મર્સિડીઝ બેન્ઝથી ટક્કર મારીને એકનું મોત નીપજાવનાર સગીરને અપાયેલા જામીન રદ કરવાનો કેરળની કોર્ટનો ઇનકાર, જજ બાપને હાઇકોર્ટે આપ્યા જામીન

કેરળના કોચીમાં મર્સિડીઝ બેન્ઝ કાર બેફામ હંકારીને એક સ્કૂટરચાલકનું મોત નીપજાવનાર 17 વર્ષીય આરોપીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે આપેલા જામીન રદ કરવાનો ઇનકાર કરી દીધો છે.

આરોપી એક એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજનો પુત્ર છે અને તેણે ગયા મહિને 25 તારીખે મર્સિડીઝ કારથી એક સ્કૂટરને ટક્કર મારી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેની અટકાયત કરીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા હતા.

જામીન મંજૂર કરવાના આ નિર્ણય વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે જામીન રદ કરવાની ના પાડી દીધી છે. અપીલ સરકાર અને મૃતકના પરિજનોએ દાખલ કરી હતી.

આરોપી સગીર વિરુદ્ધ શરૂઆતમાં રૅશ ડ્રાઇવિંગ અને બેદરકારીથી મોત મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ વિરોધ અને આક્રોશ બાદ પોલીસે ગેરઇરાદતન હત્યાની કલમો પણ જોડી હતી.

FIRમાં સગીરના જજ બાપનું પણ નામ છે, જેની પોલીસે પૂછપરછ પણ કરી હતી. પરંતુ ત્યારબાદ જજે હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી દીધી હતી, જેની ઉપર હાઇકોર્ટે ધરપકડથી રક્ષણ આપી દીધું હતું અને કહ્યું હતું કે તેઓ જજ છે, જેથી તેમની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી અને તેઓ તપાસમાં સહયોગ આપશે.

જજ બાપને પણ આગોતરા જામીન

ત્યારબાદ કેરળ હાઇકોર્ટે ગુરુવારે (5 નવેમ્બર) સગીર આરોપીના જજ બાપને આગોતરા જામીન પણ આપી દીધા હતા.

જામીન આપતી વખતે કેરળ હાઇકોર્ટે કહ્યું કે એવું કશું જ મળ્યું નથી જેનાથી એ સાબિત કરી શકાય કે જજે ચાલુ તપાસમાં સહયોગ નથી આપ્યો. કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો કે આ કેસમાં શું ધરપકડની જરૂર છે કે કેમ.

કોર્ટે કહ્યું, “તમને લાગે છે કે ડિસ્ટ્રિક્ટ જજ તપાસમાં સહયોગ નહીં આપે? તમે (પોલીસ) જામીનનો વિરોધ કરી રહ્યા છે તેનો અર્થ એ થયો કે તમે ધરપકડ કરવા માગો છો. ધરપકડ કેમ કરવી છે? તમે એમ કહેવા માગો છો કે તેઓ માત્ર કસ્ટોડિયલ પૂછપરછ દરમ્યાન જ સત્ય બોલશે? એક વકીલ તરફથી આવી દલીલ દુર્ભાગ્યપૂર્ણ છે.”

આગોતરા જામીનની અરજીમાં જજે દલીલ કરી હતી કે તેમને જાણ ન હતી કે તેમનો પુત્ર તેમનું વાહન લઈને ગયો છે અને પોતે ક્યારેય પણ ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવાની પરવાનગી આપી નથી કે આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન પણ આપ્યું નથી. ઉપરાંત BNSની કલમ 105 લગાવવાનો પણ વિરોધ કર્યો હતો.

બીજી તરફ મૃતકના પરિજનોએ આ અરજીનો વિરોધ કર્યો હતો અને આગોતરા જામીન ન આપવાની માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ઘટના પછી જ જજે ઢાંકપિછોડો કરવાનું શરૂ કરી દીધું હતું અને સ્થળ પર પહોંચીને લગભગ ત્રણ કલાક સુધી ત્યાં જ રહ્યા હતા. જજની આ વર્તણૂક વિરુદ્ધ પરિવારે તપાસની માંગ કરી હતી અને કોઈ પુરાવા સાથે છેડછાડ થઈ છે કે કેમ તે બાબતે તપાસ કરવા માટે પણ કહ્યું હતું. પરંતુ હાઇકોર્ટે જામીન આપી દીધા છે.