
તમિલનાડુના મદુરાઈમાં આવેલી થિરુપરનકુંદ્રમ પહાડી પર ધાર્મિક દીવો પ્રગટાવવાને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. અહીં આવેલી થિરુપરનકુંદ્રમ પહાડી પર કાર્તિકાઈ દીપમના દિવસે દીવો પ્રગટાવવાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે હિંદુ શ્રદ્ધાળુઓને પોતાની ધાર્મિક પરંપરા મુજબ દીવો પ્રગટાવવાની મંજૂરી મેળવવા માટે કોર્ટ સુધી જવું પડ્યું. હવે 20 નવેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે વચગાળાનો નિર્ણય આપીને 24 નવેમ્બરે પહાડી પર આવેલા દીપથૂન નામના પથ્થરના સ્તંભ પર દીવો પ્રગટાવવાની એક વખત માટે મંજૂરી આપી છે.
મદુરાઈની આ થિરુપરનકુંદ્રમ પહાડી હિંદુઓ માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. પહાડીના તળેટીમાં ભગવાન મુરુગનનું પ્રસિદ્ધ સુબ્રમણ્ય સ્વામી મંદિર આવેલું છે. જ્યારે પહાડીના ઉપરના ભાગમાં હઝરત સુલતાન સિકંદર બાદુશા દરગાહ આવેલી છે. આ જ ટેકરી પર દરગાહથી થોડા અંતરે એક પથ્થરનો સ્તંભ આવેલો છે, જેને દીપથૂન કહેવામાં આવે છે. હિંદુ શ્રદ્ધાળુઓની માગણી છે કે કાર્તિકાઈ દીપમના દિવસે આ સ્તંભ પર પણ પરંપરા મુજબ દીવો પ્રગટાવવાની મંજૂરી મળવી જોઈએ.
કાર્તિકાઈ દીપમ તમિલનાડુનો એક મહત્વનો હિંદુ તહેવાર છે. આ દિવસે ભગવાનની પૂજા કરીને દીવા પ્રગટાવવામાં આવે છે. અનેક મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો થાય છે. થિરુપરનકુંદ્રમમાં પણ આ તહેવારની ઉજવણી થાય છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે પહાડી પર આવેલા દીપથૂન પર દીવો પ્રગટાવવો તેમની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો વિષય છે. તેમ છતાં મંદિર પ્રશાસને આ સ્થળે દીવો પ્રગટાવવાની મંજૂરી આપી નહોતી. આથી રામા રવિકુમાર નામના એક શ્રદ્ધાળુએ મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
હાઇકોર્ટનો આદેશ અને તમિલનાડુ સરકારનો વિરોધ
1 ડિસેમ્બર 2025ના રોજ મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ જી.આર. સ્વામીનાથને શ્રદ્ધાળુઓની અરજી પર નિર્ણય આપ્યો હતો. કોર્ટે મંદિર પ્રશાસનને પહાડી પર આવેલા દીપથૂન પર દીવો પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે મંદિરની પરંપરાગત જગ્યાએ દીવો પ્રગટાવવાની સાથે દીપથૂન પર પણ દીવો પ્રગટાવી શકાય છે. જાન્યુઆરી 2026માં મદ્રાસ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે પણ આ નિર્ણયને યથાવત્ રાખ્યો હતો. આમ, હાઇકોર્ટના બે આદેશો બાદ પણ આ મામલે વિવાદ ચાલુ રહ્યો.
બીજી તરફ તમિલનાડુ સરકારે હાઇકોર્ટના આદેશનો વિરોધ કર્યો હતો. સરકારની દલીલ હતી કે દીપથૂન કોઈ પરંપરાગત ધાર્મિક સ્તંભ નથી, પરંતુ અંગ્રેજોના શાસન દરમિયાન જમીન માપવા માટે બનાવવામાં આવેલો સરવે પથ્થર છે. સરકારનું કહેવું હતું કે કાર્તિકઈ દીપમનો દીવો વર્ષોથી પહાડી પર આવેલા ઉચિપિલ્લૈયાર મંદિર નજીક પ્રગટાવવામાં આવે છે. તેથી દીપથૂન પર દીવો પ્રગટાવવાની કોઈ જૂની પરંપરા નથી. બીજી તરફ હિંદુ શ્રદ્ધાળુઓએ આ દલીલનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે પથ્થરના સ્તંભની રચના અને તેની ટોચ પર દીવો મૂકવાની વ્યવસ્થા દર્શાવે છે કે આ સ્થળ ધાર્મિક મહત્વ ધરાવે છે.
આ વિવાદમાં દરગાહ સમિતિએ દાવો કર્યો કે પહાડીના મોટા ભાગ પર દરગાહનો અધિકાર છે. સમિતિએ 1923ના એક જૂના કોર્ટના ચુકાદાનો પણ આધાર લીધો હતો. દરગાહ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે દીપથૂન પર દીવો પ્રગટાવવાની મંજૂરી આપવાથી તેમના અધિકારો પર અસર પડી શકે છે. બીજી તરફ હિંદુ શ્રદ્ધાળુઓના પક્ષે કહેવામાં આવ્યું હતું કે દીપથૂન અને દરગાહ અલગ-અલગ જગ્યાએ આવેલાં છે. દીપથૂન પર થોડા સમય માટે દીવો પ્રગટાવવાથી દરગાહની મજહબી પ્રવૃત્તિઓમાં કોઈ અડચણ આવતી નથી. આથી આ મામલો માત્ર દીવો પ્રગટાવવા પૂરતો નહીં, પરંતુ ધાર્મિક અધિકારો અને સ્થળના અધિકાર સાથે પણ જોડાઈ ગયો.
મદ્રાસ હાઇકોર્ટના નિર્ણય સામે તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 20 નવેમ્બરે જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના અગાઉના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. જોકે, કોર્ટે હિંદુ શ્રદ્ધાળુઓને સંપૂર્ણપણે નિરાશ કર્યા નહોતા. કોર્ટે 24 નવેમ્બર 2026ના રોજ કાર્તિકાઈ દીપમના દિવસે દીપથૂન પર એક વખત માટે દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી. આ નિર્ણયથી આ વર્ષે હિંદુ શ્રદ્ધાળુઓની માગણીને આંશિક રાહત મળી છે.
શરતો સાથે એક વાર દીવો પ્રગટાવવાની પરવાનગી
સુપ્રીમ કોર્ટે આ મંજૂરી માટે કેટલીક શરતો પણ રાખી છે. દીવો પ્રગટાવવા માટે મંદિર પ્રશાસનના અધિકૃત લોકો અને સરકારી અધિકારીઓ જ સ્થળ પર જઈ શકશે. સામાન્ય લોકોને ત્યાં જવાની મંજૂરી નહીં મળે. સમગ્ર વ્યવસ્થાની જવાબદારી મદુરાઈના જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. તેઓ મંદિરના અધિકારીઓ, પોલીસ અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ સાથે ચર્ચા કરીને સુરક્ષાની વ્યવસ્થા કરશે. દીવો પ્રગટાવ્યા બાદ અધિકારીઓ અને મંદિરના લોકો ત્યાંથી પરત ફરશે. સ્થળ પર કોઈ જાહેર સભા, સરઘસ, વિરોધ પ્રદર્શન કે સૂત્રોચ્ચાર નહીં કરી શકાય. દરગાહ અને મસ્જિદમાં થતી પ્રવૃત્તિઓમાં પણ કોઈ અડચણ ન આવવી જોઈએ તેવું કોર્ટે સ્પષ્ટ કર્યું છે.
જોકે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય અંતિમ નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ વર્ષે એક વખત દીવો પ્રગટાવવાની મંજૂરીનો અર્થ એ નથી કે દીપથૂન પર દર વર્ષે દીવો પ્રગટાવવાની પરંપરાને કાયમી માન્યતા મળી ગઈ છે. આ નિર્ણયથી જમીનની માલિકી કે ધાર્મિક અધિકારોનો પણ અંતિમ નિર્ણય થયો નથી. જાન્યુઆરી 2027માં સુપ્રીમ કોર્ટમાં આ મામલે ફરી સુનાવણી થવાની છે. પરંતુ હાલના નિર્ણયથી એક વાત સ્પષ્ટ છે કે હિંદુ શ્રદ્ધાળુઓની માગણીને સંપૂર્ણપણે ફગાવી દેવામાં નથી આવી અને આ વર્ષે કાર્તિકઈ દીપમના દિવસે દીપથૂન પર દીવો પ્રગટાવી શકાશે.

