હોમપેજદેશન્યૂટન પહેલાં ભાસ્કરાચાર્ય, વિજ્ઞાન પહેલાં વેદોમાં સૃષ્ટિચિંતન: મહારાષ્ટ્રનાં પાઠ્યપુસ્તકોમાં સનાતન જ્ઞાનપરંપરાને સ્થાન,...

ન્યૂટન પહેલાં ભાસ્કરાચાર્ય, વિજ્ઞાન પહેલાં વેદોમાં સૃષ્ટિચિંતન: મહારાષ્ટ્રનાં પાઠ્યપુસ્તકોમાં સનાતન જ્ઞાનપરંપરાને સ્થાન, કેમ જરૂરી હતું આ પરિવર્તન

જે શિક્ષણ પોતાની જ સભ્યતાના જ્ઞાનને ઓળખવાની તક આપે છે, તે નવી પેઢીને પોતાના ઇતિહાસ સાથે વધુ ઊંડાણપૂર્વક જોડે છે. મહારાષ્ટ્રનાં નવાં પાઠ્યપુસ્તકોમાં થયેલા ફેરફારોનું મહત્વ આ જ છે. ભારતીય જ્ઞાનપરંપરાને હવે હાંસિયામાં નહીં, પરંતુ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં સ્થાન મળવું જોઈએ.

- Advertisement -

ધોરણ છના કોઈ વિદ્યાર્થીને ગુરુત્વાકર્ષણ વિશે પૂછવામાં આવે તો તેના મગજમાં સૌપ્રથમ આઇઝેક ન્યૂટનનું નામ આવે એ સ્વાભાવિક છે. શાળામાં તેને ન્યૂટન વિશે ભણાવવામાં આવ્યું છે. પરંતુ જો તેને એ પણ પૂછવામાં આવે કે ન્યૂટન પહેલાં ભારતના કોઈ વિદ્વાને પૃથ્વી દ્વારા પદાર્થોને પોતાની તરફ ખેંચવાની વાત કરી હતી કે નહીં તો કદાચ તેને જવાબ ખબર નહીં હોય. ભાસ્કરાચાર્ય દ્વિતીયનું નામ તેના માટે અજાણ્યું હોય શકે. પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રમાં ઉજ્જયિનીનું મહત્વ, આયુર્વેદના આચાર્ય ચરક અને શસ્ત્રક્રિયાની પરંપરા સાથે જોડાયેલા સુશ્રુત વિશે પણ તેની જાણકારી મર્યાદિત હશે. જે દેશે ગણિત, ખગોળશાસ્ત્ર, દર્શન, ચિકિત્સા અને રાજ્યવ્યવસ્થાના ક્ષેત્રોમાં પોતાના આગવા જ્ઞાનપ્રવાહો વિકસાવ્યા હતા, એ જ દેશની નવી પેઢીને પોતાના આ વારસાનો પૂરતો પરિચય ન મળે તો સવાલ માત્ર વિદ્યાર્થીની જાણકારીનો નથી. સવાલ એ છે કે તેને ભણાવવામાં શું આવ્યું અને શું ભણાવવામાં આવ્યું નહીં.

ભારતના શૈક્ષણિક ઇતિહાસમાં આ સવાલ લાંબા સમયથી ઉપેક્ષિત રહ્યો છે. ભારતીય જ્ઞાનપરંપરાની વાત આવે ત્યારે તેને ઘણી વાર ધાર્મિક આસ્થા, સામાજિક રૂઢિ કે ભૂતકાળના ગૌરવ સુધી સીમિત કરી દેવામાં આવી. બીજી તરફ, પશ્ચિમી વિદ્વાનો અને આધુનિક વિજ્ઞાનના વિકાસને કેન્દ્રમાં રાખીને જ્ઞાનનો ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો. ભારતીય વિદ્વાનોનો ઉલ્લેખ ક્યાંક આવ્યો પણ તેમની કૃતિઓ, તેમના વિચારો અને તેમના યોગદાનને વિસ્તૃત રીતે સમજાવવાની તક મર્યાદિત રહી. પરિણામે, અનેક વિદ્યાર્થીઓ માટે ભારતીય જ્ઞાનપરંપરા પોતાના જ ઇતિહાસનો જીવંત હિસ્સો બનવાને બદલે થોડાં નામો અને ધાર્મિક સંદર્ભો પૂરતી સીમિત રહી ગઈ.

મહારાષ્ટ્રનાં ધોરણ છનાં ઇતિહાસ, ભૂગોળ અને વિજ્ઞાનનાં નવાં પાઠ્યપુસ્તકો આ સ્થિતિમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે. રાજ્યના પાઠ્યપુસ્તક બ્યુરો બાલભારતીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આ શૈક્ષણિક વર્ષથી રજૂ કરેલાં પુસ્તકોમાં પ્રાચીન ભારતીય જ્ઞાન, શાસ્ત્રો અને વિદ્વાનોને ત્રણેય વિષયોમાં સ્થાન આપ્યું છે. ભાસ્કરાચાર્યને ન્યૂટનની સાથે ગુરુત્વાકર્ષણના પાઠમાં રજૂ કરવામાં આવ્યા છે. ભૂગોળમાં વેદો, પુરાણો, ઉપનિષદો અને સૂર્યસિદ્ધાંતનો પરિચય ઉમેરાયો છે. ચરક, સુશ્રુત અને ચાણક્ય વિશેની માહિતી વિસ્તૃત કરવામાં આવી છે. ઉજ્જયિનીના પ્રાચીન ખગોળીય મહત્વથી લઈને વૈદિક કાળની વિદુષીઓ સુધી અનેક વિષયોને નવેસરથી સ્થાન મળ્યું છે.

- Advertisement -

આ ફેરફારો સાથે ઇતિહાસના કેટલાક જૂના વર્ણનો પણ બદલાયા છે. વર્ણવ્યવસ્થા, યજ્ઞવિધિઓ પર પુરોહિત વર્ગના કથિત નિયંત્રણ અને જૈન તથા બૌદ્ધ ધર્મના ઉદયને જાતિભેદ સાથે જોડતા કેટલાક ફકરા દૂર કરવામાં આવ્યા છે. હડપ્પીય સંસ્કૃતિના પતનનાં કારણોમાંથી વિદેશી આક્રમણનો ઉલ્લેખ પણ નવા પુસ્તકમાં નથી. આ ફેરફારો માત્ર અભ્યાસક્રમના સંપાદન પૂરતા મર્યાદિત નથી. તેઓ ભારતીય ઇતિહાસને કઈ દૃષ્ટિથી રજૂ કરવામાં આવ્યો હતો અને હવે તેમાં કયા પાસાંને સ્થાન મળી રહ્યું છે, તેની ચર્ચા માટે મહત્વનો આધાર પૂરો પાડે છે.

ઇતિહાસલેખન પર વામપંથી પ્રભાવ અને સનાતન પરંપરાનું ગૌણ સ્થાન

ભારતીય શિક્ષણવ્યવસ્થામાં વામપંથી વિચારધારાના પ્રભાવની ચર્ચા કર્યા વિના આ પરિવર્તનનું મહત્વ પૂરું સમજાય એમ નથી. સ્વતંત્રતા પછીના દાયકાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ, ઇતિહાસલેખન અને સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં વામપંથી વિચારોથી પ્રભાવિત અભિગમોને સ્થાન મળ્યું. ભારતીય ભૂતકાળને સમજાવવા માટે વર્ગસંઘર્ષ, સામાજિક અસમાનતા, જાતિભેદ અને સત્તાનાં માળખાં પર ભાર મૂકવામાં આવ્યો. આ અભિગમોમાં ભારતીય સમાજના કેટલાક અવાસ્તવિક પ્રશ્નોની ચર્ચા થઈ, પરંતુ તેની સાથે એક મોટી સમસ્યા પણ ઊભી થઈ. ભારતીય સભ્યતાને જોવાનો લેન્સ એટલો સંકુચિત બનતો ગયો કે તેના જ્ઞાન, દર્શન, વિજ્ઞાન અને આધ્યાત્મિક ચિંતનની વિશાળ પરંપરા પાછળ ધકેલાતી ગઈ.

આ માત્ર કોઈ એક પાઠમાં એકાદ નામ રહી જવાની વાત નથી. સવાલ સમગ્ર રજૂઆતનો છે. વૈદિક સમાજનો ઉલ્લેખ થાય ત્યારે વર્ણવ્યવસ્થા અને અસમાનતાને કેન્દ્રમાં રાખવી, યજ્ઞપરંપરાની ચર્ચા થાય ત્યારે પુરોહિતોના વિશેષાધિકારો પર ભાર મૂકવો અને પ્રાચીન ભારતીય ધર્મપરંપરાઓના વિકાસને સમજાવતી વખતે મુખ્યત્વે સામાજિક વિરોધની દૃષ્ટિ અપનાવવી, આ પ્રકારની પસંદગીઓ વિદ્યાર્થીઓના મનમાં એક ચોક્કસ ચિત્ર ઘડે છે. તેમને ભારતીય ભૂતકાળ વિશે માહિતી મળે છે, પરંતુ એ માહિતીમાંથી કયો અર્થ કાઢવો તેની દિશા પણ નક્કી થવા લાગે છે.

વામપંથી વિચારોથી પ્રભાવિત ઇતિહાસલેખનની ટીકા કરવાનો મુદ્દો એ જ છે. જ્યારે કોઈ વૈચારિક અભિગમ લાંબા સમય સુધી અભ્યાસક્રમોની પસંદગી અને રજૂઆત પર પ્રભુત્વ ધરાવે ત્યારે તે પોતાની વિચારસરણીને ઇતિહાસ સમજવાનું મુખ્ય માળખું બનાવી શકે છે. આવી સ્થિતિમાં સનાતન પરંપરાના બૌદ્ધિક યોગદાનને ગૌણ રાખતી અને તેની કથિત સામાજિક ખામીઓને વારંવાર કેન્દ્રમાં લાવતી રજૂઆત સામે સવાલ ઊભા કરવા જરૂરી છે. ભારતીય જ્ઞાનપરંપરાને યોગ્ય સ્થાન ન મળવું માત્ર એકાદ લેખકની ભૂલ નથી. તે પાઠ્યપુસ્તકોમાં કયા વિષયોને મહત્વ આપવું તેની પસંદગી સાથે જોડાયેલો પ્રશ્ન છે.

ભારતીય જ્ઞાનપરંપરાને હાંસિયામાં ધકેલવામાં આવી હોવાની ટીકા કરતી વખતે એ પણ જોવું જોઈએ કે તેની જગ્યાએ કયા પ્રકારનું વર્ણન મૂકવામાં આવ્યું. જો વિદ્યાર્થીઓને વારંવાર એવું ચિત્ર મળે કે પ્રાચીન ભારતીય સમાજને સમજવાનો મુખ્ય રસ્તો જાતિભેદ, પુરોહિતવાદ અને સામાજિક અસમાનતા છે તો તેઓ વેદો, ઉપનિષદો, ગણિત, ખગોળશાસ્ત્ર, ચિકિત્સા અને દર્શનની પરંપરાને કેટલું મહત્વ આપશે? જો ભાસ્કરાચાર્ય અને આર્યભટ્ટનો પરિચય જ મર્યાદિત હોય તો ભારતીય વિજ્ઞાનના ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા કેવી રીતે વિકસશે? જો ચરક અને સુશ્રુત વિશે પૂરતી માહિતી ન હોય તો પ્રાચીન ભારતીય ચિકિત્સાના ઇતિહાસનો અભ્યાસ કેવી રીતે આગળ વધશે?

આવી પસંદગીઓનું પરિણામ એ આવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ પોતાના જ દેશના બૌદ્ધિક વારસાથી અંતર અનુભવે છે. એક તરફ તેઓ આધુનિક વિશ્વમાં ભારતની પ્રગતિ વિશે સાંભળે છે, પરંતુ બીજી તરફ એ પ્રગતિ પહેલાંની સદીઓમાં ભારતમાં થયેલા જ્ઞાનસર્જન વિશે તેમની જાણકારી અધૂરી રહે છે. ભારતીય જ્ઞાનપરંપરાને શિક્ષણમાં સ્થાન આપવાની જરૂરિયાત આ જ ખાલી જગ્યા પૂરવાની છે. મહારાષ્ટ્રનાં નવાં પાઠ્યપુસ્તકોનું મહત્વ એ છે કે તેઓ આ પ્રશ્નને ફરી કેન્દ્રમાં લાવે છે અને અગાઉની પસંદગીઓ અંગે પુનર્વિચાર કરવાની તક આપે છે.

વેદો અને ઉપનિષદો: ભારતીય જ્ઞાનપરંપરાને ધાર્મિક ઓળખ પૂરતી સીમિત કરી શકાય નહીં

નવા ભૂગોળના પુસ્તકમાં ભારતીય ભૂગોળના ઇતિહાસને લગતા વિભાગમાં વેદો, પુરાણો, ઉપનિષદો અને સૂર્યસિદ્ધાંતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં ‘સપ્તદ્વીપ’ની સંકલ્પના, પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલા સમુદ્રો અને સૃષ્ટિની ઉત્પત્તિ અંગેના ચિંતનનો પરિચય આપવામાં આવ્યો છે. પુસ્તકમાં વૈદિક સૃષ્ટિવર્ણનને બિગ બેંગ સિદ્ધાંતની સાથે રજૂ કરવામાં આવ્યું છે. ભારતીય પરંપરામાં વેદોનું સ્થાન સમજવા માટે તેમને માત્ર ધાર્મિક વિધિઓના ગ્રંથો તરીકે જોવાથી આગળ વધવું પડે. વેદોમાં પ્રકૃતિ, સૃષ્ટિ, દેવતા, યજ્ઞ અને અસ્તિત્વ વિશેના વિવિધ પ્રકારના ચિંતનનો સમાવેશ થાય છે. ઉપનિષદો આત્મા, બ્રહ્મ, ચેતના અને અસ્તિત્વ જેવા ગહન પ્રશ્નોની ચર્ચા કરે છે. પુરાણોમાં સૃષ્ટિ, સમયચક્ર, ભૂગોળ, વંશપરંપરા અને ધર્મજીવન વિશેની સમૃદ્ધ પરંપરા જોવા મળે છે. વેદાંગ જ્યોતિષ અને સૂર્યસિદ્ધાંત જેવી કૃતિઓ સમયગણના તથા ખગોળીય ગણતરીના ઇતિહાસમાં મહત્વ ધરાવે છે.

આવા ગ્રંથોનો અભ્યાસ ભારતીય સભ્યતાના બૌદ્ધિક ઇતિહાસને સમજવા માટે અનિવાર્ય છે. છતાં, વામપંથી પ્રભાવ હેઠળ વિકસેલી પ્રચલિત શૈક્ષણિક રજૂઆતોમાં ભારતીય ધાર્મિક પરંપરાઓને સામાજિક સત્તા અને અસમાનતાના સંદર્ભમાં સમજાવવા પર ભાર રહ્યો છે. તેના કારણે વેદો અને ઉપનિષદોમાં વ્યક્ત થયેલા દાર્શનિક પ્રશ્નો, ભારતીય ચિંતનનું ઊંડાણ અને જ્ઞાનસાધનાની પરંપરાને પૂરતું સ્થાન મળ્યું નહીં. સૃષ્ટિની ઉત્પત્તિ અંગે વૈદિક સાહિત્યમાં વ્યક્ત થયેલું ચિંતન અને આધુનિક બ્રહ્માંડવિજ્ઞાનનો બિગ બેંગ સિદ્ધાંત જુદી-જુદી જ્ઞાનપદ્ધતિઓમાં વિકસેલા અભિગમો છે. આધુનિક વિજ્ઞાન બ્રહ્માંડના વિકાસને અવલોકનો, ગણિતીય મોડેલો અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે સમજાવે છે. વૈદિક સાહિત્યમાં સૃષ્ટિ અને અસ્તિત્વ અંગે દાર્શનિક તથા ધાર્મિક ચિંતન જોવા મળે છે. આ બંનેને અભ્યાસમાં સ્થાન આપવાથી વિદ્યાર્થીઓ જ્ઞાનના ઇતિહાસને વધુ વ્યાપક રીતે સમજી શકે છે.

મહત્વની વાત એ છે કે ભારતીય ગ્રંથોનો અભ્યાસ શરૂ કરાવવા માટે તેમને આધુનિક વિજ્ઞાનના દરેક સિદ્ધાંત સાથે સરખા સાબિત કરવાની જરૂર નથી. તેમની પોતાની પરંપરા, ભાષા, વિચાર અને ઐતિહાસિક મહત્વ છે. ભારતના વિદ્યાર્થીઓને એ પરંપરા વિશે જાણવાની તક મળવી જોઈએ. વેદો અને ઉપનિષદોનો અભ્યાસ માત્ર ધર્મના પાઠ સુધી સીમિત રહેવાને બદલે ભારતીય ચિંતનના ઇતિહાસનો ભાગ બને તો જ્ઞાનની નવી દિશાઓ ખુલી શકે છે.

ગ્રીનવિચ પહેલાં ઉજ્જયિનીનો ઉલ્લેખ કેમ મહત્વનો છે?

મહારાષ્ટ્રનાં નવાં ભૂગોળનાં પુસ્તકમાં ઉજ્જયિનીના પ્રાચીન ખગોળીય મહત્વનો સમાવેશ થયો છે. જૂના પુસ્તકમાં મુખ્ય મધ્ય રેખા તરીકે માત્ર ગ્રીનવિચનો ઉલ્લેખ હતો. નવા પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રીઓ ઉજ્જયિનીને પૃથ્વીનું કેન્દ્રબિંદુ માનતા હતા અને આધાર રેખાંશની સંકલ્પના રજૂ કરી હતી. સાથે જ ઘટીકા અને મુહૂર્ત જેવા પ્રાચીન સમયમાપક એકમોનો પરિચય આપવામાં આવ્યો છે. આ ઉલ્લેખથી વિદ્યાર્થીઓને ખબર પડે છે કે સમય અને અવકાશને સમજવા માટે ભારતની પોતાની ખગોળીય પરંપરા હતી. ઉજ્જયિનીનું મહત્વ ભારતીય ખગોળશાસ્ત્રના ઇતિહાસમાં જાણીતું છે. પ્રાચીન ભારતીય વિદ્વાનોએ સમયગણના, ગ્રહોની ગતિ અને ખગોળીય અવલોકન માટે પદ્ધતિઓ વિકસાવી હતી. આ જ્ઞાનને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવાથી વિદ્યાર્થીઓને ખગોળશાસ્ત્રના વૈશ્વિક ઇતિહાસમાં ભારતના યોગદાનનો પરિચય મળે છે. પરંતુ ગ્રીનવિચને જ મધ્ય રેખાંશના ઇતિહાસની શરૂઆત તરીકે રજૂ કરવાથી અગાઉની ભારતીય પરંપરાઓ વિશેની જાણકારી અધૂરી રહી જાય છે. પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રનો ઉલ્લેખ કરવાથી જ્ઞાનનો ઇતિહાસ વધુ વિસ્તૃત બને છે.

ભારતીય ઇતિહાસલેખનમાં વામપંથી પ્રભાવની ચર્ચા અહીં પણ લાગુ પડે છે. જો અભ્યાસક્રમમાં યુરોપમાં વિકસેલી પદ્ધતિઓને વિગતવાર સ્થાન મળે, પરંતુ ભારતીય પરંપરાઓ વિશે માત્ર મર્યાદિત ઉલ્લેખ થાય તો વિદ્યાર્થીઓના મનમાં જ્ઞાનના વિકાસનું એકતરફી ચિત્ર ઊભું થાય છે. ઉજ્જયિની અને પ્રાચીન સમયગણનાનો સમાવેશ આ ચિત્રને વિસ્તારે છે. ભારતીય વિદ્યાર્થીઓને હવે એ સમજવાની તક મળે છે કે ભારતની જ્ઞાનપરંપરામાં પણ સમય અને અવકાશના અભ્યાસ માટે વિશિષ્ટ પદ્ધતિઓ વિકસેલી હતી.

ભાસ્કરાચાર્ય અને આર્યભટ્ટ: ભારતીય વિજ્ઞાનના ઇતિહાસને ફરી ઓળખવાનો સમય

વિજ્ઞાનના નવા પુસ્તકમાં ગુરુત્વાકર્ષણના પાઠમાં ન્યૂટનની સાથે ભાસ્કરાચાર્ય દ્વિતીયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તક અનુસાર લગભગ 950 વર્ષ પહેલાં ભાસ્કરાચાર્યે ‘સિદ્ધાંત શિરોમણિ’માં પૃથ્વી પદાર્થોને પોતાની તરફ ખેંચે છે એવું લખ્યું હતું. આ એક નાનો ઉલ્લેખ લાગે, પરંતુ ભારતીય વિજ્ઞાનના ઇતિહાસના સંદર્ભમાં તેનું મહત્વ મોટું છે. ભાસ્કરાચાર્ય ભારતીય ગણિત અને ખગોળશાસ્ત્રના અગ્રણી વિદ્વાનોમાંના એક હતા. તેમની કૃતિઓમાં ગણિતીય સમસ્યાઓ અને ખગોળીય ગણતરીઓ અંગેનું વિસ્તૃત ચિંતન જોવા મળે છે. તેમને શાળાના વિજ્ઞાનના પાઠમાં સ્થાન આપવાથી વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનવારસાના એક મહત્વપૂર્ણ વિદ્વાન સાથે પરિચિત થાય છે.

આર્યભટ્ટ વિશે પણ નવા પુસ્તકમાં માહિતી ઉમેરવામાં આવી છે. પુસ્તકમાં તેમને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ સમજાવનાર પ્રથમ વિદ્વાન તરીકે રજૂ કરવામાં આવ્યા છે. જોકે એ તથ્ય પણ છે. આર્યભટ્ટે ગણતરી કરેલો સમય અને આધુનિક સાધનો દ્વારા માપવામાં આવતો સમય એકસરખો છે. આવા ઉદાહરણો ભારતીય વિજ્ઞાનના ઇતિહાસને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે. ભારતીય વિદ્વાનો વિશેની માહિતીનો અભાવ માત્ર ભૂતકાળ વિશેની અજાણકારી નથી. તે વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને આગળના અભ્યાસની તકોને પણ મર્યાદિત કરી શકે છે. જો તેમને શાળામાં જ આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્ય વિશે જાણવા મળે તો તેઓ ભારતીય ગણિત અને ખગોળશાસ્ત્રના ગ્રંથો તરફ આગળ વધી શકે છે. ભારતીય વિજ્ઞાનના ઇતિહાસને અભ્યાસક્રમમાં સ્થાન આપવું એ વામપંથી પ્રભાવ હેઠળ ગૌણ બનેલા વિષયોને ફરી કેન્દ્રમાં લાવવાની દિશામાં મહત્વનું પગલું છે. ભારતના વિદ્યાર્થીઓને માત્ર અન્ય દેશોના વૈજ્ઞાનિકો વિશે જ નહીં, પોતાના દેશના વિદ્વાનો વિશે પણ વિગતવાર જાણવાની તક મળવી જોઈએ.

ચરક, સુશ્રુત અને ચાણક્ય: સનાતન પરંપરાનું જ્ઞાન માત્ર આધ્યાત્મિક નહોતું

મહારાષ્ટ્રનાં નવાં પુસ્તકોમાં ચિકિત્સા અને રાજ્યવ્યવસ્થાના ક્ષેત્રોમાં ભારતીય વિદ્વાનોના યોગદાનને પણ વધુ સ્થાન આપવામાં આવ્યું છે. વિજ્ઞાનના પુસ્તકમાં મહર્ષિ ચરકને આયુર્વેદના પ્રણેતા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. સજીવોની વિવિધતાના અધ્યાયમાં તેમના દ્વારા કરવામાં આવેલા પ્રાણીવર્ગીકરણનો ઉલ્લેખ છે. આહાર અને આરોગ્યના પાઠમાં ઋગ્વેદના સંદર્ભ સાથે ઋતુ પ્રમાણે આહાર અને દિનચર્યામાં ફેરફાર કરવાની વાત કરવામાં આવી છે. ઇતિહાસના પુસ્તકમાં સુશ્રુત વિશેનો અગાઉનો ટૂંકો ઉલ્લેખ હવે વિસ્તૃત કરવામાં આવ્યો છે. તેમને ‘ફાધર ઑફ સર્જરી’ તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને નાકના પુનર્નિર્માણની પદ્ધતિનો પરિચય આપવામાં આવ્યો છે. ‘સુશ્રુત સંહિતા’માં વર્ણવાયેલી શસ્ત્રક્રિયાની તકનીકોનો યુરોપમાં અઢારમી સદીમાં અભ્યાસ અને સ્વીકાર થયો હોવાનું પણ પુસ્તકમાં જણાવાયું છે.

ચરક અને સુશ્રુતના ઉલ્લેખથી વિદ્યાર્થીઓને ભારતીય ચિકિત્સાપરંપરાના ઇતિહાસનો પરિચય મળે છે. આયુર્વેદમાં શરીર, આહાર, ઋતુચર્યા અને આરોગ્ય અંગે વિકસેલા વિચારોનો અભ્યાસ થઈ શકે છે. સુશ્રુતની પરંપરા પ્રાચીન ભારતમાં શસ્ત્રક્રિયા અંગેના જ્ઞાનને સમજવાની તક આપે છે. આ વિષયોને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવાથી ભારતીય ચિકિત્સાના ઇતિહાસ અંગે આગળ સંશોધન કરવાની જિજ્ઞાસા પેદા થઈ શકે છે. ચાણક્ય વિશેનો ઉલ્લેખ પણ વિસ્તૃત થયો છે. જૂના પુસ્તકમાં તેમનો પરિચય એક વાક્ય પૂરતો હતો. નવા પુસ્તકમાં તેમના ‘અર્થશાસ્ત્ર’ અને ચંદ્રગુપ્ત મૌર્યના ઉદયમાં તેમની ભૂમિકા વિશે માહિતી આપવામાં આવી છે. અર્થશાસ્ત્રમાં શાસન, કરવ્યવસ્થા, સંરક્ષણ, ગુપ્તચર તંત્ર અને રાજનીતિ જેવા વિષયોનો સમાવેશ થાય છે. ચાણક્યે ચંદ્રગુપ્તને યુદ્ધકૌશલ્ય અને વહીવટની તાલીમ આપી હતી અને ધનનંદના અન્યાયી શાસનનો અંત લાવવાના ઇતિહાસનો પણ ઉલ્લેખ છે.

આ ફેરફારો ભારતીય જ્ઞાનપરંપરાના વ્યાપને દર્શાવે છે. સનાતન પરંપરાને માત્ર પૂજા, ઉપાસના અને ધાર્મિક વિધિઓ સુધી સીમિત રાખીને સમજાવી શકાય નહીં. તેના ઇતિહાસમાં ચિકિત્સા, ગણિત, ખગોળશાસ્ત્ર, રાજ્યવ્યવસ્થા અને તર્કચિંતનના વિવિધ પ્રવાહોનો સમાવેશ થાય છે. આ પાસાંને ગૌણ રાખવાથી ભારતીય સભ્યતાની સંપૂર્ણ ઓળખ વિદ્યાર્થીઓ સુધી પહોંચતી નથી.

વૈદિક વિદુષીઓથી ચંદ્રયાન સુધી: ભારતીય પ્રતિભાનો વિસ્તૃત પરિચય

નવા ઇતિહાસના પુસ્તકમાં વૈદિક કાળની વિદુષીઓ વિશેની ચર્ચા વિસ્તૃત કરવામાં આવી છે. લોપામુદ્રા, ઘોષા, ગાર્ગી, મૈત્રેયી અને અપાલા જેવી વિદુષીઓનાં નામનો સમાવેશ થયો છે. પ્રારંભિક વૈદિક કાળમાં મહિલાઓને વેદોનો અભ્યાસ કરવાની સ્વતંત્રતા હતી અને પછી સમાજ વધુ પિતૃસત્તાક બનતાં તેમનું સ્થાન ગૌણ બન્યું હોવાનું પુસ્તકમાં જણાવાયું છે. ભારતીય ઇતિહાસમાં જ્ઞાનસાધના, દાર્શનિક સંવાદ અને વિદ્વત્તાનાં ઉદાહરણો પણ છે. ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષીઓનો પરિચય વિદ્યાર્થીઓને ભારતીય ચિંતનની પરંપરામાં મહિલાઓના સ્થાન વિશે વધુ જાણવાની તક આપે છે.

આધુનિક ભારતની સિદ્ધિઓને પણ નવા વિજ્ઞાનના પુસ્તકમાં સ્થાન મળ્યું છે. ચંદ્રયાન-1, મંગળયાન, ચંદ્રયાન-3, આદિત્ય-એલ1 અને નાસા-ઇસરોના નિસાર ઉપગ્રહનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવામાનશાસ્ત્રી અન્ના મણિને ‘ભારતનાં વેધર વુમન’ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. તેમણે હવામાનની આગાહી માટે ઉપયોગી અનેક સાધનો તૈયાર કર્યાં હતાં અને તેમના યોગદાનથી આ ક્ષેત્રમાં અન્ય દેશો પરની ભારતની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી હતી. ગૌરા દેવી અને ચિપકો આંદોલનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ રીતે નવા પુસ્તકોમાં પ્રાચીન જ્ઞાનપરંપરા અને આધુનિક ભારતની સિદ્ધિઓ બંનેને સ્થાન મળ્યું છે. આ જ યોગ્ય દિશા છે. ભારતીય વિદ્યાર્થીઓને પોતાના પૂર્વજોના જ્ઞાન વિશે પણ જાણવું જોઈએ અને પોતાના સમયના વૈજ્ઞાનિકો તથા સંશોધકો વિશે પણ. ભૂતકાળનું જ્ઞાન અને વર્તમાનની સિદ્ધિઓ એકબીજાના વિરોધી નથી. બંને ભારતના બૌદ્ધિક ઇતિહાસના જુદા-જુદા તબક્કા છે.

ભારતીય જ્ઞાનને પાઠ્યપુસ્તકોમાં સ્થાન આપવું હવે કેમ અનિવાર્ય છે?

મહારાષ્ટ્રનાં નવાં પાઠ્યપુસ્તકોના ફેરફારો NCERTનાં 2024માં પ્રકાશિત ધોરણ છનાં સામાજિક વિજ્ઞાનનાં પુસ્તક ‘એક્સપ્લોરિંગ સોસાયટી: ઇન્ડિયા એન્ડ બિયોન્ડ’માં થયેલા કેટલાક ફેરફારોને પણ મળતા આવે છે. તેમાં ઉજ્જયિનીમાંથી પસાર થતી પ્રાચીન મધ્ય રેખાનો ઉલ્લેખ છે. હડપ્પીય સંસ્કૃતિને ‘સિંધુ-સરસ્વતી સંસ્કૃતિ’ તરીકે ઓળખાવવામાં આવી છે. અગાઉના પુસ્તકમાં જાતિભેદ અને ડૉ. આંબેડકર વિશેના અલગ વિભાગની સરખામણીએ નવા પુસ્તકમાં જાતિનો ઉલ્લેખ એક જ જગ્યાએ આવે છે. બાલભારતીનાં નિયામક અનુરાધા ઓકના જણાવ્યા અનુસાર નવા પુસ્તકોમાં વિષયોને સમજાવવાની પ્રક્રિયામાં ભારતીય સંદર્ભો ઉમેરવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે પ્રાચીન ભારતીય જ્ઞાનનો પરિચય વિદ્યાર્થીઓમાં જાગૃતિ પેદા કરી શકે છે અને રસ ધરાવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરિત કરી શકે છે. આ ફેરફારો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ભારતીય જ્ઞાનપ્રણાલીઓને અભ્યાસક્રમમાં સ્થાન આપવાના પ્રયાસનો ભાગ છે.

પરંતુ ભારતીય જ્ઞાનપરંપરાને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવું એ માત્ર શરૂઆત છે. ભારતીય ગ્રંથોનો અનુવાદ, તેમના પર સંશોધન, પ્રાચીન વિદ્વાનોના યોગદાનનો ઐતિહાસિક અભ્યાસ અને યુનિવર્સિટીઓમાં આ વિષયો પર વધુ કામ થવું જોઈએ. પાઠ્યપુસ્તકમાં ભાસ્કરાચાર્યનું નામ ઉમેરવાથી જ બધું પૂર્ણ થતું નથી. વિદ્યાર્થીઓને તેમની કૃતિઓ વિશે વધુ જાણવાની તક મળે, ભારતીય ખગોળશાસ્ત્રનો અભ્યાસ આગળ વધે અને આ જ્ઞાન વૈશ્વિક ઇતિહાસના સંદર્ભમાં સમજાવવામાં આવે, ત્યારે જ આ પરિવર્તનનું પૂર્ણ મહત્વ સામે આવશે. એકેડમિક વામપંથના પ્રભાવ હેઠળ ભારતીય જ્ઞાનપરંપરાને જે ગૌણ સ્થાન મળ્યું છે, તેનો જવાબ પણ આ જ દિશામાં છે. ભારતીય જ્ઞાનને માત્ર પ્રતીકાત્મક રીતે યાદ કરવાને બદલે અભ્યાસ અને સંશોધનના કેન્દ્રમાં લાવવું જોઈએ. ભારતીય સભ્યતાની ચર્ચા માત્ર તેના કથિત સામાજિક વિરોધાભાસો સુધી સીમિત ન રહેવી જોઈએ. તેના જ્ઞાન, દર્શન, વિજ્ઞાન, સાહિત્ય અને સાંસ્કૃતિક યોગદાનનો પણ વિસ્તૃત અભ્યાસ થવો જોઈએ.

જે દેશની પાસે વેદો અને ઉપનિષદોની પરંપરા છે, સૂર્યસિદ્ધાંત જેવા ગ્રંથો છે, ભાસ્કરાચાર્ય અને આર્યભટ્ટ જેવા ગણિતજ્ઞો છે, ચરક અને સુશ્રુત જેવા ચિકિત્સા આચાર્યો છે તથા ચાણક્ય જેવા રાજ્યચિંતક છે, તે દેશના વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનવારસાથી અજાણ રહે એ સ્થિતિ બદલવાની જરૂર છે. ભારતીય જ્ઞાનપરંપરાને શિક્ષણમાં સ્થાન આપવું એ ભૂતકાળને માત્ર ગૌરવની દૃષ્ટિએ જોવાનો પ્રયાસ નથી. તે ભારતના ઇતિહાસને વધુ વ્યાપક રીતે સમજવાની અને નવી પેઢીને પોતાના બૌદ્ધિક વારસા સાથે જોડવાની જરૂરિયાત છે. મહારાષ્ટ્રનાં નવાં પાઠ્યપુસ્તકો આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ન્યૂટનની સાથે ભાસ્કરાચાર્યનું નામ આવે, ગ્રીનવિચની સાથે ઉજ્જયિનીનો ઉલ્લેખ થાય, આધુનિક વિજ્ઞાનની સાથે ભારતીય શાસ્ત્રોના સૃષ્ટિચિંતનનો પરિચય મળે અને ચરક, સુશ્રુત તથા ચાણક્ય જેવા વિદ્વાનો વિશે વધુ વિગતવાર ભણાવવામાં આવે તો ભારતીય વિદ્યાર્થીઓ માટે પોતાના જ્ઞાનવારસાને ઓળખવાનો માર્ગ ખુલે છે.

હવે જરૂરી છે કે આ પરિવર્તન માત્ર થોડાં પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત ન રહે. ભારતીય જ્ઞાનપરંપરાનો અભ્યાસ વધુ ઊંડો બને, વામપંથી વૈચારિક પ્રભાવ હેઠળ ગૌણ બનેલા વિષયોને તેમનું સ્થાન મળે અને ભારતીય ઇતિહાસની રજૂઆતમાં સનાતન સભ્યતાના બૌદ્ધિક વૈભવને યોગ્ય મહત્વ આપવામાં આવે. ભારતના વિદ્યાર્થીઓને પોતાના પૂર્વજોના જ્ઞાન વિશે જાણવાનો અધિકાર છે. તેમને એ જાણવું જોઈએ કે ભારતે માત્ર આધ્યાત્મિક ચિંતન જ નહીં, પરંતુ ગણિત, ખગોળશાસ્ત્ર, ચિકિત્સા અને રાજ્યવ્યવસ્થાના ક્ષેત્રોમાં પણ સમૃદ્ધ પરંપરાઓ વિકસાવી હતી. જે શિક્ષણ પોતાની જ સભ્યતાના જ્ઞાનને ઓળખવાની તક આપે છે, તે નવી પેઢીને પોતાના ઇતિહાસ સાથે વધુ ઊંડાણપૂર્વક જોડે છે. મહારાષ્ટ્રનાં નવાં પાઠ્યપુસ્તકોમાં થયેલા ફેરફારોનું મહત્વ આ જ છે. ભારતીય જ્ઞાનપરંપરાને હવે હાંસિયામાં નહીં, પરંતુ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં સ્થાન મળવું જોઈએ.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં