પન્નુ મર્ડર પ્લોટ કેસમાં નિખિલ ગુપ્તાને અમેરિકામાં 19.5 વર્ષની સજા

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં પકડાયેલા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને અમેરિકાના ન્યાયાલયે 19 વર્ષની જેલની સજા ફટકારી છે. 20મી નવેમ્બરે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

પન્નુ ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસનો વડો છે અને વર્ષોથી અમેરિકા-કેનેડામાં બેસીને ભારતવિરોધી અપપ્રચાર કરતો રહે છે, ભારતમાં ગુનાહિત ગતિવિધિઓને અંજામ આપતો રહે છે. થોડા સમય પહેલાં અમેરિકાની એજન્સીઓએ દાવો કર્યો હતો કે તેમણે પન્નુની હત્યાનું એક કાવતરું પકડી પાડ્યું હતું. આ જ કેસમાં પછીથી નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી.

ગુપ્તાએ પછીથી આરોપો સ્વીકારી લીધા હતા. તાજેતરમાં સજા પર સુનાવણી દરમ્યાન અમેરિકાના સરકારી વકીલોએ નિખિલ ગુપ્તા માટે 24 વર્ષની સજાની માંગણી કરી હતી. બીજી તરફ ગુપ્તાના વકીલોએ આ સજા 12 વર્ષ જેટલી કરવા માટે વિનંતી કરી હતી. આખરે કોર્ટે 235 મહિના એટલે 19 વર્ષ અને બીજા પાંચેક મહિના જેટલી સજા આપી છે.

નિખિલ ગુપ્તાને મર્ડર ફોર હાયર, તેનું ષડયંત્ર રચવા અને મની લોન્ડરિંગ માટે ષડ્યંત્ર રચવાના આરોપો હેઠળ દોષી ઠેરવ્યો છે. સાથે જણાવ્યું કે સજા પૂર્ણ થાય ત્યારબાદ તેને ડિપોર્ટ કરી દેવામાં આવશે.

અમેરિકાનો આરોપ છે કે ભારત સરકારની એજન્સી માટે કામ કરતા એક કર્મચારીએ 2023માં નિખિલ ગુપ્તાને પન્નુની હત્યા માટે કામ સોંપ્યું હતું. પછીથી ગુપ્તાએ અમુક માણસોને રોક્યા હતા અને તેમને પન્નુની વિગતો આપીને અમુક એડવાન્સ પેમેન્ટ પણ કર્યું હતું અને બાકીનું પેમેન્ટ પછીથી આપવાની વાત કહી હતી. પરંતુ આ માણસો અમેરિકાના અન્ડરકવર એજન્ટો નીકળ્યા અને ત્યારબાદ આખું કાવતરું બહાર આવ્યું હતું. આ જ કેસમાં ભારતના કથિત એજન્ટ વિકાશ યાદવનું પણ નામ અમેરિકાએ જાહેર કર્યું હતું.

ભારત સરકાર સતત આ આરોપો નકારતી આવી છે અને સ્પષ્ટતા કરી છે કે વિકાશ યાદવ ઘણા સમયથી સરકારી કર્મચારી નથી. સરકારે મામલાની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ પણ નીમી હતી અને તમામ સહયોગની ખાતરી પણ આપી હતી.

વિકાશ યાદવની ડિસેમ્બર 2023માં દિલ્હી પોલીસે એક કેસમાં ધરપકડ કરી હતી, ત્યારબાદ એપ્રિલ 2024માં તેમને જામીન આપવામાં આવ્યા હતા. હાલ તેઓ જામીન પર બહાર છે.