આજે બંધારણ હાથમાં લઈને ફરતા કોંગ્રેસીઓને એક સવાલ પૂછવો જોઈએ કે જે બંધારણને તેઓ પોતાની રાજકીય દુકાનનું સૌથી મોટું હથિયાર બનાવીને રજૂ કરે છે, તેના મૂળ સ્વરૂપ સાથે તેમણે પોતે શું કર્યું હતું? 26 નવેમ્બર 1949ના રોજ ભારતે જ્યારે પોતાનું બંધારણ સ્વીકાર્યું ત્યારે તેની પ્રસ્તાવનામાં ‘સેક્યુલર’ કે ‘સમાજવાદી’ જેવા શબ્દો હતા જ નહીં. મૂળ પ્રસ્તાવનામાં ભારતને ‘સોવરિન ડેમોક્રેટિક રિપબ્લિક’ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. ‘સોશિયાલિસ્ટ’ અને ‘સેક્યુલર’ શબ્દો તો 1976માં ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા કરવામાં આવેલા 42મા બંધારણીય સુધારા મારફતે ઉમેરાયા. એટલે આ બે શબ્દો ભારતના મૂળ બંધારણનો હિસ્સો નહોતા, પરંતુ ઇમર્જન્સીના કાળમાં થયેલા એક મોટા બંધારણીય ફેરફારનું પરિણામ હતા. સત્તાવાર બંધારણીય દસ્તાવેજમાં પણ સ્પષ્ટ નોંધ છે કે ‘સોવરિન ડેમોક્રેટિક રિપબ્લિક’ના સ્થાને ‘સોવરિન સોશિયાલિસ્ટ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક’ શબ્દો 42મા સુધારા દ્વારા 3 જાન્યુઆરી 1977થી અમલમાં આવ્યા.
આ વાત એટલા માટે મહત્વની છે કારણ કે આજે કોંગ્રેસ બંધારણને માત્ર એક કાયદાકીય દસ્તાવેજ તરીકે નહીં, પરંતુ પોતાની રાજકીય ઓળખના સૌથી મોટા પ્રતીક તરીકે રજૂ કરે છે. સંસદમાં લાલ રંગની બંધારણની નકલ હાથમાં લઈને ફોટા પડાવવામાં આવે છે, ચૂંટણી સભાઓમાં બંધારણ બચાવવાના નારા લગાવવામાં આવે છે અને ભાજપ પર બંધારણ ખતમ કરવાનો આરોપ મૂકવામાં આવે છે. પરંતુ જ્યારે આ જ રાજકીય પક્ષના ઇતિહાસનો સૌથી કઠોર અધ્યાય ખોલવામાં આવે છે ત્યારે સામે ઇમરજન્સી આવે છે. એ જ ઇમર્જન્સી જેમાં નાગરિક સ્વતંત્રતાઓ પર નિયંત્રણો લાગ્યા, વિરોધી નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા અને સરકાર સામે ઊભા રહેતી રાજકીય શક્તિઓ પર દબાણ આવ્યું અને આ જ સમયગાળામાં બંધારણમાં એવો મોટો ફેરફાર કરવામાં આવ્યો કે જેને પછીના સમયના રાજકીય અને બંધારણીય ઇતિહાસમાં 42મા સુધારા તરીકે ઓળખવામાં આવ્યો. એટલે સવાલ માત્ર એટલો નથી કે ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દો ક્યારે ઉમેરાયા. મોટો સવાલ એ છે કે તેઓ કઈ રાજકીય પરિસ્થિતિમાં ઉમેરાયા હતા.
ઇમરજન્સી: જ્યારે સત્તા સામે બંધારણ ઊભું રહેવાનું હતું
25 જૂન 1975ના રોજ દેશમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી. આ સમયગાળો ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક એવો કાળો અધ્યાય છે જેને ભૂલી જવો સરળ નથી. બંધારણમાં ઇમરજન્સીની જોગવાઈ હતી, પરંતુ ઇમરજન્સીનો ઉપયોગ કેવી રીતે થયો અને તેના કારણે નાગરિક સ્વતંત્રતાઓ પર શું અસર પડી તે અલગ મુદ્દો છે. તે સમયના બંધારણીય માળખામાં પણ ઇમરજન્સી દરમિયાન મૂળભૂત અધિકારોના અમલ પર નિયંત્રણ મૂકવાની જોગવાઈઓ હતી. બંધારણના મૂળ આર્ટીકલ 359 હેઠળ ઇમરજન્સી દરમિયાન રાષ્ટ્રપતિ કેટલાક મૂળભૂત અધિકારોના અમલ માટે અદાલતમાં જવાનો અધિકાર સ્થગિત કરી શકતા હતા. એટલે બંધારણ ઘડનારા લોકો પણ ઇમરજન્સીના જોખમથી અજાણ નહોતા. પરંતુ તેમણે સત્તાને સંપૂર્ણ છૂટ આપી દેવાને બદલે તેની સામે સંસ્થાકીય સુરક્ષાઓ ઊભી કરવાની ચર્ચા કરી હતી.
પરંતુ 1975ની ઇમરજન્સીએ ભારતને એ પણ બતાવ્યું કે કાગળ પરની બંધારણીય જોગવાઈઓ અને સત્તામાં બેઠેલા લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તેમાં કેટલો મોટો તફાવત હોય શકે છે. આજે કોંગ્રેસ જે લોકશાહી, નાગરિક અધિકારો અને બંધારણીય સંસ્થાઓની વાત કરે છે, તેના પોતાના શાસનકાળમાં આ જ સંસ્થાઓ પર જોખમ તોળાયું હતું. વિરોધી નેતાઓની ધરપકડ અને પ્રેસ પર નિયંત્રણો ઇમરજન્સીની યાદ સાથે જોડાયેલા સૌથી મોટા મુદ્દાઓ છે. આ બધું યાદ રાખવું એટલા માટે જરૂરી છે કે બંધારણ માત્ર તેની પ્રસ્તાવનામાં લખાયેલા શબ્દોનું નામ નથી. બંધારણનો અર્થ એ પણ છે કે સત્તા સામે નાગરિકનો અધિકાર કેટલો સુરક્ષિત છે.
અને અહીંથી 42મા સુધારાની વાત શરૂ થાય છે. દેશ ઇમરજન્સીમાં હતો ત્યારે 42મા બંધારણીય સુધારા બિલ સંસદમાં આવ્યું. 18 ડિસેમ્બર 1976ના રોજ આ સુધારો કાયદો બન્યો. તેની બીજી કલમમાં પ્રસ્તાવનામાં જ ફેરફાર કરવામાં આવ્યો. ‘સોવરિન ડેમોક્રેટિક રિપબ્લિક’ને બદલે ‘સોવરિન સોશિયાલિસ્ટ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક’ કરવામાં આવ્યું અને ‘યુનિટી ઑફ ધ નેશન’ની જગ્યાએ ‘યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઑફ ધ નેશન’ શબ્દો મૂકવામાં આવ્યા. એટલે આ સુધારો માત્ર બે શબ્દો ઉમેરવાની બાબત નહોતો. 42મા સુધારાએ બંધારણની અનેક જોગવાઈઓમાં ફેરફારો કર્યા હતા. સત્તાવાર કાયદાની યાદી જોવામાં આવે તો તેમાં આર્ટીકલ 31C, આર્ટીકલ 353, આર્ટીકલ 356, આર્ટીકલ 357, આર્ટીકલ 368 સહિત અનેક જોગવાઈઓમાં ફેરફારો અથવા ઉમેરાઓ કરવામાં આવ્યા હતા.
‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દો: મૂળ બંધારણમાં કેમ નહોતા?
અહીં કોંગ્રેસની માનસિકતા સમજવા માટે એક વાત ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે. ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દો મૂળ પ્રસ્તાવનામાં નહોતા તેનો અર્થ એવો નથી કે મૂળ બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતા, સમાનતા અથવા સામાજિક ન્યાય જેવી બાબતો માટે કોઈ જ વ્યવસ્થા નહોતી. હકીકતમાં મૂળ બંધારણમાં મૂળભૂત અધિકારો, સમાનતા, ધાર્મિક સ્વતંત્રતા અને રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેવી અનેક જોગવાઈઓ પહેલેથી જ હતી. એટલે આ મુદ્દાને સાચી રીતે સમજવાનો રસ્તો એ છે કે ‘શબ્દ’ અને ‘ભાવના’ વચ્ચેનો તફાવત સમજવો. મૂળ પ્રસ્તાવનામાં આ બે ચોક્કસ શબ્દો નહોતા, જ્યારે 42મા સુધારા દ્વારા તેમને સ્પષ્ટ રીતે પ્રસ્તાવનામાં સ્થાન મળ્યું.
પરંતુ આજના રાજકારણમાં કોંગ્રેસ જે રીતે આ શબ્દોને પોતાની રાજકીય મિલકતની જેમ રજૂ કરે છે ત્યાં સવાલ ઊભો થાય છે. જો આ શબ્દો એટલા જ અનિવાર્ય હતા કે તેમના વગર ભારતનું બંધારણ અધૂરું હતું તો 1949માં બંધારણ સ્વીકારતી વખતે કેમ નહોતા? અને જો તેઓ મૂળ બંધારણમાં નહોતા તો પછી તેમને ઉમેરવાનો નિર્ણય કઈ સરકાર અને કયા સમયગાળામાં કર્યો? આ સવાલોના જવાબમાં સીધું નામ આવે છે- ઇન્દિરા ગાંધી સરકાર અને 42મા બંધારણીય સુધારા.
એટલે આજે કોંગ્રેસ ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દોને લઈને ભાજપને ઉપદેશ આપે છે ત્યારે ઇતિહાસનો બીજો ભાગ પણ સામે મૂકવો પડે છે. આ શબ્દો બંધારણમાં ઉમેરવામાં આવ્યા ત્યારે દેશમાં સામાન્ય લોકશાહીનો સમય નહોતો. ઇમરજન્સી લાગેલી હતી. વિરોધી નેતાઓ જેલમાં હતા. નાગરિક સ્વતંત્રતાઓ પર નિયંત્રણો હતા અને એ જ સરકાર બંધારણમાં વ્યાપક ફેરફારો કરી રહી હતી. આ સમગ્ર સંદર્ભને કાઢી નાખીને માત્ર બે શબ્દોને રાજકીય સૂત્ર બનાવી દેવામાં આવે તો ઇતિહાસનો મોટો ભાગ ગાયબ થઈ જાય છે.
42મો સુધારો માત્ર બે શબ્દોની વાત નહોતી
કોંગ્રેસના આજના રાજકીય નેરેટિવમાં 42મા સુધારાની ચર્ચા થાય ત્યારે ઘણી વાર વાત માત્ર ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ સુધી સીમિત રહી જાય છે. પરંતુ આ સુધારો કેટલો વ્યાપક હતો તે સમજવું જરૂરી છે. સત્તાવાર કાયદામાં તેની જોગવાઈઓની લાંબી યાદી છે. તેમાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓની મુદત, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની સત્તા, ન્યાયિક સમીક્ષા, રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને બંધારણના અન્ય અનેક ભાગોને અસર કરતા ફેરફારો સામેલ હતા. પછી 1977માં ઇમરજન્સીનો અંત આવ્યો અને રાજકીય સત્તામાં પરિવર્તન આવ્યું. ત્યારબાદ જનતા પાર્ટીની સરકારના સમયમાં 44મા બંધારણીય સુધારા દ્વારા 42મા સુધારાના કેટલાક વિવાદાસ્પદ ફેરફારો પાછા ફેરવવામાં આવ્યા અથવા સુધારવામાં આવ્યા. ખાસ કરીને ઇમરજન્સી લાગુ કરવાની જોગવાઈઓમાં પણ મહત્વના ફેરફારો થયા. આજે બંધારણની મજબૂત સંસ્થાકીય રચનાની વાત કરતી વખતે આ આખી કડી યાદ રાખવી જોઈએ.
આજે ‘બંધારણ બચાવો’નો નારો કોણ લગાવે છે?
અહીંથી આજની કોંગ્રેસના રાજકારણ પર સીધી વાત કરવી જરૂરી છે. આજે કોંગ્રેસના નેતાઓ જ્યારે બંધારણની નકલ હાથમાં લઈને ભાજપ પર બંધારણ ખતમ કરવાનો આરોપ મૂકે છે ત્યારે તેમની સામે સવાલ ઊભો કરવો કોઈ બંધારણવિરોધી વાત નથી. ઊલટું, બંધારણના ઇતિહાસને યાદ કરાવવો એ જ બંધારણ પ્રત્યેની જવાબદારી છે. કારણ કે બંધારણ કોઈ એક પક્ષની જાગીર નથી. બંધારણનો અર્થ માત્ર ચૂંટણીના મંચ પર તેની નકલ બતાવવાનો નથી.
કોંગ્રેસ જો ખરેખર બંધારણની વાત કરવા માંગે છે તો તેને આખો ઇતિહાસ લઈને વાત કરવી પડશે. 1949નું મૂળ બંધારણ પણ બતાવવું પડશે અને 1976ના 42મા સુધારા પણ બતાવવા પડશે. ઇમરજન્સીનો ઇતિહાસ પણ કહેવો પડશે અને પછી 44મા સુધારા દ્વારા થયેલા સુધારા પણ સમજાવવા પડશે. માત્ર એ બે શબ્દો બતાવીને એ કહેવું કે ‘આ જ બંધારણની આત્મા છે’ અને એ શબ્દો કઈ સરકારના સમયમાં અને કઈ પરિસ્થિતિમાં ઉમેરાયા તેની વાત ન કરવી એ બંધારણીય ચર્ચા નથી.
બંધારણની નકલ નહીં, પહેલાં પોતાના ઇતિહાસની નકલ ખોલો
આજે 26 નવેમ્બર છે. દેશ બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો છે. આ દિવસ બંધારણને યાદ કરવાનો છે, તેના ઘડવૈયાઓને યાદ કરવાનો છે અને ભારતના લોકતંત્રને મજબૂત બનાવનારા મૂલ્યોને યાદ કરવાનો છે. પરંતુ આ દિવસને માત્ર રાજકીય ફોટોસેશનમાં ફેરવી નાખવાનો નથી. ખાસ કરીને ત્યારે નહીં જ્યારે બંધારણના નામે રાજકારણ કરનાર પક્ષ પોતાનો જ બંધારણીય ઇતિહાસ ભૂલી જવાનું પસંદ કરે.
વિડંબના એ છે કે આજે કોંગ્રેસ બંધારણને લઈને એટલી આક્રમક છે જાણે તેના સિવાય કોઈને બંધારણની ચિંતા જ નથી! પરંતુ દેશના ઇતિહાસમાં એવો સમય પણ આવ્યો હતો જ્યારે કોંગ્રેસ પાસે સંપૂર્ણ સત્તા હતી, બંધારણને માળીએ ચડાવીને ઇમરજન્સી લાગુ કરી હતી અને બંધારણમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા હતા. એ સમયે લોકશાહીનો અવાજ કેટલો સ્વતંત્ર હતો, વિરોધીઓની સ્થિતિ શું હતી અને નાગરિકોના અધિકારોની સ્થિતિ કેવી હતી એ પ્રશ્નોનો જવાબ પણ બંધારણની જ ચર્ચાનો ભાગ છે.
એટલે આજે કોંગ્રેસને બંધારણની નકલ ઉછાળવાની જરૂર નથી. પહેલાં પોતાના ઇતિહાસની નકલ ખોલવી જોઈએ. ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દો મૂળ બંધારણમાં હતા જ નહીં, પરંતુ આ શબ્દો ક્યારે, કોણે અને કઈ પરિસ્થિતિમાં ઉમેર્યા તેની ચર્ચા કરવાથી કોંગ્રેસના આજના નેરેટિવની પોલ જરૂર ખૂલે છે. કારણ કે બંધારણનું નામ લઈને રાજકારણ કરવું સરળ છે, પરંતુ જ્યારે સત્તા અને બંધારણ વચ્ચે પસંદગી કરવાની ઘડી આવી હતી ત્યારે કોંગ્રેસ ક્યાં ઊભી હતી? આ સવાલનો જવાબ આજના નારા કરતાં ઘણો વધારે મહત્વનો છે.


