ચાઈલ્ડ એબ્યુઝ મટિરિયલ મામલે મેટા ઇન્ડિયા સામે દિલ્હી પોલીસે દાખલ કરી FIR, NHRCના આદેશ બાદ એક્શન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરન્ટ કંપની મેટા ઇન્ડિયા સામે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરતાં FIR નોંધી છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના (NHRC) નિર્દેશ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલો મેટાના પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવતી કેટલીક પેઇડ જાહેરાતો સાથે જોડાયેલો છે, જેના પર ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSAM) સુધી પહોંચાડવાના ગંભીર આરોપો લાગ્યા છે.

આ સમગ્ર વિવાદ ઇન્સ્ટાગ્રામ પર આવી શંકાસ્પદ અને વાંધાજનક જાહેરાતો ચાલતી હોવાનો દાવો કરવામાં આવ્યા બાદ સામે આવ્યો હતો. અહેવાલ અનુસાર, આ જાહેરાતોમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને લોકોને ટેલિગ્રામ ચેનલો સુધી મોકલવામાં આવતા હતા. ટેલિગ્રામ પર પૈસા લઈને બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલા વિડીયો અને ફોટા વેચવામાં આવતા હતા.

NHRCએ માંગ્યો હતો જવાબ

આ ઘટના સામે આવ્યા બાદ NHRC એ સપ્ટેમ્બર 2026માં કડક વલણ અપનાવ્યું હતું. આયોગે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય, માહિતી-પ્રસારણ મંત્રાલય અને દિલ્હી પોલીસને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો. આયોગે સવાલ કર્યો હતો કે આવી વાંધાજનક જાહેરાતો પ્લેટફોર્મ પર મંજૂર કેવી રીતે થઈ અને આવી સામગ્રી રોકવા માટે શું સુરક્ષા પગલાં લેવામાં આવ્યાં.

આયોગે આ કેસમાં પોક્સોની કલમ 19નો ઉલ્લેખ કર્યો હતો. આ કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ કે સંસ્થાને બાળ શોષણ વિશે જાણ થાય અથવા શંકા જાય તો તરત જ પોલીસને જાણ કરવી ફરજિયાત છે. NHRCએ તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો કે મેટા અને અધિકારીઓએ પોતાની આ કાનૂની અને નૈતિક જવાબદારી પૂરી કરી હતી કે નહીં.

આ ઉપરાંત, આયોગે સોશિયલ મીડિયા કંપનીઓની કાયદાકીય જવાબદારીઓ પર પણ મોટા સવાલો ઊભા કર્યા હતા. સામાન્ય રીતે મેટા જેવી કંપનીઓ પોતાને માત્ર એક ‘પ્લેટફોર્મ’ ગણાવીને સામગ્રીની જવાબદારીમાંથી બચતી હોય છે. પરંતુ જો કંપનીના AI અને અલ્ગોરિધમ આવી જાહેરાતોને વધુ લોકો સુધી પહોંચાડતા હોય તો કંપની પોતાની જવાબદારીથી છટકી શકે નહીં.

બીજી તરફ, આ તમામ આરોપો સામે મેટા કંપનીએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે. મેટાએ કહ્યું કે તેઓ બાળ શોષણ સંબંધિત સામગ્રી સામે કાર્યવાહી કરવા માટે AI ટેકનોલોજી અને સુરક્ષા વ્યવસ્થાનો ઉપયોગ કરે છે.

દિલ્હી પોલીસે FIR નોંધ્યા બાદ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થશે. આ તપાસ દરમિયાન ડિજિટલ પુરાવાઓ, જાહેરાત આપનારા લોકોની ઓળખ અને નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવશે. હાલમાં માત્ર FIR નોંધાઈ છે અને આગળની પોલીસ તપાસ બાદ જ મેટાની કાનૂની જવાબદારી અને અંતિમ તારણો સ્પષ્ટ થશે.