
દિલ્હીના પ્રતિબંધિત વિસ્તાર ગણાતા જંતર-મંતર ખાતે યોજાયેલા પ્રદર્શનના કેસમાં CJPના કોકરોચો સૌરવ દાસ અને આશુતોષ રાંકાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. 19 ઑક્ટોબર 2026ના રોજ દિલ્હીની સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટે બંને નેતાઓની ન્યાયિક કસ્ટડી વધુ બે દિવસ માટે લંબાવી દીધી છે. અગાઉ મળેલી પાંચ દિવસની કસ્ટડી પૂર્ણ થતાં પોલીસ દ્વારા તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઋતુરાજે આદેશ આપતી વખતે નોંધ્યું હતું કે બંનેનું અગાઉનું વર્તન જોઈને લાગે છે કે તેમનામાં કાયદા પ્રત્યે આદરનો અભાવ છે. કોર્ટે એવી ચિંતા વ્યક્ત કરી હતી કે જો તેમને મુક્ત કરવામાં આવે તો જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા ખોરવાવાની પૂરી આશંકા છે. બંને કોકરોચોએ ભવિષ્યમાં આવું વર્તન ન કરવાની ખાતરી આપી હોવા છતાં અગાઉની ઘટનાઓને ધ્યાનમાં લેતાં કોર્ટે તેમની વાત પર વિશ્વાસ નહોતો કર્યો.
જામીનદારોની અયોગ્યતા અને ખામીઓ
સુનાવણી દરમિયાન કોર્ટે બંને આરોપીઓએ રજૂ કરેલ જામીનદારો (Sureties) સામે પણ ગંભીર વાંધા ઉઠાવ્યા હતા. આ દરમિયાન એક જામીનદારના બોન્ડ પર લગાડેલા ફોટોગ્રાફ અને તેના આધાર કાર્ડના ફોટોગ્રાફ વચ્ચે તફાવત જોવા મળ્યો હતો, તથા જામીનદાર અન્ય કોઈ માન્ય ઓળખપત્ર રજૂ કરી શક્યો નહોતો. બીજા જામીનદારને સૌરવ દાસ અંગેની પ્રાથમિક વિગતોની પણ જાણ નહોતી. આથી કોર્ટે તેમને અયોગ્ય ઠેરવી નવા યોગ્ય જામીનદારો રજૂ કરવા આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે 19 ઑક્ટોબરે કસ્ટડી લંબાવવાના આદેશના થોડા જ સમય બાદ દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે ગેરકાયદે પ્રવેશ અને સંબંધિત વિવાદની તપાસ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી હતી. કેસની ગંભીરતા અને કાનૂની પાસાંઓને ધ્યાનમાં રાખીને હવે આ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.
કનૉટ પ્લેસ FIR અને BNSની કલમો
નોંધનીય છે કે આ કેસમાં કનૉટ પ્લેસ પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ FIR નોંધવામાં આવી હતી. જેમાં BNSની કલમ 223A (સરકારી અધિકારીના આદેશનો અનાદર), કલમ 332 (ગુનાહિત ઈરાદાથી ગેરકાયદે પ્રવેશ) અને કલમ 61(2) (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કલમો સરકારી આદેશોના ઉલ્લંઘન અને ઘૂસણખોરી સાથે સંબંધિત છે.
બીજી તરફ, સંસદ માર્ગ પોલીસ સ્ટેશન ખાતે પણ અલગથી FIR નોંધવામાં આવી હતી. આ FIRમાં સરકારી કર્મચારીને તેની સત્તાવાર ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરવો, ફરજ પરના કર્મચારી પર હુમલો કરવો અથવા બળપ્રયોગ કરવો, તથા સામૂહિક ઈરાદાથી હિંસક કે ગેરકાયદે પ્રવૃત્તિ કરવા સંબંધિત BNSની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. આમ, બંને FIRમાં અલગ-અલગ ઘટનાઓ અને ગંભીર આરોપો છે.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર વિવાદની શરૂઆત ઑક્ટોબર 2026ની શરૂઆતમાં થઈ હતી. કોકરોચ જનતા પાર્ટીના કોકરોચો SIR પ્રક્રિયા સામે વિરોધ કરી રહ્યા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનાં રાજીનામાંની માગ કરી રહ્યા હતા. 10 ઑક્ટોબરે આ બધાને પકડવામાં આવ્યા હતા અને જેલમાં નાખવામાં આવ્યા હતા. જોકે આ 11 ઑક્ટોબરે નમૂનાઓએ ₹50,000ના વ્યક્તિગત અને જામીન બોન્ડ ભર્યા હતા.
બોન્ડમાં એક વર્ષ સુધી શાંતિ જાળવવાની કાનૂની બાંહેધરી આપી હતી. છતાં 2 જ દિવસ પછી 13 ઑક્ટોબરે સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર લોકોને એકઠા થવા અપીલ કરી અને પ્રતિબંધિત તથા બેરિકેડવાળા જંતર-મંતરમાં ગેરકાયદે પ્રવેશ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે કાયદાકીય કાર્યવાહી કરવી પડી હતી.
આ ઘટના બાદ પોલીસે આરોપ મૂક્યો છે કે બાહેંધરી આપ્યા બાદ પણ તેમણે વિરોધ પ્રદર્શન યોજીને બોન્ડની શરતોનો ભંગ કર્યો છે. જોકે તેમના વકીલોએ આ અટકાયતનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે અટકાયત માટેના કારણો સ્પષ્ટ નથી અને તેમના અસીલોને તરત મુક્ત કરવામાં આવે, કારણ કે તેઓ ભવિષ્યમાં શાંતિ જાળવવાની ખાતરી આપી રહ્યા છે. જોકે કોર્ટે આ દલીલો ગ્રાહ્ય નહોતી રાખી. હવે આ સમગ્ર કેસમાં આગામી સુનાવણી 21 ઑક્ટોબર 2026ના રોજ થવાની છે. તે પહેલાં કોકરોચોએ નવા અને યોગ્ય જામીનદારો રજૂ કરવા પડશે. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ પોતાની તપાસ આગળ ધપાવશે.

