Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજ્યસભામાં ભાજપ સાંસદે રજૂ કર્યું યુનિફોર્મ સિવિલ કોડ બિલ, વિપક્ષે હોબાળો મચાવી...

    રાજ્યસભામાં ભાજપ સાંસદે રજૂ કર્યું યુનિફોર્મ સિવિલ કોડ બિલ, વિપક્ષે હોબાળો મચાવી વિરોધ કર્યો

    વિપક્ષના હોબાળા બાદ સભાપતિ જગદીપ ધનખડે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, તમામ સભ્યોને બિલ રજૂ કરવાનો અધિકાર છે અને તેને લઈને જો કોઈને વાંધો હોય તો તેઓ પોતાનો મત રજૂ કરી શકે છે પરંતુ આ પ્રકારનો વિરોધ કરવાની કોઈ જરૂર નથી. 

    - Advertisement -

    સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે ત્યારે આજે રાજ્યસભામાં યુનિફોર્મ સિવિલ (UCC) કોડ સબંધિત પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કર્યું હતું. UCCને લગતું બિલ ભાજપના સાંસદ કિરોડીલાલ મીણાએ રજૂ કર્યું હતું. આ બિલમાં માંગ કરવામાં આવી છે કે દેશમાં UCC લાગુ કરવા માટે એક રાષ્ટ્રીય સમિતિ અને કમિશન નીમવામાં આવે. બીજી તરફ, આ બિલનો વિપક્ષના સાંસદોએ વિરોધ કર્યો હતો.

    યુનિફોર્મ સિવિલ કોડ એ ભારતમાં નાગરિકોના વ્યક્તિગત કાયદા ઘડવા અને અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે જે તમામ નાગરિકોને તેમના ધર્મ, જાતિ, લિંગ અને જાતીય અભિગમને ધ્યાનમાં લીધા વિના સમાનરૂપે લાગુ પડે છે. જોકે ભાજપના સાંસદ કિરોડીલાલ મીણાએ રાજ્યસભામાં UCCને લગતું પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરાયું ત્યારે વિપક્ષે ખૂબ હોબાળો પણ કર્યો હતો.

    હાલમાં, વિવિધ સમુદાયોના અંગત કાયદાઓ તેમના ધાર્મિક ગ્રંથો દ્વારા સંચાલિત થાય છે. આ સંહિતા બંધારણની કલમ 44 હેઠળ આવે છે જે દર્શાવે છે કે રાજ્ય ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે, ભાજપના 2019ની લોકસભા ચૂંટણીના ઢંઢેરામાં જ જાહેર કર્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે તો UCCનું અમલીકરણ કરવામાં આવશે.

    - Advertisement -

    બિલ રજૂ કરવામાં આવતાં જ વિપક્ષી સભ્યોએ તેનો ખૂબ વિરોધ કર્યો અને કેટલાકે ગૃહમાંથી વૉકઆઉટ પણ કર્યું હતું. વિપક્ષના હોબાળા બાદ સભાપતિ જગદીપ ધનખડે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, તમામ સભ્યોને બિલ રજૂ કરવાનો અધિકાર છે અને તેને લઈને જો કોઈને વાંધો હોય તો તેઓ પોતાનો મત રજૂ કરી શકે છે પરંતુ આ પ્રકારનો વિરોધ કરવાની કોઈ જરૂર નથી. 

    બિલ પર ચર્ચા કરતાં તમિલનાડુથી એમડીએમ સાંસદ વાઇકોએ તો ત્યાં સુધી કહી દીધું કે સરકાર દેશને બરબાદી તરફ લઇ જય રહી છે અને આ પ્રકારના બિલ રજૂ કરવામાં આવવાં ન જોઈએ. બીજી તરફ, કેરળના IUML સાંસદ અબ્દુલ વાહબે આ બિલને દેશના હિતમાં ન હોવાનું જણાવ્યું હતું અને પરત લેવાની માંગ કરી હતી. 

    શું હોય છે પ્રાઇવેટ મેમ્બર બિલ?

    લોકસભા, રાજ્યસભામાં સામાન્ય બિલ સરકાર વતી જે-તે મંત્રાલયના મંત્રીઓ રજૂ કરે છે. જ્યારે પ્રાઇવેટ મેમ્બર બિલ કોઈ પણ સાંસદ રજૂ કરી શકે છે. જોકે, શરત એ છે કે તે મંત્રી હોવો ન જોઈએ. વિપક્ષી સાંસદો પણ બિલ રજૂ કરી શકે છે. તે રજૂ કરવા લાયક છે કે નહીં તે લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિ નક્કી કરે છે. આવાં બિલ શુક્રવારે જ રજૂ થાય છે અને તેની ઉપર ચર્ચા થાય છે.  

    ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટેની તૈયારીઓ

    અગાઉ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. જેની સરકાર તરફથી પણ અધિકારીક જાહેરાત કરી દેવામાં આવી છે. જેના માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સરકારની અંતિમ કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં આ સમિતિ બનાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સમિતિ બનાવવાની જાહેરાત કરી હતી.

    આ ઉપરાંત, ઉત્તરાખંડમાં પણ UCC લાગુ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જેનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. આ દરમિયાન સમિતિને લાખો સૂચનો મળ્યાં હતાં.

    નોંધનીય છે કે સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થયું હતું અને તેમાં 17 કામકાજના દિવસો હશે. આ ઉપરાંત સૂચિત સમયપત્રક અનુસાર સત્ર દરમિયાન કુલ 16 નવા બિલ રજૂ કરવાની સરકારની યોજના છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં