હોમપેજગુજરાતહજારો ઑફિસો, વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છતાં ડાયમંડ બુર્સ હજુ સંપૂર્ણ કાર્યરત કેમ નથી:...

હજારો ઑફિસો, વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છતાં ડાયમંડ બુર્સ હજુ સંપૂર્ણ કાર્યરત કેમ નથી: વિલંબ પાછળનાં કારણો અને વૈશ્વિક હીરા વેપારનું મોટું વિઝન

ડાયમંડ બુર્સનું નિર્માણ એક પડકાર હતો અને તેને ભારતના હીરા ઉદ્યોગના ધબકતા કેન્દ્રમાં ફેરવવાનું બીજું મોટું કામ છે. પહેલું કામ પૂર્ણ થયું છે. બીજા કામમાં સમય લાગી રહ્યો છે. પરંતુ સમય લાગવો અને નિષ્ફળ જવું એ બંને એક જ બાબત નથી. સુરત ડાયમંડ બુર્સને જોવાની દૃષ્ટિ પણ આ જ તફાવત સમજીને કેળવવી પડશે.

- Advertisement -

સુરતના ખજોદમાં આવેલી વિશાળ ઇમારત, નવ ટાવર, હજારો ઑફિસો અને દુનિયાના સૌથી મોટા ઑફિસ કોમ્પ્લેક્સમાં સ્થાન પામેલું સુરત ડાયમંડ બુર્સ. ડિસેમ્બર 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું ત્યારે ગુજરાતના હીરા ઉદ્યોગ માટે એક નવા યુગની શરૂઆત તરીકે તેને જોવામાં આવ્યો હતો. જોકે, આજે પણ આ વિશાળ સંકુલ સંપૂર્ણપણે કાર્યરત થયું નથી. પરિણામે, અવારનવાર તેની કામગીરીને લઈને સવાલો ઊઠતા રહે છે. તાજેતરમાં ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’એ પણ આ જ મુદ્દે એક લેખ પ્રકાશિત કર્યો હતો અને તેને વડા પ્રધાન મોદીના ઉદ્ઘાટન સાથે જોડવામાં આવ્યો હતો. પરંતુ કોઈપણ મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરતી વખતે એક બાબત સમજવી જરૂરી છે કે તેનું નિર્માણ પૂર્ણ થવું અને તેની પાછળની આખી ઔદ્યોગિક ઇકોસિસ્ટમ ઊભી થવી એ બે અલગ બાબતો છે. સુરત ડાયમંડ બુર્સને સમજવા માટે પણ પહેલાં એ જાણવું જરૂરી છે કે આખરે તેની કલ્પના શા માટે કરવામાં આવી હતી.

માત્ર એક ઇમારત નહીં, ભારતના હીરા ઉદ્યોગને એક મંચ પર લાવવાનો વિચાર

સુરત અને હીરા એકબીજાના પર્યાય છે. દુનિયામાં વેચાતા મોટાભાગના હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. શહેરમાં હજારો નાનાં-મોટાં એકમો, વેપારીઓ, કારીગરો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયો કાર્યરત છે. આમ છતાં, હીરાના વૈશ્વિક વેપારનું એક કેન્દ્ર મુંબઈ રહ્યું છે. મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં (BKC) આવેલું ભારત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય હીરા વેપારનું એક મહત્વનું કેન્દ્ર છે. એટલે કે હીરાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં સુરતમાં થાય, પરંતુ તેના મોટાપાયાના આંતરરાષ્ટ્રીય વેપાર માટે મુંબઈ જવું પડે. આ વ્યવસ્થામાં એક અંતર હતું, જેને દૂર કરવાની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાતી હતી.

સુરત ડાયમંડ બુર્સ પાછળનો મૂળ વિચાર આ જ અંતર ઘટાડવાનો હતો. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી અલગ-અલગ પ્રવૃત્તિઓને એક જ સ્થળે લાવવી, જેથી વેપાર, ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય લેવડદેવડ વચ્ચે વધુ સંકલન ઊભું થાય. અહીં માત્ર હીરાની ખરીદ-વેચાણ કરતી ઑફિસો જ નહીં, પરંતુ રફ ડાયમંડ અને પોલિશ્ડ ડાયમંડનો વેપાર, હીરા ઉત્પાદન માટેની મશીનરી, ડાયમંડ પ્લાનિંગ સોફ્ટવેર, સર્ટિફિકેશન, લેબગ્રોન ડાયમંડ અને જ્વેલરી રિટેલ જેવી પ્રવૃત્તિઓને પણ સ્થાન આપવાનું આયોજન છે. દેશ-વિદેશના વેપારીઓ એક જ સ્થળે આવે, આંતરરાષ્ટ્રીય ખરીદદારોને તમામ જરૂરી સુવિધાઓ એક જ સંકુલમાં મળે અને હીરાના વેપાર માટેની એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસે, આ તેનો વ્યાપક ઉદ્દેશ્ય છે.

- Advertisement -

બીજા શબ્દોમાં કહીએ તો સુરત ડાયમંડ બુર્સ માત્ર સુરતના હીરા વેપારીઓને એક જગ્યાએ બેસાડવા માટે બનાવવામાં આવ્યું નથી. તે મુંબઈમાં કેન્દ્રિત હીરાના મોટા વેપારને પણ સુરત તરફ આકર્ષવાનો પ્રયાસ છે. ઉત્પાદન જ્યાં થાય છે ત્યાં જ વેપારનું મોટું કેન્દ્ર પણ ઊભું થાય તો સ્વાભાવિક રીતે સમગ્ર ઉદ્યોગને તેનો લાભ મળી શકે. પરિવહનનો ખર્ચ ઘટે, સમય બચે, વેપારીઓ વચ્ચે સીધો સંપર્ક વધે અને આંતરરાષ્ટ્રીય ખરીદદારોને વધુ સુવિધાજનક માળખું મળે. આ એક દિવસમાં નહીં, પરંતુ લાંબાગાળે ભારતીય હીરા ઉદ્યોગની કાર્યપદ્ધતિ બદલી શકે એવો વિચાર છે.

સરકારી પ્રોજેક્ટ નહીં, હીરા ઉદ્યોગનું પોતાનું સ્વપ્ન

સુરત ડાયમંડ બુર્સ અંગેની ચર્ચામાં એક મહત્ત્વની બાબત ઘણી વખત ધ્યાન બહાર રહી જાય છે. આ કોઈ સરકારી ભંડોળથી ઊભો કરવામાં આવેલો પ્રોજેક્ટ નથી. આ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની પહેલ અને તેમના સહયોગથી સાકાર થયેલું માળખું છે. તેની પાછળ ઉદ્યોગના જ લોકોની મૂડી, આયોજન અને લાંબાગાળાનું વિઝન રહેલું છે. આ એક નફારહિત સંસ્થા તરીકે નોંધાયેલું માળખું છે, જેને ઉદ્યોગના સભ્યોએ મળીને વિકસાવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું એ વાત સાચી છે. પરંતુ ઉદ્ઘાટન કરવા આવવું અને કોઈ પ્રોજેક્ટનું નિર્માણ કરવું એ બે અલગ બાબતો છે. વડા પ્રધાનની હાજરી આ પ્રોજેક્ટનું મહત્વ અને તેની પાછળના વિઝનને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવતી ઘટના હતી. પ્રોજેક્ટની માલિકી, તેની રચના અને તેને કાર્યરત કરવાની જવાબદારી હીરા ઉદ્યોગના પોતાના લોકોની છે.

આ સંદર્ભમાં ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’નો તાજેતરનો લેખ પણ ધ્યાન ખેંચે છે. લેખમાં સુરત ડાયમંડ બુર્સની હાલની સ્થિતિની ચર્ચા કરતાં તેના ઉદ્ઘાટન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામને વિશેષ રીતે જોડવામાં આવ્યું છે. જાણે કે વડા પ્રધાને ઉદ્ઘાટન કરેલો પ્રોજેક્ટ અપેક્ષા મુજબ ઝડપથી કાર્યરત ન થાય તો તે સરકારની કોઈ નિષ્ફળતાનો પુરાવો હોય. પરંતુ આ પ્રોજેક્ટની વાસ્તવિકતા સમજવા માટે તેના ઉદ્ઘાટનથી આગળ વધીને હીરા ઉદ્યોગની પરિસ્થિતિ, વેપારની પ્રકૃતિ અને આટલા મોટા માળખામાં સ્થળાંતરની પ્રક્રિયાને સમજવી જરૂરી છે.

છેલ્લા ત્રણ-ચાર વર્ષથી હીરા ઉદ્યોગ સામે પડકારો

કોઈપણ વેપારી પોતાનો ધંધો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનો નિર્ણય લે ત્યારે તેની પાછળ માત્ર નવી ઇમારત કે વધુ સારી ઑફિસ હોવી પૂરતી નથી. તેને બજારની સ્થિતિ, ગ્રાહકોની અવરજવર, વેપારના સંબંધો, કર્મચારીઓની સુવિધા, પરિવહન અને સૌથી મહત્વનું પોતાના ધંધાની સ્થિરતા જોવી પડે છે. ખાસ કરીને હીરા ઉદ્યોગમાં આ બાબત વધુ મહત્વની છે, કારણ કે આ વેપાર માત્ર ઑફિસમાં બેસીને થતો નથી. તેમાં વર્ષોથી વિકસેલા આંતરરાષ્ટ્રીય સંબંધો, વિશ્વાસ, ખરીદદારોની અવરજવર અને વેપારની એક આખી વ્યવસ્થા કામ કરતી હોય છે.

છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી વૈશ્વિક હીરા ઉદ્યોગની સ્થિતિ ખાસ સારી રહી નથી. કોરોના મહામારી પછી વિશ્વની આર્થિક સ્થિતિમાં અનેક ફેરફારો આવ્યા. રશિયા-યુક્રેન યુદ્ધે આંતરરાષ્ટ્રીય વેપાર અને પુરવઠાની સાંકળને અસર કરી. પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાનને કેન્દ્રમાં રાખીને ઊભી થયેલી તંગદિલીએ પણ વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધારી. આ ઉપરાંત ચીન જેવા મોટા બજારોમાં માંગ, કુદરતી હીરાની કિંમતોમાં ઘટાડો અને લેબગ્રોન ડાયમંડના વધતા વ્યાપે પણ કુદરતી હીરાના વેપાર સામે નવા પડકારો ઊભા કર્યા.

હીરો લક્ઝરી પ્રોડક્ટની શ્રેણીમાં આવે છે. જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા હોય, ગ્રાહકો ખર્ચ કરવામાં સાવચેતી રાખતા હોય અને આંતરરાષ્ટ્રીય વેપાર સામે અનેક પડકારો હોય ત્યારે તેની અસર હીરાની માંગ પર પણ પડે છે. આવા સમયે વેપારીઓ માટે પોતાના હાલના ધંધાને સ્થિર રાખવો વધુ મહત્વનો બની જાય છે. ધંધો જ્યાં વર્ષોથી ચાલી રહ્યો છે ત્યાંથી તેને અન્ય સ્થળે ખસેડવો એટલે માત્ર ઑફિસ બદલવી નહીં, પરંતુ ગ્રાહકો, કર્મચારીઓ, વ્યવસાયિક સંપર્કો અને રોજિંદી કામગીરીનું આખું માળખું બદલવું. બજારની સ્થિતિ તંગ હોય ત્યારે કોઈ વેપારી આવું મોટું જોખમ લેતાં પહેલાં અનેક વાર વિચાર કરે એ સ્વાભાવિક છે.

મુંબઈના હીરા ઉદ્યોગને સ્થળાંતર કરતા 15થી 20 વર્ષ લાગ્યાં હતાં

આ બાબત સમજવા માટે મુંબઈનું જ ઉદાહરણ પૂરતું છે. હીરા ઉદ્યોગની એક જાણીતી વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન તેમણે એક મહત્ત્વની વાત જણાવી. મુંબઈમાં હીરા ઉદ્યોગને પંચરત્નથી બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સુધી સ્થળાંતરિત થતાં અંદાજે 15થી 20 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે બંને સ્થળો એક જ શહેરમાં છે. વેપારીઓએ શહેર છોડવાનું નહોતું, માત્ર એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવાનું હતું. તેમ છતાં આખા ઉદ્યોગને નવી જગ્યાએ સ્થાયી થતાં દોઢ-બે દાયકા જેટલો સમય લાગ્યો.

હવે સુરત ડાયમંડ બુર્સના કિસ્સામાં તો વાત માત્ર એક શહેરના બે વિસ્તારો વચ્ચેના સ્થળાંતરની નથી. અહીં સુરતના અલગ-અલગ વિસ્તારોમાં પથરાયેલા હીરા વેપારને એકત્રિત કરવાનો છે અને સાથે મુંબઈમાં કાર્યરત મોટા વેપારીઓને પણ આ નવા કેન્દ્ર તરફ આકર્ષવાના છે. એટલે આ પ્રક્રિયાની સરખામણી માત્ર ઇમારત બની ગઈ એટલે બીજા દિવસથી તમામ ઑફિસો શરૂ થઈ જવી જોઈએ એવી અપેક્ષા સાથે ન કરી શકાય.

હીરા ઉદ્યોગની અન્ય એક જાણીતી વ્યક્તિએ અમને જણાવ્યું કે સુરત ડાયમંડ બુર્સની 4,000 જેટલી ઑફિસો વેચાઈ ચૂકી છે. આ આંકડો પણ સમજવા જેવો છે. આટલી મોટી સંખ્યામાં ઑફિસોની ખરીદીનો અર્થ એ છે કે ઉદ્યોગના લોકોએ આ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે અને તેના ભવિષ્યમાં વિશ્વાસ મૂક્યો છે. ઑફિસ ખરીદવી અને તેમાં તાત્કાલિક ધોરણે પોતાનો આખો ધંધો શરૂ કરી દેવો એ બે અલગ બાબતો છે. કોઈ વેપારી પાસે ઑફિસ હોય એટલે તે બીજા જ દિવસે પોતાનું વર્ષોથી ચાલતું વ્યવસાયિક માળખું ત્યાં ખસેડી દે એવું જરૂરી નથી.

આટલા મોટા પ્રોજેક્ટને સમય તો લાગવાનો જ

સુરત ડાયમંડ બુર્સ નવ ટાવર, 15 માળ અને હજારો ઑફિસો ધરાવતું વિશાળ સંકુલ છે. લગભગ 67 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ માળખાને માત્ર એક કોમર્શિયલ બિલ્ડિંગ તરીકે જોવું તેની સાથે અન્યાય કરવા જેવું છે. આ તો એક આખા ઉદ્યોગને નવી વ્યવસ્થામાં ગોઠવવાનો પ્રયાસ છે. તેમાં ઑફિસો શરૂ થવાની સાથે બેન્કિંગ, સુરક્ષા, પરિવહન, આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટેની સુવિધાઓ, વેપાર સંબંધિત સેવાઓ અને અન્ય આનુષંગિક વ્યવસાયોનું પણ એકસાથે વિકસવું જરૂરી છે.

આવા પ્રોજેક્ટમાં એક પ્રકારની પરસ્પર નિર્ભરતા હોય છે. વેપારી ત્યાં જાય તો તેને ગ્રાહકો અને અન્ય વેપારીઓની હાજરી જોઈએ. ગ્રાહકો અને વેપારીઓની અવરજવર વધે તો અન્ય સેવાઓ વિકસે. સેવાઓ વિકસે તો નવા વેપારીઓ માટે ત્યાં જવાનું વધુ અનુકૂળ બને. એટલે આ એક એવી પ્રક્રિયા છે જેમાં દરેક બાબત બીજી બાબતને આગળ ધપાવે છે. શરૂઆતમાં ગતિ ધીમી હોય શકે, પરંતુ એકવાર વ્યવસાયિક પ્રવૃત્તિઓનું પ્રમાણ વધવા લાગે પછી આખું માળખું વધુ ઝડપથી વિકસે છે.

સુરત ડાયમંડ બુર્સના કિસ્સામાં બજારની વર્તમાન સ્થિતિએ આ પ્રક્રિયાને વધુ સમય લીધો છે. હીરા ઉદ્યોગના વેપારીઓ માટે અત્યારે સૌથી મહત્વની બાબત પોતાના વ્યવસાયને સ્થિર રાખવાની છે. આવી સ્થિતિમાં સ્થળાંતરની ગતિ ધીમી હોવી એ પ્રોજેક્ટના મૂળ વિચાર કે તેની ઉપયોગિતાને નકારી કાઢવાનું કારણ બની શકે નહીં.

આજે શહેરની બહાર, આવતીકાલે સુરતના વિકાસનું નવું કેન્દ્ર

સુરત ડાયમંડ બુર્સ અંગે વારંવાર ઊઠતો બીજો મુદ્દો તેનું ભૌગોલિક સ્થાન છે. ખજોદમાં આવેલું આ સંકુલ હાલના સુરતના મુખ્ય વ્યાપારી વિસ્તારોની સરખામણીએ બહાર આવેલું છે. હીરા વેપારીઓ માટે રોજિંદી અવરજવર અને વ્યવસાયિક સંપર્કોની દૃષ્ટિએ આ બાબત મહત્વની બની શકે છે. જોકે, શહેરના વિકાસને માત્ર આજના નકશા પર જોઈને સમજવો યોગ્ય નથી.

સુરત છેલ્લા કેટલાક દાયકાઓમાં ઝડપથી વિસ્તર્યું છે. શહેરની વસ્તી, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને રહેણાક વિસ્તારોનો વ્યાપ સતત વધ્યો છે. વિકાસની આ ગતિ જળવાઈ રહે તો આગામી 10થી 15 વર્ષમાં આજે શહેરની બહાર ગણાતો ખજોદ વિસ્તાર પણ સુરતના વિસ્તરતા શહેરી માળખાનો અભિન્ન હિસ્સો બની શકે છે. આજે જે અંતર મોટું લાગે છે તે આવનારા સમયમાં એટલું મહત્વનું ન પણ રહે.

આ ઉપરાંત DREAM City જેવા મોટા શહેરી વિકાસ પ્રોજેક્ટની પરિકલ્પના પણ આ જ વિસ્તારને ભવિષ્યના વિકાસ કેન્દ્ર તરીકે વિકસાવવાની છે. ડાયમંડ બુર્સને માત્ર આજની આસપાસની સુવિધાઓના આધારે નહીં, પરંતુ સુરતના આગામી દાયકાઓના વિકાસના સંદર્ભમાં પણ જોવો જોઈએ. મોટા શહેરોનો વિકાસ હંમેશા તેમનાં જૂનાં કેન્દ્રોની આસપાસ જ થતો નથી. ઘણી વખત નવા વિસ્તારોમાં ઊભાં કરવામાં આવેલાં માળખાં જ ભવિષ્યમાં શહેરની આર્થિક ગતિવિધિઓનાં નવાં કેન્દ્ર બને છે.

હીરાની ચમક માટે સમયની રાહ જોવી પડશે

સુરત ડાયમંડ બુર્સની સફળતાનો પ્રશ્ન માત્ર એટલો નથી કે તેની કેટલી ઑફિસોમાં અત્યારે વેપાર શરૂ થયો છે. ખરેખર મહત્વનો પ્રશ્ન એ છે કે શું આ માળખું ભારતના હીરા ઉદ્યોગની લાંબાગાળાની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે? શું સુરતને માત્ર દુનિયાના સૌથી મોટા ડાયમંડ કટિંગ અને પોલિશિંગ સેન્ટર તરીકે નહીં, પરંતુ વૈશ્વિક હીરા વેપારના મુખ્ય કેન્દ્ર તરીકે પણ સ્થાપિત કરી શકે છે? આ જ તેની સફળતાનો મોટો માપદંડ બનવાનો છે.

સુરત ડાયમંડ બુર્સ પાછળનો વિચાર નાનો નથી. એક તરફ સુરતનું વિશાળ ઉત્પાદન ક્ષેત્ર છે, બીજી તરફ મુંબઈમાં વિકસેલું આંતરરાષ્ટ્રીય વેપારનું માળખું છે. આ બંનેને એકસાથે લાવીને ભારતને હીરાના વૈશ્વિક વેપારમાં વધુ મજબૂત સ્થાન અપાવવાની સંભાવના આ પ્રોજેક્ટમાં રહેલી છે. આ સંભાવનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે વેપારીઓનો વિશ્વાસ, બજારની અનુકૂળ સ્થિતિ અને સમયની જરૂર પડશે.

આજે હીરા ઉદ્યોગ સામે પડકારો છે એટલે આવતીકાલે પણ એ જ સ્થિતિ રહેશે એવું નથી. બજારોમાં તેજી અને મંદી આવતી રહે છે. વૈશ્વિક વેપારનાં સમીકરણો બદલાતાં રહે છે. પરંતુ કોઈ ઉદ્યોગના લાંબાગાળાના ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવેલું માળખું માત્ર થોડાં વર્ષોની બજારની સ્થિતિના આધારે નિષ્ફળ જાહેર કરી શકાય નહીં. મુંબઈના હીરા ઉદ્યોગને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાયી થતાં દાયકાઓ લાગ્યા હોય તો સુરતના આટલા વિશાળ પ્રોજેક્ટ માટે પણ સમયની અપેક્ષા રાખવી પડે.

ડાયમંડ બુર્સનું નિર્માણ એક પડકાર હતો અને તેને ભારતના હીરા ઉદ્યોગના ધબકતા કેન્દ્રમાં ફેરવવાનું બીજું મોટું કામ છે. પહેલું કામ પૂર્ણ થયું છે. બીજા કામમાં સમય લાગી રહ્યો છે. પરંતુ સમય લાગવો અને નિષ્ફળ જવું એ બંને એક જ બાબત નથી. સુરત ડાયમંડ બુર્સને જોવાની દૃષ્ટિ પણ આ જ તફાવત સમજીને કેળવવી પડશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં