
ભારતનાં બે અંગ્રેજી અખબારો ‘ધ હિન્દુ’ અને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ વચ્ચે પત્રકારત્વના ક્રેડિટ અને કોપીરાઇટને લઈને ઘમસાણ ચાલી રહ્યું છે. ‘ધ હિન્દુ’એ ઇન્ડિયન એક્સપ્રેસ પર ચોરી અને પ્લેજરિઝમનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલો તમિલ અભિનેતા ઋષિકાંતના એક ઇન્ટરવ્યુ સંબંધિત છે.
વિવાદની શરૂઆત ‘ધ હિન્દુ’ દ્વારા 5 નવેમ્બર 2026ના રોજ કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ હતી. અખબારના જણાવ્યા અનુસાર તેના પત્રકાર શ્રીનિવાસ રામાનુજમે ચેન્નાઈ સ્થિત અખબારની ઓફિસમાં અભિનેતા ઋષિકાંતનો ખાસ ઇન્ટરવ્યુ લીધો હતો. આ ઇન્ટરવ્યુમાં અભિનેતાની ફિલ્મી કારકિર્દી, 15 વર્ષનો સંઘર્ષ અને તાજેતરની સફળતા વિશે વાત કરવામાં આવી હતી. આ સાથે ફોટોગ્રાફર થમોધરણે અભિનેતાનું ફોટોશૂટ પણ કર્યું હતું.
આ ઇન્ટરવ્યૂ ‘ધ હિન્દુ’માં 3 નવેમ્બરના રોજ પ્રકાશિત થયો હતો. ત્યારબાદ 4 નવેમ્બરે ઇન્ડિયન એક્સપ્રેસના મનોરંજન વિભાગ ‘સ્ક્રીન’માં પણ ઋષિકાંત વિશે એક લેખ પ્રકાશિત થયો હતો. તેનું શીર્ષક હતું, ‘ડૉરોથી એક્ટર ઋષિકાંતે ભારે નિષ્ફળતાઓનો સામનો કર્યો, 15 વર્ષ પછી સફળતા મળી’. ‘હિન્દુ’નો આરોપ છે કે એક્સપ્રેસના આ લેખમાં તેના ઇન્ટરવ્યુની મોટાભાગની સામગ્રીને માત્ર રિબ્રાન્ડ કરીને પોતાના નામે છાપી મારવામાં આવી હતી.
અખબારે એક X પોસ્ટમાં કહ્યું કે એક અખબાર બીજા અખબારના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાંથી કોઈ નિવેદન ટાંકે તેમાં વાંધો નથી. પત્રકારત્વમાં આ સામાન્ય બાબત છે. પરંતુ આખા ઈન્ટરવ્યુની મોટાભાગની વિગતો લઈને તેને થોડા શબ્દો બદલીને પોતાના નામે રજૂ કરવું યોગ્ય નથી. અખબારે કહ્યું કે મૂળ રિપોર્ટિંગ કરનાર પત્રકાર અને ફોટોગ્રાફરને ક્રેડિટ આપવી એ પત્રકારત્વનો પાયાનો નિયમ છે.
The @IndianExpress has reproduced and reworked substantial portions of an exclusive interview with actor Rishikanth, conducted by The Hindu’s @srinivasjam at our Chennai office. It has also used a photograph from the accompanying photoshoot by our photographer, @thamodharran, without permission or credit. Quoting an exclusive interview is standard journalistic practice. Reproducing virtually an entire story, even with portions reworded, is not. We find this disregard for original reporting and photography deeply disappointing. Credit where it is due is a basic tenet of journalism. https://t.co/9yRtsM8XYG
— The Hindu (@the_hindu) November 5, 2026
વિવાદનો બીજો મુદ્દો ફોટોગ્રાફનો છે. ‘ધ હિન્દુ’ના જણાવ્યા પ્રમાણે ઇન્ડિયન એક્સપ્રેસે તેના ફોટોગ્રાફર થમોધરને લીધેલો ઋષિકાંતનો ફોટો પણ પરવાનગી વગર ઉપાડી લીધો હતો. આ ફોટો ઇન્ડિયન એક્સપ્રેસના લેખમાં છાપવામાં આવ્યો હતો. જોકે, ઇન્ડિયન એક્સપ્રેસે ફોટોની ક્રેડિટ ઇન્સ્ટાગ્રામને આપી હતી. જ્યારે ધ હિન્દુના મૂળ લેખમાં આ જ ફોટોની ક્રેડિટ થમોધરનને આપવામાં આવી હતી.
અહીં નોંધવા જેવી બાબત એ પણ છે કે ઇન્ડિયન એક્સપ્રેસે પોતાના લેખમાં એક જગ્યાએ ઋષિકાંતના નિવેદનનો ઉલ્લેખ કરતી વખતે ‘ધ હિન્દુ’નો ઉલ્લેખ કર્યો હતો. જોકે, ‘ધ હિન્દુ’નો વાંધો આખા ઇન્ટરવ્યુના મોટાભાગની વિગતોનો ઉપયોગ કરવા અને ફોટોગ્રાફરને યોગ્ય ક્રેડિટ ન આપવા સામે છે.
નવેમ્બર 6 સુધી ઇન્ડિયન એક્સપ્રેસ તરફથી આ આરોપો અંગે કોઈ પ્રતિક્રિયા નથી આવી. આ સમગ્ર ઘટનામાં રસપ્રદ બાબત એ છે કે બંને અખબારો પોતાને જવાબદાર અને વિશ્વસનીય પત્રકારત્વના પ્રતિનિધિ તરીકે રજૂ કરે છે, પરંતુ હવે એક અખબારે બીજા અખબાર સામે જ પત્રકારત્વના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે.

