હોમપેજએક્સપ્લેઇનરડેમોગ્રાફી જ ડેસ્ટિની: વિશ્વનું ધાર્મિક-સાંસ્કૃતિક સંતુલન કેવી રીતે બદલાઈ રહ્યું છે

ડેમોગ્રાફી જ ડેસ્ટિની: વિશ્વનું ધાર્મિક-સાંસ્કૃતિક સંતુલન કેવી રીતે બદલાઈ રહ્યું છે

પ્યુનો રિપોર્ટ કહે છે કે આગલા પાંચ દાયકામાં વિશ્વની ધાર્મિક સંરચનામાં મોટેપાયે પરિવર્તન થશે અને એ કોઈ એક પંથ-સંપ્રદાય પૂરતું સીમિત નહીં રહે. વિશ્વના વિવિધ પ્રદેશોમાં વસ્તી, ઉંમર, ડેમોગ્રાફી, જન્મદર મળીને ધર્મોના વૈશ્વિક પ્રમાણ અને ભૌગોલિક કેન્દ્ર વગેરે ઘણું બદલાઈ રહ્યું છે.

- Advertisement -

ધર્મની વ્યાખ્યા આમ તો જુદી છે અને એ વ્યાખ્યા પ્રમાણે જઈએ તો ધર્મ માત્ર સનાતન હિંદુ ધર્મ કહેવાય, બાકીના બધા પંથો અને સંપ્રદાયો કહેવાય. એ રીતે જોઈએ તો ‘ધર્મ’ અને ‘રિલિજિયન’ શબ્દોને સામાન્ય વાતચીતમાં સમાનાર્થીઓ તરીકે ભલે લેવામાં આવે છે પણ વાસ્તવમાં તો એ બંને પણ ભિન્ન છે. છતાં આ ચર્ચા ખાતર તમામને ‘ધર્મ’ ગણી લઈએ તો એક પ્રશ્ન હંમેશાં ચર્ચાય છે કે આ બધા ધર્મો, પંથો અને સંપ્રદાયોનું ભવિષ્ય શું છે. એક પશ્ચિમી વિચાર એવો પણ છે કે આધુનિકતા, વિજ્ઞાન અને વ્યક્તિગત સ્વતંત્રતાના સતત વધતા પ્રભાવ વચ્ચે ધર્મ માનવજીવનના કેન્દ્રમાંથી ખસી રહ્યો છે. પશ્ચિમી લેન્સથી દુનિયા જોઈએ તો આમાં થોડુંઘણું તથ્ય પણ પહેલી નજરે જણાય, પણ હકીકત એક એ પણ છે કે વિશ્વનું ધાર્મિક ચિત્ર યુરોપ-અમેરિકા સુધી સીમિત નથી. દુનિયાના આંકડાઓ એકસાથે જોઈએ ત્યારે સમજાય છે કે ચિત્ર ઘણું જુદું છે.

હમણાં Pew રિસર્ચ સેન્ટરે એક સંશોધન કર્યું, જેનો રિપોર્ટ ‘ધ ફ્યુચર ઑફ વર્લ્ડ રિલિજીયન્સ: પોપ્યુલેશન ગ્રોથ પ્રોજેક્શન, 2020-2070’ (દુનિયાના ધર્મોનું ભવિષ્ય: 2020-207૦ માટે વસ્તીવૃદ્ધિનો અંદાજ.) શીર્ષકથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.

રિપોર્ટ કહે છે કે આગલા પાંચ દાયકામાં વિશ્વની ધાર્મિક સંરચનામાં મોટેપાયે પરિવર્તન થશે અને એ કોઈ એક પંથ-સંપ્રદાય પૂરતું સીમિત નહીં રહે. વિશ્વના વિવિધ પ્રદેશોમાં વસ્તી, ઉંમર, ડેમોગ્રાફી, જન્મદર મળીને ધર્મોના વૈશ્વિક પ્રમાણ અને ભૌગોલિક કેન્દ્ર વગેરે ઘણું બદલાઈ રહ્યું છે.

- Advertisement -

આ રિપોર્ટ શું કહે છે?

અત્યારે દુનિયાની વસ્તીમાં પંથો, સંપ્રદાયો, ધર્મોનું પ્રમાણ જોઈએ તો સૌથી વધુ ખ્રિસ્તીઓ છે. ત્યારબાદ ઇસ્લામ આવે અને પછી હિંદુઓ. જો હમણાંના ટ્રેન્ડ યથાવત રહ્યા તો આ પરિસ્થિતિ 2035 આવતાં સુધીમાં ફેરવાઈ જશે. અંદાજ છે કે મુસ્લિમો વિશ્વનો સૌથી મોટો સમૂહ બની જશે.

બીજી તરફ ખ્રિસ્તીઓનો વૈશ્વિક હિસ્સો મોટેભાગે સ્થિર રહેશે, પણ તેમનું કેન્દ્ર યુરોપ-અમેરિકા નહીં રહે અને આફ્રિકા તરફ ખસતું જશે. હિંદુઓની સંખ્યા વધશે, પણ વૈશ્વિક વસ્તીમાં હિંદુઓનો હિસ્સો ઘટશે. ભારતમાં હિંદુ વસ્તી બહુમતીમાં રહેશે, પણ તેના વધારાનું પ્રમાણ કરતાં મુસ્લિમ વસ્તીના વધારાનું પ્રમાણ વધારે હશે.

આગલા પાંચ દાયકામાં વિશ્વની કુલ વસ્તી લગભગ 29 ટકા વધવાની ધારણા છે. જેમાંથી મુસ્લિમ વસ્તીમાં આશરે 80 ટકાનો વધારો થશે. ખ્રિસ્તી વસ્તી લગભગ ત્રીસેક ટકા જેટલી વધશે. વિશ્વની વસ્તીવૃદ્ધિની સરખામણીએ મુસ્લિમ વસ્તીનો વિકાસ વધારે ઝડપી હોવાથી વૈશ્વિક સમીકરણમાં તેમનું પ્રમાણ વધતું જશે.

કારણો એ છે કે મુસ્લિમ વસ્તીની સરેરાશ ઉંમર અન્ય મોટા ધાર્મિક સમૂહોની સરખામણીએ ઓછી છે. 2020માં મુસ્લિમોની મધ્યમ ઉંમર 24 વર્ષ હતી. હિંદુઓની 29 વર્ષ અને ખ્રિસ્તીઓની 31 વર્ષ. યુવા વસ્તીનો હિસ્સો મોટો હોય એટલે આગામી સમયમાં સંતાનોત્પત્તિની ઉંમરમાં પ્રવેશતી વસ્તીનો પણ સમૂહ મોટો હોય.

આ સિવાય મુસ્લિમોમાં સરેરાશ જન્મદર પણ અન્ય સમુદાયોની તુલનાએ ઘણો ઊંચો છે. 2020-2025 સમયગાળા માટે મુસ્લિમ મહિલાઓનો સરેરાશ પ્રજનનદર 3.1 બાળક પ્રતિ મહિલા અંદાજવામાં આવ્યો હતો. ખ્રિસ્તી માટે આ દર 2.5 અને યહૂદી મહિલાઓ માટે 2.3 છે.

ખ્રિસ્તી ધર્મનું કેન્દ્ર યુરોપથી અમેરિકા જશે

ખ્રિસ્તી વિશ્વનો સૌથી મોટો ધાર્મિક સમુદાય રહેશે પણ ભૌગોલિક રચનામાં ફેરફાર થશે. સૈકાઓ સુધી યુરોપ જ ખ્રિસ્તીઓનું કેન્દ્ર રહ્યું છે પણ આગામી દાયકાઓમાં આફ્રિકા અને ખાસ કરીને સહારા દક્ષિણનો વિસ્તાર ખ્રિસ્તી વસ્તીનું મોટું કેન્દ્ર બની જશે. અર્થાત્, ખ્રિસ્તીઓની ભૌગોલિક ઓળખ બદલાઈ રહી છે.

Pewનો અંદાજ છે કે 2070 સુધીમાં વિશ્વના અડધાથી વધારે ખ્રિસ્તીઓ સહારા દક્ષિણ આફ્રિકામાં વસતા હશે. બીજી તરફ યુરોપના ઘણા દેશોમાં ખ્રિસ્તી ઓળખ ધરાવનારાઓ ઘટતા જશે. આફ્રિકન દેશોમાં ઊંચો જન્મદર અને વધતા આયુષ્યથી ખ્રિસ્તી વસ્તીની વૃદ્ધિને વેગ મળશે.

એ તો ઠીક પણ એક અંદાજ એવો પણ છે કે 2070 સુધીમાં અમેરિકા સૌથી મોટા ખ્રિસ્તી દેશ તરીકેનું સ્થાન પણ ગુમાવશે અને આફ્રિકન દેશ કોંગો સૌથી મોટો ખ્રિસ્તી વસ્તી ધરાવતો દેશ બની શકે.

બીજી બાજુ યુરોપમાં મુસ્લિમ વસ્તીનો હિસ્સો 6 ટકાથી વધીને બમણા કરતાં વધારે 13 ટકા થવાનો અંદાજ છે. 2020માં યુરોપની ચોથા ભાગની વસ્તી ધાર્મિક રીતે અસંલગ્ન હતી, 2070 સુધીમાં આ પ્રમાણ એક તૃતીયાંશ સુધી પહોંચી જશે એવો પણ અંદાજો છે. આમાં ધાર્મિક ઓળખથી દૂર જવું, સ્થળાંતર, વસ્તીની ઉંમર-જન્મદર– વગેરે એકસાથે કામ કરે છે.

ભારતમાં હિંદુ વસ્તી વધશે, પણ કુલ વસ્તીમાં હિસ્સો ઘટશે

આ વૈશ્વિક પરિવર્તનના નકશામાં ભારતનું સ્થાન સ્વાભાવિક રીતે મહત્ત્વનું છે. ભારત વિશ્વની સૌથી મોટો હિંદુ વસ્તી ધરાવતો દેશ છે. 2070માં પણ આ જ પરિસ્થિતિ રહેશે. પણ ધાર્મિક વસ્તીની રચનામાં પ્રમાણની દૃષ્ટિએ ફેરફાર થવાનો અંદાજ છે.

2020માં ભારતની વસ્તીમાં હિંદુઓનો હિસ્સો 79.4 ટકા હતો. 2070 સુધીમાં તે ઘટીને 75.8 ટકા થઈ જશે. બીજી બાજુ મુસ્લિમોનો હિસ્સો 15.2 ટકાથી વધીને 19.6 ટકાએ પહોંચી શકે. ખ્રિસ્તીઓનો હિસ્સો 2.2 ટકા પર સ્થિર રહેશે. એટલે હિંદુઓની કુલ સંખ્યા વધવા છતાં વસ્તીમાં હિસ્સો ઘટી જશે. Pewના અંદાજ પ્રમાણે 2020થી 2070 વચ્ચે ભારતની હિંદુ વસ્તીમાં લગભગ 17.6 કરોડનો વધારો થઈ શકે છે.

આ જ સમયગાળામાં ભારતની મુસ્લિમ વસ્તી 21.3 કરોડથી વધીને 33.4 કરોડ સુધી પહોંચી જશે તેવી ધારણા છે. ભારત આજે વિશ્વમાં ત્રીજો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. 2070 સુધીમાં ભારતનો ક્રમ બીજો આવી જશે. પહેલા ક્રમે પાકિસ્તાન ખસી જશે, જે હાલ બીજા ક્રમે છે. ઈન્ડોનેશિયા હાલ પહેલું છે, એ નીચે આવી જશે.

ભારતની બહાર હિંદુ વસ્તીનું પ્રમાણ મર્યાદિત છે પણ અંદાજ પ્રમાણે વિશ્વમાં હિંદુઓની કુલ સંખ્યા આગામી પાંચ દાયકામાં વધશે. 2020માં વિશ્વના લગભગ 95 ટકા હિંદુઓ ભારતમાં રહેતા હતા, 2070માં પણ હિંદુ વસ્તીનું મુખ્ય કેન્દ્ર ભારત જ રહેશે.

વૈશ્વિક સ્તરે હિંદુ વસ્તી લગભગ 19.9 કરોડ જેટલી વધીને 2070માં આશરે 1.4 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે. જોકે તેમ છતાં વિશ્વની કુલ વસ્તીમાં પણ હિંદુઓનો હિસ્સો ઘટશે અને 15 ટકાથી 14 ટકા પર આવી જશે.

ભારતની બહાર હિંદુ વસ્તી અમેરિકામાં વધારે વધશે. 2070 સુધીમાં અમેરિકા વિશ્વમાં પાંચમી સૌથી મોટી હિંદુ વસ્તી ધરાવતો દેશ હશે. ત્યારે નેપાળ અને ભારત બે જ દેશો હશે જ્યાં હિંદુઓ બહુમતીમાં હશે. અર્થાત્ વસ્તીનું કેન્દ્ર મોટા પ્રમાણમાં ભારતીય ઉપખંડમાં જ રહેશે.

બૌદ્ધ વસ્તીની વાત કરો તો તેમની કુલ સંખ્યા અને વિશ્વની વસ્તીમાં પ્રમાણ બંને ઘટવાની ધારણા છે. તેનું એક મોટું કારણ પૂર્વ એશિયાઈ દેશોમાં વધતી વૃદ્ધ વસ્તી પણ છે. ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં બૌદ્ધ વસતી નોંધપાત્ર રીતે ઘટશે. ચીન અને જાપાન જેવા દેશોમાં બૌદ્ધ વસતી 50 ટકાથી વધુ થઈ શકે.

ભારતના બે મોટા સમુદાયોને લઈને આખું ચિત્ર સમજીએ તો જણાય છે કે વિશ્વના ધાર્મિક વસતીચિત્રમાં હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયોની કુલ વસ્તી તો વધશે, પણ વૃદ્ધિની ગતિ અને કુલ વસ્તીમાં હિસ્સો દેખીતી રીતે અલગ રહેશે.

2020થી 2070 સુધીમાં હિંદુ વસ્તી સત્તરેક ટકા જેટલી વધવાનો અંદાજ છે. જ્યારે આ જ સમયગાળામાં મુસ્લિમ વસ્તી 80 ટકા જેટલી વધશે. વૈશ્વિક વસતીમાં મુસ્લિમોનો હિસ્સો 25.6 ટકાથી વધીને લગભગ 35.8 ટકાએ પહોંચી જશે.

મુખ્ય કારણો રિપોર્ટમાં એ ચર્ચવામાં આવ્યાં છે કે હિંદુઓનો વૈશ્વિક પ્રજનન દર 1.9 બાળકો પ્રતિ મહિલા અંદાજવામાં આવ્યો છે, જે (વૈશ્વિક સ્તરે) વસ્તી જાળવવા જરૂરી ગણાતા 2.1ના સ્તરથી નીચે છે. જોકે તેમ છતાં હિંદુ વસ્તીની મોટી સંખ્યા અને મોટાપ્રમાણમાં યુવાન વયરચનાના કારણે પાંચ દાયકાઓમાં જન્મોની સંખ્યા મૃત્યુ કરતાં વધુ રહેશે.

મુસ્લિમ વસ્તીના કિસ્સામાં યુવાન વયરચના તો ખરી પણ પ્રજનન દર પણ ઊંચો છે એટલે વસ્તી પણ વધુ પ્રમાણમાં વધી રહી છે. 2020માં વિશ્વના લગભગ 60 ટકા મુસ્લિમો 30થી ઓછી ઉંમરના હતા અને વૈશ્વિક પ્રજાનનદર 3.1 બાળક પ્રતિ મહિલા હતો. ખાસ કરીને સહારા દક્ષિણ આફ્રિકન દેશોમાં ઊંચો દર મુસ્લિમ વસ્તીની વૃદ્ધિને વધુ વેગ આપશે.

ડેમોગ્રાફી ઇઝ ડેસ્ટિની

વસ્તીવિજ્ઞાનના આંકડાઓને માત્ર આંકડાઓ સમજીને અવગણવાની ભૂલ ઘણીવાર કરવામાં આવે છે. હિંદુ સમાજ હંમેશાં આ વલણ દાખવતો રહ્યો છે. કોઈ સમુદાયની વસ્તી વધે કે ઘટે તેમાં શું ફેર પડે એવો વિચાર તેના કેન્દ્રમાં હોય છે, પણ ઇતિહાસ અને વર્તમાન બંને સાક્ષી છે કે વસ્તીનું પ્રમાણ માત્ર ગણતરીનો વિષય નથી પણ સમાજની સાંસ્કૃતિક ઓળખ, રાજકીય પ્રભાવ, સામાજિક વ્યવસ્થા અને ભવિષ્યની દિશાને અસર કરતું પરિબળ છે. એ રીતે ડેમોગ્રાફી જ ડેસ્ટિની છે– વસ્તીવિજ્ઞાન જ ભવિષ્યની નિયતિ છે– એમ કહીએ તો એ અતિશયોક્તિ નથી.

વિશ્વના અનેક દેશો વસતીગત પરિવર્તનનાં પરિણામો જોઈ રહ્યાં છે. યુરોપમાં સ્થાનિક વસ્તી ઘટી અને મુસ્લિમ વસ્તી ઝડપથી વધી પછી સામાજિક-સાંસ્કૃતિક સંરચના સદંતર બદલાઈ રહી છે. ઇમિગ્રેશન અને ડેમોગ્રાફિક પરિવર્તનના કારણે યુરોપમાં મૂળ ઓળખ, સંસ્કૃતિ અને ધાર્મિક મૂલ્યોના પ્રશ્નો હવે માત્ર ચર્ચાના વિષય ન રહેતાં રાજકીય અને સામાજિક વાસ્તવિકતા બની ગયા છે.

વિશ્વભરમાં ઇસ્લામી કટ્ટરવાદ અને મજહબી ઓળખને કેન્દ્રમાં રાખીને થતા રાજકારણથી કેવા પડકારો ઊભા થાય એ પણ દુનિયાએ જોયું છે. મુસ્લિમ વસ્તીના ઝડપી વિસ્તરણ અને તેની સાથે જોડાયેલા રાજકીય-સામાજિક પ્રવાહો વિશે ચર્ચા કરવી જરૂરી છે. તેને માત્ર પૂર્વાગ્રહ કે ઈસ્લામોફોબિયા કહીને પૂર્ણવિરામ મૂકવાથી સમસ્યા નહીં સમજાય અને આંખ આડા કાન કરવા જેવું થશે.

લોકશાહીમાં સંખ્યા મતદાનની શક્તિ છે, સમાજમાં સંખ્યા પ્રભાવની શક્તિ છે અને વસતીગત પરિવર્તન ભવિષ્યની સામાજિક રચના નક્કી કરવાની શક્તિ ધરાવે છે. એટલે વસ્તી અંગેની ચર્ચા માત્ર કેટલી સંખ્યા વધી ત્યાં સુધી સીમિત ન કરી શકાય. કયા સમુદાયની વસ્તી કેટલી ઝડપથી વધી રહી છે, કોણ ઘટી રહ્યું છે અને આગામી પેઢીમાં સમાજનું સ્વરૂપ કેવું હશે તેની પણ ચર્ચાઓ જરૂરી છે.

આવા રિસર્ચ આ જ વાસ્તવિકતા પ્રતિબિંબિત કરે છે. આગલી અડધી સદીમાં વિશ્વના ધાર્મિક નકશામાં જે કંઈ પરિવર્તનો થશે એ ધાર્મિક આંકડાઓની હેરફેર ન રહેતાં અનેક દેશોની સાંસ્કૃતિક ઓળખ, સામાજિક વ્યવસ્થા અને રાજકીય ભવિષ્ય નક્કી કરશે એ નિશ્ચિત છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં