ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: એક્સિડન્ટ સમયે તથ્ય પટેલની કારમાં હાજર સાક્ષીઓ ફરી ગયા, પણ ટ્રાયલ પર અસર નહીં થાય

અમદાવાદના બહુચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમ્યાન જ્યારે કોર્ટ સમક્ષ જુબાની આપવાની આવી ત્યારે સાક્ષીઓ ફરી ગયા હોવાના મીડિયા અહેવાલો ફરતા થયા છે. કહેવાય છે કે અકસ્માત સમયે તથ્યની કારમાં હાજર તેના મિત્રો અગાઉના નિવેદનથી પાછળ હટી ગયા છે જેમાં તેમણે કહ્યું હતું કે અકસ્માત સમયે તથ્યની કારની ઝડપ ઘણી વધારે હતી અને તેમણે વારંવાર ટોક્યો છતાં એ માન્યો ન હતો.

રિપોર્ટ અનુસાર તથ્ય પટેલના મિત્રોએ અગાઉ સીઆરપીસી 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું એમાં આ વાત કહી હતી, પરંતુ ટ્રાયલ દરમ્યાન તેઓ ફરી ગયા છે. તેમણે કહ્યું કે અકસ્માત સમયે કારની ઝડપ કેટલી હશે તેની તેમની પાસે કોઈ જાણકારી નથી કે ઝડપ વધુ હતી કે ઓછી હતી એ પણ તેઓ કહી શકે એમ નથી. જેના કારણે હવે સાક્ષીઓને હોસ્ટાઇલ ઘોષિત કરવામાં આવ્યા છે.

પ્રોસિક્યુશન પાસે બીજા પણ ઘણા પુરાવાઓ

જોકે આનાથી ટ્રાયલ પર ખાસ અસર પડે તેમ નથી કારણ કે પ્રોસિક્યુશન માટે કેસ સાબિત કરવા માટે બીજા ઘણા પુરાવાઓ ઉપલબ્ધ છે. પોલીસે કાર કંપનીના ટેકનિકલ ડેટા મગાવ્યા હતા, ઉપરાંત અન્ય વૈજ્ઞાનિક ચકાસણી અને કારની એન્ટી બ્રેકિંગ સિસ્ટમની ચકાસણી દરમ્યાન કારની ઝડપ ઘણી વધારે હોવાનું પુરવાર થયું હતું અને આ બધી જ વિગતો કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી છે.

ઉપરાંત કેસમાં અન્ય સાક્ષીઓ પણ છે, જેમણે બહારથી અકસ્માત થતો જોયો હતો. આ સિવાય સીસીટીવી કેમેરા ફૂટેજથી માંડીને અન્ય અનેક પુરાવાઓ પોલીસે તપાસ દરમ્યાન એકઠા કર્યા હતા.

તથ્ય સામે નવેમ્બર 2025માં ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા અને ડિસેમ્બરથી ટ્રાયલ શરૂ થઈ હતી. ડિસેમ્બર 2025માં જ હાઇકોર્ટે ગેરઇરાદતન હત્યાની કલમો હટાવવાની માંગ કરતી તથ્યની અરજી પણ ફગાવી દીધી હતી. વારંવાર અદાલતો તેના જામીન પણ ફગાવતી આવી હતી, આખરે મે 2026માં સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. હાલ તથ્ય જામીન પર બહાર છે.

જુલાઈ 2023ની ઘટના, તથ્ય જામીન પર બહાર

ઘટના જુલાઈ 2023ની છે. 19મી જુલાઈ 2023ની રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તથ્ય પટેલે પૂરઝડપે જેગુઆર કાર લાવીને લોકો પર ચડાવી દીધી હતી. વાસ્તવમાં તેની થોડી જ ક્ષણો પહેલાં બે વાહનો વચ્ચે ટક્કર થઈ હતી, તેમને મદદ કરવા માટે અન્ય લોકો ઊભા હતા ત્યારે તથ્યએ કાર ચડાવી દીધી હતી.

ઘટનામાં 9 લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી, ઉપરાંત તેના પિતા સામે પણ કેસ નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે જામીન માટે અરજીઓ કરી હતી, પણ કોર્ટ ફગાવતી રહી. ત્રણ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. તથ્યના પિતાને પણ કોર્ટ જામીન આપી ચૂકી છે.