હોમપેજએક્સપ્લેઇનરઇઝરાયેલમાં કઈ રીતે યોજાય છે ચૂંટણી: 120 બેઠકો, અનેક પક્ષો અને 61ના...

ઇઝરાયેલમાં કઈ રીતે યોજાય છે ચૂંટણી: 120 બેઠકો, અનેક પક્ષો અને 61ના આંકડાનું ગણિત

ઇઝરાયેલના ઇતિહાસમાં કોઈ પાર્ટીને ક્યારેય સ્પષ્ટ બહુમતી મળી નથી. કોઈ પાર્ટી એકલે હાથે 50% બેઠકો પાર કરી શકતી નથી. એટલે વિવિધ પાર્ટીઓના ગઠબંધનથી 61ના આંકડે પહોંચાય છે. એ જ કારણ છે કે ઇઝરાયેલમાં સરકાર બનાવતાં ઘણી વખત દિવસો અને મહિનાઓ લાગે છે.

- Advertisement -

ઇઝરાયેલમાં હાલ સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. 7 ઑક્ટોબર, 2023ના દિવસે ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસે કરેલા ઘાતકી હુમલા અને ત્યારબાદ ચાલેલા લાંબા અને ભીષણ યુદ્ધ બાદ ઇઝરાયેલમાં આ પહેલી ચૂંટણી છે. મંગળવારે (27 ઑક્ટોબર) સ્થાનિક સમય અનુસાર સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું, જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. ભારતીય સમય પ્રમાણે સવારે સાડા દસ વાગ્યાથી રાત્રે દોઢ વાગ્યા સુધી.

આ વખતે લગભગ 73 લાખ ઇઝરાયેલી નાગરિકો મતદાન કરી શકશે. જેમાં 12 લાખ ઇઝરાયેલના પેલેસ્ટેનિયન નાગરિકો પણ છે. વેસ્ટ બેન્કમાં રહેતા ઇઝરાયેલી નાગરિકો પણ મતદાન કરી શકે છે. વેસ્ટ બેન્કમાં રહેતા પેલેસ્ટેનિયનો, ગાઝામાં રહેતા પેલેસ્ટેનિયનોને ઇઝરાયેલની ચૂંટણીમાં મતદાનનો અધિકાર નથી. વિદેશમાં રહેતા ઇઝરાયેલીઓ મતદાન કરી શકે તેમ નથી કારણ કે ચૂંટણીમાં રૂબરૂ હાજર રહીને મત નાખવા સિવાય બીજો એક પણ વિકલ્પ ઉપલબ્ધ નથી. અન્ય દેશોમાં રહેતા રાજદ્વારીઓ માટે અલગ વ્યવસ્થા છે, જેઓ 20 ઑક્ટોબરના રોજ મતદાન કરી ચૂક્યા છે. બાકીના આજે મત આપી રહ્યા છે.

નેસેટ, 120 બેઠકો અને બહુમતીનું ગણિત

ઇઝરાયેલમાં ચૂંટણી થોડી અલગ પદ્ધતિથી યોજાય છે. ઇઝરાયેલી સંસદને નેસેટ (Knesset) કહેવાય છે. જેની કુલ 120 બેઠકો છે. જેથી સરકાર બનાવવા માટે સામાન્ય બહુમતી (50%+1) જોઈએ. જે 61 બેઠકો થાય. આ જ સિસ્ટમ ભારતમાં અને અન્ય અનેક દેશોમાં પણ છે. પરંતુ ઇઝરાયેલમાં આગળની પદ્ધતિ જુદી છે.

- Advertisement -

ઇઝરાયેલમાં બેઠકો પ્રમાણે મતવિસ્તારો નથી. આખો દેશ એક જ મતવિસ્તાર ગણાય છે. ઉપરાંત ત્યાં મતદારો પાર્ટીને મત આપે છે, ઉમેદવારોને નહીં.

મત આપવા જનાર માણસે અનેક પાર્ટીના બેલેટમાંથી પોતે જે પાર્ટીને મત આપવા માગતો હોય તેનું બેલેટ લઈને કવરમાં નાખીને મતપેટીમાં મત નાખવાનો રહે છે.

નેસેટમાં કઈ પાર્ટીને કેટલા મત મળશે તેનો આધાર તેને કેટલા ટકા મત મળે છે તેની ઉપર રહે છે. ઉદાહરણ તરીકે બેન્જામિન નેતન્યાહુની લિકુડ પાર્ટીને પચાસ ટકા મત મળે તો તે પાર્ટીને નેસેટની કુલ બેઠકોમાંથી પચાસ ટકા બેઠકો (60) મળેલી કહેવાય. એ જ રીતે કોઈ પાર્ટીને વીસ ટકા મત મળે તો તેને 120ના 20% એટલે 24 બેઠકો મળી ગણી શકાય.

અનેક પાર્ટીઓ ચૂંટણીમાં ભાગ લે છે પરંતુ જે પાર્ટીને દેશમાંથી 3.25% કરતાં વધુ મત મળે તે જ નેસેટમાં પ્રતિનિધિત્વ પામે છે. આ વખતે લગભગ 10-12 પાર્ટી આ માર્ક (3.25%) પાર કરશે તેવી સંભાવનાઓ છે. જે પાર્ટીને 3.25% કરતાં ઓછા મત મળે તેને કશું મળતું નથી.

ચૂંટણી પહેલાં દરેક પાર્ટી 120ની મર્યાદામાં ઉમેદવારોની યાદી રજૂ કરે છે. આ યાદી ક્રમવાર હોય છે. પરિણામ બાદ પાર્ટીને જેટલી બેઠકો મળે (ટકાવારીના આધારે) તેટલા ક્રમના ઉમેદવારો નેસેટમાં પ્રવેશે છે.

ઉદાહરણ તરીકે નેતન્યાહુની પાર્ટીએ 120 ઉમેદવારોની યાદી રજૂ કરી હોય અને પાર્ટીને 45 બેઠકો મળી હોય તો યાદીમાં પહેલાં 45 નામોવાળા ઉમેદવારો નેસેટમાં પાર્ટીના પ્રતિનિધિ તરીકે જશે. આવું દરેક પાર્ટી માટે હોય છે. આ ક્રમવાર યાદી પાર્ટી નક્કી કરે છે, મતદારો નહીં.

ચૂંટણી પૂર્ણ થાય ત્યારબાદ ગણતરી કરીને પરિણામો જાહેર કરવામાં આવે છે. અંતિમ પરિણામ જાહેર થઈ જાય એટલે રાષ્ટ્રપતિ નેતાઓ સાથે ચર્ચા કરીને જે ગઠબંધન પાસે સરકાર બનાવવાની શક્યતાઓ વધુ હોય તેના નેતાને આમંત્રણ  આપે છે.

ક્યારેય કોઈ પાર્ટી બહુમતી સુધી પહોંચતી નથી

ઇઝરાયેલના ઇતિહાસમાં કોઈ પાર્ટીને ક્યારેય સ્પષ્ટ બહુમતી મળી નથી. કોઈ પાર્ટી એકલે હાથે 50% બેઠકો પાર કરી શકતી નથી. એટલે વિવિધ પાર્ટીઓના ગઠબંધનથી 61ના આંકડે પહોંચાય છે. એ જ કારણ છે કે ઇઝરાયેલમાં સરકાર બનાવતાં ઘણી વખત દિવસો અને મહિનાઓ લાગે છે. કારણ કે ચૂંટણી પછી પાર્ટીઓ વચ્ચે સરકાર બનાવવા માટે વાટાઘાટો અને કરારો થાય છે.

રાષ્ટ્રપતિ જેને નામાંકિત કરે એ વ્યક્તિ પાસે સરકાર બનાવવા માટે 42 દિવસનો સમય હોય છે. ત્યાં સુધીમાં વિવિધ પાર્ટીઓ સાથે ચર્ચા કરીને 61 બેઠકો જેટલું સમર્થન મેળવવાનું રહે છે. જે પાર્ટી ગઠબંધન આ આંકડો પાર કરી લે એ સરકાર બનાવી શકે છે.

જ્યાં સુધી આ બધું ચાલે ત્યાં સુધી આગલી સરકાર કેરટેકર ગવર્નમેન્ટ તરીકે કાર્યરત રહે છે અને વડા પ્રધાન કેરટેકર પ્રાઇમ મિનિસ્ટર કહેવાય છે. જો કોઈ પાર્ટી વચ્ચે કોઈ વાત ન બની અને કોઈ સરકાર ન બનાવી શક્યું તો લઘુમતી સરકાર માટે પ્રયાસો શરૂ થાય છે. તેમાં પણ સફળતા ન મળી તો નવેસરથી ચૂંટણી કરવાના આદેશ આપવામાં આવે છે.

ઇઝરાયેલમાં સરકારનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. વડા પ્રધાન માટે કાર્યકાળની કોઈ મર્યાદા નથી. અર્થાત્ કોઈ વ્યક્તિ ગમે તેટલી ટર્મ વડા પ્રધાન રહી શકે છે. પરંતુ ઘણી વખત ગઠબંધન હોવાના કારણે સરકારો કાર્યકાળ પૂર્ણ કરી શકતી નથી અને વહેલી ચૂંટણી કરાવી પડે છે. એ જ કારણ છે કે એપ્રિલ 2019થી નવેમ્બર 2022 વચ્ચે ઇઝરાયેલમાં પાંચ વખત ચૂંટણીઓ થઈ હતી અને આ છઠ્ઠી ચૂંટણી છે.

2019-2022 વચ્ચે પાંચ ચૂંટણીઓ થઈ

આ સમયગાળા દરમ્યાન ત્રણ વડા પ્રધાન થયા. એપ્રિલ 2019થી માર્ચ 2021 સુધી બેન્જામિન નેતન્યાહુ વડા પ્રધાન રહ્યા હતા. પણ 2021માં તેમના વિરોધી પક્ષોએ ગઠબંધન બનાવ્યું એટલે તેમની સરકાર પડી ગઈ. જૂન 2021થી જૂન 2022 સુધી નફ્તાલી બેનેટ પીએમ રહ્યા. જુલાઈ 2022થી ડિસેમ્બર 2022 ફરી યૈર લેપિડ ઇઝરાયેલના વડા પ્રધાન રહ્યા. નવેમ્બરમાં ફરી ચૂંટણી થઈ ત્યારે નેતન્યાહુ ફરી સરકારમાં આવ્યા.

આ દરેક ચૂંટણીમાં નેતન્યાહુની લિકુડ પાર્ટીને 30થી 35ની મર્યાદામાં બેઠકો મળતી રહી છે. નવેમ્બર 2022ની ચૂંટણીમાં લિકુડને 32 બેઠકો મળી હતી, જ્યારે બીજી સૌથી મોટી પાર્ટી લેપિડની હતી, જેને 24 બેઠકો મળી હતી. કોઈ પાર્ટીને ક્યારેય સ્પષ્ટ બહુમતી નથી મળતી એટલે નાની પાર્ટીઓના સહયોગથી ગમે તે સરકાર બનાવી શકે છે. સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બને એટલે તેની સરકાર બનશે જ એ નક્કી હોતું નથી.

ઇઝરાયેલનું સ્થાનિક રાજકારણ

ઇઝરાયેલમાં નાની-મોટી પાર્ટીઓ ઘણી છે પણ હમણાં બે મુખ્ય જૂથો છે. એક બેન્જામિન નેતન્યાહુનું જૂથ, જેમાં મુખ્ય પક્ષ તેમનો લિકુડ પક્ષ છે. જેની વિચારધારા દક્ષિણપંથી અને રાજકીય ભાષામાં કહીએ તો નેશનાલિસ્ટ-કન્ઝર્વેટિવ કહેવાય છે. યહૂદી રાષ્ટ્રવાદ, કડક સુરક્ષા નીતિની હિમાયતી રહી છે. તેમની સાથે યહૂદી હિતો મુદ્દે રાજકારણ કરતા પક્ષો જોડાય છે.

બીજું એક જૂથ નેતન્યાહુવિરોધી છે. જેમાં યાશાર, ટુગેધર, ડેમોક્રેટ્સ વગેરે પક્ષો સામેલ છે. ટુગેધર વળી એક નાનું ગઠબંધન છે, જે બેનેટ અને લેપિડ વચ્ચે થયું હતું. યાશારના નેતા છે ગાદી આઇઝનકોટ. પાર્ટી મૂળ સેન્ટ્રિસ્ટ વિચારધારા ધરાવે છે. ટુગેધરની વિચારધારા પણ સેન્ટર અને સેન્ટર ટૂ રાઈટ પ્રકારની છે. ડેમોક્રેટ્સ સેન્ટર ટૂ લેફ્ટ કહી શકાય. ઇઝરાયેલમાં સંપૂર્ણ વામપંથ નથી. આ જૂથ નેતન્યાહુને સત્તા પરથી હટાવીને સરકાર બનાવવા માટે લડી રહ્યું છે.

આ સિવાય એક આરબ પક્ષોનું જૂથ છે, જે આ બંને કરતાં અલગ ચૂંટણી લડે છે.

એ પણ જરૂરી નથી કે જે-તે જૂથોમાંના પક્ષો વૈચારિક રીતે એકબીજા સાથે તમામ મુદ્દે સહમત હોય. નેતન્યાહુનું વિરોધી જૂથ ચાલુ સરકાર બદલીને નવી સરકાર રચવા પર એકમત હોય શકે, પણ સુરક્ષાથી માંડીને પેલેસ્ટાઇનના પ્રશ્ને બધા એકમત હશે એમ માનવું જરૂરી નથી. એ જ કારણ છે કે ચૂંટણી પછી પણ સરકાર બનાવતાં ઘણો સમય લાગે છે, કારણ કે દરેક પાર્ટી પોતનો મત મૂકે છે અને વાટાઘાટો કરવામાં આવે છે. સરકારો ન ટકવા પાછળનું અને અધવચ્ચેથી ચૂંટણી આવવા પાછળનું એક કારણ આ પણ છે, કારણ કે સરકાર બન્યા પછી પણ ગઠબંધનની પાર્ટીઓ વચ્ચે અનેક મુદ્દે મતભેદો રહી શકે છે.

ભૂતકાળમાં યૈર લેપિડ અને નફ્તાલી બેનેટે ગઠબંધન બનાવ્યું તેનો મૂળ ઉદ્દેશ્ય નેતન્યાહુ ગઠબંધનને સત્તા પરથી દૂર કરવાનો હતો. જેથી રાઇટ અને સેન્ટર ટૂ રાઇટ પાર્ટી સાથે આવી હતી. ત્યારબાદ સેન્ટર ટૂ લેફ્ટ પાર્ટી અને આરબ પક્ષોને પણ સામેલ કરવામાં આવ્યા. જોકે તેમ છતાં પક્ષો ધર્મ સંબંધિત અમુક મુદ્દે સહમત ન હતા. બંને વચ્ચે કરાર થયો હતો કે પહેલાં બેનેટ વડા પ્રધાન રહેશે અને ત્યારબાદ લેપિડ ટેકઓવર કરશે. આખરે એમ જ થયું.

આ વખતે બંને જૂથ વચ્ચે કાંટાની ટક્કર છે એવું અહેવાલો કહે છે. અનુમાનો એવાં છે કે બંને જૂથો 50-52 બેઠકો સુધી પહોંચશે. આરબ પક્ષોને પંદરેક બેઠકો મળવાની સંભાવના છે. જેથી તેઓ અગત્યની ભૂમિકા ભજવી શકશે.

ભારતીય સમયાનુસાર રાત્રે 12:30 વાગ્યે એક્ઝિટ પોલ્સ આવવાના શરૂ થશે. ત્યારબાદ મતોની ગણતરી ચાલે એમ ચિત્ર સ્પષ્ટ થતું જશે. 29-30 ઑક્ટોબર સુધીમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે. અંતિમ પરિણામો સત્તાવાર રીતે 4 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં