ભારતના રાજકારણમાં એક વર્ગ એવો છે જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દરેક વાતમાં ખામી શોધવાની અને તેમના નિવેદનોને કાપકૂપ કરીને તેની મજાક ઉડાવવાની આદત પડી ગઈ છે. આ સમૂહ પાસે ન તો કોઈ નક્કર મુદ્દા છે, ન તો વિજ્ઞાન અને ટેકનોલોજીની સમજ. હમણાં આવું ફરી એક વખત થયું, જ્યાં પીએમ નરેન્દ્ર મોદીના કૃષિ ટેકનોલોજી અને સોઈલ ટેસ્ટિંગ અંગેના એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદનને વિરોધીઓ અને સોશિયલ મીડિયા ટ્રોલર્સે તદ્દન અલગ રીતે રજૂ કરીને તેની મજાક ઉડાવવાનો નિરર્થક પ્રયાસ કર્યો. પણ સોશિયલ મીડિયાએ આ બદમાશી પકડી પાડી.
વાસ્તવમાં 12 નવેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઈન્ડિયા ટુડે ગ્રુપે ‘કિસાન તક ભારત એગ્રીકલ્ચર કોન્ફરન્સ’નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી પણ આવ્યા અને તેમણે દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના ભવિષ્ય વિશે વિગતવાર વાત કરી હતી. તેમણે ખાસ કરીને ખેતીમાં ઉભરતી નવી મોબાઈલ અને સેન્સર આધારિત જમીન પરીક્ષણ (સોઈલ ટેસ્ટિંગ) ટેકનોલોજીનો ઉલ્લેખ કર્યો હતો.
આ નિવેદન સામે આવતા જ વિરોધીઓ જૂની આદત મુજબ તૂટી પડ્યા. તેમણે આખી વાતને એવી રીતે રજૂ કરી કે જાણે વડા પ્રધાને એવું કહ્યું હોય કે ‘મોબાઈલની સ્ક્રીન પર માટી ઘસી નાખો અને તરત જ રિપોર્ટ આવી જશે’.
વડાપ્રધાનના ભાષણનો એક નાનકડો હિસ્સો કાપીને સોશિયલ મીડિયા પર પ્રોપગેન્ડા ફેલાવવામાં આવ્યો. આ ટોળકીમાં રાજકીય પક્ષોના પ્રવક્તાઓથી લઈને સામાન્ય ટ્રોલર્સ અને CJPના કોકરોચો પણ સામેલ થઈ ગયા. કોકરોચોએ X પર કટાક્ષ કરતા લખવામાં આવ્યું કે, “હવે આગળ શું? સેલ્ફી પોસ્ટ કરીને MRI રિપોર્ટ મેળવો એવું આવશે?”
What’s next? Get your MRI report by posting a selfie? https://t.co/qQrki8EuCk
— Cockroach Janta Party – CJP (@Cockroachisback) November 14, 2026
એક કોંગ્રેસ સમર્થક ટ્રોલરે મોદીને કટાક્ષમાં ‘ચીફ સાયન્ટિસ્ટ’ ગણાવીને લખ્યું કે, “તેમની ક્લાઉડ થિયરી પછી હવે મોબાઈલ ફોન પર સોઈલ ટેસ્ટિંગ આવ્યું છે. એક એવી સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે જ્યાં તમે તમારા ફોન પર થોડી માટી મૂકો અને તે તમને કહેશે કે કયો પાક ઉગાડવો અને કેટલું ખાતર વાપરવું.”

બીજા એક ટ્રોલરે લખ્યું કે, “આ કરતબ ઘરે કરવાનો પ્રયાસ ન કરતા. તમારા મોબાઈલ ફોન પર માટી નાખવાથી તેને કાયમી નુકસાન થઈ શકે છે. માટી વાંચવા માટે તમારે કાં તો તમારા ફોન સાથે સેન્સર આધારિત ઉપકરણ જોડવું પડશે અથવા કેમેરા આધારિત એપ વાપરવી પડશે. આ મહામાનવ છે, કંઈ પણ બોલી જાય છે.”

સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ઘનશ્યામ તિવારી પણ આ રેસમાં પાછળ ન રહ્યા. તેમણે લખ્યું કે, “મોબાઈલ પર માટી નાખો, ગટરમાંથી ગેસ કાઢો, વાદળોથી રડાર ઢાંકો અને દેશને મૂર્ખોથી ભરી દો.”

આ તમામ નિવેદનો વાંચીને કોઈપણ સામાન્ય વ્યક્તિને સવાલ થાય કે શું ખરેખર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે ખેડૂતોએ જમીનનો રિપોર્ટ મેળવવા માટે પોતાના મોબાઈલની સ્ક્રીન પર માટી નાખવી પડશે? તો પીએમના અસલી ભાષણ અને તેની પાછળની હકીકત પર નજર કરીએ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખરેખર શું કહ્યું હતું?
કિસાન તક ભારત એગ્રીકલ્ચર કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેતીમાં એન્જિનિયરિંગની વધતી જતી ભૂમિકા વિશે ખૂબ જ વિસ્તારથી વાત કરી હતી. તેમણે ખેડૂતો માટે મશીનો અને સાધનો બનાવતા ઉદ્યોગપતિઓને સૌર ઉર્જા તરફ વળવા માટે ખાસ અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, “આપણા કૃષિ વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને યુવાનો સાથે મળીને એવાં સાધનો અને મશીનો બનાવી રહ્યા છે, જેનાથી ખેતીનો ખર્ચ ઘટી રહ્યો છે.”
Speaking at the Bharat Agriculture Conference. @IndiaToday @aajtak https://t.co/zSM5kaRsvi
— Narendra Modi (@narendramodi) November 12, 2026
તેમણે આગળ ઉમેર્યું કે, “કેટલીક જગ્યાએ એવાં મશીનો બની રહ્યાં છે જે વાવણી અને લણણીને સરળ બનાવી રહ્યાં છે. અહીં હાજર ઉદ્યોગ જગતના લોકો, ખાસ કરીને ખેડૂતો માટે સાધનો બનાવનારાઓ અને આપણા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને મારો ખાસ આગ્રહ છે કે હવેથી તમે જે પણ સાધન બનાવો તે સૌર ઉર્જાથી ચાલતું હોવું જોઈએ, કારણ કે અમે દરેક ખેતર સુધી સૌર ઉર્જા પહોંચાડી રહ્યા છીએ. જેમ આખી દુનિયા અત્યારે ઇલેક્ટ્રિક વાહનો તરફ દોડી રહી છે, તેમ હું દરેક પ્રકારના કૃષિ સાધનોને સોલાર પાવર્ડ બનાવવાના પક્ષમાં છું.”
આ વાત કર્યા પછી વડા પ્રધાન મોદીએ મોબાઈલ ફોનના ઉપયોગથી થતા સોઈલ ટેસ્ટિંગ વિશે વાત કરી હતી. મોદી વિરોધી ગેંગ જે દાવા કરી રહી છે તેનાથી તદ્દન વિપરીત, પીએમ મોદીએ ક્યાંય એવું નથી કહ્યું કે ખેડૂતો પોતાના મોબાઈલની સ્ક્રીન પર માટી નાખીને કે ઘસીને ટેસ્ટ કરી શકે છે.
પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે AI ટેકનોલોજીવાળ એવા સેન્સર આધારિત ડિવાઈસ વિકસાવવામાં આવી રહ્યાં છે, જે નાનામાં નાના ખેડૂતને પણ પરવડી શકે અને સચોટ માહિતી આપી શકે.
વડા પ્રધાને આગળ કહ્યું હતું કે, “એટલું જ નહીં, AI ટેકનોલોજીથી સજ્જ સેન્સર આધારિત ઉપકરણો હવે વિકસાવવામાં આવી રહ્યાં છે જે ખેડૂતોને સચોટ માહિતી આપી શકે છે અને નાનામાં નાના ખેડૂત માટે પણ પરવડે તેવાં હોઈ શકે છે. હવે મોબાઈલ ફોન દ્વારા જમીન પરીક્ષણની વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે. તમારે મોબાઈલ આધારિત ડિવાઇસ પર માત્ર થોડી માટી મૂકવાની હોય છે અને તમારો ફોન તરત જ એક રિપોર્ટ આપે છે જે જણાવે છે કે તમારી જમીન કયા પાક માટે યોગ્ય છે, કેટલા અને કયા પ્રકારના ખાતરની જરૂર છે. બીજા શબ્દોમાં કહીએ તો, જુઓ કે કેટલી ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે.”
અહીં વડા પ્રધાનની બોલવાની શૈલી સામાન્ય બોલચાલની ભાષા પ્રમાણેની હતી. તેમણે હાથના ઈશારાથી માત્ર એટલું જ સમજાવ્યું હતું કે નવી ટેકનોલોજી આવવાથી જમીન પરીક્ષણની પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે. પીએમ મોદીએ સ્પષ્ટપણે ‘મોબાઈલ આધારિત ડિવાઈસ’ની વાત કરી હતી.
શું આવી ટેકનોલોજી ખરેખર અસ્તિત્વમાં છે?
પીએમ મોદી જે ટેકનોલોજી અંગે વાત કરી રહ્યા હતા તે કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ એક નક્કર અને ઝડપથી આગળ વધી રહેલી વાસ્તવિકતા છે. સ્માર્ટફોન સાથે જોડાયેલી જમીન પરીક્ષણની ટેકનોલોજી ભારતમાં જ વિકસાવવામાં આવી છે અને તેનો ઉપયોગ પણ શરૂ થઈ ગયો છે.
આનું સૌથી મોટું ઉદાહરણ IIT કાનપુરે બનવેલું એક ‘ભૂ-પરીક્ષક’ (Bhu-Parikshak) નામનું ડિવાઇસ છે. આ એક પોર્ટેબલ, વાયરલેસ અને હાથમાં પકડી શકાય તેવું ડિવાઈસ છે, જે ‘નિયર-ઇન્ફ્રારેડ (NIR) સ્પેક્ટ્રોસ્કોપી’ ટેકનોલોજી પર કામ કરે છે.

આ ઉપકરણમાં માત્ર 5 ગ્રામ સૂકી માટી નાખવામાં આવે છે અને તે બ્લૂટૂથથી સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ જાય છે. માત્ર 90 સેકન્ડમાં જ આ ડિવાઈસ જમીનના પોષક તત્વો, ઓર્ગેનિક કાર્બન અને અન્ય મહત્વના માપદંડો ચકાસીને મોબાઈલ એપથી ખેડૂતને તેની પોતાની ભાષામાં જમીનનો રિપોર્ટ અને ખાતરની યોગ્ય માત્રાની સલાહ આપી દે છે.

‘ભૂ-પરીક્ષક’ ડિવાઈસ એકસાથે મોટી સંખ્યામાં ટેસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. IIT કાનપુરની આ ટેકનોલોજીને બાદમાં વ્યાપારી ધોરણે ખેડૂતો સુધી પહોંચાડવા માટે ‘એગ્રોનેક્સ્ટ’ (AgroNxt) નામની એગ્રોટેક કંપનીને ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ઉપરાંત પણ દેશમાં આવી અનેક સોઈલ-હેલ્થ એપ્સ, પોર્ટલ્સ અને સેટેલાઇટ AI આધારિત હેન્ડહેલ્ડ ડિવાઈસ કામ કરી રહ્યાં છે, જે સ્થાનિક ભાષાઓમાં ખેડૂતોને ઝડપી માર્ગદર્શન આપે છે.
ભારતમાં જમીન પરીક્ષણના માળખામાં આવેલી ક્રાંતિ
આ પ્રકારની ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી ખેડૂતોની દૂર આવેલી લેબોરેટરીઓ પરની નિર્ભરતા ઓછી થાય છે. અગાઉ ખેડૂતોને માટીનો નમૂનો લઈને લેબમાં જવું પડતું હતું અને રિપોર્ટ આવતાં ઘણો સમય લાગી જતો. પરંતુ હવે ખેતરમાં ઊભા-ઊભા જ ગણતરીની મિનિટોમાં રિપોર્ટ મળી જાય છે. આનાથી ખાતરનો બિનજરૂરી વપરાશ ઘટે છે, ખેડૂતોના પૈસા બચે છે અને લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
Wish you guys had gone to school, studied, and learned basic Google search to know the reality. The other day the Prime Minister mentioned at the Kisan Tak event that new systems let farmers put a little soil into a phone-connected device and get an instant report on nutrients and fertiliser needs. Opposition parties mocked it as absurd. The technology already exists. IIT Kanpur’s Bhu Parikshak does exactly this: add a small soil sample, connect via Bluetooth to the app, and get results on N, P, K and other parameters in about 90 seconds. App: https://t.co/GwdL1lr4s3 NITI Aayog has highlighted similar pocket-sized devices: https://t.co/NWrD2tlmMC Mocking is easy. The tech is real.
— Sandiip Gandotra (@sandiipgandotra) November 15, 2026
વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં દેશમાં જમીન પરીક્ષણ લેબોરેટરીઓના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. આંકડાકીય માહિતી મુજબ, વર્ષ 2014માં સમગ્ર દેશમાં અમુક સો સોઈલ-ટેસ્ટિંગ લેબોરેટરીઓ હતી. આજે આ સંખ્યા વધીને 8,400થી પણ વધુ થઈ ગઈ છે. આ ઉપરાંત દેશભરમાં 750થી વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) કાર્યરત છે.
સરકારનો ‘લેબ ટુ લેન્ડ’ (પ્રયોગશાળાથી ખેતર સુધી) અભિગમ આજે જમીની સ્તરે પરિણામો આપી રહ્યો છે. પીએમ મોદી આ જ સંદર્ભમાં વાત કરી રહ્યા હતા કે કેવી રીતે સેન્સર ડિવાઈસ અને મોબાઈલ એપ્લિકેશન ભેગા થઈને ભારતીય ખેતીની તસવીર બદલી શકે છે. તેમણે ક્યારેય એવો દાવો નહોતો કર્યો કે મોબાઈલનો કાચ માટીને જાદુઈ રીતે તપાસીને રિપોર્ટ આપી દેશે.
અગાઉ પણ પીએમ મોદીનાં નિવેદનોને અલગ સંદર્ભે રજૂ કરવામાં આવ્યાં હતાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલી વાતોને અલગ સંદર્ભો સાથે કે અધૂરી જાણકારી સાથે રજૂ કરીને મજાક ઉડાવવાનો પ્રયાસ થયો હોય એવું પહેલી વખત બન્યું નથી. વર્ષ 2019માં બાલાકોટ એર સ્ટ્રાઈક વખતે પીએમ મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ખરાબ વાતાવરણ અને ગાઢ વાદળો પાકિસ્તાનના રડારને વિક્ષેપિત કરી શકે છે, જે ભારતીય વિમાનો માટે ફાયદાકારક બની શકે છે.
તે સમયે લેફ્ટ-લિબરલ ટોળકીએ આ વાતની ભારે મજાક ઉડાવી હતી. પરંતુ, સંરક્ષણ નિષ્ણાતો અને વેસ્ટર્ન એર કમાન્ડના તત્કાલીન પ્રમુખ એર માર્શલ રઘુનાથ નામ્બિયારે પણ પુષ્ટિ કરી હતી કે ગાઢ વાદળો રડારની સચોટ ટ્રેકિંગ ક્ષમતાને ચોક્કસપણે અસર કરે છે. ટૂંકમાં વૈજ્ઞાનિક રીતે મોદીની વાત સાચી હતી.
આવી જ બીજી એક ઘટના વર્ષ 2018માં ‘વર્લ્ડ બાયોફ્યુઅલ ડે’ પર બની હતી, જ્યારે પીએમ મોદીએ ગટરના ગેસમાંથી બાયોફ્યુઅલ બનાવીને ટાયરની ટ્યુબમાં સંગ્રહ કરવાના કોન્સેપ્ટની વાત કરી હતી. મોદી વિરોધીઓએ તેને અવૈજ્ઞાનિક ગણાવીને સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવી હતી.
હકીકતમાં ગ્રામીણ વિસ્તારોમાં અને દુનિયાભરમાં બાયોગેસનો સંગ્રહ કરવા માટે ટાયરની ટ્યુબનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે અને તે એક સફળ પ્રયોગ છે. પરંતુ, જમીની વાસ્તવિકતાથી અજાણ આ લોકો માત્ર વિરોધ કરવા ખાતર જ વિરોધ કરતા રહે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક સારા વક્તા છે અને જાહેરમાં બોલતી વખતે તેઓ અત્યંત જટિલ અને ટેકનિકલ વિષયોને પણ સામાન્ય જનતાને સમજાય તેવી બોલચાલની સરળ ભાષામાં રજૂ કરે છે. ખેડૂતો, ગરીબો અને સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા માટે તેઓ ટેકનિકલ શબ્દોને બદલે રોજિંદા જીવનનાં ઉદાહરણો આપે છે. પરંતુ વિરોધીઓ અને સોશિયલ મીડિયાના ટ્રોલર્સ મુદ્દા આધારિત કે રચનાત્મક ટીકા કરવાને બદલે તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કરતા રહે છે. આમ કરીને તેઓ વડા પ્રધાનની છબી ખરાબ કરવાનો પ્રયાસ તો કરે છે પરંતુ અંતે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેની પોતાની જ અજ્ઞાનતા છતી કરી દે છે.


