
અદાણી ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં ‘પત્રકાર’ રવિ નાયરની વધુ એક અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. દોષી ઠેરવતા ટ્રાયલ કોર્ટના આદેશ વિરુદ્ધ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી અપીલના કેસમાં નાયરે વધુ એક અરજી દાખલ કરીને વધારાના અમુક પુરાવાઓ રજૂ કરવાની માંગ કરી હતી, જે સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ નાયર હાઇકોર્ટ ગયો હતો, પરંતુ હવે હાઇકોર્ટે પણ અરજી રદ કરી છે. બીજી તરફ અન્ય એક મે 2026ની FIRમાં સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન રદ થતાં રવિ નાયરે હાઇકોર્ટમાં અરજી કરી છે, જેની ઉપર આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
ફેબ્રુઆરી 2026માં ગાંધીનગરની માણસા તાલુકા કોર્ટે રવિ નાયરને અદાણી જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં દોષી ઠેરવ્યા બાદ તેણે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. દરમ્યાન નાયરે એક અરજી દાખલ કરીને એવી માગ કરી હતી કે અદાણી જૂથે ટ્રાયલ દરમિયાન જે લેખોની લિંક્સ રજૂ કરી હતી તેના મૂળ દસ્તાવેજો, પ્રિન્ટઆઉટ અને સ્ક્રીનશૉટને રેકોર્ડ પર લેવામાં આવે.
ગાંધીનગર સેશન્સ કોર્ટે 22 જુલાઈ 2026ના રોજ તેની આ અરજી ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટના આ નિર્ણયને રવિ નાયરે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. બીજી તરફ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન અદાણી જૂથના વકીલે વિરોધ કરતા જણાવ્યું હતું કે નાયર પાસે ટ્રાયલ કોર્ટમાં આ દસ્તાવેજો રજૂ કરવાની પૂરી તક હતી, પરંતુ તે વખતે તેણે પુરાવા ન રજૂ કર્યા અને હવે અપીલના તબક્કે મોડેથી આ માગ કરવામાં આવી રહી છે.
2 નવેમ્બર 2026ના રોજ જસ્ટિસ આર. ટી. વચ્છાણીએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે જે દસ્તાવેજો ફરીથી રજૂ કરવાની માગ કરવામાં આવી રહી છે તેમાંથી ઘણા દસ્તાવેજો પહેલેથી જ કેસના રેકોર્ડનો ભાગ છે, જેથી વધારાના પુરાવા મંજૂર કરવાનો કોઈ આધાર બનતો નથી. ત્યારબાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
આ મામલો 2020-21માં રવિ નાયરે અદાણી જૂથ વિરુદ્ધ કરેલાં અમુક ટ્વિટ અને અમુક વેબસાઈટો પર પ્રકાશિત કરેલા લેખોનો છે, જેમાં ઉદ્યોગસમૂહને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. આ મામલે ઉદ્યોગસમૂહની એક કંપનીએ પછીથી માણસા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. માણસા કોર્ટે ફેબ્રુઆરી 2026માં રવિ નાયરને દોષી ઠેરવતો ચુકાદો આપ્યો હતો અને 1 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ચુકાદાને નાયરે સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે.
મે 2026ની FIR મામલે અમદાવાદ કોર્ટે ફગાવી આગોતરા જામીનની અરજી, હવે હાઇકોર્ટમાં અપીલ
બીજી તરફ નાયર વિરુદ્ધ મે 2026માં વધુ એક FIR દાખલ કરવામાં આવી હતી, જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. જેમાં આરોપ છે કે નાયરે ફર્જી દસ્તાવેજોના આધારે ભારત સરકારના કહેવાથી LICએ અદાણી જૂથની કંપનીઓમાં મોટું રોકાણ કર્યું હોવાનો દાવો કર્યો હતો.
આ મામલે રવિ નાયરે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને FIR રદ કરવાની માંગ કરી હતી પરંતુ આ અરજી પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી.
આ જ કેસમાં નાયરે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની માંગ સાથે અરજી દાખલ કરી હતી, જે અમદાવાદ કોર્ટે 23 ઑક્ટોબરના રોજ ફગાવી દીધી હતી.
અરજીમાં નાયરે દલીલ કરી હતી કે આરોપ તેના પત્રકારત્વ પરથી ઉદ્ભવ્યા છે અને તેમ છતાં તેણે તપાસમાં પૂરતો સહયોગ આપ્યો છે. પોલીસ પાસે પહેલેથી અમુક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને ડોક્યુમેન્ટ છે એટલે કસ્ટોડિયલ પૂછપરછની કોઈ જરૂરિયાત જણાતી નથી. સાથે તેણે લેખ પ્રકાશિત થયાના લગભગ દસ મહિના બાદ FIR દાખલ થઈ હોવાની પણ દલીલ કરી હતી અને સાથે અગાઉની અરજીઓની જેમ દલીલ કરી કે તેને ડરાવવા-ધમકાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોર્ટે સામે પક્ષના દલીલોની વકીલો ધ્યાનમાં લઈને નોંધ્યું કે રવિ નાયર માત્ર એક જ વખત પૂછપરછ માટે હાજર રહ્યો હતો અને ત્યારથી સતત નોટિસ આપવામાં આવ્યા છતાં હાજર થઈ રહ્યો નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે રવિ નાયરે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ તેની અરેસ્ટ વૉરન્ટ વિરુદ્ધની એક અરજી પેન્ડિંગ છે. પરંતુ વાસ્તવમાં આ અરજી 30 સપ્ટેમ્બર 2026ના રોજ જ ડિસમિસ કરી દેવામાં આવી હતી.
આ સિવાય કોર્ટે એ હકીકત પણ ધ્યાને લીધી કે રવિ નાયરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી ત્યારે ત્યાં પોતાનું દિલ્હીનું સરનામું રજૂ કર્યું હતું અને કેરળની કોર્ટમાં કેરળનું સરનામું રજૂ કરી રહ્યો છે. કોર્ટે જુદી-જુદી કોર્ટમાં જુદાં-જુદાં સરનામાં રજૂ કરવાની રવિ નાયરની પ્રવૃત્તિની પણ ગંભીર નોંધ લીધી. સામે પક્ષેથી ફરિયાદ કરવામાં આવી હતી કે રવિ નાયર જે કોર્ટમાં જાય ત્યાં અનુકૂળતા અનુસાર પોતાનું સરનામું બદલતો રહે છે પણ એ હકીકત જણાવતો નથી કે દિલ્હી તેનું કાયમી સરનામું છે અને કેરળ કામચલાઉ.
અંતે કોર્ટે કહ્યું કે હાલ તપાસ ચાલી રહી છે અને ચાર્જશીટ પણ દાખલ કરવાં આવી નથી, જેથી આ તબક્કે આગોતરા જામીનની અરજી મંજૂર કરી શકાય એમ નથી. 23 ઑક્ટોબરના રોજ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. હવે રવિ નાયરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન માટેની માંગ કરી છે, જેની ઉપર 6 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

