પંજાબમાં નશાવિરોધી એક્ટિવિસ્ટની ફેસબુક લાઇવમાં હત્યા, AAPની માન સરકાર પર સુરક્ષા ન આપવાનો પરિવારનો આરોપ

પંજાબના માનસા જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે અવાજ ઉઠાવનારા એન્ટી-ડ્રગ્સ એક્ટિવિસ્ટ પરવિન્દર સિંઘ ઝોટાની હત્યા કરવામાં આવી છે. આ ઘટના 13 ઑક્ટોબરે બની છે. સામે આવ્યું છે કે એક મેડિકલ સ્ટોર પર ઝોટા અને દુકાનના માલિક વચ્ચે ડ્રગ્સ વેચવાને લઈને બોલાચાલી થઈ હતી, જે દરમિયાન દુકાનદારે ગોળીબાર કરી દેતા ઝોટાનું મૃત્યુ થયું હતું.

આ ઘટનાનો સૌથી ચોંકાવનારો પક્ષ એ છે કે પરવિન્દર સિંઘ ઝોટા જ્યારે દુકાનદારને નશીલા પદાર્થોના વેચાણ અંગે સવાલ કરી રહ્યા હતા ત્યારે તેમનું ફેસબુક લાઈવ ચાલુ હતું. વાયરલ થયેલા વિડીયોમાં ઝોટા દુકાનના માલિકને સવાલ કરતા અને CCTV ફૂટેજ બતાવવાની માગ કરતા સ્પષ્ટ જોવા-સાંભળવા મળે છે. આ બોલાચાલી દરમિયાન જ મેડિકલના માલિકે પિસ્તોલ કાઢી અને ઝોટા પર ગોળીબાર કરી દીધો. દરમ્યાન મોબાઇલ ફોન નીચે પડી જતા લાઇવ રેકોર્ડિંગ બંધ થઈ ગયું હતું.

ઘટના બાદ ઝોટાને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અહેવાલ અનુસાર ઝોટાને પેટના ભાગે 2 અને એક જાંઘ પર એમ ત્રણ ગોળીઓ વાગી હતી. આમાંથી એક ગોળીએ તેમના લીવરને ગંભીર રીતે ઇજા પહોચાડી હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.

આ પહેલાં પણ થઈ ચૂક્યો છે વિવાદ

મૃતક પરવિન્દર સિંઘ ઝોટા માનસા અને આસપાસના વિસ્તારોમાં યુવાનોને નશાથી દૂર રાખવા અને ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેચાણ સામે સતત અભિયાન ચલાવવા માટે જાણીતા હતા. તેઓ શંકાસ્પદ દુકાનો કે વ્યક્તિઓ સામે વિરોધ નોંધાવતા અને તેના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા. અગાઉ 12 જુલાઈ, 2023ના રોજ પણ મેડિકલ સ્ટોરના વિવાદને કારણે તેમની સામે કેસ નોંધાયો હતો.

આ હત્યાકાંડ બાદ પંજાબની AAP સરકાર સામે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. કોંગ્રેસના નેતા અમરિન્દર સિંઘ રાજા વૉરિંગ અને સુખપાલ સિંઘ ખૈરા તેમજ શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંઘ બાદલ અને બિક્રમ સિંઘ મજીઠિયાએ રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે. ભાજપના નેતા રવનીત સિંઘ બિટ્ટુએ પણ ગૃહ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે નશાવિરોધી ઝુંબેશ ચલાવતા એક્ટિવિસ્ટોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.

પીડિત પરિવારની પીએમ મોદીને અપીલ

આ દુર્ઘટના બાદ ઝોટાના વૃદ્ધ પિતાએ ભારે શોક અને ચિંતા વ્યક્ત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીને અપીલ કરી છે કે તેમના પરિવાર અને પૌત્ર-પૌત્રીઓની સુરક્ષા માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. તેમણે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર તેમના પુત્રને સમયસર સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે, તેમ છતાં તેઓ પોતાના પુત્ર દ્વારા શરૂ કરાયેલા નશાવિરોધી અભિયાનને ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

આ મામલે માનસાના વરિષ્ઠ પોલીસ અધિકારી વૈભવ ચૌધરીએ જણાવ્યું છે કે આરોપીની વહેલી તકે ધરપકડ કરવા માટે પોલીસની વિશેષ ટીમો કામે લગાડવામાં આવી છે. પોલીસ હવે ગોળીબારના ચોક્કસ સંજોગો, પ્રત્યક્ષદર્શીઓ અને સાક્ષીઓનાં નિવેદનો તેમજ નશીલા પદાર્થોના વેચાણના આરોપોની ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી તપાસ કરી રહી છે જેથી સત્ય બહાર આવી શકે.

બીજી તરફ વિપક્ષના હુમલા અને પીડિતોના વિરોધ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રવક્તા બલતેજ પન્નુએ જણાવ્યું છે કે મેડિકલ સ્ટોરના માલિક સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને દોષિતો સામે કાયદાની કડક કાર્યવાહી કરવામાં આવશે.