી, જે બાદ તેમણે ઓરિસ્સાના સિંચાઈ વિભાગમાં ક્લર્કના પદ પર પણ નોકરી કરી હતી. 

    તેમણે વર્ષ 1997 માં રાયરંગપુર નગર પંચાયતના કોર્પોરેટર તરીકે જીતીને રાજનીતિક કારકિર્દીની શરૂઆત કરી હતી. જે બાદ વર્ષ 2000 અને 2009 માં મયૂરભંજ જિલ્લાની રાયરંગપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયાં હતાં. 2000 અને 2004 વકચ્ચે ઓરિસ્સામાં નવીન પટનાયકની બીજુ જનતા દળ અને ભાજપ ગઠબંધનની સરકારમાં તેમને વાણિજ્ય, પરિવહન અને પછીથી માટીસ અને પશુ સંસાધન વિભાગના મંત્રી બનાવવામાં આવ્યાં હતાં. વર્ષ 2007 માં તેમને ઓરિસ્સા વિધાનસભાએ બેસ્ટ એમએલએનો એવોર્ડ પણ આપ્યો હતો. 

    વર્ષ 2015 માં દ્રૌપદી મુર્મૂને ઝારખંડનાં 9મા રાજ્યપાલ નીમવામાં આવ્યાં હતાં. તેની સાથે ઝારખંડનાં પહેલાં મહિલા રાજ્યપાલ બનવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. સાથે જ તેઓ કોઈ પણ ભારતીય રાજ્યનાં રાજ્યપાલ બનનાર પ્રથમ આદિવાસી મહિલા છે. 

    ઝારખંડના રાજ્યપાલ તરીકે તેમનો કાર્યકાળ નિર્વિવાદ રહ્યો છે. ક્યારેક સરકારના નિર્ણયોમાં હસ્તક્ષેપ કર્યો તોપણ બંધારણીય ગરિમા જાળવીને હસ્તક્ષેપ કર્યો હતો. યુનિવર્સીટીઓના કુલપતિ તરીકે પણ તેમણે અનેક યુનિવર્સીટીમાં ખાલી જગ્યાઓ પર નિમણૂંકો કરી હતી. 

    1997 માં ભાજપમાં સામેલ થયેલાં દ્રૌપદી મુર્મૂને પાર્ટીમાં પણ અનેક મહત્વપૂર્ણ પદ મળી ચૂક્યાં છે. વર્ષ 2006 થી લઈને 2009 સુધી તેઓ ઓરિસ્સા ભાજપ એસટી મોરચાનાં પ્રમુખ રહ્યાં હતાં. વર્ષ 2013 થી 2015 સુધી તેઓ ભાજપ એસટી મોરચામાં રાષ્ટ્રીય કારોબારીનાં સભ્ય રહ્યાં હતાં. તેમજ 2010 થી 2013 સુધી મયૂરભંજ પશ્ચિમનાં ભાજપ જિલ્લા અધ્યક્ષ પણ રહ્યાં હતાં.

    દ્રૌપદી મુર્મૂ આગામી 25 જૂને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નામાંકન ભરી શકે છે. જે દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને સહયોગી પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહી શકે છે. જે બાદ 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થશે અને જેની મતગણતરી 21 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થઇ રહ્યો છે. 25 જુલાઈએ ભારતને નવા રાષ્ટ્રપતિ મળશે અને તેઓ પદ અને ગોપનીયતાના શપથ લેશે. 

    એકનાથ શિંદે અને સાથીદારો ગુજરાતને આવજો કરીને ગુવાહાટી પહોંચ્યા; ગુવાહાટી પહોંચીને શિંદેએ સૂચક નિવેદન કર્યું

    ગઈકાલે મહારાષ્ટ્રના રાજકારણમાં ધરતીકંપ લાવનાર એકનાથ શિંદે અને તેમની સાથે રહેલા કુલ 40 ધારાસભ્યોએ સુરત છોડી દીધું છે. અગાઉ ચાલેલી ચર્ચા અનુસાર આ તમામ આજે વહેલી સવારે આસામના સહુથી મોટા શહેર ગુવાહાટી પહોંચ્યા છે.

    એકનાથ શિંદે પરમદિવસે મોડી રાત્રે પોતાના સમર્થક શિવસેના ધારાસભ્યો સાથે ગુજરાતના સુરત પહોંચ્યા હતા જ્યાં તેમને ડુમસ રોડ પર આવેલી લી મેરેડિયન હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. ગઈકાલે સમગ્ર દિવસ દરમ્યાન સુરત, ગાંધીનગર અને મુંબઈમાં રાજકીય હલચલ ચાલુ રહી હતી. જો કે મોડી રાત્રે સુરતમાં તો આ હલચલ ચાલુ જ રહી હતી કારણકે અહીંથી એક ખાસ પ્લેનમાં એકનાથ શિંદે અને તેમનો દાવો છે એ મુજબ કુલ 40 શિવસેના ધારાસભ્યો ગુવાહાટી લઇ જવામાં આવ્યા હતા.

    આજે વહેલી સવારે આ તમામ ગુવાહાટી એરપોર્ટ પર ઉતર્યા હતા જ્યાં ભાજપના ધારાસભ્ય સુશંતા બોર્ગોઈને આ તમામનું સ્વાગત કર્યું હતું. જો કે સુશંતા બોર્ગોઈને દાવો કર્યો હતો કે તેઓ એકનાથ શિંદે સાથેની વ્યક્તિગત ઓળખાણને લીધે અહીં આવ્યા છે, અને તેમનો અહીં ગુવાહાટીમાં શું કાર્યક્રમ છે તેની તેમને કોઈજ જાણ નથી.

    મહારાષ્ટ્ર શિવસેનાના આ તમામ ધારાસભ્યોને એરપોર્ટની બહાર નીકળ્યા બાદ એક લક્ઝરી બસમાં બેસાડવામાં આવ્યા હતા અને અહીંથી આ તમામને ગુવાહાટીની રેડીસન બ્લુ હોટલમાં લઇ જવામાં આવ્યા હતા.

    એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ પત્રકારો દ્વારા ઘેરી વળવામાં આવેલા એકનાથ શિંદેએ સૂચક નિવેદન કરીને કહ્યું હતું કે અત્યારે શિવસેનાના કુલ 40 ધારાસભ્યો હાજર છે અને અમે બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વને આગળ લઇ જઈશું. શિંદેએ આગળ કહ્યું હતું કે તેમણે ‘બાળાસાહેબ ઠાકરેની શિવસેના’ નથી છોડી.

    હાલમાં મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીના ત્રણ ઘટક દળો શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સત્તામાં છે. બે દિવસ અગાઉ અહીં લેજીસ્લેટીવ એસેમ્બલીની દસ બેઠકોની ચૂંટણી થઇ હતી જેમાં સહુના આશ્ચર્ય વચ્ચે ભાજપનો એક વધારાનો ઉમેદવાર જીતી ગયો હતો જેનાથી ક્રોસ વોટીંગ થયું હોવાનું સાબિત થયું હતું. આ ચૂંટણીમાં સહુથી મોટું નુકશાન કોંગ્રેસને થયું હતું કારણકે તેનો દલિત ઉમેદવાર હારી ગયો હતો.

    હજી આ ઘટનાની આઘાડીને કળ વળે તે પહેલાં જ એકનાથ શિંદે પોતાની સાથે 21 ધારાસભ્યો લઇને સુરત પહોંચ્યા હોવાના સમાચાર આવ્યા હતા. ગઈકાલે સમગ્ર દિવસ દરમ્યાન આ આંકડા અંગે વિવિધ સમાચારો આવ્યા હતા પરંતુ આજે વહેલી સવારે ગુવાહાટી પહોંચેલા એકનાથ શિંદેએ પોતાની સાથે 40 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે.

    જો શિંદેના દાવાને માનવામાં આવે તો મહા વિકાસ આઘાડી સરકાર અત્યારે અલ્પમતમાં છે. ગઈકાલે સાંજે એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  ઉદ્ધવ ઠાકરે અને તેમના પત્ની રશ્મી ઠાકરે વચ્ચે ટેલિફોનીક ચર્ચા થઇ હતી જેમાં એવું કહેવામાં આવે છે કે શિંદેએ ઉદ્ધવને એનસીપી અને કોંગ્રેસનો સાથ છોડીને ભાજપ સાથે સરકાર બનાવવાનું કહ્યું હતું.

    બકરી ઈદની કુરબાની પર પ્રતિબંધ, ઘરમાં કે જાહેરમાં કુરબાનીના નામે લોહીની નદીઓ નહીં વહેવડાવી શકાય; દેશના તમામ રાજ્યોને કેન્દ્ર સરકારનો નિર્દેશ

    બકરી ઈદની કુરબાની પર પ્રતિબંધ, ઘરમાં કે જાહેરમાં કુરબાનીના નામે લોહીની નદીઓ નહી વહેવડાવી શકાય તેવા નિર્દેશ કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને આપવામાં આવ્યો છે. આવતી 9 જુલાઈના રોજ દેશ ભરમાં બકરી ઈદ મનાવવામાં આવશે, તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જાહેરમાં કે ઘરમાં બકરી ઈદની કુરબાની પર પ્રતિબંધ લાદવાનો નિર્દેશ આપ્યો છે.

    કેન્દ્ર સરકારે પોતાના નિર્દેશમાં કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જોવામાં આવી રહ્યું છે કે પશુઓને વાહનોમાં બેફામ રીતે ભરવામાં આવે છે. આ તેમની સાથે એક પ્રકારે ક્રૂરતા જ છે. આવા મામલે સંબંધિત લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    ઊંટની કુરબાની નહીં કરી શકાય

    કેન્દ્ર સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડે તમામ રાજ્યોને જણાવ્યું છે કે બકરી ઈદ પર ઊંટની કુરબાની ન કરવામાં આવે. દેશમાં ઊંટ ભોજન માટે પ્રતિબંધિત પશુઓની શ્રેણીમાં સામેલ છે પણ અનેક જગ્યાએ ઊંટોની કુરબાની કરવામાં આવે છે. આ ઉપરાંત જે રાજ્યોમાં ગૌવધ અપરાધ છે ત્યાં ગાય તથા વાછરડાંની કુરબાની ન કરવામાં આવે. રાજ્યોને જણાવ્યું છે કે કોઈ પણ ગર્ભવતી પશુની પણ કુરબાની ન કરવામાં આવે. જે પશુઓનો ગર્ભ 3 મહિનાથી ઓછા સમયનો છે તેમની કુરબાની પણ વેટરનરી ડૉક્ટર તરફથી આપેલ ફિટનેસ સર્ટિફિકેટ વિના નહીં કરી શકાય.

    કુરબાનીના નામે બેફામ પશું વધ

    મુસ્લિમ ધર્મની માન્યતા અનુસાર બકરી ઇદના દિવસે નિર્દોષ અબોલ જાનવરની કુરબાની આપવાનો રીવાજ છે, સામાન્યરીતે કુરબાનીમાં બકરીનો ઉપયોગ થાય છે. પણ છેલ્લા કેટલાક સમયથી કુરબાનીના નામે અનિયંત્રિત રીતે પશુ વધ થતો જોવા મળે છે, જેમાં ભેંસ, પાડા, ઊંટ અને અંદરખાને ગાય જેવા નિર્દોષ પશુઓની હત્યા કરીને તેમના લોહીના ખાબોચિયા વહેવડાવામાં આવે છે. ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે,

    બાંગ્લાદેશમાં વહી હતી લોહીની નદીઓ

    વર્ષ 2016માં બાંગ્લાદેશથી આવેલી તસ્વીરોએ આખા વિશ્વને હચમચાવી મુક્યું હતું, બાંગ્લાદેશમાં બકરી ઈદના અવસર પર શહેરના રસ્તા પર લોહીની નદીઓ વહેવા લાગી હતી. જેની ઘણી તસવીરો વાયરલ થઈ હતી. જેમાં રસ્તાઓ લોહીથી લાલ જોવા મળી રહ્યા હતા. આખા વિશ્વમાં આ તસ્વીરોના પડઘા પડ્યા હતા. આમાં મોટાભાગની તસવીર રાજધાની ઢાકાના રસ્તાઓની હતી.

    NDA તરફથી દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે જાહેર, જેપી નડ્ડાએ સંસદીય બોર્ડની બેઠક બાદ કરી જાહેરાત

    NDA તરફથી દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર મંથન કરવા માટે ભાજપના સંસદીય બોર્ડની બેઠક પાર્ટીના મુખ્યાલયમાં મળી હતી.

    આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદીય બોર્ડના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. બેઠક.

    બેઠક બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આજની સંસદીય બોર્ડની બેઠકમાં અમે બધા એ અભિપ્રાય પર આવ્યા કે ભાજપ અને NDAએ તેમના તમામ ઘટક પક્ષો સાથે વાત કર્યા બાદ રાષ્ટ્રપતિ માટેના અમારા ઉમેદવારની જાહેરાત કરવી જોઈએ. NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની જાહેરાત કરવામાં આવી છે.

    તેમણે કહ્યું કે બેઠકમાં લગભગ 20 નામો પર ચર્ચા થઈ હતી. અમે વિપક્ષી દળો સાથે પણ સલાહ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ મામલો બહાર આવ્યો નહીં. યુપીએ ઉમેદવાર જાહેર કર્યા છે.

    કોણ છે દ્રૌપદી મુર્મુ?

    આદિવાસી સમાજ સાથે સંબંધ ધરાવતા દ્રૌપદી મુર્મુ છ વર્ષ અને એક મહિના સુધી ઝારખંડની રાજ્યપાલ રહી ચુક્યાં છે. મુર્મુનો જન્મ ઓડિશાના રાયરંગપુરનો છે. તેઓ 64 વર્ષના છે

    અત્રે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના બાદ તેને ત્રણ વખત રાષ્ટ્રપતિ પદે કોઈની પસંદગી કરવાની તક મળી હતી, જેમા પહેલા અબ્દુલ કલામ જેઓ મુસ્લિમ હતા, બીજા રામનાથ કોવિંદ જેઓ અનુસુચિત જાતિ માંથી આવતા હતા ને હવે દ્રૌપદી મુર્મુ જેઓ આદિવાસી જાતિ માંથી આવે છે.

    માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ તોફાન કર્યું, ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવતા સ્ટેડિયમમાં ઘુસ્યા

    માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ તોફાન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. 21મી જૂન, 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 ના રોજ, વિશ્વભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયાના માલદીવમાં ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર અને યુવા અને રમતગમત સમુદાય સશક્તિકરણ મંત્રાલયના સહયોગથી યોજયેલા યોગા કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ એટલી વણસી હતી કે પોલીસે ટીયર ગેસ છોડીને લાઠી ચાર્જ કરવો પડ્યો માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં હુલ્લડના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

    તોફાનીઓ અલ્લાહુ અકબરના નારા લગાવતા સ્ટેડિયમમાં પ્રવેશ્યા

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માલદીવની રાજધાની માલેના ગલોલ્હુ નેશનલ ફૂટબોલ સ્ટેડિયમમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનું આયોજન ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા યુવા અને રમતગમત સમુદાય સશક્તિકરણ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે લગભગ 6.30 વાગ્યે કાર્યક્રમ શરૂ થતાં જ મુસ્લિમ કટ્ટરપંથીઓ અલ્લાહુ અકબરના નારા લગાવતા ત્યાં ધસી આવ્યા હતા. મુસ્લિમ ટોળાને જોઈને ત્યાં યોગ કરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

    ઇસ્લામિક કટ્ટરપંથીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કાર્યક્રમનું આયોજન કરતી સરકાર પર ભડક્યા હતા. કટ્ટરપન્થીઓએ કાર્યક્રમ ન કરવા અગાઉ પણ ધમકી આપી હતી. અગાઉ આ ઈવેન્ટ માટે રસફન્નુ બીચની જગ્યા માંગવામાં આવી હતી. જોકે મ્યુનિસિપલ કાઉન્સિલે સ્થળ બદલીને સ્ટેડિયમ કર્યું હતું. ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવતા હાથમાં ધ્વજ સાથે કટ્ટરપંથીઓ સ્ટેડિયમમાં પ્રવેશ્યા અને યોગ કરી રહેલા લોકોને ધમકાવવા લાગ્યા. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. બાદમાં પોલીસે બદમાશો પર બળપ્રયોગ કર્યો હતો.

    મંત્રીની હાજરીમાં થયું હુલ્લડ

    જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુવા મંત્રી અહેમદ મહલૂફ ત્યાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા. ભારતીય હાઈ કમિશનર ઉપરાંત યુવા બાબતોના મંત્રાલય અને ભારતીય હાઈ કમિશનના ઘણા અધિકારીઓ ત્યાં પણ હાજર હતા. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ 2014 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માન્યતા આપી હતી અને જાહેરાત કરી હતી કે તે દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે, માલદીવ 177 દેશોમાંનો એક હતો જેણે દિવસની ઉજવણી માટે યુએનના ઠરાવને સહ-પ્રાયોજિત કરવાની તરફેણમાં મત આપ્યો હતો. જયારે ત્યાનાજ લોકો હુલ્લડ કરતા જોવા મળ્યા હતા.

    રોહિંગ્યા પર રોદણાં રડનારાઓ અફઘાની શીખો મામલે ચૂપ, સેક્યુલરો બને છે કટ્ટરવાદીઓના બૌદ્ધિક રક્ષકો

    નુપુર શર્માના કથિત ભડકાઉ નિવેદન બાદ આખા દેશમાં હંગામો થયો હતો સાથે જ ધણી જગ્યાએ હિંસા પણ થઈ હતી. કતાર અને અન્ય પણ ઘણા દેશોએ નુપુર બાબતે વિરોધ નોધાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ તત્કાળ પ્રભાવથી નુપુર શર્માનુ સભ્યપદ રદ કર્યું હતું. પરંતુ આવો હંગામો આ પહેલી વાર નથી ભારતીય મુસ્લિમો અને તેઓને બૌદ્ધિક રક્ષણ પુરૂ પાડતા ભારતીય સેક્યુલરો ઘણી વાર આ રીતે હંગામો કર્યો છે અને હંગામા કરનારને રક્ષણ પણ આપ્યું છે.

    એમ તો ભારતમાં આ રીતના હંગામાની શરૂઆત ખિલાફત આંદોલનથી થઈ હતી. તુર્કના ખલિફાને અંગ્રેજોએ બેદખલ કરતા ભારતમાં ‘ખિલાફત આંદોલન’ શરૂ થયું હતું. વિધીની વક્રતા એ હતી કે આ આંદોલનને ગાંધીજીએ સમર્થન આપ્યું હતું જેની આડ અસરના કારણે જ મોપલા કાંડ થયો હતો જેમા હજારો હિદૂઓની ધર્મ આધારિત હત્યાઓ થઈ હતી.

    વૈશ્વિક મુસ્લિમનો મુદ્દો હોય ને ભારતમાં હંગામો થયો હોય તેવા અસંખ્ય બનાવો બન્યા છે.

    કેટલાક આવી ઘટનાઓને ટાંકું તો ઈ.સ.2012માં મ્યાનમારમાં બુદ્ધીસ્ટો અને રોહિગ્યા મુસલમાનો વચ્ચે દંગા થાય છે જેમાં રોહિગ્યાઓને સમર્થન કરવા માટે ભારતીય મુસ્લિમો એક આયોજન કરે છે. તે આયોજન મુંબઈના આઝાદ મેદાનમાં કરવામાં આવે છે ત્યાર બાદ હાજારોની સંખ્યામાં ભેગી થયેલી ભીડ દંગા કરે છે. ત્યા સુધી કે શહીદોનું આઝાદ સ્મારકને પણ નુકસાન પહોચાડવામાં આવે છે. ફ્રાંસમાં એક કાર્ટુનના કારણે હંગામો થાય છે તેને લઈને આખા ભારતમાં હંગામો કરાય છે. રોહિગ્યાઓ જેને ભારતીયો સાથે કંઈક જ લેવા દેવા નથી તો તેના સમર્થનમાં હંગામો કરાતો હોય છે.

    હંગામો કરનારાઓને એક સુચારૂ બૌદ્ધિક રક્ષણ પુરૂ પાડતી એક જમાત ભારતમાં છે જે પોતાની જાતને સેકુલર કે લિબરલ ગણાવે છે પરંતુ તેઓ હંમેશા એક તરફી જ રહ્યા છે. ભારતીય મુસલમાનો ગાઝા પર થતા કથિત અત્યાચાર કે પછી પેલેસ્તાઈને કરેલી હિંસાની પ્રતિહિંસા સ્વરૂપે કરેલી ઈઝરાયેલની કાર્યવાહી પર હંગામો કરે છે. માની લઈએ કે આ લોકો માનવવાદી હોવાના કારણે કરતા હશે.

    પરંતુ, સવાલ એ ઊભો થાય છે કે હમણાં જ અફઘાનિસ્તાનમાં શીખો અને હિદૂઓ પર અત્યાચાર ચાલી રહ્યો છે ગુરૂ સાહિબના ગુરૂદ્વારા પર હમલો થયો સાહીબ ગ્રંથનું અપમાન કરાયુ ત્યારે આ બૌદ્ધિક ભારતીય સેક્યુલરો એકદમ ચુપ છે. વિશ્વની કોઈ પણ વાતે ભારતમાં હંગામો કરનારા કટ્ટરવાદીઓ પણ અફઘાનિસ્તાન તાલિબાનો દ્વારા થતા આ કૃત્ય પર મૌન છે. આ મૌન કોઈ સંયોગ નથી પરંતુ તેની કાયમી નિતીનો જ ભાગ છે. 

    જ્યારે ભારતીય મુસ્લિમો સીએએ વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા હતા ત્યારે શીખોએ લંગર લગાવીને ભોજન પુરૂ પાડ્યું હતું તે જ શીખો આજે મદદ માંગી રહ્યા છે ત્યારે એક વાક્ય કે એક શબ્દ તેમના સમર્થનમાં ભારતીય બૌદ્ધિકો દ્વારા કે ભારતીય મુસ્લિમો દ્વારા બોલવાનાં આવી રહ્યું નથી. 

    તમને મ્યાનમારમા રોહિગ્યા પર દયા આવે છે, તમને ભારતથી સેંકડો કિલોમીટર દુર પેલેસ્ટાઈન પર દયા આવે છે પરંતુ તમને ભારતની બાજુમાં આવેલા અફઘાનિસ્તાની શીખો પર દયા નથી આવતી મતલબ એ થયો તમારે માનવતા સાથે કંઈ જ લેવા દેવા નથી તમારો ચોક્કસ એક એજંડા છે માટે જ સિલેકટીવ ઘટના પર બોલવાનું બાકી પર મૌન રહેવાનું. 

    જો કે હવે એક ચોક્કસ વર્ગ આ લોકોના દોગલાપણા વિરુદ્ધમાં અવાજ ઉઠાવી રહ્યો છે. આશા રાખીયે કે ભારતીય કથિત સેકુલર પ્રજાતિ કટ્ટરવાદીઓને બૌદ્ધિક સંરક્ષણ આપવાનુ બંધ કરે.

    ભાજપ મહારાષ્ટ્રના તેના 106 ધારાસભ્યોને અમદાવાદ મોકલે તેવી શક્યતા, દેવેન્દ્ર ફડણવીસ અને પાર્ટીના ટોચના નેતાઓ એકનાથ શિંદેને મળે તેવી સંભાવના

    ભાજપ મહારાષ્ટ્રના તેના 106 ધારાસભ્યોને અમદાવાદ મોકલે તેવી અટકળો ચાલી રહી છે, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે , ભારતીય જનતા પાર્ટી (BJP) તેના તમામ 106 ધારાસભ્યોને અમદાવાદ ખસેડવાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય ધારાસભ્યોને મળે તેવી શક્યતા છે, જેઓ ગઈ રાતથી સુરતમાં ધામા નાખ્યા છે.ભાજપ મહારાષ્ટ્રના તેના 106 ધારાસભ્યોને શિંદેના ધારાસભ્યોને મ્લાવશે.

    શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદેના પક્ષ સામે બળવો અને એમવીએ ગઠબંધનને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ મચ્યા બાદ, આખરે ભાજપ પણ આ દ્રશ્યમાં પ્રવેશી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. એબીપી માઝાએ અહેવાલ આપ્યો છે કે સુરતની લે મેરિડીયન હોટલમાં શિંદેની સાથે 35 જેટલા ધારાસભ્યો હોવાની શક્યતા છે .

    મહારાષ્ટ્ર વિપક્ષના નેતા અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, જે રાજ્યસભા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં સફળ વિજય મેળવ્યા પછી દિલ્હીમાં છે, હવે શિંદેની આગેવાની હેઠળના બળવાખોર શિવસેના જૂથને મળવા અમદાવાદ પહોંચશે. રિપબ્લિકના અહેવાલ અનુસાર, ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભામાંથી તેના તમામ 106 ધારાસભ્યોને અમદાવાદ મોકલે તેવી પણ શક્યતા છે.

    એકનાથ શિંદેએ બળવાખોરો સાથે પરામર્શ કરવા માટે સુરત મોકલેલા ઉદ્ધસ્વ ઠાકરેના સહાયક મિલિંદ નાર્વેકરને મળવાનો ઇનકાર કર્યો હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ, શિંદે જુથના શિવસેના નેતાઓને દેવેન્દ્ર ફડણવીસને મળવા માટે સુરતથી અમદાવાદ એરલિફ્ટ કરવામાં આવી શકે છે. એબીપી માઝાના અગાઉના અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા પણ ફડણવીસની સાથે શિંદે જૂથ સાથે વાતચીત કરવા અમદાવાદ આવી શકે છે.

    રિપબ્લિક દ્વારા અહેવાલ મુજબ, ગુજરાત રાજ્ય ભાજપના નેતાઓ એકનાથ શિંદેના સંપર્કમાં છે અને સુરતમાં મોટી રાજકીય ફેરબદલ થવાની તૈયારીમાં છે. ગઈકાલે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પાંચ બેઠકો કબજે કર્યા બાદ હવે શિવસેનાના પચ્ચીસેક જેટલા ધારાસભ્યો સંપર્કવિહોણા બની ગયા છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યોને લઈને સુરત પહોંચ્યા

    ‘વિરોધ પ્રદર્શન’ની આડમાં કોંગ્રેસી નેતાઓની શરમજનક હરકતો: હવે મહિલા કોંગ્રેસ અધ્યક્ષનો પોલીસ ઉપર થૂંકતો વિડીયો વાયરલ

    નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ, કોંગ્રેસીઓએ આ સમગ્ર બનાવને ‘નાટક’માં ફેરવી નાંખ્યું છે અને બંધારણીય પ્રક્રિયાના વિરોધની આડમાં રાજધાનીમાં અવ્યવસ્થા સર્જવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પહેલા દિવસે રાહુલ ગાંધી ઇડી સમક્ષ હાજર થયા ત્યારથી લઈને આજ સુધી દિલ્હી સહિત દેશના અનેક ઠેકાણે કોંગ્રેસીઓ વિરોધ કરી રહ્યા છે તો આ દરમિયાન કોંગ્રેસી નેતાઓની શરમજનક હરકતો પણ જોવા મળી છે.

    આ સમગ્ર ‘વિરોધ પ્રદર્શન’ દરમિયાન કોંગ્રેસી નેતાઓની એક પછી એક શરમજનક અને અભદ્ર હરકતો સામે આવી રહી છે. જેમાં કોઈ પીએમ નરેન્દ્ર મોદીના મૃત્યુની કામના કરી રહ્યું છે તો કોઈ પોલીસકર્મીનો કૉલર પકડીને ધમકી આપતું દેખાય છે તો કોઈ પોલીસકર્મી પર થૂંકી રહ્યું છે. 

    કોંગ્રેસની મહિલા પાંખનાં અધ્યક્ષ નેતા ડિસૂઝાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ પોલીસકર્મી પર થૂંકતાં જોઈ શકાય છે. ઇડી વિરુદ્ધ પ્રદર્શન કરવા દરમિયાન પોલીસકર્મીઓએ કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી હતી. જેમાંથી એક નેતા ડિસૂઝા પણ સામેલ હતાં. દરમ્યાન, બસમાં જતી વખતે તેમણે પોલીસકર્મી પર થૂંકવાની શરમજનક હરકત કરી હતી.

    આ ઉપરાંત, કોંગ્રેસ નેતા અલકા લાંબાનો પણ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેમને વિરોધ પ્રદર્શન દરમિયાન અજીબોગરીબ હરકતો કરતાં જોઈ શકાય છે. એકવાર તો તેઓ જમીન પર જ સૂઈ જાય છે. તેઓ જમીન પર બેસીને બોલતાં રહે છે અને નારાબાજી કરતાં રહે છે. જોકે, મહારાષ્ટ્રના રાજકારણના કવરેજ વચ્ચે તે બહાને કોંગ્રેસને પણ થોડું ફૂટેજ મળી ગયું હતું. 

    ઇડી દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછનો વિરોધ કરવાની આડમાં કોંગ્રેસ રાજનીતિક લાભ ખાટવા માંગે છે પરંતુ તેમને સફળતા મળી રહી નથી અને બીજી તરફ પાર્ટીના નેતાઓ એક પછી એક શરમજનક હરકતો કરી રહ્યા છે. 

    આ પહેલાં ગઈકાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધ કાંત સહાયે જાહેરમંચ પરથી પીએમ મોદી વિશે અપમાનજનક ભાષા વાપરી હતી. તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે “હિટલરે પણ આવી જ એક સંસ્થા બનાવી હતી. મોદી હિટલરની રાહ પર ચાલશે તો હિટલરની મોત માર્યો જશે. એ યાદ રાખે.” કોંગ્રેસ પાર્ટી દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધમાં યોજવામાં આવેલ રેલીમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન મંચ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સચિન પાયલટ અને પ્રમોદ તિવારી પણ દેખાયા હતા. 

    તે પહેલાં ગયા અઠવાડિયે કોંગ્રેસનાં મહિલા નેતા અને સાંસદ રેણુકા ચૌધરીએ એક પોલીસકર્મીનો કૉલર પકડી લીધો હતો. હૈદરાબાદમાં પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીએ તેમને અટકાવતાં તેમણે કૉલર પકડી લીધો હતો. જે વિડીયો વાયરલ થયા બાદ તેમની ખૂબ ટીકા થઇ હતી અને કેસ પણ નોંધાયો હતો. 

    ઘણા સમયથી બધી બાજુએથી નાશપ્રાયઃ થવા જઈ રહેલી કોંગ્રેસ પાર્ટીને ઇડી દ્વારા થતી રાહુલ ગાંધીની પૂછપરછમાં નવી તક દેખાઈ છે. જેના કારણે સતત પાર્ટી બંધારણીય પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાના પ્રયાસો કરી રહી છે. બીજી તરફ, આગામી 23 જૂને સોનિયા ગાંધીએ પણ ઇડી સમક્ષ હાજર થવાનું હોઈ કોંગ્રેસે આખા દેશમાંથી ધારાસભ્યો અને સાંસદો ભેગા કરવા માંડ્યા છે.