ભારતમાં દર ચાર આઇફોનમાંથી એકનું ઉત્પાદન થાય છે. દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓમાં સામેલ એપલ ચીનની બહાર પોતાની સપ્લાય ચેઇન વિસ્તારી રહી છે. ભારતમાંથી સ્માર્ટફોનની નિકાસ વધી રહી છે, સ્થાનિક કંપનીઓ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સાથે જોડાઈ રહી છે અને આ ક્ષેત્રમાં લાખો લોકોને રોજગારી મળી રહી છે. તેમ છતાં બ્લૂમબર્ગના એન્ડી મુખર્જીને ભારતની આ પ્રગતિમાં એવી કોઈ મોટી ઉપલબ્ધિ દેખાતી નથી!
19 ઑક્ટોબર 2026ના રોજ પ્રકાશિત તેના લેખ ‘એપલ્સ આઇફોન વોન્ટ મેક ઇન્ડિયા ધ નેક્સ્ટ ચાઇના’ અને 26 ઑક્ટોબરે બ્લૂમબર્ગ ઓપિનિયનના X હેન્ડલ પર મૂકાયેલા વિડીયોમાં તેણે દલીલ કરી કે ભારત ચીન જેવું મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બની શકે તેમ નથી. ભારતમાં આઇફોનનું ઉત્પાદન થાય છે, પરંતુ તેના મહત્વના ઘટકો હજુ વિદેશથી આયાત કરવા પડે છે. ઉત્પાદનનો ખર્ચ વધારે છે અને કંપનીઓને ટકાવી રાખવા માટે સરકાર સબસિડી આપે છે. આટલા ખર્ચ પછી પણ ભારત ચીનની બરાબરી કરી શકશે કે નહીં, એવો સવાલ ઉઠાવીને તેણે ભારતને હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગની મહત્વકાંક્ષા છોડીને કપડાં, બુટ-ચંપલ અને રમકડાં જેવા ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે.
One in four iPhones is made in India, but imported parts and costly subsidies complicate the success story. @andymukherjee70 takes apart an iPhone to explain why copying China’s manufacturing model may not pay off 🎥 https://t.co/eZNCId6MV4
— Bloomberg Opinion (@opinion) October 26, 2026
આ દલીલનો સાર એટલો જ છે કે ભારતે આઇફોન બનાવવાનો પ્રયાસ તો કર્યો છે, પરંતુ તેમાં વપરાતા તમામ ઘટકો દેશમાં બનતા નથી, એટલે આ સફળતાને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની પ્રગતિ તરીકે જોવી નહીં. આ પ્રકારની દલીલમાં એક મૂળભૂત બાબતને અવગણવામાં આવે છે. કોઈ દેશ ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રવેશ કરે ત્યારે તેની પાસે શરૂઆતથી જ દરેક ઘટક બનાવવાની ક્ષમતા હોતી નથી. ઉત્પાદન શરૂ થાય છે, સપ્લાયરો વિકસે છે, ટેકનિકલ કૌશલ્ય વધે છે અને ધીમે-ધીમે સ્થાનિક મૂલ્યવર્ધનનો હિસ્સો વધે છે. ભારત માટે આ પ્રક્રિયા અસંભવ છે, જ્યારે ચીન માટે તે શક્ય હતી, એવું માનવાનું કોઈ કારણ નથી. એન્ડી મુખર્જી જે માપદંડના આધારે ભારતની ક્ષમતાને ઓછી આંકે છે, એ જ માપદંડથી ચીનના મેન્યુફેક્ચરિંગ ઇતિહાસને તપાસવામાં આવે તો તેની દલીલનો પાયો જ નબળો પડી જાય છે.
મારુતિ 800ની વાત ભૂલીને ભારતને બુટ-ચંપલ સુધી સીમિત રાખવાની સલાહ
ભારતની ઔદ્યોગિક વિકાસયાત્રા સમજવા માટે 1983માં લૉન્ચ થયેલી મારુતિ 800નું ઉદાહરણ પૂરતું છે. આજે ભારત દુનિયાનાં અગ્રણી ઓટોમોબાઇલ ઉત્પાદન કેન્દ્રોમાં સામેલ છે. દેશમાં કાર અને તેના ઘટકો બનાવતી કંપનીઓનું વિશાળ નેટવર્ક છે. ભારતીય વાહનો વિદેશમાં નિકાસ થાય છે અને સ્થાનિક કંપનીઓ વૈશ્વિક સપ્લાય ચેઇનનો ભાગ બની છે. પરંતુ મારુતિ 800ની શરૂઆતના દિવસોમાં સ્થિતિ સાવ અલગ હતી. કારમાં વપરાતા માત્ર આશરે 3 ટકા ઘટકો જ ભારતમાં બનતા હતા, જ્યારે બાકીના 97 ટકા ભાગો જાપાનથી આયાત કરવામાં આવતા હતા. શરૂઆતમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ઘટકોમાં MRFનાં ટાયર અને ક્લોરાઇડ ઇન્ડિયાની બેટરી જેવા ગણ્યાગાંઠ્યા ભાગોનો સમાવેશ થતો હતો.
1984 સુધીમાં પણ મારુતિ 800માં સ્થાનિક ઘટકોનો હિસ્સો આશરે 10 ટકા જ હતો. ભારતમાં કાર બનાવવાની ફેક્ટરી સ્થાપી દેવી અને કારના તમામ જરૂરી ઘટકોનું સ્થાનિક ઉત્પાદન કરવા માટે સક્ષમ ઔદ્યોગિક માળખું ઊભું કરવું, આ બંને વચ્ચે મોટો તફાવત હતો. તેના માટે સેંકડો સપ્લાયર કંપનીઓ, ટેકનિકલ નિષ્ણાતો, ઉત્પાદનનાં સાધનો, ગુણવત્તા નિયંત્રણ અને સતત વધતી માંગની જરૂર હતી. મારુતિએ આ ઇકોસિસ્ટમ ઊભી કરવાની દિશામાં કામ કર્યું અને પરિણામે સ્થાનિક ઉત્પાદનનો હિસ્સો વધતો ગયો. 1988-89 સુધીમાં મારુતિ 800માં સ્થાનિક સામગ્રીનો હિસ્સો 86.2 ટકા થયો હતો. માર્ચ 1992 સુધીમાં તે 94.1 ટકા સુધી પહોંચી ગયો હતો. શરૂઆતમાં માત્ર 3 ટકા સ્થાનિક વસ્તુઓ ધરાવતી કાર એક દાયકાની અંદર 94.1 ટકા સ્થાનિક સામગ્રી સાથે બનવા લાગી હતી.
આ ઇતિહાસનો પાઠ સ્પષ્ટ છે. મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઊભી થવામાં સમય લાગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે શરૂઆતની મર્યાદાઓ જ દેશની કાયમી મર્યાદા બની જાય. જો 1983માં કોઈએ ભારતને કહ્યું હોત કે તમે કારના મોટાભાગના ઘટકો બનાવી શકતા નથી, તેથી કાર ઉત્પાદનનો પ્રયાસ છોડી દો અને માત્ર ટાયર તથા બેટરી બનાવો તો ભારતનું ઓટોમોબાઇલ ક્ષેત્ર આજે જ્યાં છે ત્યાં પહોંચી શક્યું હોત? નહીં. મારુતિ 800ના ઇતિહાસે સાબિત કર્યું કે આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે ઉત્પાદન શરૂ કરવું અને સ્થાનિક સપ્લાયર નેટવર્ક વિકસાવવું અનિવાર્ય છે. આજે ભારતના આઇફોન મેન્યુફેક્ચરિંગને લઈને પણ આ જ પ્રક્રિયા ચાલી રહી છે. છતાં એન્ડી મુખર્જી શરૂઆતની મર્યાદાઓને જ અંતિમ પરિણામ તરીકે રજૂ કરીને ભારતને ઔદ્યોગિક મહત્વકાંક્ષા છોડવાની સલાહ આપે છે.
ચીનના આઇફોનમાં પણ સ્થાનિક ઉત્પાદનનો હિસ્સો માત્ર 3.6 ટકા હતો
ભારતને ચીન સાથે સરખાવતાં પહેલાં ચીનના પોતાના ઔદ્યોગિક ઇતિહાસ પર નજર નાખવી જરૂરી છે. આજે ચીન આઇફોનની વૈશ્વિક સપ્લાય ચેઇનનું સૌથી મોટું કેન્દ્ર છે. ત્યાં વિશાળ ફેક્ટરીઓ છે, લાખો શ્રમિકો ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સાથે જોડાયેલા છે અને અસંખ્ય સ્થાનિક કંપનીઓ આઇફોનના ઘટકો બનાવે છે. પરંતુ આ સ્થિતિ શરૂઆતથી જ નહોતી. 2009માં ચીનમાં બનતા આઇફોનમાં લોકલ વેલ્યુ એડિશનનો હિસ્સો માત્ર 3.6 ટકા હતો. તે સમયે એક આઇફોનના ઉત્પાદનનો ખર્ચ આશરે 179 ડૉલર હતો, જ્યારે ચીનમાં થતી એસેમ્બલીનો હિસ્સો માત્ર 6.50 ડૉલર હતો. એટલે કે ચીન પણ શરૂઆતમાં વિદેશી ઘટકો અને ટેકનોલોજી પર નિર્ભર રહીને આઇફોનના ઉત્પાદન સાથે જોડાયેલું હતું.
ત્યારબાદ ચીને સ્થાનિક સપ્લાયર નેટવર્કને મજબૂત કર્યું. ઉત્પાદનના વધુ તબક્કાઓમાં ચીનની કંપનીઓ જોડાતી ગઈ અને આઇફોનમાં વપરાતા અનેક ઘટકોનું ઉત્પાદન ચીનમાં થવા લાગ્યું. 2017માં આઇફોન Xના ઉત્પાદનનો ખર્ચ આશરે 409 ડૉલર હતો, જેમાં ચીનના લોકલ વેલ્યુ એડિશનનો હિસ્સો આશરે 104 ડૉલર એટલે કે 25 ટકાથી વધુ હતો. બેટરી પૅક, કાચનું કવર, ફ્રેમ, સ્પીકર અને સર્કિટ બોર્ડ જેવા ઘટકોના ઉત્પાદન સાથે ચીનની કંપનીઓ જોડાઈ. સમય જતાં ચીનમાં લોકલ વેલ્યુ એડિશનનો હિસ્સો 30 ટકાથી પણ વધુ થયો. આ પ્રગતિ માટે ચીને એક દાયકા કરતાં વધુ સમય સુધી સપ્લાયર નેટવર્ક, ઉત્પાદન ક્ષમતા અને ટેકનિકલ કુશળતા વિકસાવી.
આજે પણ ચીનમાં બનતા આઇફોનના તમામ ઘટકો ચીનમાં જ બનતા નથી. જાપાનની સોનીના કેમેરા સેન્સર, તાઇવાનની TSMCના પ્રોસેસર અને દક્ષિણ કોરિયાની LG તથા સેમસંગના ડિસ્પ્લે જેવા ઘટકો વૈશ્વિક સપ્લાય ચેઇનમાંથી આવે છે. આધુનિક ટેકનોલોજીનું ઉત્પાદન અનેક દેશોની કંપનીઓના સહકારથી થાય છે. એક દેશમાં એસેમ્બલ થતી પ્રોડક્ટમાં બીજા દેશના ઘટકોનો ઉપયોગ થવો એ ઔદ્યોગિક નબળાઈનો પુરાવો નથી. મહત્વની બાબત એ છે કે તે દેશમાં ઉત્પાદનના કેટલા તબક્કાઓ વિકસે છે, સ્થાનિક કંપનીઓ કેટલી જોડાય છે અને સમય જતાં લોકલ વેલ્યુ એડિશન કેટલું વધે છે.
એટલે ચીનના આઇફોનનું ઉદાહરણ ભારત સામે મૂકીને ભારતની મર્યાદાઓ દર્શાવવાનો પ્રયાસ કરનારા એજન્ડાધારીઓએ ચીનની શરૂઆત પણ યાદ રાખવી જોઈએ. 2009માં ચીનમાં લોકલ વેલ્યુ એડિશન માત્ર 3.6 ટકા હતું. આજે ભારત આઇફોનના વૈશ્વિક ઉત્પાદનનો 25 ટકાથી વધુ હિસ્સો સંભાળે છે અને સ્થાનિક ઉત્પાદન વધારી રહ્યું છે. ચીનને પોતાની સપ્લાય ચેઇન વિકસાવવા માટે સમય મળ્યો, પરંતુ ભારતે શરૂઆતના થોડાં વર્ષોમાં જ દાયકાઓના ઔદ્યોગિક વિકાસની બરાબરી કરી બતાવવી જોઈએ, એવો માપદંડ રાખવો એ જ નિર્બળ બુદ્ધિ અને પ્રોપગેન્ડાની નિશાની છે.
એન્ડીએ પોતે જ ભારતની પ્રગતિ સ્વીકારી
બ્લૂમબર્ગ ઓપિનિયનના વિડીયોમાં એન્ડી મુખર્જી હોંગકોંગના વ્યસ્ત ‘શેમ શુઈ પો’ વિસ્તારમાં પહોંચે છે. ત્યાં તે એક આઇફોન ખોલીને તેના ઘટકો બતાવે છે અને સમજાવવાનો પ્રયાસ કરે છે કે ભારતે ચીનના હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ મોડેલની નકલ કેમ ન કરવી જોઈએ. તેના વિડીયોમાં આઇફોનના મુખ્ય ઘટકો, આયાત પરની નિર્ભરતા અને સ્થાનિક ઉત્પાદનની મર્યાદાઓ પર ભાર મૂકવામાં આવે છે. પરંતુ આ જ વિડીયોમાં તે એક એવી વાત પણ સ્વીકારે છે, જે ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની પ્રગતિ સમજવા માટે મહત્વની છે.
એન્ડી જણાવે છે કે અગાઉ ભારતીય ફેક્ટરીઓ પહેલેથી જ એસેમ્બલ થયેલા મેઇનબોર્ડ આયાત કરતી હતી, પરંતુ હવે તેઓ ખાલી સર્કિટ બોર્ડ આયાત કરે છે અને તેના પર ઇલેક્ટ્રોનિક ઘટકો સ્થાનિક સ્તરે લગાવે છે. તે આ બદલાવને વાસ્તવિક પ્રગતિ ગણાવે છે. તેણે એ પણ કહ્યું કે મેઇનબોર્ડનું સ્થાનિક સ્તરે ઉત્પાદન શરૂ થવાથી નાણાકીય વર્ષ 2025-26માં ભારતના મોબાઇલ ટ્રેડ બેલેન્સમાં એક જ વર્ષમાં 2.1 અબજ ડૉલરનો સુધારો થયો હતો.
અહીં સવાલ એ છે કે જો ભારત માત્ર તૈયાર માલની એસેમ્બલી કરતું હોત અને સ્થાનિક ઉત્પાદનની ક્ષમતા વધતી જ ન હોત તો મેઇનબોર્ડના ઉત્પાદનની પ્રક્રિયામાં આ બદલાવ કેવી રીતે આવ્યો? પહેલાં તૈયાર મેઇનબોર્ડ આયાત થતું હતું અને હવે સ્થાનિક ફેક્ટરીઓ તેના પર ઇલેક્ટ્રોનિક ઘટકો લગાવવાની પ્રક્રિયા કરી રહી છે. આ પરિવર્તન ઉત્પાદનના વધુ એક તબક્કાને ભારતમાં લાવવાનો પુરાવો છે. તેના કારણે આયાત અને નિકાસ વચ્ચેના તફાવતમાં સુધારો થયો હોવાનું એન્ડી પોતે સ્વીકારે છે. છતાં તેના વાહિયાત એજન્ડાનો મુખ્ય નિષ્કર્ષ એ છે કે ભારતે ચીનના મેન્યુફેક્ચરિંગ મોડેલની નકલ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
ભારતની પ્રગતિને લઈને આ જ વિરોધાભાસ બ્લૂમબર્ગના વિશ્લેષણની સૌથી મોટી નબળાઈ છે. એક તરફ વિડીયોમાં સ્થાનિક ઉત્પાદનની પ્રક્રિયામાં થયેલા ફેરફાર અને તેના આર્થિક પરિણામને સ્વીકારવામાં આવે છે, બીજી તરફ આ જ પ્રક્રિયાને પૂરતી સફળતા ગણવામાં આવતી નથી. હકીકતમાં કોઈ પણ ઉત્પાદન ક્ષેત્રમાં સ્થાનિક મૂલ્યવર્ધન વધારવાની શરૂઆત આ જ રીતે થાય છે. પ્રથમ તબક્કામાં તૈયાર ઘટકો આયાત થાય છે, પછી કેટલાક ભાગોનું ઉત્પાદન સ્થાનિક સ્તરે શરૂ થાય છે અને ત્યારબાદ સપ્લાયર નેટવર્ક વધુ વિસ્તરે છે. ભારતમાં મેઇનબોર્ડના ઉત્પાદનની પ્રક્રિયામાં આવેલો બદલાવ એ જ દિશામાં થયેલી પ્રગતિ છે. એન્ડી પોતે આ ઉપલબ્ધિને સ્વીકારી પણ રહ્યો છે પરંતુ તેનો અંતિમ ઇરાદો તો પોતાના એજન્ડા પર કાયમ રહેવાનો જ છે.
ભારતમાં આઇફોન મેન્યુફેક્ચરિંગની શરૂઆતથી અત્યાર સુધી શું બદલાયું?
ભારતમાં આઇફોનનું ઉત્પાદન 2017માં આઇફોન SEથી શરૂ થયું હતું. એ સમયે દેશ પાસે આજના જેટલો ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનો અનુભવ નહોતો. વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડાવા માટે નીતિગત ફેરફારો કરવામાં આવ્યા, ઉત્પાદનને અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને ફોક્સકોન તથા પેગાટ્રોન જેવી કંપનીઓ ભારતમાં ઉત્પાદન સાથે જોડાઈ. 2020માં કેન્દ્ર સરકારે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે PLI યોજના શરૂ કરી. આ યોજના હેઠળ નિર્ધારિત શરતો પૂરી કરતી કંપનીઓને ભારતમાં ઉત્પાદન વધારવા બદલ 4થી 6 ટકા સુધીની સબસિડી આપવામાં આવતી હતી.
આ નીતિનો એક મોટો હેતુ વૈશ્વિક કંપનીઓને ભારતમાં ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવાનો અને સ્થાનિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાયર નેટવર્ક વિકસાવવાનો હતો. પરિણામે ભારતમાં આઇફોનનું ઉત્પાદન ઝડપથી વધ્યું. 2021માં વૈશ્વિક આઇફોન ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે 2 ટકા હતો, જે હવે 25 ટકાથી વધુ થયો છે. આજે દુનિયામાં વેચાતા દર ચાર આઇફોનમાંથી આશરે એકનું ઉત્પાદન ભારતમાં થાય છે. આ બદાલાવ માત્ર તૈયાર પ્રોડક્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ એસેમ્બલ કરવા પૂરતો નથી. એપલના સપ્લાયરો ભારતમાં ઉત્પાદન માટે રોકાણ કરી રહ્યા છે, સ્થાનિક કંપનીઓ સપ્લાય ચેઇનમાં જોડાઈ રહી છે અને ઉત્પાદનના વધુ તબક્કાઓ ભારતમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના જૂન 2026ના રિપોર્ટ અનુસાર ભારતમાં આઇફોનનું લોકલ વેલ્યુ એડિશન મોડેલ પ્રમાણે 12થી 17 ટકા વચ્ચે હતું અને સરેરાશ આશરે 14.5 ટકા હતું. અલગ-અલગ મોડેલોમાં આ હિસ્સો જુદો હતો. આ આંકડો ચીનની સરખામણીએ હજુ ઓછો છે, પરંતુ ભારતમાં ઉત્પાદન શરૂ થયાના સમયગાળાને ધ્યાનમાં લીધા વિના તેને ભારતની નિષ્ફળતા ગણાવી દેવી યોગ્ય નથી. સ્થાનિક કંપનીઓ અને સંયુક્ત સાહસો સબ-એસેમ્બલી તથા ઘટકોના ઉત્પાદન સાથે જોડાઈ રહ્યાં છે. સર્કિટ બોર્ડ પર ઇલેક્ટ્રોનિક ઘટકો લગાવવા, ચેસિસ એસેમ્બલ કરવા અને અન્ય ઉત્પાદન પ્રક્રિયાઓમાં સ્થાનિક ક્ષમતા વધતી જાય છે.
અહીં એ સમજવું જરૂરી છે કે લોકલ વેલ્યુ એડિશનનો હિસ્સો વધારવો એ લાંબાગાળાની પ્રક્રિયા છે. ભારતમાં આઇફોનનું ઉત્પાદન શરૂ થયાના થોડાં વર્ષોમાં જ ચીનની દાયકાઓ જૂની સપ્લાય ચેઇનની બરાબરી થઈ જવી જોઈએ એવી અપેક્ષા રાખવી મંદબુદ્ધિ અથવા તો પછી એજન્ડા પાર પાડવાની સ્પષ્ટ નિશાની છે. ભારતે ઉત્પાદન વધાર્યું છે, સ્થાનિક કંપનીઓને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડવાની શરૂઆત કરી છે અને હવે વધુ ઘટકોનું સ્થાનિક ઉત્પાદન વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ પ્રગતિને સમજવા માટે માત્ર આજે કેટલા ઘટકો આયાત થાય છે તે જોવાને બદલે, પાંચ વર્ષ પહેલાંની સ્થિતિ અને આજની સ્થિતિ વચ્ચેનો તફાવત જોવો જરૂરી છે, પણ આ એજન્ડાબાજ ‘પત્રકાર’ આવું કરે તો એજન્ડા પાર ન પડી શકે.
₹19,000 કરોડની સબસિડી સામે ₹3.25 લાખ કરોડની આવક
એન્ડી મુખર્જીનો સૌથી મોટો વાંધો એ છે કે ભારત આઇફોનનું ઉત્પાદન વધારવા માટે કંપનીઓને સરકારી સબસિડી આપે છે. તેના મતે, ઉત્પાદનનો ખર્ચ ઊંચો હોવાથી સરકારને કંપનીઓને પ્રોત્સાહન આપવું પડે છે અને સામાન્ય માણસોનો ટેક્સનો પૈસો ખર્ચવા છતાં ભારત ચીનની બરાબરી કરી શકશે કે નહીં તે સ્પષ્ટ નથી. પરંતુ આ દલીલમાં સરકારી રોકાણના પરિણામોને માપવાની રીત જ અધૂરી છે. કોઈ ઉદ્યોગને પ્રોત્સાહન આપતી વખતે સરકારે કેટલો ખર્ચ કર્યો તે જોવું જરૂરી છે, પરંતુ તેના બદલામાં કેટલું ઉત્પાદન વધ્યું, કેટલો ટેક્સ મળ્યો, કેટલી રોજગારી સર્જાઈ અને સ્થાનિક સપ્લાય ચેઇન કેટલી વિકસિત થઈ, એ પણ એટલું જ મહત્વનું છે.
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે 27 ઑક્ટોબર 2026ના રોજ મોબાઇલ મેન્યુફેક્ચરિંગ અંગેના સવાલોના જવાબમાં આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ માટે ₹19,000 કરોડની સબસિડી આપવામાં આવી હતી, જ્યારે સરકારને ₹25,000 કરોડનો ડાયરેક્ટ ટેક્સ અને ₹3 લાખ કરોડનો GST મળ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 25 લાખ લોકોને અને માત્ર મોબાઇલ મેન્યુફેક્ચરિંગમાં 12 લાખ લોકોને રોજગારી મળી છે.
Mobile PLI stats as follows: Government incentive paid: Rs 19,000 Cr. Direct tax collected: Rs 25,000 Cr. GST collected: Rs 3,00,000 Cr. Electronics manufacturing employs 25 Lakh people; mobile manufacturing alone employs 12 Lakh. Cope harder!!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 27, 2026
આ આંકડાઓ ભારતની મેન્યુફેક્ચરિંગ નીતિ અંગેની ચર્ચામાં મહત્વના છે. એક તરફ સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય છે અને બીજી તરફ કરવેરાની આવક તથા રોજગારીના આંકડા છે. સબસિડીનો હેતુ કોઈ કંપનીને કાયમી રીતે સરકારી સહારે જીવતી રાખવાનો નથી. તેનો હેતુ ભારતમાં ઉત્પાદન વધારવાનો, રોકાણ આકર્ષવાનો અને સ્થાનિક સપ્લાયર નેટવર્ક વિકસાવવાનો છે. જો તેના કારણે ઉત્પાદન અને નિકાસ વધે, સ્થાનિક કંપનીઓને કામ મળે, શ્રમિકોને રોજગારી મળે અને સરકારને કરવેરાની આવક થાય તો આ તમામ બાબતોને સાથે રાખીને મૂલ્યાંકન કરવું પડે. પણ અહીં ફરી એજન્ડાધારીઓને એજન્ડા ન પાર પડવાનો ડર લાગી આવે છે.
સબસિડી સામે સવાલ ઉઠાવવો ખોટો નથી, પરંતુ સવાલ માત્ર એક જ દિશામાં કેમ? જો કોઈ યોજના પાછળ સરકારી ખર્ચ થાય તો તેના પરિણામોની ચર્ચા થવી જોઈએ. પરંતુ ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં થઈ રહેલા રોકાણને માત્ર સબસિડીના ખર્ચથી માપીને સ્થાનિક ઉત્પાદન, ટેકનિકલ કૌશલ્ય અને સપ્લાયર ઇકોસિસ્ટમને અવગણવી એ અધૂરી ગણતરી છે. ઉદ્યોગ ઊભો કરવો એટલે ફક્ત એક ફેક્ટરીને પૈસા આપવા નહીં, પરંતુ તેની આસપાસ અનેક કંપનીઓ, ટેકનિકલ કર્મચારીઓ અને ઉત્પાદન પ્રક્રિયાઓ વિકસાવવી. આ ક્ષમતાઓ એકવાર ઊભી થાય પછી તેનો લાભ માત્ર એક જ પ્રોડક્ટ પૂરતો મર્યાદિત રહેતો નથી.
મનરેગા પાછળના ખર્ચ સામે પણ એ જ માપદંડ લાગુ કરવો જરૂરી
અહીં એક વધુ મોટો સવાલ ઊભો થાય છે. જો ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને આપવામાં આવતી સબસિડી અંગે કરદાતાના પૈસાનો હિસાબ માંગવામાં આવે છે તો બીજી યોજનાઓ પાછળ થયેલા વિશાળ ખર્ચનું મૂલ્યાંકન પણ તેના પરિણામોના આધારે થવું જોઈએ. 2006થી 2026 દરમિયાન મનરેગા પાછળ ₹11 લાખ કરોડથી વધુનો ખર્ચ થયો છે. આ યોજના હેઠળ રોજગારી પૂરી પાડવામાં આવી છે, પરંતુ તેની સામે લાંબાગાળાની ઉત્પાદનક્ષમતા, કાયમી કૌશલ્ય અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ કેટલી ઊભી થઈ? આ જવાબ ન તો આ એજન્ડાધારીઓ પાસે છે અને ન તો કોંગ્રેસ પાસે. પરંતુ સામાન્ય માણસો આનો જવાબ સારી રીતે જાણે છે.
મેન્યુફેક્ચરિંગમાં કરવામાં આવતા રોકાણનો એક હેતુ એવો ઉદ્યોગ ઊભો કરવાનો છે જે સમય જતાં પોતાની ઉત્પાદનક્ષમતા વધારી શકે, નવા સપ્લાયરોને જન્મ આપી શકે અને વધુ લોકોને કૌશલ્ય આધારિત રોજગારી આપી શકે. આઇફોન મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા વર્કરોને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનની પ્રક્રિયાનો અનુભવ મળે છે, ગુણવત્તા નિયંત્રણની સમજ વિકસે છે અને સ્થાનિક કંપનીઓને વૈશ્વિક કંપનીઓની સપ્લાય ચેઇન સાથે કામ કરવાની તક મળે છે. આ બધું ભવિષ્યમાં વધુ જટિલ ઉત્પાદન ક્ષેત્રોમાં પ્રવેશવા માટે ઉપયોગી બની શકે છે.
જો ઔદ્યોગિક ઉત્પાદન માટે આપવામાં આવતી સબસિડી સામે સવાલો ઊભા કરવામાં આવે છે તો દરેક જાહેર ખર્ચ માટે એકસરખા માપદંડથી પરિણામો તપાસવા જોઈએ. ભારતને રોજગારીની જરૂર છે, પરંતુ માત્ર રોજગારી ઊભી કરવી અને લાંબાગાળાની ઉત્પાદનક્ષમતા વધારવી એ બે જુદા ઉદ્દેશો છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોકાણ દ્વારા રોજગારીની સાથે ઔદ્યોગિક ક્ષમતા વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રયત્નને માત્ર એટલા માટે નકારવો કે શરૂઆતમાં સરકાર પ્રોત્સાહન આપે છે, તે યોગ્ય નથી!
સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પણ આપ્યું ‘જ્ઞાન’
બ્લૂમબર્ગના વિડીયોમાં ભારતની સેમિકન્ડક્ટર નીતિ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એન્ડી મુખર્જીની દલીલ છે કે સરકારે સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે અબજો ડૉલરની સબસિડી જાહેર કરી છે, છતાં ભારત હજુ ચિપ્સના પેકેજિંગ અને ટેસ્ટિંગ જેવા તબક્કાઓ સુધી જ પહોંચ્યું છે. તેના મતે, અદ્યતન ચિપ બનાવવી મુશ્કેલ છે, તેમાં વિશાળ મૂડી, અત્યાધુનિક ટેકનોલોજી અને લાંબાગાળાના જોખમો ઉઠાવવા તૈયાર રોકાણકારોની જરૂર પડે છે. તેથી ભારતે આ ક્ષેત્રમાં ચીન કે તાઇવાનની બરાબરી કરવાનો પ્રયાસ કરવાને બદલે પોતાની ડિઝાઇન અને એન્જિનિયરિંગની ક્ષમતાઓ પર ધ્યાન આપવું જોઈએ.
પરંતુ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પ્રવેશવાનો અર્થ એ નથી કે કોઈ દેશે પ્રથમ જ દિવસે દુનિયાની સૌથી અદ્યતન ચિપનું ઉત્પાદન શરૂ કરી દેવું જોઈએ. ચિપ ઉત્પાદન એક જટિલ પ્રક્રિયા છે. તેમાં ફેબ્રિકેશન, પેકેજિંગ, ટેસ્ટિંગ, ગુણવત્તા નિયંત્રણ, ઉત્પાદનનાં સાધનો અને કુશળ માનવબળની જરૂર પડે છે. આ તમામ ક્ષમતાઓ વિકસાવવા માટે લાંબાગાળાનું રોકાણ અને અનુભવ જરૂરી છે. પેકેજિંગ અને ટેસ્ટિંગને નકામું કામ ગણવું એ પણ ખોટી સમજ છે અને એજન્ડાનો એક ભાગ છે. આ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનનો મહત્વનો હિસ્સો છે અને તેના દ્વારા ટેકનિકલ કુશળતા, ઉત્પાદન પ્રક્રિયાની સમજ તથા સ્થાનિક ઔદ્યોગિક ક્ષમતા વિકસાવી શકાય છે.
ભારતની વ્યૂહરચના તબક્કાવાર ક્ષમતા વિકસાવવાની છે. શરૂઆતમાં પેકેજિંગ અને ટેસ્ટિંગ જેવી પ્રક્રિયાઓમાં સ્થાન મજબૂત કરવું, ત્યારબાદ ઉત્પાદનના વધુ જટિલ તબક્કાઓમાં પ્રવેશ કરવો અને સમય જતાં 28 નેનોમીટર જેવી ચિપ્સના ઉત્પાદન તરફ આગળ વધવું એ આ પ્રક્રિયાનો ભાગ છે. ભારત પાસે તાઇવાન કે દક્ષિણ કોરિયા જેવી દાયકાઓ જૂની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે દેશે આ ક્ષેત્રમાં પ્રવેશ જ ન કરવો જોઈએ. શરૂઆતના તબક્કામાં રહેલી મર્યાદાઓને આ એજન્ડાબાજોની જેમ અંતિમ નિષ્ફળતા ગણાવી દેવામાં આવે તો કોઈ નવો ઉદ્યોગ ઊભો જ થઈ શકે નહીં.
આ જ તર્ક આઇફોન મેન્યુફેક્ચરિંગમાં પણ લાગુ પડે છે. જો ભારતે સ્થાનિક ઘટકોનું ઉત્પાદન વધારવું હોય તો પ્રથમ ઉત્પાદનનો અનુભવ મેળવવો પડશે. જો સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પ્રવેશ કરવો હોય તો સપ્લાય ચેઇનના વિવિધ તબક્કાઓમાં ક્ષમતા ઊભી કરવી પડશે. કોઈ પણ ઔદ્યોગિક ક્ષેત્રમાં શરૂઆતથી જ તમામ ટેકનોલોજી અને ઉત્પાદન પ્રક્રિયાઓ પર સંપૂર્ણ નિયંત્રણ હાંસલ કરવું શક્ય નથી. દેશે કઈ ક્ષમતા વિકસાવવી અને તેમાં કેટલું રોકાણ કરવું તે અંગે ચર્ચા થઈ શકે, પરંતુ શરૂઆતની મર્યાદાઓના આધારે ભારતે હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગની મહત્વકાંક્ષા છોડી દેવી જોઈએ, એવો નિષ્કર્ષ કાઢવો બેવકૂફી છે.
રઘુરામ રાજનનોનો નેરેટિવ અને ભારતની હકીકત
ભારતમાં આઇફોનનું ઉત્પાદન માત્ર એસેમ્બલી પૂરતું સીમિત છે એવી દલીલ નવી નથી. રઘુરામ રાજન અને તેના માણસોએ પણ અગાઉ ભારતના મોબાઇલ મેન્યુફેક્ચરિંગની સફળતાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેના વિશ્લેષણમાં આયાત થતા ઘટકો અને તૈયાર મોબાઇલની નિકાસ વચ્ચેના તફાવતને આધારે ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની ક્ષમતા અંગે સવાલ કરવામાં આવ્યા હતા. ‘સ્ક્રૂ-ડ્રાઇવર ટેક્નોલોજી’ જેવો શબ્દપ્રયોગ પણ આ દરમિયાન વપરાતો રહ્યો છે.
પરંતુ આ આખી ચર્ચામાં સૌથી મહત્વની બાબત એ છે કે ઉત્પાદનની પ્રક્રિયા સતત બદલાઈ રહી છે. પહેલાં તૈયાર મેઇનબોર્ડ આયાત થતું હતું, હવે તેના પર ઇલેક્ટ્રોનિક ઘટકો લગાવવાની કામગીરી ભારતમાં થાય છે. પહેલાં ભારતમાં આઇફોનનું ઉત્પાદન શરૂ જ થયું નહોતું, હવે વિશ્વના કુલ ઉત્પાદનનો ચોથા ભાગથી વધુ હિસ્સો ભારતમાં બને છે. પહેલાં સ્થાનિક સપ્લાયર નેટવર્ક નાનું હતું, હવે ભારતીય કંપનીઓ ઉત્પાદનના વધુ તબક્કાઓમાં જોડાઈ રહી છે. આ પરિવર્તનને અવગણીને વર્ષો જૂની દલીલોનું પુનરાવર્તન કરવાથી ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વાસ્તવિક સ્થિતિ સમજાય નહીં. પણ હા, એજન્ડા જરૂર જળવાય છે.
અલબત્ત, ભારતે હજુ લોકલ વેલ્યુ એડિશન વધારવાનું છે. મેમરી ચિપ્સ, પ્રોસેસર, ડિસ્પ્લે, કેમેરા લેન્સ અને બેટરી જેવા ઘટકો માટે આયાત પરની નિર્ભરતા ઘટાડવી જરૂરી છે. પરંતુ આ પડકારોનો જવાબ ઉત્પાદન બંધ કરવામાં કે હાઇ-ટેક ક્ષેત્રોથી દૂર રહેવામાં નથી. તેનો જવાબ સ્થાનિક સપ્લાયર નેટવર્ક વિકસાવવામાં, સંશોધન અને ટેકનિકલ ક્ષમતા વધારવામાં, ઉત્પાદન માટે અનુકૂળ માળખું ઊભું કરવામાં અને લાંબાગાળાની નીતિ જાળવી રાખવામાં છે. ભારતે આ દિશામાં જે શરૂઆત કરી છે, તેને વધુ મજબૂત કરવાની જરૂર છે અને ભારત સરકાર તે કરી પણ રહી છે.
ભારતે શું બનાવવું તે બ્લૂમબર્ગ કે તેના એજન્ડાધારીઓ નક્કી નહીં કરે
એન્ડી મુખર્જીની દલીલનો સૌથી વિવાદાસ્પદ અને વાહિયાત ભાગ એ છે કે ભારતે ચીનના હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ મોડેલની નકલ કરવાને બદલે કપડાં, બુટ-ચંપલ અને રમકડાં જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવું જોઈએ. આ ક્ષેત્રોમાં રોજગારીની તકો છે અને ભારતે તેમાં પણ પોતાની ક્ષમતા વધારવી જોઈએ. પરંતુ તેનો અર્થ એવો નથી કે દેશે ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર અને અન્ય જટિલ ઉત્પાદન ક્ષેત્રોમાં પ્રવેશ કરવો જ નહીં. ભારત જેવા વિશાળ દેશ માટે ઔદ્યોગિક વિકાસના અનેક માર્ગો એકસાથે ખુલ્લા રાખવા જરૂરી છે.
કપડાં અને ફૂટવેર જેવા શ્રમ આધારિત ઉદ્યોગો મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપી શકે છે. બીજી તરફ ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રો ટેકનિકલ કૌશલ્ય, ઊંચા મૂલ્યવર્ધન અને વ્યૂહાત્મક ક્ષમતાઓ વિકસાવવામાં મદદ કરી શકે છે. એક ક્ષેત્રમાં રોકાણ કરવાનો અર્થ બીજા ક્ષેત્રને છોડી દેવાનો નથી. ભારતની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ નક્કી કરવાનું કામ દેશની સરકાર, નીતિનિર્માતાઓ અને દેશની જનતાનું છે. એ બ્લૂમબર્ગ કે તેના એજન્ડાધારીઓ નક્કી નહીં કરે.
ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સામે વાસ્તવિક પડકારો છે. સ્થાનિક ઘટકોનું ઉત્પાદન વધારવું, આયાત પરની નિર્ભરતા ઘટાડવી, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ટેકનિકલ ક્ષમતા વિકસાવવી અને ઉત્પાદનનો ખર્ચ ઘટાડવો જરૂરી છે. પરંતુ આ પડકારોને ભારતની અસમર્થતાના પુરાવા તરીકે રજૂ કરવા અને દેશે પોતાની મહત્વકાંક્ષા જ મર્યાદિત કરી દેવી જોઈએ એવું કહેવું સ્પષ્ટપણે મૂર્ખામી છે. મારુતિ 800ના ઇતિહાસથી લઈને ચીનના આઇફોન સુધીનાં ઉદાહરણો એ જ કહે છે કે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઊભી થવામાં સમય લાગે છે. શરૂઆતની સ્થિતિને જ અંતિમ પરિણામ માનવામાં આવે તો કોઈ પણ દેશ ઔદ્યોગિક વિકાસની લાંબી યાત્રા શરૂ કરી શકે નહીં.
ભારતને બુટ-ચંપલ બનાવવા સુધી સીમિત રહેવાની સલાહ આપનારા કથિત બુદ્ધિજીવીઓએ મારુતિ 800નો ઇતિહાસ ફરી વાંચવો જોઈએ. એક સમયે જે કારના 97 ટકા ઘટકો જાપાનથી આવતા હતા, તેમાં એક દાયકામાં સ્થાનિક ઉત્પાદનોનો હિસ્સો 94.1 ટકા થઈ ગયો હતો. ચીનમાં બનતા આઇફોનમાં પણ 2009માં લોકલ વેલ્યુ એડિશન માત્ર 3.6 ટકા હતું. આજે ભારત આઇફોનના વૈશ્વિક ઉત્પાદનનો 25 ટકાથી વધુ હિસ્સો સંભાળે છે, સ્થાનિક સપ્લાયરોને વિકસાવી રહ્યું છે અને ઉત્પાદનના વધુ તબક્કાઓ પોતાના દેશમાં લાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
એન્ડી મુખર્જી પોતે જ સ્વીકારે છે કે ભારતમાં મેઇનબોર્ડના સ્થાનિક ઉત્પાદનને કારણે એક જ વર્ષમાં મોબાઇલ ટ્રેડ બેલેન્સમાં 2.1 અબજ ડૉલરનો સુધારો થયો છે. છતાં તેના એજન્ડાનો નિષ્કર્ષ એ છે કે ભારતે ચીનની બરાબરી કરવાની મહત્વકાંક્ષા રાખવી ન જોઈએ. આ જ વિરોધાભાસ તેની દલીલને સમજવા માટે પૂરતો છે. ભારતે પોતાની મર્યાદાઓ ઓળખીને તેને દૂર કરવી જોઈએ, પરંતુ પોતાની પ્રગતિને બીજાના માપદંડથી ઓછી આંકવાની જરૂર નથી. ભારત શું બનાવશે, કઈ ટેકનોલોજીમાં રોકાણ કરશે અને પોતાની ઔદ્યોગિક ક્ષમતા કેટલી આગળ લઈ જશે તે નક્કી કરવાનું કામ ભારતનું પોતાનું છે, બ્લૂમબર્ગ કે તેના એજન્ડાબાજ એન્ડી મુખર્જીનું નહીં.


