Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટકમાં નવો વિવાદ: શાળામાં નમાઝ પઢવા માટે અલગ રૂમ ફાળવવાની વફક બોર્ડની...

    કર્ણાટકમાં નવો વિવાદ: શાળામાં નમાઝ પઢવા માટે અલગ રૂમ ફાળવવાની વફક બોર્ડની માંગ, સરકારે કહ્યું- માંગણી નહીં સ્વીકારાય

    કર્ણાટકમાં હિજાબ વિવાદ માંડ શાંત પડ્યો ત્યાં હવે શાળાઓમાં નમાઝ અદા કરવા માટે અલગ રૂમ ફાળવવાની માંગ કરવામાં આવી છે.

    - Advertisement -

    કર્ણાટકમાં થોડા સમય પહેલાં બહુ ચગેલા હિજાબ વિવાદ બાદ હવે નવો વિવાદ શરૂ થયો છે. વક્ફ બોર્ડે રાજ્યના શિક્ષણ વિભાગ સમક્ષ મુસ્લિમ બાળકોને શાળામાં નમાઝ માટે અલગ રૂમ આપવાની માંગ કરી છે. જોકે, શિક્ષણ વિભાગે આ પ્રકારની પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને કહ્યું કે, વક્ફ બોર્ડની આ પ્રકારની માંગણી સ્વીકારવામાં આવશે નહીં. 

    વક્ફ બોર્ડ દ્વારા શાળામાં ગણેશ ઉત્સવ દરમિયાન શાળામાં ગણેશજીની મૂર્તિ સ્થાપવાના શિક્ષણ વિભાગના નિર્ણયનો વિરોધ કરીને માંગ કરવામાં આવી છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં નમાઝ પઢવા માટે અલગ રૂમ અને મુસ્લિમ તહેવારો ઉજવવાની પરવાનગી આપવામાં આવે. બીજી તરફ, PFIની વિદ્યાર્થી પાંખ CFIએ કર્ણાટકના શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરી દીધી છે. 

    વક્ફ બોર્ડના અધ્યક્ષ શફી શાહદીએ કહ્યું હતું કે, “શાળામાં ગણેશ ચતુર્થીની ઉજવણી માટે પરવાનગી આપવાનું અમે સ્વાગત કરીએ છીએ પરંતુ એ વધુ યોગ્ય રહેશે જો શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓને બપોરે નમાઝ પઢવાની પરવાનગી આપે અને શુક્રવારે મસ્જિદોમાં પણ નમાઝ પઢવાની પરવાનગી આપવામાં આવે. તેમણે કહ્યું કે, હિંદુ વિદ્યાર્થીઓ પણ મુસ્લિમ પરંપરાઓ જાણે તે જરૂરી છે.” 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ગુરુવારે (18 ઓગસ્ટ 2022) એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્ણાટકના શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, “શાળાઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી મનાવવાની પૂર્ણ સ્વતંત્રતા છે. આ એક બિન-ધાર્મિક આયોજન છે જે સમાજને એકજૂથ કરે છે. શિક્ષણમંત્રીએ શાળાઓમાં ગણેશજીની મૂર્તિ સ્થાપવાની પરવાનગી આપતાં કહ્યું હતું કે, દેશની સ્વતંત્રતા પહેલાં પણ શાળાઓમાં આ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હતા. ભાજપ સરકારે આ પ્રથા શરૂ કરી હોય તેમ નથી.”

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “દેશમાં ગણેશોત્સવ સ્વતંત્રતા આંદોલનના હથિયાર તરીકે શરૂ થયો હતો. તે પહેલાં ગણેશજીની પૂજા ઘરોમાં કરવામાં આવતી હતી. બાળગંગાધર તિલકના આહવાન પર શાળાઓ, છાત્રાલયો અને સાર્વજનિક સ્થળોએ ગણેશઉત્સવની શરૂઆત થઇ હતી. આ પ્રકારની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે અને તેને રોકવાનો કોઈ પ્રશ્ન જ સર્જાતો નથી. અમે ધાર્મિક પ્રથાઓ માટે કોઈ નવી પરવાનગી આપી નથી.” 

    બીજી તરફ, જય શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુતાલિકે વક્ફ બોર્ડની નમાઝ માટે અલગ રૂમ ફાળવવાની આ માંગની ટીકા કરી છે અને સરકાર સમક્ષ તેને ફગાવવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, “આજે તેઓ શાળામાં નમાઝની પરવાનગી માંગી રહ્યા છે, કાલે શુક્રવારે રજાની માંગણી કરશે. શાળાઓના આ પ્રકારના ઇસ્લામીકરણની પરવાનગી સરકારે આપવી જોઈએ નહીં.”

    ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં આ વર્ષની શરૂઆતમાં હિજાબને લઈને વિવાદ શરૂ થયો હતો. જેમાં કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ યુનિફોર્મની જગ્યાએ હિજાબ પહેરીને આવતાં વર્ગખંડમાં બેસવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જે બાદ આ વિવાદ વધુ ચગ્યો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં