‘તમામ આદેશો સર્વસંમતિથી જ લેવાયા’: વિપક્ષની અરજી પર ચૂંટણી પંચે દાખલ કર્યું સોગંદનામું, ફોર્મ-6માં ફેરફારનો દાવો પણ નકાર્યો

તાજેતરમાં દેશમાં SIR અને ચૂંટણી પંચની કામગીરીને લઈને વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે. વિપક્ષી દળો અને CJP જેવાં સંગઠનો આ મુદ્દાને ચગાવીને તેમની રાજનીતિ ચમકાવી રહ્યા છે. જોકે હવે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને આ તમામ મુદ્દે પોતાનો પક્ષ મૂક્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે થયેલી અરજીના જવાબમાં ચૂંટણી પંચે સોગંદનામું દાખલ કરીને જણાવ્યું છે કે SIR સંબંધિત ત્રણેય મુખ્ય આદેશો પંચના ત્રણેય સભ્યોની સર્વસંમતિથી જારી કરવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચે 26 ઑક્ટોબરના રોજ આ એફિડેવિટ દાખલ કરી છે. આ સોગંદનામામાં SIRના નિર્ણયના બચાવની સાથે મતદારોની નોંધણી માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ-6માં ફેરફાર કરવામાં આવ્યો હોવાના આરોપ અંગે પણ સ્પષ્ટતા કરી છે. પંચના જણાવ્યા અનુસાર ફોર્મ-6માં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. સાથે જ પંચે અરજીમાં કરવામાં આવેલા આક્ષેપોને પડકારતાં કહ્યું છે કે અખબારી અહેવાલના આધારે ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઊભા કરવા અયોગ્ય છે.

શું છે આખો વિવાદ?

આ વિવાદનું કેન્દ્ર ચૂંટણી પંચની આંતરિક કામગીરી અને SIRના નિર્ણયો લેવાની પ્રક્રિયા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ઉપરાંત ચૂંટણી પંચમાં સુખબીર સિંઘ સંધુ અને વિવેક જોશી એમ બે ચૂંટણી કમિશનરો પણ છે. વિપક્ષી પક્ષો અને અરજદારો તરફથી સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે મુખ્ય ચૂંટણી કમિશનરે ચૂંટણી પંચના સામૂહિક અધિકારોનો ઉપયોગ પોતાની રીતે કર્યો હતો અને કેટલાક નિર્ણયો અન્ય બે કમિશનરોની મંજૂરી વિના લેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે આ મુદ્દો ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલથી શરૂ થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચની અંદર મતભેદ છે. ટૂંકમાં એક અખબારી અહેવાલના આધારે હવે આ ટોળકી ચૂંટણી પંચ અને જ્ઞાનેશ કુમારની પાછળ પડી ગઈ છે અને હવે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે.

ચૂંટણી પંચે એફિડેવિટમાં શું કહ્યું?

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં SIR સંબંધિત ત્રણ મહત્વના આદેશોની વિગતો આપી છે. આ આદેશો 24 જૂન, 2025, 27 ઑક્ટોબર, 2025 અને 14 મે, 2026ના રોજ જારી કરવામાં આવ્યા હતા. પંચ અનુસાર ત્રણેય આદેશો ત્રણેય સભ્યોની સર્વસંમતિથી લેવામાં આવેલા નિર્ણયો પર આધારિત હતા.

પંચે જણાવ્યું છે કે ચૂંટણી પંચે આ નિર્ણયો બંધારણની કલમ 324 અને 2023ના નવા કાયદાની કલમ 18 મુજબ લીધા છે. બંધારણની કલમ 324 પંચને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, દેખરેખ અને નિયંત્રણ કરવાની પૂર્ણ સત્તા આપે છે. જ્યારે 2023ના કાયદાની કલમ 18 મુજબ, પંચના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાના હોય છે અને જો સર્વસંમતિ ન સ્થપાય તો બહુમતીના આધારે આખરી નિર્ણય કરવામાં આવે છે.

ચૂંટણી પંચનું કહેવું છે કે ફાઇલની ચર્ચા દરમિયાન કોઈ સભ્યએ વ્યક્ત કરેલો વાંધો, પ્રશ્ન કે ટિપ્પણી એ અંતિમ નિર્ણય નથી હોતો. તમામ સભ્યોના અભિપ્રાયો ધ્યાને લીધા પછી જ્યારે સક્ષમ સત્તાધિકારી દ્વારા સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવે ત્યારે જ નિર્ણય અંતિમ ગણાય છે. તેથી, ચર્ચા સમયે કોઈ સભ્યએ અસહમતી કે વાંધો દર્શાવ્યો હોય માત્ર એના આધારે અંતિમ નિર્ણય ગેરકાયદેસર કે નિયમો વિરુદ્ધ છે તેમ ન માની શકાય.

ફોર્મ-6માં ફેરફાર કર્યાના આરોપ અંગે સ્પષ્ટતા

આ વિવાદનો બીજો મુખ્ય મુદ્દો મતદાર યાદીમાં નવું નામ ઉમેરવા માટે વપરાતા ‘ફોર્મ-6’ સાથે જોડાયેલો છે. અગાઉ એવું તૂત ચલાવાયું હતું કે SIR પ્રક્રિયા દરમિયાન આ ફોર્મમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, જેની સામે બંને ચૂંટણી કમિશનરોએ પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો.

ચૂંટણી પંચે સોગંદનામામાં સ્પષ્ટતા કરી છે કે ‘ફોર્મ-6’માં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો, કારણ કે આવા નિયમોમાં સુધારો કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકાર પાસે છે. પંચના જણાવ્યા મુજબ, SIR પ્રક્રિયા દરમિયાન જે વધારાનું ડિક્લેરેશન લેવામાં આવ્યું હતું તે ફોર્મ-6નો ભાગ નહોતું, પરંતુ એક અલગ દસ્તાવેજ હતો. આમ, પંચે ફોર્મમાં ગેરકાયદેસર ફેરફાર કરવાના આરોપોને ફગાવી દીધા છે.

બંને ચૂંટણી કમિશનરોએ કેબિનેટ સચિવને પત્ર લખ્યાની પણ સ્પષ્ટતા

એફિડેવિટ અનુસાર, 28 જુલાઈએ ચૂંટણી પંચમાં ડેપ્યુટેશન પર આવેલા એક વરિષ્ઠ અધિકારીએ આંતરિક કામકાજના વહેંચણી અંગે આદેશ બહાર પાડ્યો હતો. તેના બીજા જ દિવસે, એટલે કે 29 જુલાઈએ, ચૂંટણી કમિશનર સુખબીર સિંઘ સંધુ અને વિવેક જોશીએ આ આદેશ તથા તે અધિકારીની કામગીરી સામે વાંધો ઉઠાવતા કેબિનેટ સચિવને અલગ-અલગ પત્રો લખ્યા હતા.

ત્યારબાદ 30 જુલાઈએ બંને ચૂંટણી કમિશનરોએ એક સંયુક્ત આદેશ આપ્યો હતો, જેના કારણે 28 જુલાઈનો વહીવટી આદેશ અમલમાં આવી શક્યો નહોતો. આ ઘટના દર્શાવે છે કે પંચની અંદર વહીવટી બાબતોને લઈને મતભેદો થયા હતા, પરંતુ ચૂંટણી પંચનું સ્પષ્ટ કહેવું છે કે આના આધારે એવું સાબિત નથી થતું કે મુખ્ય ચૂંટણી કમિશનરે પોતાના તમામ નિર્ણયો એકતરફી રીતે લીધા હતા.      

અખબારી અહેવાલને આધારે અરજી કરાઈ હોવાની પંચની દલીલ

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજીની કાયદાકીય યોગ્યતા સામે સવાલ ઉઠાવતા કહ્યું છે કે આ અરજી માત્ર અખબારી અહેવાલ પર આધારિત છે. કાયદા મુજબ માત્ર અખબારી અહેવાલને સાચો પુરાવો માની શકાય નહીં. પંચે સ્પષ્ટ કર્યું કે તેણે પોતાની કોઈ આંતરિક ફાઇલ કે માહિતી અખબારને આપી નથી કે જાહેર કરવાની મંજૂરી પણ આપી નથી.

પંચના જણાવ્યા પ્રમાણે, આંતરિક ચર્ચા દરમિયાન વ્યક્ત થયેલા વિચારો અને અંતિમ સત્તાવાર નિર્ણય વચ્ચે તફાવત હોય છે. તેથી, ફાઇલ પરની કોઈ આંતરિક ચર્ચા કે મતભેદના આધારે આખી નિર્ણય પ્રક્રિયાને ગેરકાયદેસર ગણાવી શકાય નહીં.

અંતમાં પંચે દલીલ કરી છે કે મુખ્ય ચૂંટણી કમિશનરને કામગીરી કરતા રોકવાની માંગ કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી. ત્રણ સભ્યોની વ્યવસ્થા એટલા માટે જ બનાવવામાં આવી છે જેથી મતભેદના સમયે કાયદા મુજબ નિર્ણય લઈ શકાય. આ આધારે પંચે અરજીમાં માગવામાં આવેલી તમામ બાબતોનો વિરોધ કર્યો છે.

નોંધનીય છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી સહિતના નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરી છે. રાહુલ ગાંધીએ માંગ કરી છે કે ચૂંટણી પંચની બેઠકોની નોંધો અને ફાઇલો મંગાવીને તપાસ કરવામાં આવે કે નિર્ણયોમાં તમામ સભ્યોની મંજૂરી હતી કે નહીં. જ્યારે ઓવૈસીએ SIR પ્રક્રિયાને પડકારી છે.