માઇક્રોસોફ્ટની સેવાઓમાં વૈશ્વિક ભંગાણ: આઉટલુક, ટીમ્સ અને કોપાઇલટ ખોરવાયાં, બે લાખથી વધુ ફરિયાદો નોંધાઈ

ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટની સેવાઓમાં વ્યાપકપણે ભંગાણ સર્જાયું છે, જેના કારણે વિશ્વભરના યુઝરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કંપનીની આઉટલુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ, કોપાઇલટ, વનડ્રાઇવ સહિતની અનેક સેવાઓ ખોરવાઈ જતાં ઇમેઇલની આપ-લે, સંદેશાવ્યવહાર અને અન્ય વ્યવસાયિક કામગીરીને અસર પહોંચી છે. સેવાઓમાં સર્જાયેલી આ સમસ્યા અંગે 74 દેશો અને પ્રદેશોમાંથી ફરિયાદો નોંધાઈ હતી. ડાઉનડિટેક્ટરના આંકડા અનુસાર, એક તબક્કે માઇક્રોસોફ્ટની વિવિધ સેવાઓ અંગે બે લાખ જેટલી ફરિયાદો નોંધાઈ હતી.

શરૂઆતમાં માઇક્રોસોફ્ટે એક્સચેન્જ ઓનલાઇનના મેઇલબોક્સ સુધી પહોંચવામાં યુઝરોને પડતી મુશ્કેલીની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કંપનીને જાણવા મળ્યું હતું કે તેની સિસ્ટમનાં કેટલાંક સર્વર ઓટોમેટેડ ચકાસણીમાં નિષ્ફળ જતાં અચાનક બંધ થઈ ગયાં હતાં. પરિણામે બાકીના કાર્યરત સર્વર પર વધારાનો બોજ આવ્યો હતો અને સર્વિસ પર અસર પડી હતી. કંપનીએ જોકે સ્પષ્ટ કર્યું છે કે આ સમસ્યા યુઝરોની સંખ્યામાં અચાનક થયેલા વધારાને કારણે નહીં, પરંતુ કેટલાંક સર્વર અવેલેબલ ન હોવાના કારણે સર્જાઈ હતી.

માઇક્રોસોફ્ટે સમસ્યા દૂર કરવા કેટલાક ફેરફારો કર્યા હતા અને અસરગ્રસ્ત સર્વર પરથી યુઝરોનો પ્રવાહ અન્ય સર્વર તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે 13 નવેમ્બરના રોજ કંપનીએ જાહેર કર્યું કે સમસ્યા દૂર કરવા માટે કરવામાં આવેલા ફેરફારો અપેક્ષા મુજબ પરિણામ આપી રહ્યા નથી. આથી હવે સર્વિસની ક્ષમતા વધારવા માટે વૈકલ્પિક ઉપાયો હાથ ધરવામાં આવી રહ્યા છે. કંપનીએ કેટલાક પ્રદેશોમાં સર્વિસ આંશિક રીતે પુનઃસ્થાપિત થઈ હોવાની જાણકારી આપી હતી, પરંતુ સમગ્ર વ્યવસ્થા સામાન્ય બની ન હતી.

આ ભંગાણની અસર અન્ય સંસ્થાઓને પણ થઈ છે. ઓસ્ટ્રેલિયાના સરકારી વિભાગોએ ઇમેઇલ વ્યવહારમાં વિક્ષેપ અંગે સૂચનાઓ જાહેર કરી હતી. ભારતની વિમાન કંપની ઇન્ડિગોએ પણ ઇમેઇલ આધારિત સહાય સેવાઓ પ્રભાવિત થઈ હોવાનું જણાવી ગ્રાહકોને તેની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન મારફતે સંપર્ક કરવા જણાવ્યું હતું.

માઇક્રોસોફ્ટની સેવાઓ પર આધારિત ઓપનએઆઈ અને એન્થ્રોપિક જેવી કંપનીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઇલેક્ટ્રિક ટ્રક બનાવતી વર્કહોર્સ ગ્રૂપે પણ આ ભંગાણને કારણે પોતાના ત્રિમાસિક પરિણામોની જાહેરાત 12 નવેમ્બરને બદલે 16 નવેમ્બરે કરવાનો નિર્ણય લીધો છે.