
ગુજરાતમાં ધર્માંતરણ કરાવવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, તેવામાં તાજેતરમાં ગિર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોડીનારથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી બે હિંદુ સગીરાઓને મહેસાણા જિલ્લાના ઉનાવા ગામે આવેલી મીરા દાતાર દરગાહમાંથી શોધી કાઢવામાં આવી છે. આરોપીઓ પર સગીરાઓને ફસાવીને ત્યાં લઈ જવા, બુરખો પહેરાવવા અને ધર્માંતરણ તથા નિકાહના પ્રયાસ કરવાના આરોપો લાગ્યા છે.
ઘટનાની વિગતો મુજબ, કોડીનારથી બે સગીરાઓ અચાનક ગુમ થઈ જતાં તેમના પરિવારોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને CCTVના આધારે તપાસ કરતા બંને સગીરાઓનું છેલ્લું લોકેશન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામ તરફ હોવાનું માલૂમ પડ્યું હતું.
મીરા દાતાર દરગાહમાંથી મળી આવી હિંદુ સગીરાઓ
ત્યારબાદ કોડીનાર પોલીસની એક ટીમ તાત્કાલિક ઉનાવા પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી મીરા દાતાર દરગાહ પરિસરમાં તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન બંને સગીરાઓ બુરખો પહેરેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે તાત્કાલિક બંનેનો કબજો મેળવી સુરક્ષિત રીતે કોડીનાર પરત લાવવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કોડીનાર પરત લાવ્યા બાદ મહિલા પોલીસે સગીરાઓનું કાઉન્સેલિંગ અને પૂછપરછ કરી હતી. પોલીસ સમક્ષ પૂછપરછમાં સામે આવ્યું છે કે સગીરાઓને લલચાવી-ફોસલાવીને કોડીનારથી ઉનાવા સુધી લઈ જવામાં આવી હતી, જ્યાં તેમને બુરખો પહેરાવીને કલમા પઢાવવામાં આવ્યા હતા.
ધોરણ-8માં અભ્યાસ કરતી સગીરાએ જણાવી આપવીતી
આ ઘટનાનો આશરે છ મિનિટનો એક વિડીયો પણ સામે આવ્યો છે. વિડિયોમાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક સગીરાએ RSSના આગેવાન જીજ્ઞેશભાઈ પરમાર સમક્ષ આપવીતી જણાવી છે. સગીરાના જણાવ્યા મુજબ, તેની બહેનપણીનું હિંદુ નામ બદલીને ‘કાજી નાયરા’ રાખવામાં આવ્યું હતું અને બંનેને ઉનાવા ગામની મીરા દાતાર દરગાહમાં ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી.
વધુમાં સગીરાએ જણાવ્યું હતું કે, તેઓ કોડીનારથી ટ્રેન અને રિક્ષા મારફતે વેરાવળ અને ગાંધીનગર થઈને ઉનાવા પહોંચ્યાં હતાં. આ દરમિયાન સગીરાઓના મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢીને તોડી નાખવામાં આવ્યાં હતાં જેથી પરિવારજનો કે પોલીસ તેમનું લોકેશન ટ્રેસ ન કરી શકે. સામે આવ્યું છે કે ધોરાજીના એક મુસ્લિમ યુવક તથા અન્ય શખ્સોએ સગીરાની ઓળખ બદલવા તેમજ તેમાંથી એક સગીરાના નિકાહ 16 વર્ષના કિશોર સાથે કરાવવાના પ્રયાસો પણ કર્યા હતા.
આ કેસમાં પોલીસે સખ્તાઈ દાખવીને ઉનાવાની મીરા દાતાર દરગાહના મૌલવી, સગીરાના કહેવાતા મુસ્લિમ મામા, ધોરાજીના મુસ્લિમ યુવક અને એક સગીર સહિત કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આની પાછળ કોઈ મોટું ધર્માંતરણનું રેકેટ કે નેટવર્ક છે કે કેમ.

