મની લોન્ડરિંગ કેસમાં પકડાયેલા અને હાલ જેલમાં બંધ અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને ‘માનસિક અસ્વસ્થ’ જાહેર કરવાની અને તેના આધાર પર તેમને ધારાસભ્ય અને મંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, તેમને માનસિક અસ્થિર જાહેર કરી શકાય નહીં.
વાસ્તવમાં એક કોંગ્રેસી કાર્યકરે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને એક મેડિકલ બોર્ડ દ્વારા સત્યેન્દ્ર જૈનની માનસિક સ્થિતિની તપાસ કરાવવાની અને કોરોના થયા બાદ સત્યેન્દ્ર જેને લીધેલા તમામ નિર્ણયો અમાન્ય ઘોષિત કરવાની માંગ કરી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ‘સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં અનેક મહત્વનાં ખાતાં સાંભળે છે અને મંત્રી પદ પર રહેતાં દરરોજ તેમણે અનેક મહત્વના નિર્ણયો લેવાના તેમજ આદેશો/દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાના આવ્યા હશે. પરંતુ તેઓ પોતે જ યાદદાશ્ત ગુમાવી ચૂક્યા હોવાનું સ્વીકારી ચૂક્યા છે. આ સંજોગોમાં કોઈ પણ તેમની બીમારીનો ફાયદો ઉઠાવી શકે છે અને જેનાથી આખરે દિલ્હીના મતદારોને જ નુકસાન પહોંચશે.’
અરજદારે એમ પણ કહ્યું હતું કે, સત્યેન્દ્ર જૈનને જ્યારે ઇડીના અધિકારીઓએ અમુક દસ્તાવેજો બતાવ્યા હતા ત્યારે તેમણે પોતે જ કહ્યું હતું કે, તેમને કશું યાદ નથી કારણ કે કોરોના થયા બાદ તેઓ યાદદાશ્ત ગુમાવી ચૂક્યા હતા.
બંધારણના અનુચ્છેદ 191 (1) (b)ને ટાંકીને અરજીમાં કહેવામાં આવ્યું કે, આ જોગવાઈ રાજ્યના માનસિક અસ્વસ્થ ધારાસભ્યને બરતરફ કરવા સબંધિત છે અને જૈન યાદદાશ્ત ગુમાવી ચૂક્યા હોવાનું તમામ મીડિયામાં પણ કવર કરવામાં આવ્યું છે. તેમ છતાં તેઓ સરકારમાં મહત્વપૂર્ણ વિભાગો સંભાળી રહ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ દિલ્હીના મતદારો સાથે કરવામાં આવેલ વિશ્વાસઘાત છે.
જોકે, દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની ડિવિઝન બેન્ચે મામલાની સુનાવણી કરતાં કહ્યું હતું કે, રિટ અરજીમાં કહેવામાં આવેલી વાતોના આધારે સત્યેન્દ્ર જૈનને ‘માનસિક અસ્વસ્થ’ વ્યક્તિ ઘોષિત કરી શકાય નહીં કે ન તેમને મંત્રીમંડળ અને વિધાનસભાના સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવી શકે છે.
કોર્ટે નોંધ્યું હતું કે, સત્યેન્દ્ર જૈન ઇન્ડિયન પીનલ કોડ અને પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ અને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમજ કાયદા અનુસાર યોગ્ય પગલાં લેવાની જવાબદારી કોર્ટની છે. જે બાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, આ પ્રકારના આરોપોનો સામનો કરતા વ્યક્તિને મંત્રીમંડળમાં રહેવા દેવા કે નહીં તે બાબતે રાજ્યના હિતને જોઈને જે-તે રાજ્યના મુખ્યમંત્રી પોતાની રીતે નિર્ણય લઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈન ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે. ઇડીએ મે મહિનામાં જૈનની ધરપકડ કરી લીધી હતી. જોકે, ઇડી સાથેની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના થયા બાદ તેઓ યાદદાશ્ત ગુમાવી ચૂક્યા હતા અને તેમને કંઈ યાદ નથી. જે બાદ આ અરજી કરવામાં આવી હતી.