
2 નવેમ્બરે ‘રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સે’ (RSF) ‘પ્રેસ ફ્રીડમ પ્રિડેટર્સ લિસ્ટ’ શીર્ષક અંતર્ગત એક રિપોર્ટ છાપ્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ યાદીમાં ‘ઑપઇન્ડિયા’ અને અદાણી ગ્રુપને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે. RSFએ ઑપઇન્ડિયા પર કથિત રીતે પત્રકારોની છબી ખરાબ કરવાનો અને અદાણી ગ્રુપ પર પત્રકારો સામે કાયદાકીય કાર્યવાહી કરીને તેમનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો છે!
RSF દ્વારા ઑપઇન્ડિયા પર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તે પત્રકારત્વ પર હુમલા કરે છે અને લોકોમાં મીડિયા પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે. જોકે, વાસ્તવિકતા એ છે કે ઑપઈન્ડિયા 2014થી દેશવિરોધી એજન્ડા ચલાવતા ‘લિબરલ મીડિયા કાર્ટેલ’ અને હિંદુત્વ-વિરોધી ખોટા નરેટિવનો પર્દાફાશ કરી રહ્યું છે.
RSFએ એવો પણ દાવો કર્યો છે કે વર્ષ 2026 દરમિયાન ઑપઇન્ડિયા દ્વારા પત્રકારો અને મીડિયા સંસ્થાઓને નિશાન બનાવીને ડઝનબંધ લેખો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ મામલે સંસ્થાએ નોર્વેની ‘પત્રકાર’ હેલે લિંગનું ઉદાહરણ આપ્યું છે. આ એ જ પત્રકાર છે જેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન નિયમો તોડીને હોબાળો મચાવ્યો હતો.
બીજી તરફ, RSFએ અદાણી ગ્રુપને ‘લીગલ’ કેટેગરીમાં મૂક્યું છે. સંસ્થાએ ગૌતમ અદાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના સાથી ગણાવીને દાવો કર્યો છે કે અદાણી ગ્રુપ અને તેની સહાયક કંપનીઓએ વર્ષ 2017થી અત્યાર સુધીમાં 15થી વધુ પત્રકારો અને મીડિયા સંસ્થાઓ સામે આશરે 10 કાયદાકીય કાર્યવાહી કરી છે. આ યાદીમાં ‘પત્રકાર’ રવિ નાયરની ધરપકડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ફેબ્રુઆરી 2026માં ગુજરાતની ગાંધીનગર કોર્ટે રવિ નાયરને ગુનાહિત માનહાનિના કેસમાં એક વર્ષની કેદ અને દંડની સજા ફટકારી હતી. કોર્ટે સ્પષ્ટ માન્યું હતું કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી તેમની પોસ્ટ્સ માત્ર ટીકા નહોતી, પરંતુ કંપની પર ભ્રષ્ટાચાર અને કાયદાના ઉલ્લંઘનના ખોટા આરોપો લગાવીને રોકાણકારોનો વિશ્વાસ તોડવાનું ષડયંત્ર હતું.
ઉલ્લેખનીય છે કે વિદેશી સંસ્થા ‘RSF’ની વિશ્વસનીયતા અને તેની ફંડિંગ સિસ્ટમ પર હંમેશાં સવાલો ઊભા થતા રહ્યા છે. આ સંસ્થાને પશ્ચિમી દેશોની સરકારો અને જ્યોર્જ સોરોસ સાથે સંકળાયેલ ફોર્ડ ફાઉન્ડેશન જેવી મોટી સંસ્થાઓ તરફથી ફંડિંગ મળે છે. નોંધનીય છે કે ફોર્ડ ફાઉન્ડેશનને ભારતમાં રાજકીય હસ્તક્ષેપ કરવા અને રાષ્ટ્રીય હિતો વિરુદ્ધ પ્રચાર કરતી સંસ્થાઓને નાણાં પૂરાં પાડ્યાં હોવાના ઘણા અહેવાલો સામે આવી ચૂક્યા છે.
RSFની 2026ની આ યાદી એ મોટો સવાલ ઊભો કરે છે કે શું ખરેખર પત્રકારત્વનું સ્વતંત્ર મૂલ્યાંકન થઈ રહ્યું છે કે પછી કોઈ ચોક્કસ વૈચારિક એજન્ડાને જ ‘સ્વતંત્ર પત્રકારત્વ’નું સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે?

