Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોતાનો સૌથી મોટો વાયદો પૂરો કરવાની ભાજપની તૈયારી: યુનિફોર્મ સિવિલ કોડ લાવશે...

    પોતાનો સૌથી મોટો વાયદો પૂરો કરવાની ભાજપની તૈયારી: યુનિફોર્મ સિવિલ કોડ લાવશે ગુજરાત સરકાર, સમિતિ બનાવવાની ઘોષણા

    બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સમિતિ બનાવવાની જાહેરાત કરી હતી. 

    - Advertisement -

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ ભુપેન્દ્ર પટેલ સરકાર મોટો અને મહત્વનો નિર્ણય લેવા માટે જઈ રહી છે. ઉત્તરાખંડની જેમ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટેની તૈયારીઓ સરકારે શરૂ કરવા માંડી છે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. જેની સરકાર તરફથી પણ અધિકારીક જાહેરાત કરી દેવામાં આવી છે. 

    આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સરકારની અંતિમ કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં આ સમિતિ બનાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સમિતિ બનાવવાની જાહેરાત કરી હતી. 

    જાહેરાત કરતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે, બંધારણના ખંડ 4ની કલમ 44 દરેક રાજ્યને પોતાના દરેક નાગરિક માટે કાયદો એક સમાન હોય તેવી જોગવાઈ કરવાનો અધિકાર આપે છે. જે અંતર્ગત આજે કેબિનેટે મહત્વનો નિર્ણય લીધો છે. ઘણા સમયથી આ માટે માંગ કરવામાં આવી રહી હતી તેમ પણ તેમણે કહ્યું હતું. 

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, અમે યુવાકાળથી રામજન્મભૂમિ, કલમ 370 અને કોમન સિવિલ કોડ વગેરે મુદ્દાઓને લઈને નારા લગાવતા રહેતા હતા. આજે પાર્ટીના એક જૂના નારાને સાર્થક કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવા બદલ સીએમ ભુપેન્દ્ર પટેલ અને તેમની સરકારને અભિનંદન પાઠવું છું. 

    તેમણે જણાવ્યું હતું કે, સમિતિની અધ્યક્ષતા હાઇકોર્ટના નિવૃત્ત જજ કરશે. સમિતિમાં ત્રણથી ચાર સભ્યો રહેશે. સમિતિની રચના કરવાનો અધિકાર કેબિનેટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આપી દીધો છે. સમિતિની ઘોષણા સાથે જ તેની અવધિ પણ જાહેર કરી દેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ઉછળ્યો હતો અને આ માટે ત્યાંની પુષ્કરસિંહ ધામી સરકારે એક સમિતિની પણ રચના કરી છે. એ જ રીતે હવે ગુજરાતમાં પણ UCC લાગુ કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી છે. બેમાંથી જે રાજ્ય આ ધારો લાગુ કરશે તે આમ કરનારું પ્રથમ રાજ્ય બનશે. 

    શું છે સમાન નાગરિક સંહિતા? 

    ‘સમાન નાગરિક સંહિતા’ એક દેશ, એક કાનૂનની વાત કરે છે. એટલે કે દેશનો કોઈ પણ નાગરિક ભલે કોઈ પણ જાતિ, ધર્મ કે પંથનો હોય પરંતુ તેને એક સમાન કાયદો લાગુ પડશે. હાલ અપરાધિક અને રાજસ્વ સાથે જોડાયેલા કાયદા તમામ લોકો ઉપર લાગુ થાય છે પરંતુ લગ્ન, છૂટાછેટા, ઉત્તરાધિકાર અને સંપત્તિ જેવા મામલામાં જુદા-જુદા સમુદાયો માટે જુદા-જુદા કાયદા છે. 

    ભારતના બંધારણના ખંડ 4ના અનુચ્છેદ 44માં સમાન નાગરિક સંહિતાને અનિવાર્ય બતાવવામાં આવ્યું છે. અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે કે, ભારત આખા દેશમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પ્રયાસ કરશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં