પેરાગ્વેમાં બેન્ક ડૂબી જતાં સંકટની સ્થિતિ, સરકાર સહિત લાખો લોકોને અસર: રાષ્ટ્રપતિને મહાભિયોગથી હટાવાયા

દક્ષિણ અમેરિકાના દેશ પેરાગ્વેમાં એક મોટી બેન્ક ડૂબી જતાં રાષ્ટ્રપતિએ સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. બેન્ક રિઝોલ્યુશનની પ્રક્રિયા શરૂ થયા બાદ રાજકીય દબાણ આવતાં ર્ષટ્રપતિ સેન્ટિયાગો પેનાએ રાજીનામું ધરી દીધું હતું. પરંતુ તેમનું રાજીનામું સ્વીકારવાના સ્થાને સેનેટે મહાભિયોગની પ્રક્રિયા આગળ વધારી હતી. આખરે 6 નવેમ્બરે સેનેટના 45માંથી 44 સભ્યોએ રાષ્ટ્રપતિની વિરુદ્ધમાં મતદાન કરીને તેમને પદ પરથી હટાવી દીધા હતા.

રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવામાં આવ્યા બાદ સેન્ટિયાગો પેનાને હાઉસ અરેસ્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. બીજી તરફ તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ રહેલા પેડ્રો એલિયાનાએ રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળી લીધી છે. પેના સામે ફોજદારી કાર્યવાહી શરૂ થવાની વકી પણ છે.

પેરાગ્વેનો આ કેસ માત્ર એક બેન્ક ડૂબી જવાનો નથી, પણ તેની નાણાકીય ગેરરીતિઓ, સરકારી નાણાંનું મોટાપાયે રોકાણ અને રાષ્ટ્રપતિના અમુક વ્યાવસાયિક સંબંધોના કારણે દેશમાં રાજકીય સંકટ ઊભું થયું છે.

યુએનો બેન્ક શરૂઆતમાં એક ડિજિટલ બેન્ક હતી અને બહુ ઝડપથી વિકાસ પામી. 2021માં ફિનટેક કંપની તરીકે શરૂ થયેલી સંસ્થાને 2023માં બેન્કિંગ લાયસન્સ મળ્યું. થોડાં જ વર્ષોમાં તેના ગ્રાહકોની સંખ્યા 30 લાખ સુધી પહોંચી ગઈ. પેરાગ્વેની 60.5 લાખની વસ્તી સામે આટલા ગ્રાહકો મોટી સંખ્યા કહેવાય.

આ ઝડપી વિસ્તરણ પાછળની નાણાકીય પરિસ્થિતિ અંગે પછીથી અનિયમિતતાઓ સામે આવવાની ચાલુ થઈ. પેરાગ્વેની સેન્ટ્રલ બેન્કે તપાસ કરી તો જાણવા મળ્યું કે યુએનોની માલિકી ધરાવતા ગ્રુપ સાથે સંકળાયેલી ત્રણ કંપનીઓને 14.6 કરોડ ડોલરની લોન આપવામાં આવી હતી. આ લોન બેન્કની મૂડીના આશરે 35 ટકા જેટલી હતી અને સંબંધિત પક્ષોને ધિરાણ આપવા માટેની કાયદેસર મર્યાદા કરતાં 6.1 કરોડ ડોલર વધારે હતી.

તપાસમાં આ લોન પૂરતી ગેરંટી વગર અને નબળા દસ્તાવેજીકરણ સાથે આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું. બેન્ક હિસાબો ચકાસવામાં આવ્યા તો તેમાં પણ અનિયમિતતાઓ મળી. આખરે 3 નવેમ્બર 2026ના રોજ સેન્ટ્રલ બેન્કે યુએનો બેન્કના રિઝોલ્યુશનની પ્રક્રિયા શરૂ કરી હતી.

આ બેન્ક પાસે વિવિધ સરકારી સંસ્થાઓનાં પણ નાણાં રોકાયેલાં છે અને જાહેર ભંડોળ લગભગ 85 કરોડ ડોલરનું હોવાનું કહેવાય છે. એટલે સરકાર પર પણ સીધી અસર પડી. પેરાગ્વેની એક સંસ્થા IPSના આશરે 35.5 કરોડ ડોલર યુએનો બેન્કમાં પડ્યા છે. બેન્કની કામગીરી સ્થાપિત થયા બાદ આ સરકારી સંસ્થાઓ અને લાખો ગ્રાહકોની થાપણો પર અસર થઈ અને ચૂકવણી વગેરેની સેવાઓ પણ પ્રભાવિત થઈ છે, પરિણામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.

વિવાદમાં રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પર પણ પ્રશ્નો ઉઠ્યા છે. તેઓ 2025 સુધી યુએનોની માલિકી ધરાવતાં જૂથમાં શેરધારક હતા. મહાભિયોગના આરોપમાં તેમને બેન્ક પાસેથી મળેલી બે લોનનો મુદ્દો પણ સામેલ કરવામાં આવ્યો હતો. જોકે રાષ્ટ્રપતિએ આ આરોપો નકારી દીધા છે. રાષ્ટ્રપતિ પોતે અર્થશાસ્ત્રી હોવાનું કહેવાય છે.

ઉપરાંત સેન્ટ્રન બેન્કના પ્રમુખ કાર્લોસ કાવાર્લો સામે પણ આરોપો છે. તેઓ અગાઉ યુએનો સાથે સંકળાયેલી નાણાકીય સંસ્થાના વડા રહી ચૂક્યા છે. 3 નવેમ્બરે રાષ્ટ્રપતિના કહેવાથી કાવાર્લોએ પણ રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિને પણ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.