અમદાવાદના સરખેજમાં ઘરના બેઝમેન્ટમાં MD ડ્રગ્સ બનાવવાની લેબ પકડાઈ, 130 કિલો કેમિકલ જપ્ત: મુદસ્સર પઠાણની ધરપકડ

અમદાવાદના સરખેજ વિસ્તારમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને અમદાવાદ પોલીસે સંયુક્ત ઑપરેશન પાર પાડીને એક ઘરના ભોંયતળિયામાં ચાલતી MD ડ્રગ્સ બનાવવાની ગેરકાયદે લેબોરેટરી ઝડપી પાડી છે. બહારથી સામાન્ય દેખાતા આ રહેણાંક મકાનના ભોંયરામાં ડ્રગ્સ તૈયાર કરવાની પૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 15 નવેમ્બરના રોજ ‘ઑપરેશન સિન્થેટિક ડ્રગ’ હેઠળ પાડવામાં આવેલા આ દરોડામાં NCBએ મુદસ્સર અહેમદ ખાન પઠાણ નામના શખ્સની અટકાયત કરી છે.

NCBની અમદાવાદ ઝોનલ ટીમને મોહમ્મદી પાર્ક નજીક શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે લબૈક પાર્ક વિસ્તારના આ મકાનમાં તપાસ કરવામાં આવી. દરોડા દરમિયાન લેબોરેટરીમાંથી કુલ 130.613 કિલો કેમિકલ્સ અને વિવિધ સાધનો જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત સ્થળ પરથી 26.85 ગ્રામ પ્રવાહી અને 0.70 ગ્રામ પાવડર મળી કુલ 27.55 ગ્રામ MD ડ્રગ્સ પણ કબજે લેવાયું છે.

એક વર્ષથી શીખી રહ્યો હતો ડ્રગ્સ બનાવવાની રીત

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મુદસ્સર પઠાણ છેલ્લા એક વર્ષથી ઇન્ટરનેટ પર ગૂગલ સર્ચ કરીને MD ડ્રગ્સ બનાવવાની રીત શીખી રહ્યો હતો. આ માટે તેણે રાજસ્થાન જઈને પણ ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા શીખી હતી. તેણે એક મહિના પહેલાં જ પોતાના ઘરના ભોંયરામાં આ લેબોરેટરી શરૂ કરી હતી, પરંતુ તે ડ્રગ્સનો જથ્થો બજારમાં વેચે તે પહેલાં જ સુરક્ષા એજન્સીઓએ તેને ઝડપી પાડ્યો હતો.

આરોપીએ લેબોરેટરી માટેનાં સાધનો અને કાચો માલ અમદાવાદ તથા અંકલેશ્વરમાંથી ખરીદ્યાં હતાં, જ્યારે કેટલાક કેમિકલ્સ મધ્યપ્રદેશના રતલામમાંથી લાવવામાં આવ્યાં હતાં. આ મામલે NCB હવે મધ્યપ્રદેશના મંદસૌર સહિતના વિસ્તારોમાં ફેલાયેલા સંભવિત આંતરરાજ્ય નેટવર્કની તપાસ કરી રહી છે. તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં અન્ય કયા લોકો કે સંગઠનોની સંડોવણી છે.

આરોપીની આર્થિક તપાસ પણ ચાલુ

આ કાર્યવાહીના ભાગરૂપે NCBની ટીમે મુમતપુરા રોડ પર આવેલી આરોપીની ‘રતલામ કેફે’ નામની દુકાન પર પણ ત્રણ કલાક સુધી તપાસ હાથ ધરી હતી. એજન્સીને આશંકા છે કે આ કેફેનો ઉપયોગ ડ્રગ્સના ગ્રાહકોનો સંપર્ક કરવા માટે થતો હોઈ શકે છે. હાલમાં કેફેના કર્મચારીની પૂછપરછ કરીને લેબોરેટરી અને કેફે વચ્ચેના કનેક્શન અંગે વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

NCBના ઝોનલ ડિરેક્ટર ઘનશ્યામ સોનીએ સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં આરોપીની આર્થિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જો ડ્રગ્સના કાળા કારોબારમાંથી મેળવેલા નાણાંથી કોઈ મિલકત કે સંપત્તિ ખરીદવામાં આવી હશે તો તેને NDPS કાયદા હેઠળ જપ્ત કરવામાં આવશે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ નશીલા પદાર્થોના વેપાર અને ઉત્પાદનને જડમૂળથી નાબૂદ કરવા કડક વલણ અપનાવ્યું છે. આ સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેમની આસપાસ આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ કેન્દ્ર સરકારની MANAS હેલ્પલાઇન નંબર 1933 પર જાણ કરે. હાલમાં NCB દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.