
ઇસ્લામ અને પયગંબર મોહમ્મદ પર કરેલી ટિપ્પણીઓ મામલે શ્રીલંકન હિંદુ નાગરિકને નીચલી કોર્ટે આપેલી મૃત્યુની સજાને સઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે પલટાવી દીધી છે. અનોજન સિવરાસા નામનો શ્રીલંકા નાગરિક સાઉદીમાં રહે છે, જ્યાંની કોર્ટે તેને સોશિયલ મીડિયા પર એક ટિપ્પણી બદલ મૃત્યુદંડ ફટકાર્યો હતો, જેની સામે ઉપલી અદાલતમાં અપીલ કરવામાં આવી હતી.
મંગળવારે (13 ઑક્ટોબર) સાઉદીની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, જેમાં મૃત્યુદંડની સજા પલટાવી દેવામાં આવી છે. જોકે અનોજન હજુ કેટલો સમય જેલમાં રહેશે અને તેની સામેની કાયદાકીય કાર્યવાહી આગળ ચાલશે કે કેમ તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
શ્રીલંકાના નાયબ વિદેશ પ્રધાન અરુણ હેમચંદ્રાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ પર આ બાબતની જાણકારી આપી હતી.
તેમણે કહ્યું કે, ’13 ઑક્ટોબરના રોજ સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે અનોજન સિવરાસાને મૃત્યુદંડ આપતો ચુકાદો રદ કરી દીધો હતો. શ્રીલંકાની સરકારના સતત રાજદ્વારી અને કાયદાકીય પ્રયાસોના કારને આ શક્ય બન્યું છે. હું સાઉદીની સરકારનો તેમના સહકાર બદલ આભાર વ્યક્ત કરું છું.’ સાથે તેમણે સાઉદીમાં શ્રીલંકા રાજદૂતો, વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને સાઉદીની લીગલ ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
શ્રીલંકાના પૂર્વ વિસ્તારમાં આવેલા કલમુનાઈમાં હિંદુઓએ એક પદયાત્રા યોજી હતી. દરમ્યાન યાત્રીઓ સાથે ‘સુબ્રમણ્યમ’ નામનો એક શ્વાન પણ ચાલતો જતો હતો. એક ઠેકાણેથી યાત્રા પસાર થતી હતી ત્યારે અમુક મુસ્લિમ યુવાનોએ આ શ્વાનને માર્યો હતો. જેના કારણે સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાયો અને મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
દરમ્યાન સાઉદી રહેતા શ્રીલંકા નાગરિક અનોજને આવી જ સોશિયલ મીડિયા પરની એકાદ ચર્ચા દરમ્યાન અમુક કોમેન્ટ અને પોસ્ટ કરી હતી. જેની ઉપર પછીથી મુસ્લિમ યુઝરોએ વાંધો ઉઠાવ્યો અને સાઉદી પ્રશાસનને ફરિયાદ પહોંચાડવામાં આવી. ટિપ્પણીઓ અને પોસ્ટમાં શ્રીલંકન નાગરિકે પયગંબર મોહમ્મદ અને ઇસ્લામનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો.
જોકે પછીથી તેણે પોસ્ટ-કૉમેન્ટ ડિલીટ કરી દીધી હતી અને જાહેરમાં માફી પણ માગી લીધી હતી. તેણે સ્પષ્ટતા કરી હતી કે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા દરમ્યાન તેણે અમુક ટિપ્પણીઓ કરી હતી અને એ અગાઉ બનેલી ઘટનાની પ્રતિક્રિયાસ્વરૂપ હતી. પરંતુ મૂળ પોસ્ટના સ્ક્રીનશૉટ ફરતા થઈ ગયા હોવાનું કહીને સાઉદીમાં કેસ ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.
કેસ ચાલ્યા બાદ અનોજનને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ નિર્ણય વિરુદ્ધ ઉપલી કોર્ટમાં અપીલ કરવામાં આવી તો ત્યાં કોર્ટે સજા મૃત્યુદંડમાં ફેરવી દીધી હતી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે ફરી સજા ઓછી કરી દીધી હોવાનું કહેવાય છે.
અનોજનનો કેસ પછીથી શ્રીલંકા અને દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો અને તેની મુક્તિ માટે અભિયાનો પણ ચાલ્યાં. દેશમાંથી દબાણ આવ્યા બાદ શ્રીલંકાની સરકાર પણ સતત સાઉદીના સંપર્કમાં હતી. હવે મૃત્યુદંડની સજા રદ થઈ છે.

