સુરતના ભટારમાં હિંદુ યુવકની હત્યા મામલે મુખ્ય આરોપી શાહિદ શેખ સહિત પાંચની ધરપકડ, દિવાળીની રાત્રે બની હતી ઘટના

સુરતના ભટાર વિસ્તારમાં ફટાકડા ફોડતા હિંદુ યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી, જે મામલે પોલીસે મુખ્ય આરોપી શાહિદ શેખ સહિત પાંચની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમસંબંધની શંકામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. શાહિદ શેખને શંકા હતી કે મૃતક સંતોષ ઉર્ફે સન્નીનો તેની એક સંબંધી સાથે પ્રેમસંબંધ હતો, જે બાબતે બંને પક્ષોએ વિવાદ હતો. દિવાળીની રાત્રે તેણે સાગરિતો સાથે મળીને સન્નીની હત્યા કરી નાખી હતી.

મુખ્ય આરોપી શાહિદ સકીલ શેખને તેની ભાણી અને સન્ની વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકા હતી. આ બાબતને લઈને બંને પક્ષો વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી. ઘટનાની રાત્રે ફરી એકવાર આ મુદ્દે વિવાદ થયો હતો. જોતજોતામાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આરોપીઓએ સંતોષ પર હુમલો કરી દીધો હતો.

આરોપીઓએ સંતોષ પર લાકડાના દંડા અને છરી વડે હુમલો કર્યો હતો. તેના શરીરના અલગ-અલગ ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ખાસ કરીને છાતી પર છરીના ઘા વાગતાં તેની હાલત ગંભીર બની હતી અને અંતે તેનું મોત નીપજ્યું હતું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ફરજ પર હાજર તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો.

પાંચ આરોપીઓની ધરપકડ, ચારનો ગુનાહિત ઇતિહાસ

ઘટનાની તપાસ દરમિયાન ખટોદરા પોલીસે પુરાવા એકત્રિત કરીને પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં શાહિદ સકીલ શેખ, જાવેદ ઉર્ફે નવાબ શેખ, હંસરાજ કુશવાહા, સાકિબ મણિયાર, અને જીતેન્દ્ર સાહુનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓમાંથી ચારનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ છે. એટલું જ નહીં આરોપી હંસરાજ કુશવાહા સામે અગાઉ તડીપારની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.