₹843 કરોડના બોગસ રાજકીય દાન કૌભાંડમાં ‘આમ જનમત પાર્ટી’ સહિત 7 સામે અમદાવાદમાં FIR, સરકારી તિજોરીને ₹250 કરોડના નુકસાનનો અંદાજ

અમદાવાદમાં રાજકીય પક્ષોને મળતાં દાન અને તેના આધારે મેળવવામાં આવતી આવકવેરાની છૂટછાટોનો મોટો દુરુપયોગ કરવાનો પર્દાફાશ થયો છે. ગુજરાત CID ક્રાઇમે ‘આમ જનમત પાર્ટી’ અને તેના હોદ્દેદારો સહિત અન્ય વચેટિયાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સામે ₹843.97 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના સંદર્ભમાં FIR નોંધીને તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગની પ્રાથમિક તપાસ બાદ નોંધાયેલી ફરિયાદ મુજબ, આ સમગ્ર વ્યવસ્થાના કારણે સરકારી તિજોરીને આશરે ₹250 કરોડનું મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

આ કૌભાંડમાં દાનના નામે બ્લેક મની ફેરવવાની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી. આવકવેરા વિભાગ અને તપાસ એજન્સીના રિપોર્ટ અનુસાર આ સમગ્ર ખેલ ચાર મુખ્ય તબક્કાઓમાં ચાલતો હતો.

ચાર તબક્કાઓમાં ચાલતો આખો ખેલ

સૌથી પહેલા દાતા વ્યક્તિ કે કંપની પાસેથી બેંકિંગ માધ્યમથી રાજકીય પક્ષના ખાતામાં નાણાં જમા કરાવવામાં આવતાં હતાં. ત્યારબાદ પક્ષ દ્વારા દાતાને દાનની સત્તાવાર રસીદ આપવામાં આવતી, જેના આધારે દાતા ટેક્સમાં કપાત મેળવીને ટેક્સ ચોરી કરી શકે.

બીજા તબક્કામાં, પક્ષના ખાતામાં આવેલા આ નાણાં વિવિધ બોગસ કે શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતાં અને તે માટે માલ કે સેવાઓની ખરીદી દર્શાવતાં ખોટાં બિલ તૈયાર કરાતાં હતાં. અંતે, આ કંપનીઓના ખાતામાંથી નાણાં રોકડમાં ઉપાડી લેવાતાં અને વચેટિયાઓ કે સંસ્થા પોતાનું કમિશન કાપીને બાકીની મોટી રકમ મૂળ દાતાઓને રોકડમાં જ પરત કરી દેતી હતી.

સરકારી તિજોરીને ₹250 કરોડનું નુકસાન

આ કેસમાં બે અલગ-અલગ આંકડાઓ સામે આવ્યા છે. FIR મુજબ ₹843.97 કરોડ એ નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન પક્ષના બેંક ખાતામાં થયેલા કુલ વ્યવહારોની રકમ છે, જ્યારે ₹250 કરોડ એ આ વ્યવહારો અને ટેક્સમાં મેળવેલી ગેરકાયદેસર છૂટછાટોના કારણે સરકારી તિજોરીને થયેલા અંદાજિત નુકસાનનો આંકડો છે.

આ કૌભાંડમાં આવકવેરા કાયદાની કલમ 80 GGCનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જે રાજકીય પક્ષોને આપેલા દાન પર કરદાતાઓને ટેક્સમાં કપાત મેળવવાની છૂટ આપે છે. દાતાઓએ કાયદેસર ટેક્સ બચાવવાના બહાને કાગળ પર દાન બતાવીને પાછળથી મોટા ભાગની રકમ રોકડમાં પાછી મેળવી લીધી હતી, જે સીધી રીતે ટેક્સ ચોરી અને છેતરપિંડી છે.

FIRમાં નાણાંની હેરાફેરી માટે પ્રણિત કોર્પોરેશન, હેસાઝ કોર્પોરેશન, અયાન એન્ટરપ્રાઇઝ અને શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝ જેવી ચાર કંપનીઓનાં નામ સામે આવ્યાં છે. આરોપ છે કે આ શંકાસ્પદ કંપનીઓ પાસેથી માલ-સેવાની બોગસ ખરીદીના બિલ બનાવીને નાણાં રોકડમાં રૂપાંતરિત કરવામાં આવતાં હતાં, જે અંગે હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

પાર્ટીના નેતાઓ, ખજાનચી, ઓડિટર્સ સાહિતનાઓ સામેલ

આ કેસમાં કાયદાકીય શંકાના દાયરામાં માત્ર રાજકીય પક્ષના નેતાઓ જ નહીં, પરંતુ વચેટિયાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (ઓડિટર્સ) પણ સામેલ છે. FIRમાં આમ જનમત પાર્ટી ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વાય. મિશ્રા, રાષ્ટ્રીય ખજાનચી ધર્મેન્દ્ર જીવણપ્રકાશ વૈષ્ણવ, વચેટિયા દિનેશકુમાર કપૂરચંદ જૈન તથા ત્રણ સીએ મયુરસિંહ ચંદનસિંહ રાઠોડ, પ્રણવ રાજેશકુમાર શાહ અને આકાશ પીયૂષભાઈ સોનીનાં નામ સામેલ છે, જેમના નાણાકીય હિસાબો અને ઓડિટ રિપોર્ટની ભૂમિકા અંગે CID તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજકીય દાનના નામે ચાલતા ટેક્સ ચોરીના ખેલનો આ કોઈ પ્રથમ કેસ નથી. આ પહેલાં સપ્ટેમ્બર 2026માં પણ ભારતીય રાષ્ટ્રીય જનતા દળ (BNJD), સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી અને ગરીબ કલ્યાણ પાર્ટી જેવી બિન-માન્યતા પ્રાપ્ત પાર્ટીઓ સામે ₹1,870 કરોડના બોગસ દાન અને ₹560 કરોડથી વધુના સરકારી નુકસાન બદલ FIR નોંધાઈ ચૂકી છે. હાલ CID બેંક રેકોર્ડ, ઓડિટ રિપોર્ટ્સ અને બોગસ બિલોની ચકાસણી કરીને કાયદાકીય પુરાવા એકત્ર કરી રહી છે.